Devil Return-2.0 - 10 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 10

ડેવિલ રિટર્ન-2.0

ભાગ-10

બ્રાન્ડનની મોત બાદની રાત કોહરામ મચાવશે એવી અર્જુનની ગણતરી ત્યારે સાચી પડતી જણાઈ જ્યારે ક્રિસ પોતાનાં બાકીનાં વેમ્પાયર ભાઈ-બહેનો સાથે રાધાનગરનાં દરિયાકિનારે આવી પહોંચ્યો. આવેશમાં આવેલાં ક્રિસનાં ભાઈ-બહેનો આવેશમાં આવી અલગ-અલગ દિશામાં આગળ વધી નીકળ્યાં.

વીતતો દરેક પહોર અર્જુનની સાથે દરેક પોલીસકર્મીઓનાં હૃદયની ઘડકનો વધારી રહ્યો હતો. ક્યારે શું થઈ જશે.? એવી ચિંતા દરેક પોલીસકર્મીને સતાવી રહી હતી. એમાં પણ અચાનક કાને પડેલાં ચિબરીનાં કકર્ષ અવાજે પોલીસકર્મીઓને ધ્રુજાવી મૂક્યાં હતાં. પણ આવી મોસમમાં ચિબરીનો આ અવાજ સામાન્ય હોવાનું માની કોઈએ એ તરફ વધુ ધ્યાન ના આપ્યું.

ધીરે-ધીરે ઘડિયાળની સોય મક્કમ ગતિએ આગળ વધતી વધતી સમયને પાંચ વાગ્યાં સુધી લઈ આવી હતી. અત્યાર સુધી વેમ્પાયર પરિવારનો કોઈપણ સભ્ય નજરે ના ચડવાનાં લીધે બધાં પોલીસકર્મીઓ ખૂબ પ્રસન્ન જણાતાં હતાં પણ આમ થતાં અર્જુન વધુ સાવધાન થઈ ગયો હતો.

"સાહેબ, હવે તો હમણાં સવાર પડી જશે પણ કોઈ હજુ સુધી નથી આવ્યું, મતલબ કે એ લોકો પોતાનાં ભાઈની મોત બાદ ડરી ગયાં હશે. "અર્જુનની જોડે મોજુદ અબ્દુલ ધીરા અવાજે અર્જુનનાં કાનની જોડે મોં લાવીને બોલ્યો.

અર્જુને અબ્દુલની વાતનો પ્રતિભાવ શું આપવો એ ના સૂઝ્યું એટલે એને અબ્દુલનું મન રાખવા હકારમાં ડોકું હલાવ્યું.

આખરે સવારનાં આઠ વાગી ગયાં અને હજુ સુધી વેમ્પાયર પરિવારનો કોઈપણ સભ્ય અર્જુન કે કોઈપણ પોલીસકર્મીની નજરે નહોતો ચડ્યો.. આ સિવાય પણ વેમ્પાયર દ્વારા કોઈ જાતનો હુમલો થયાં ની જાણકારી અર્જુનને નહોતી પ્રાપ્ત થઈ એટલે અર્જુનને પણ નાયક જે કહેતો હતો એ વાતમાં વજન લાગ્યું.

સદીઓ સુધી પોતાની સામે કોઈ નાની અમથી ટક્કર ના આપી શક્યું હોય અને જ્યારે એમનાંમાંથી જ કોઈનો અચાનક અંત થઈ જાય એ વાતે ક્યાંક વેમ્પાયર પરિવારને ભયભીત કરી મુક્યો હોય અને આ કારણથી એ લોકો રાધાનગર મૂકીને ચાલ્યાં ગયાં હોય એવો વિચાર નાયકની સાથે હવે અર્જુનને પણ આવ્યો.

કોઈ જાતની ખુવારી વગર રાત શાંતિથી પસાર થઈ જતાં અર્જુન પોતાની ટીમ સાથે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો. અહીં આવેલાં દરેક પોલીસકર્મીનાં ચહેરા જોઈને સમજાતું હતું કે એ લોકો થોડાં દિવસથી રાતભર થઈ રહેલાં ઉજાગરાનાં લીધે માનસિક રીતે થાકી ગયાં છે. અર્જુન આ બાબત જાણતો હતો છતાં રાધાનગરની સામાન્ય જનતા માટે પોતાનાં હાથ નીચેનો દરેક પોલીસ કર્મચારી યોગ્ય રીતે ફરજ નિભાવે એવું અર્જુનનું માનવું હતું.

હજુ પણ જ્યાં સુધી વેમ્પાયર રાધાનગરમાંથી ચાલ્યાં ગયા છે એ વાતે પોતે સંપૂર્ણ આસ્વસ્થ નહીં થાય ત્યાં સુધી દરેક પોલીસકર્મી રાતભર ખડેપગે પોતાની ફરજ નિભાવશે એવું પોતાનાં સ્ટાફને જણાવી અર્જુને બુલેટ પર બેસી ઘર તરફ પ્રયાણ કર્યું.

*****

અર્જુન સાંજ પડતાં જ પુનઃ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યો.. હજુ સુધી ગઈકાલે ક્યાંય કોઈ જાતનો હુમલો થયો હોવાનાં સમાચાર ક્યાંયથી પણ પ્રાપ્ત નહોતાં થયાં એટલે અર્જુનને હાશકારો અવશ્ય થયો હતો.

"ટીમ રેડી છે.. ?"પોતાની કેબિનમાં પ્રવેશેલાં નાયકને ઉદ્દેશીને અર્જુને પૂછ્યું.

"હા સાહેબ, બધાં પોલીસકર્મીઓ તૈયાર છે. "નાયક બોલ્યો.

"સારું, તો થોડીવારમાં નીકળીએ અને પછી ગઈકાલની માફક બધાં પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ જઈએ.. હું નથી ઈચ્છતો કે થોડી પણ ઢીલાશ રાખવામાં આવે. "અર્જુન બોલ્યો.

"જી સર.. "આટલું કહી નાયક અર્જુનની કેબિનમાંથી બહાર નીકળી ગયો.

સાડા પાંચ થયાં હતાં ત્યાં તો રાધાનગરમાં અંધકારની ચાદર પૂર્ણપણે પથરાઈ ચુકી હતી.. પોલીસની ટીમ દ્વારા ચેતવવામાં આવેલી રાધાનગરની જનતા પોતપોતાનાં કામ-કાજ પુરાં કરી પાંચ વાગે તો ઘરમાં ભરાઈ જતી. શહેરમાં બની રહેલી ગોઝારી ઘટનાઓથી પરેશાન શહેરનાં માલેતુજાર લોકો તો શહેર મૂકીને ચાલ્યાં ગયાં હતાં પણ શહેરનાં આર્થિક રીતે મધ્યમ અને નબળા વર્ગનાં લોકો ને રાધાનગરમાં રહેવાં સિવાય કોઈ છૂટકો નહોતો.

ડોકટર આર્યાને જે રીતે અર્જુને પરાસ્ત કર્યો હતો એ પછી તો રાધાનગરનાં સામાન્ય લોકો માટે અર્જુન એક મસીહા બની ચુક્યો હતો.. કોઈપણ રીતે અર્જુન એ લોકોનું રક્ષણ કરશે એવી શ્રદ્ધા એમને અર્જુન પ્રત્યે હતી.

સાંજનાં છ વાગતાં તો એવું લાગી રહ્યું હતું કે જાણે રાતનાં બાર વાગી ગયાં હોય.. અર્જુનને ખબર હતી કે ભલે રાત થઈ ચૂકી હોય પણ પોતાની તાકાત ચરમ પર હોય એ સમય એટલે કે રાતનાં બારથી ત્રણ વચ્ચે જ વેમ્પાયર પરિવારનાં સદસ્યો હુમલો કરવાની સંભાવના પ્રબળ છે. આમ છતાં ક્યાંક ચૂક રહી ના જવી જોઈએ એ ગણતરી સાથે અર્જુને પોતાનાં સંપૂર્ણ સ્ટાફને સજાગ રહેવાં આદેશ આપી દીધો હતો.

ઠંડીનું પ્રમાણ વધતાં ભૂખ પણ વધુ લાગતી હોવાનાં લીધે અર્જુન બધાં પોલીસકર્મીઓ માટે રાતે કંઈક ને કંઈક જમવાની સગવડ કરાવતો. પોતાનાં ઓળખીતા એક ફાસ્ટફૂડ વાળાને કહી અર્જુને આજેપણ દોઢસો જેટલી સેન્ડવીચનો ઓર્ડર આપી રાખ્યો હતો જે રાતે આઠ વાગે વાઘેલા અને જાની લઈને આવી પણ ગયાં.

અર્જુન દ્વારા પોતાની દરેક જરૂરિયાતનું જે રીતે ધ્યાન રાખવામાં આવતું હતું એ કારણથી જ દરેક પોલીસકર્મી અર્જુનને દિલથી માન આપતો અને અર્જુનનો પડ્યો બોલ ઝીલી લેતો. વાઘેલા અને જાની હજુ સરદાર પટેલ ગાર્ડન જોડે જીપ લઈને પહોંચ્યાં અને જીપમાંથી પાર્સલમાં પેક સેન્ડવીચ અને ટોમેટો સોસ નીચે ઉતારતાં હતાં ત્યાં એક બાઈક ત્યાં આવતી જણાઈ.

એ બાઈક છેક અર્જુન અને બાકીનાં પોલીસકર્મીની જોડે આવીને ઉભી રહી ત્યારે અર્જુને બાઈક સવારનો ચહેરો ધ્યાનથી જોયો.. સ્ટ્રીટ લાઈટનાં પ્રકાશમાં બાઈક ચાલકનો ચહેરો જોતાં જ અર્જુન બોલી પડ્યો.

"અરે દિપક.. આટલી મોડી રાતે અહીં શું કરે છે.. ?" એ બાઈક ચાલક બીજું કોઈ નહીં પણ યાસીર શેખ નીચે કામ કરતો ફોરેન્સિક ટીમનો સદસ્ય દિપક હતો. આ એ જ દિપક હતો જે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો દ્વારા લેબ પર થયેલાં હુમલામાં બચી ગયો હતો.

"સાહેબ, રાત તો છે પણ હજુ મોડું નથી થયું.. હા આ શહેરનાં હાલત આવી રાતોને વધુ લાંબી જરૂર બનાવે છે અને હું તો આવી રાતનો ખૌફનાક નજારો નજરે જોનારો વ્યક્તિ છું. "દિપકની આંખોમાં આમ બોલતાં જ એ રાતનું ભયાવહ દ્રશ્ય રમવા લાગ્યું જેમાં એની સાથે કામ કરતાં બે લેબ આસીસ્ટન્ટ વેમ્પાયર પરિવારનાં હુમલાનો ભોગ બન્યાં હતાં.

દિપક સાથે જે કંઈપણ વીત્યું એ પછી એ આ રીતે રાતે નીકળવાની હિંમત કરી શક્યો એ જોઈ અર્જુનને દિપકની હિંમત પ્રત્યે માન થયું.

"પણ અત્યારે આ બાજુ અચાનક.. ?"અર્જુને દિપકને સવાલ કર્યો.

"સાહેબ, મારું ઘર અહીં પાસે જ છે.. મને થયું કે તમે જે વધારાની યુ. વી લાઈટ મંગાવી છે એનું બરાબર ફિટિંગ કર્યું કે નહીં એ ચેક કરી આવું.. કોઈપણ સંજોગોમાં એ વેમ્પાયર પરિવારમાંથી કોઈ બચવું ના જોઈએ. "દિપક ત્યાં આવવાનું કારણ આપતાં બોલ્યો.

"સરસ, તું ચેક કરી લે ત્યાં સુધી અમે થોડું ઘણું જમી લઈએ.. અને તારે નાસ્તો કરવો હોય તો તું પણ ચાલ.. "અર્જુન બોલ્યો.

"ના સાહેબ હું ઘરેથી જમીને જ આવ્યો છું, તમે જાઓ અને જમી લો.. હું ત્યાં સુધી બધું ચેક કરી લઉં.. "દિપક બોલ્યો.

અર્જુન આ સાથે જ પોતાનાં સાથી કર્મચારીઓ તરફ આગળ વધ્યો અને દિપક છુપાવીને રાખેલી યુ. વી લાઈટ તરફ. દસેક મિનિટમાં દિપક પોતાનું કામ પૂરું કરીને અર્જુનની જોડે આવ્યો અને બધું ફિટિંગ યોગ્ય હોવાની જાણકારી આપી. અર્જુને દિપકનો આભાર માની એને આગ્રહ કરી એક સેન્ડવીચ ખવડાવી. સેન્ડવીચ ખાઈ લીધાં બાદ દિપક પોતાની બાઈક પર બેસી પોતાનાં ઘર તરફ અગ્રેસર થયો.

ત્રણ-ત્રણ સેન્ડવીચ આરોગ્યાં બાદ બધાં પોલિસકર્મીઓ પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયાં. હવે આખી રાત શાંતિથી પસાર થઈ જશે એવી આશા સાથે દરેક પોલીસકર્મી પોતપોતાને સોંપેલાં કામને કરવામાં લાગી ગયો.

રાતનાં બાર વાગતાં જ અર્જુને પોતાનાં સાથી કર્મચારીઓને વધુ સાવધાનીથી વર્તવા જણાવી દીધું.. એકતરફ જ્યાં અર્જુન પોતાની ટુકડી સાથે સરદાર પટેલ ગાર્ડન જોડે હાજર હતો તો બીજી તરફ રાધાનગરનાં દરિયાકિનારે વેમ્પાયર પરિવારનું વિશાળકાય જહાજ પ્રગટ થયું. દરિયાની સપાટીને ચીરતું જહાજ ધીરે-ધીરે રાધાનગરનાં દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું હતું.

દરિયાકિનારાથી ચોક્કસ અંતરે આવીને એ જહાજ ઉભું રહી ગયું. થોડીવારમાં એ જહાજ પરથી એક વિશાળ લંગર દરિયામાં પડ્યું જેનાં લીધે પાણીનાં પેદા થયેલો અવાજ શાંત વાતાવરણમાં ગુંજી વળ્યો.

એકાએક જહાજનાં તૂતક પર ક્રિસ સહિત સમગ્ર વેમ્પાયર પરિવાર એકઠો થયો.

"તમે બધાં તૈયાર છો બ્રાન્ડનની મોત નો બદલો લેવાં.. ?"ક્રિસે પોતાનાં બધાં ભાઈ-બહેનોને સંબોધતાં કહ્યું.

"હા.. "જ્હોન, ડેઈઝી, ઈવ, ડેવિડ અને ટ્રીસા ક્રિસનાં પ્રશ્નનો પ્રતિભાવ આપતાં એકસુરમાં બોલી પડ્યાં.

"તો ચાલો નીકળીએ આપણાં ભાઈ બ્રાન્ડનની મોત માટે જવાબદાર લોકોને એમનાં કર્યાની સજા આપવાં. "ક્રિસ આવેશમાં આવીને બોલ્યો.

આ સાથે જ ક્રિસે આંખો બંધ કરી અને હાથની બંધ મુઠ્ઠીઓ ખોલીને કોઈકને પોતાની પાછળ આવવાં સંકેત કર્યો.. આ સાથે જ ક્રિસની પાછળ ડઝનેક અજાણ્યાં લોકો આવીને ઉભાં રહી ગયાં. ક્રિસ અને એનાં ભાઈ-બહેનો એ જહાજનાં તૂતક પરથી દરિયાની સપાટી પર છલાંગ લગાવી.

ક્રિસ અને એનાં ભાઈ-બહેનોની પાછળ એ ડઝનભર લોકોએ પણ જહાજ પરથી સમુદ્રની સપાટી પર છલાંગ લગાવી મૂકી. વેમ્પાયર પરિવારનાં એ ભાઈ-બહેનો સાથે એ ડઝનભર લોકો જાણે કોઈ અદ્રશ્ય શક્તિ હેઠળ દોરવાઈ રહ્યાં હોય એમ રાધાનગર શહેરનાં દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યાં હતાં.

એ લોકોમાં સૌથી આગળ હતો મુસ્તફા.. એ લોકોનાં પણ દાંત વેમ્પાયરની માફક બહાર નીકળી ચુક્યાં હતાં.. એ લોકો ક્રિસનાં ભાઈ બહેનો પાછળ દોરવાઈને રાધાનગર દરિયાકિનારે આવી પહોંચ્યાં.

આ લોકો કોણ હતાં અને ક્યાંથી આવ્યાં એ હજુ પ્રશ્નાર્થ જ હતો... સાથે એક બીજો પ્રશ્ન એ પણ હતો કે ગતરાતે વેમ્પાયર પરિવારનાં સદસ્યો રાધાનગરમાં પ્રવેશ્યાં તો એમને ક્યાંય કોઈ હુમલો કેમ ના કર્યો.

એ જે કંઈપણ હતું પણ આજે વેમ્પાયર પરિવારનાં છ સદસ્યો પાછળ આવતાં એ ડઝનભર વેમ્પાયર બની ચુકેલાં લોકો યંત્રવત બની રાધાનગર તરફ ચાલી નીકળ્યાં. આજની રાત રાધાનગરનાં લોકોની સાથે અર્જુન પર મોટી આફત બનીને આવવાનું હતું એ નક્કી થઈ ચૂક્યું હતું.

****

વધુ આવતાં ભાગમાં.

એ ડઝનભર લોકો કોણ હતાં.? વેમ્પાયર પરિવારનાં લોકો બ્રાન્ડનની હત્યા નો બદલો કઈ રીતે લેશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***