Devil Return-2.0 - 3 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 3

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-3

પહેલાં રાજા નિકોલસ અને પછી રાજકુમાર જિયાનને પણ મોતને ઘાટ ઉતારી ક્રિસ પોતાનો બદલો લેવામાં સફળ થાય છે. મરતાં-મરતાં જિયાને જ્યારે ગુફામાં પોતે કંઈક ભેટ રાખીને આવ્યો છે એવું ક્રિસ ને જણાવ્યું ત્યારે ચિંતિત ક્રિસ, ઈવ અને ડેવિડ ગુફા તરફ નીકળી પડ્યાં.

જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા ગુફામાં મોજુદ હતાં એ કારણોસર જ્યારે જિયાને ગુફાનો ઉલ્લેખ કર્યો ત્યારે ક્રિસ, ઈવ અને ડેવિડ એ વિચારી ધ્રુજી ઉઠયાં કે જિયાને ક્યાંક પોતાનાં ભાઈ-બહેનો સાથે કંઈક ઊલટું-સીધું ના કર્યું હોય.

એ લોકો જ્યારે બમણી ગતિએ ધબકતાં હૃદયે ગુફામાં પહોંચ્યાં ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ એમનાં પગ નીચેથી જમીન છટક ગઈ. પોતાનાં ચારેય ભાઈ બહેન જ્યાં સૂતાં હતાં ત્યાં જ એ હાલતમાં અત્યારે મૃત પડ્યાં હતાં. એમની ગરદન ને ધડથી અલગ કરીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ જોઈને ક્રિસ ઘૂંટણભેર બેસીને કલ્પાંત કરવાં લાગ્યો. ડેવિડ અને ઈવ ની હાલત પણ એવી જ હતી જેવી હાલત ક્રિસની હતી.

રાજકુમાર જિયાન આટલો બધો નિર્દયી હતો કે એને દસ વર્ષથી ઓછી ઉંમરના માસુમ બાળકોની આવી કરપીણ હત્યા કરી એ વિચારી ક્રિસ, ડેવિડ અને ઈવ ને પારાવાર ગુસ્સો આવી રહ્યો હતો. પણ હવે એમ કરવાનો કોઈ અર્થ નહોતો કેમ કે રાજકુમાર જિયાન પણ હવે જીવિત નહોતો.

સૂર્યોદય થઈ ચૂક્યો હતો અને એ કારણથી ક્રિસ, ઈવ અને ડેવિડ હવે પોતાની જાતને અશક્ત મહેસુસ કરી રહ્યાં હતાં. હજુપણ એ લોકો વેમ્પાયર જ હતાં પણ સૂર્યોદય થવાનાં લીધે એમની બધી જ શક્તિઓ નાશ પામી ચુકી હતી જે હવે સૂર્યાસ્ત પછી જ પાછી આવવાની હતી.

"ઈવ, હું પિતાજીને આપેલું વચન ના નિભાવી શક્યો.. "રડતાં-રડતાં ઈવ ને ભેટીને ક્રિસ બોલ્યો.

"ભાઈ, તમને તમારી રીતે એ બધું જ કર્યું જે એક પુત્ર અને એક જ્યેષ્ઠ ભાઈએ કરવું જોઈએ.. જે અહીં ઘટિત થયું એ પાછળ તમે પોતાની જાતને દોષિત ના સમજો તો સારું.. "ક્રિસ ને સમજાવતાં ઈવ બોલી.

"તું ગમે તે બોલ પણ આ થયું એમાં મારો જ વાંક છે.. બદલાની આગમાં અંધ બનેલો હું મારાં નાના ભાઈ-બહેનોની સુરક્ષા અંગે સાવ ભૂલી જ ગયો હતો. "ક્રિસ ની આંખોમાં હજુ પણ અશ્રુધારા વહી રહી હતી.

ક્રિસ અને ઈવ ની વાતોથી જાણે કોઈ નિસબત ના હોય એમ ડેવિડ પોતાનાં ફૂલ જેવાં કુમળા ભાઈ-બહેનોની ગરદન ને એમનાં ધડ જોડે વ્યવસ્થિત ગોઠવવાની પળોજણમાં પડ્યો હતો. તમે કોઈને ગમે તેટલો પ્રેમ કરતાં હોય, કોઈ ગમે તેટલું ખાસ કેમ ના હોય આખરે મૃત્યુ પછી એનાં અંતિમ સંસ્કાર કર્યાં સિવાય કોઈ વિકલ્પ નથી બચતો એ વાત સ્વીકારી ડેવિડ પોતાનાં ભાઈ-બહેનોની અંતિમ વિધિ માટે તૈયારી કરી રહ્યો હતો.

અચાનક એ લોકોનાં કાને કોઈકનાં કરાહવાનો અવાજ પડ્યો. કોઈ ઘીમાં અવાજે પોતાને અવાજ આપી રહ્યું હોય એવું ક્રિસને લાગતાં એ અવાજની દિશામાં અગ્રેસર થયો. ઈવ પણ ક્રિસની સાથે અવાજની દિશામાં આગળ વધી.

"વેન ઈવાન.. "લોહીથી ખરડાયેલાં કપડાં સાથે ગુફાનાં એક ખૂણે મૃતપાય હાલતમાં મોજુદ વેન ઈવાન ને જોઈ ક્રિસ સ્તબ્ધ થઈ ગયો. પોતાનાં ભાઈ-બહેનો ની મૃત્યુનાં શોકમાં ક્રિસ વેન ઈવાન વિશે ભૂલી જ ગયો હતો.

"તમને આ શું થઈ ગયું.. ?"વેન ઈવાનનું માથું પોતાનાં ખોળામાં રાખી ક્રિસે પૂછ્યું.

"મને માફ કરજે ક્રિસ.. હું એ રાજકુમારથી તારાં ભાઈ બહેનો ને બચાવી ના શક્યો.. "ત્રુટક અવાજે વેન ઈવાને કહ્યું.

જ્યારે રાજકુમાર જિયાન ગુફામાં આવ્યો ત્યારે વેન ઈવાન ક્રિસ નાં ભાઈ-બહેનો ને એ ક્રૂર રાજકુમારથી બચાવવા મેદાને પડ્યો. જો વેન ઈવાન જોડે વેમ્પાયરની શક્તિઓ હોત તો એ અવશ્ય જિયાન નો ખાત્મો કરીને ક્રિસ નાં ભાઈ-બહેનો ને બચાવી લેત પણ અશક્ત અને વૃદ્ધ શરીર સાથે જિયાન નો મુકાબલો કરવામાં વેન ઈવાન અસફળ રહ્યો અને જિયાન ની તલવાર નાં મરણતોલ ઘા વાગતાં મૃતપાય હાલતમાં પહોંચી ગયો.

"એમાં તમારો કોઈ વાંક નથી.. જે થવાનું હતું એ થઈને જ રહ્યું. મેં રાજા નિકોલસ અને જિયાનને ને તો મોત ને ઘાટ ઉતારી દીધાં પણ હું મારાં માસુમ ભાઈ-બહેનો ને બચાવી ના શક્યો. "ક્રિસે વેન ઈવાન તરફ જોઈ કહ્યું.

"એક ઉપાય છે તારાં ભાઈ બહેનો ને જીવિત કરવાનો.. પણ એ ઉપાયથી તું મને જીવિત ના કરતો.. મારે હવે નથી જીવવું. "વેન ઈવાન ક્રિસને દુઃખી જોઈને બોલ્યો.

"શું ઉપાય છે.. બોલો જલ્દી.. "વેન ઈવાનની વાત સાંભળી ક્રિસ વ્યગ્ર બનીને બોલ્યો.

'પાયમોન દેવ.. "આટલું બોલતાં જ વેન ઈવાનને લોહીની ઉલટી થઈ અને એમને છેલ્લો શ્વાસ લીધો.

ક્રિસ અને ઈવ આમ થતાં એ વિચારી વધુ વ્યથિત થઈ ગયાં કે સદીઓથી જીવતો એક અજાણ્યો વ્યક્તિ જેને દુનિયા ક્રૂર સમજે છે એ પોતાનાં ભાઈ-બહેનો ની રક્ષા માટે કુરબાન થઈ ગયો.

આ દરમિયાન ડેવિડ પણ ત્યાં આવી પહોંચ્યો. ક્રિસનાં ખોળામાં મોજુદ મૃત વેન ઈવાન ને જોઈ ડેવિડ સમજી ગયો કે વેને પોતાનાં ભાઈ-બહેનો ને બચાવવા સામે ચાલીને મોતને ગળે લગાવી લીધું.

"ભાઈ, હવે વેન ઈવાનની સાથે આપણાં ભાઈ-બહેનોની અંતિમવિધિ ની તૈયારીઓ કરીએ.. "ડેવિડ ક્રિસને ખભે હાથ મૂકીને બોલ્યો.

"હા, અંતિમવિધિ ની તૈયારી તો કરીશું પણ ફક્ત આ વીર વેન ઈવાન ની.. "ક્રિસ વેન ઈવાનનાં મૃતદેહને જમીન પર વ્યવસ્થિત રાખી ઉભો થતાં બોલ્યો.

"મતલબ.. ?"ક્રિસની તરફ જોઈને ડેવિડે પૂછ્યું.

"મતલબ કે આપણાં ચારેય ભાઈ-બહેન પુનઃજીવિત થઈ શકે એમ છે.. એ માટે આપણે પાયમોન દેવની પૂજા કરીને એમની જોડેથી આ માટેનો ઉપાય પૂછવો પડશે. "ક્રિસ બોલ્યો.

"શું સાચેમાં આ વાત શક્ય છે.. ?"ક્રિસની વાત સાંભળી ખુશ થતાં ડેવિડ બોલ્યો.

"હા ભાઈ, વેને મરતાં-મરતાં આ વિશે જણાવ્યું કે આપણે પાયમોન દેવની સાધના કરી આપણાં ભાઈ-બહેનોને જીવિત કરી શકીશું. "ઈવ ડેવિડ ની તરફ જોઈને બોલી.

"તો પછી આપણે વેન ને પણ જીવિત કરી શકીએ ને.. ?"ડેવિડે ઈવને પૂછ્યું.

"હા એવું કરી તો શકીએ પણ વેન ની અંતિમ ઈચ્છા હતી કે એમને પુનઃજીવીત કરવામાં ના આવે.. હવે એમની જીજીવિષા પૂર્ણ થઈ ચૂકી હતી. "ડેવિડ નાં સવાલનો જવાબ આપતાં ઈવ બોલી.

"તો પછી ચલો આપણે પાયમોન દેવને રીઝવવા માટે એમની સાધના શરૂ કરીએ.. "ડેવિડ હરખભેર બોલ્યો.

"ડેવિડ, પહેલાં વેન ઈવાન નાં અંતિમ સંસ્કાર ની તૈયારી કરીએ પછી સૂર્યાસ્ત થયાં બાદ જ પાયમોન દેવની સાધના શક્ય છે.. "ક્રિસ બોલ્યો.

ક્રિસ નાં આમ બોલતાં જ ડેવિડ અને ઈવ ક્રિસ ની સાથે જ વેન ઈવાનની દફનવિધિ ની તૈયારીમાં જોતરાઈ ગયાં. એક માફકસરનો ખાડો ખોદી વેન ઈવાન ને એની ગુફામાં જ દફન કરવામાં આવ્યાં. હજુ સાંજ થવામાં ઘણીવાર હોવાથી ભારે હૈયે ક્રિસ, ઈવ અને ડેવિડ એક ઉજળી આશ સાથે જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસાનાં મૃતદેહ સમીપ બેસી રહ્યાં. શારીરિક અને માનસિક બંને રીતે થાકી ગયાં હોવાં છતાં સૂર્યાસ્ત થવાની રાહ જોઈને એ ત્રણેય કલાકો સુધી એમજ બેસી રહ્યાં.

જેવો જ સૂર્યાસ્ત થયો એ સાથે જ ક્રિસ, ઈવ અને ડેવિડ તળાવની જોડે મોજુદ એ ખાડા જોડે આવ્યાં જ્યાં એમને વેમ્પાયર બનાવવાની વિધિ ને અંજામ અપાયો હતો. સાંજ પડતાં જ એ ત્રણેય ની વેમ્પાયર શક્તિ પાછી આવી ચૂકી હતી. ક્રિસે ડેવિડ ની મદદથી પોતાનાં મૃત ભાઈ-બહેનો નાં મૃતદેહ ને પણ ત્યાં ખાડા નજીક રાખી દીધાં.

આ સાથે જ ક્રિસ, ઈવ અને ડેવિડ પાયમોન દેવનો મંત્રોચ્ચાર કરવામાં લાગી ગયાં. સતત પાંચ કલાક સુધી એ લોકો પૂર્ણ ભાવ સાથે પાયમોન દેવની સાધના કરતાં રહ્યાં. આખરે ખાડાની અંદર મોજુદ પાણીમાં સળવળાટ થયો. ખાડાનું પાણી અતિશય ગરમ થઇ ગયું હોય એ રીતે એની અંદરથી બાષ્પ નીકળવા લાગી.

"આંખો ખોલો મારાં ભક્તો.. "અચાનક એક ઊંટ પર બેસેલી એક માનવાકૃતિ ક્રિસ, ઈવ અને ડેવિડ ની સામે પ્રગટ થઈ.

એ ઉંટ પર બેસેલી વ્યક્તિ પાયમોન દેવ હતી એ સમજતાં ક્રિસ, ડેવિડ અને ઈવ ને વાર ના લાગી. પાયમોન દેવ ને જોતાં જ ક્રિસ, ડેવિડ અને ઈવે પોતાની ગરદન ઝુકાવી એમને પ્રણામ કર્યાં.

"તો નવાં-સવા રક્તપિશાચોને આમ મને અચાનક યાદ કરવો પડ્યો એનું કોઈ કારણ.. ?"પાયમોન દેવે સવાલ કરતાં કહ્યું.

પાયમોન દેવનાં આ સવાલનાં જવાબમાં ક્રિસે અત્યાર સુધી પોતાનાં પરિવાર સાથે શું ઘટિત થયું એનો વૃતાંત ટૂંકમાં પાયમોન દેવતાને સંભળાવી દીધો. છેલ્લે પોતાનાં ચાર નાના ભાઈ-બહેનોની તરફ આંગળી કરી ક્રિસ બોલ્યો.

"પાયમોન દેવ હું તમને અરજ કરું છું કે તમે કંઈપણ કરી મારાં આ ચાર ભાઈ-બહેનો ને જીવિત કરો.. એ માટે જે કંઈપણ કરવું પડશે એ કરવાં હું તૈયાર છું. "

પાયમોન દેવ ઊંટ પરથી નીચે ઉતરી ક્રિસ જોડે આવ્યાં અને પોતાની શૈતાની સમજ નો ઉપયોગ કરી જગતમાં માનવતા સમાપ્ત કરી શૈતાનીયત નો ઉદય કરવાનાં ઉદ્દેશથી કહ્યું.

"તારાં ભાઈ-બહેનો ને તમે જાતે જ જીવિત કરી શકો છો.. પણ એ પછી તમારાં ભાઈ-બહેન મનુષ્ય મટી તમારી જેમ વેમ્પાયર બની જશે. "

પાયમોન દેવનાં આમ બોલતાં જ ક્રિસ, ઈવ અને ડેવિડ ને આંચકો લાગ્યો કેમકે એ લોકો તો વેમ્પાયર બન્યાં બાદ સદીઓ સુધી યાતનાઓ ભોગવવી પડશે એ જાણ્યાં પછી પણ જાણીજોઈને વેમ્પાયર બન્યાં હતાં જેથી પોતાનાં પરિવાર સાથે થયેલાં અન્યાય નો બદલો લઈ શકાય. જ્યારે અહીં તો પોતાનાં કુમળી વયનાં ભાઈ-બહેનો ને વેમ્પાયર બનાવી એમની જીંદગી દોજખ બનાવવાની વાત હતી.

ક્રિસ, ઈવ અને ડેવિડ ને ચૂપચાપ ઉભેલાં જોઈ પાયમોન દેવ હાથમાં એક પાત્ર પ્રગટ કરતાં બોલ્યાં.

"શું વિચારો છો.. તમારાં આ માસુમ ભાઈ-બહેનો ને જીવિત કરવાનો એક જ વિકલ્પ વધ્યો છે કે આ પાત્રમાં તમે ત્રણેય ભાઈ-બહેનો પોતપોતાનું રક્ત નાંખી આ તમારાં મૃત ભાઈ-બહેનો ને થોડું-થોડું પીવડાવી દો. એ લોકો જીવિત થઈ જશે અને સાથે-સાથે એવી શક્તિઓનાં માલિક બની જશે જે મનુષ્યો કરતાં એમને ચડિયાતા બનાવી દેશે. "

"આમ પણ મનુષ્યો દ્વારા તમારી સાથે ફક્ત અન્યાય જ કરવામાં આવ્યો છે. તારાં પિતાજી ની મદદ એ લોકો એ પણ ના કરી જેમનાં લીધે એ લડત આપી રહ્યાં હતાં. તમારી જોડે હવે ઝાઝો સમય નથી વધ્યો જો આ બધાં ની મોત ને એક દિવસ વીતી જશે પછી હું પણ કંઈ નહીં કરી શકું. તો વધુ વિચાર્યા વગર તમારાં ભાઈ-બહેનોને જીવિત કરવાની વિધિ આરંભો અને સદાયને માટે અમર થઈ જાઓ. "

પાયમોન દેવ ની આ ભ્રામક વાતોની તાત્કાલિક અસર થઈ અને ક્રિસ, ડેવિડ અને ઈવે પોતપોતાનું થોડું રક્ત હાથ પર ચીરો મૂકી પાયમોન દેવે આપેલાં પાત્રમાં નાંખ્યું. ત્યારબાદ પાયમોન ની રજા મળતાં જ ક્રિસે પોતાનાં હાથથી જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસાનાં મોં માં વારાફરથી એ રક્ત ની થોડી બુંદો નાંખી.

આમ થતાં જ ચમત્કાર થયો હોય એમ પહેલાં જ્હોન પછી અનુક્રમે ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા ની ગરદન આપમેળે એમનાં ધડ સાથે જોડાઈ ગઈ. થોડી જ ક્ષણોમાં જાણે ઉંઘમાંથી બેઠાં થયાં હોય એમ એ ચારેય ભાઈ-બહેનો બેઠાં થયાં. એમને જીવિત જોઈને ક્રિસ, ડેવિડ અને ઈવ ની આંખોમાં હરખનાં આંસુ સરી પડ્યાં.

એ ત્રણેયે પોતાની મદદ કરવાં બદલ પાયમોન દેવનો આભાર માન્યો. જતાં-જતાં પાયમોન દેવે એ લોકોને મનુષ્યો સાથે પોતાની સાથે થયેલાં અન્યાય નો બદલો લેવાની વાત કહી અને ત્યાંથી ગાયબ થઈ ગયાં.

જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા હજુ એ સમજવામાં અસમર્થ હતાં કે આ બધું શું થઈ રહ્યું હતું. એ લોકો તો બસ રડતાં-રડતાં ક્રિસ, ઈવ અને ડેવિડ ને ભેટી પડ્યાં અને આજ પછી ક્રિસ એમને એકલાં મૂકી ક્યાંય નહીં જાય એવી વિનંતી કરવાં લાગ્યાં. ક્રિસે પણ એમને વચન આપ્યું કે હવે એ બધાં સાથે જ રહેશે.

ક્રિસે જોયું કે જ્હોન, ડેઈઝી, બ્રાન્ડન અને ટ્રીસા પણ હવે પોતાની માફક વેમ્પાયર બની ચુક્યાં હતાં. ક્રિસ ને સમજાઈ નહોતું રહ્યું કે આ જાણી ખુશ થવું કે દુઃખી. પણ પાયમોન ની ભ્રામક વાતો યાદ આવતાં ક્રિસ પોતાની અંદર મોજુદ માનવતા ને મારી મનુષ્યો સાથે બદલો લેવાનું વિચારવા લાગ્યો.

હવે એ લોકો નાથનની સંતાનો મટીને એવો પરિવાર બની ચુક્યાં હતાં જેનાં ભય નીચે આખું યુરોપ વર્ષો સુધી ધ્રુજવાનું હતું.. "વેમ્પાયર ફેમિલી. "

******

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર ફેમિલી સાથે આગળ જતાં શુ બન્યું?કેમ એ લોકો જહાજમાં રહેતાં હતાં. ?અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે.. ?અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***