Maro Shu Vaank - 24 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 24

મારો શું વાંક ?

પ્રકરણ - 24

શકુરમિયાંનાં ખેતરની બહાર એમનાં જ પાડોશી રમણભાઈએ પાનનાં ગલ્લાની કેબીન ખોલી હતી..... ખેતરમાં કામે આવતા દાળિયાઓને કારણે ગલ્લો ખૂબ સારો ચાલતો હતો. રમણે પોતાના ગલ્લા પર ટી. વી. પણ રાખ્યું હતું... જેમાં નવરાશ મળતા સુમિત, જાવેદ, ઇબ્રાહીમ અને કામે આવતા દાળિયાઓ મળીને મેચ જોતાં અને ગપ્પાં મારતા.

રમણભાઈની મેચ જોતાં-જોતાં મેચ વિશે પૂછ-પૂછ કરવાની અને કચકચ કરવાની આદત હતી.. જેથી બધાં લોકો ગલ્લેથી થોડા દૂર બેસીને મેચ જોતાં.... તોય રમણભાઈ સવાલ પૂછી-પૂછીને હેરાન કરી નાખતા.... એમાં ઇબ્રાહીમને એ સવાલ પૂછી-પૂછીને સૌથી વધારે હેરાન કરતાં.

ઈન્ડિયા-ઓસ્ટ્રલિયાની મેચ હોવાથી ઇબ્રાહીમ, સુમિત અને દાનીશ પાનનાં ગલ્લે ગયા. ગલ્લે પહોંચીને ઇબ્રાહિમ બોલ્યો.... રમણ કાકા! કેમ છે? આપણો સ્કોર કેટલો થયો?

રમણ બોલ્યો... એલા ઇબ્રાહીમ! આજે આપણું જીતવું અઘરું લાગે હે.... વિકેટું પયડે જ જાય હે... તને હુ લાગે હે ઇબ્રાહીમ! જીતહે કે હારહે કહીને ઇબ્રાહીમનાં વાંસામાં જોરદાર ધબ્બો માર્યો.

ઇબ્રાહીમ બોલ્યો... અરે કાકા! મને શું લેવા પૂછો છો? મેચ તો તમે જોવો છો.... હું તો ખાલી સ્કોર જાણવા આવ્યો છું.

થોડીકવાર ચૂપ રહ્યા પછી રમણકાકા પાછો જોરદાર ધબ્બો ઇબ્રાહીમનાં વાંસે મારીને બોલ્યા.... હેં એલા! તને હુ લાગે.... ધોની ચેટલાક રન કરહે... ઈન્ડિયા જીતહે કે નઇ જીતે?

અચાનક જોરદાર ધબ્બો અને પ્રશ્નોની જડીઓને કારણે ઇબ્રાહીમ અકળાઈને બોલ્યો... હેં એલા કાકા! આટલા બધાં ઊભા છે.... આ સુમીતભાઈ પણ ઊભા છે... હું એકલો જ તમને ભેજામારી કરવા મળું છું... આ લોકોને પૂછોને...... મેં તમારું શું બગાડ્યું છે... કેમ કોઈ દી મને સખે મેચ નથી જોવા દેતા....

રમણ ઠહાકાભેર હસ્યો અને પાછો એક જોરદાર ધબ્બો ઇબ્રાહીમનાં વાંસે મારીને બોલ્યો... એલા ભૂંડા! તું તો ખોટું માની ગ્યો... લે તને પાન બનાવીને ખવડાવું.... પાછાં બોલ્યા... તૂટીફૂટી નાખું ને? ઇબ્રાહિમ બોલ્યો .... ઝેર નાખવું હોય તોય નાખી દો... પણ મને પૂછ-પૂછ ના કરો....

પાછાં મરક-મરક હસીને બોલ્યા.... એલા સલમાન! તું મરી જઈહ તો હું સવાલ કોને પૂછીહ? અને તને કાઇં થઈ જાય તો તારા આ જબરા કચ્છણ માં મને પતાવી જ દે... હેં એલા! હવે સલમાનની કઈ નવી ફિલમ આવવાની હે? આલી દાણ હુંય તારી હારે ફિલમ જોવા આવીહ... પાછાં બોલ્યા... હેં એલા! આજે આપણે મેચ જીતહુ કે નઇ જીતવી? તને હુ લાગે હે?

ઇબ્રાહીમ પોતાનાં વાળ ખેંચીને બોલ્યો... કાકા! તમે મારા હારે ફિલમ જોવા આવશો તો હું ફિલમ જોવાનું મૂકી દઇશ... એની વાત કાપતા પાછો રમણ બોલ્યો... ચમ એલા! મારા હારે તને ફિલમ જોવાનો હુ વાંધો હે? હવે લગન ચ્યારે કરીહ? મને લગનમાં બોલાવીહ તો ખરો ને?

ઇબ્રાહીમ બેય હાથ જોડીને બોલ્યો.... કાકા! હું જાવ છું... મને રજા આપો... તમારી એકેય વાતનો મારી આગળ જવાબ નથી અને હા... આ રીતે પ્રશ્નોની જડી લગાવતા રહેશો તો આપણી ટીમને તમારી પનોતી લાગી જશે અને એ ચોક્કસ હારી જશે..

પાછો ઇબ્રાહીમનાં વાંસે ધબ્બો મારીને બોલ્યા... જા એલા! કોઈને કેતો નઇ કે હું પનોતી હુ.... હું તો મારી માં નો એકનો એક શુકનિયાળ છોકરો હું.... તું હોઇસ પનોતી... કહીને ઇબ્રાહીમનાં મોંઢામાં પાન નાખી દીધું અને પાછો વાંસામાં એક ધબ્બો માર્યો.... ઇબ્રાહીમ પાન ખાતા-ખાતા બોલ્યો... કાકા! એક પાન ખવડાવ્યું એટલીવારમાં તો પચાસ ધબ્બા ઠોકી દીધા... તમારું આ પાન અને મેચ જોવી બોવ ભારે પડે છે... હાથ જોડીને ઇબ્રાહીમ જાઉં છું કાકા.... કહીને ભાગતા પગલે પાછો ખેતરમાં જતો રહ્યો.

હવે રમણકાકાએ મેચ જોઈ રહેલા સુમીત ઉપર નજર માંડી... એમને પોતાની સામે જોતાં જોઈને સુમીત સમજી ગયો કે હવે રમણકાકા પોતાનું ભેજું ફેરવવાના મૂડમાં લાગે છે એ જાણીને એ તરત જ દાનીશને લઈને ગલ્લા પાસેથી થોડા દૂર ખસી ગયા અને ચાલીને થોડાક આગળ જવા લાગ્યા...

દાનીશને આ જ તક જોઈતી હતી... તે સુમીત પાસેથી એકલામાં રહેમત વિશે વધુ જાણવા માંગતો હતો અને એ તક એને મળી ગઈ.

ચાલતા-ચાલતા એણે સુમીતને પૂછ્યું.... સુમીત! રહેમત માંડ વીસ-એકવીસ વરસની જ હોય એટલી એ લાગે છે... તો પછી એનાં લગ્ન કેટલી ઉંમરે થયા હતા?

સુમીત ઉત્તર વાળતા બોલ્યો... ચૌદ વરસની નાની ઉંમરમાં રહેમતબેનનાં લગન થઈ ગયા હતા અને સત્તર વરસની ઉંમરમાં એ બે છોકરાંવની માં બની ગયા હતા.... આગળ વધુ ઉમેરતા એ બોલ્યો... રહેમતબેન અને ઈરફાનનાં લગન નાનપણમાં જ મોટાંઓ દ્વારા નક્કી કરી નાખવામાં આવ્યા હતા... પછી થોડાક મોટાં થયા એટલે એ બંનેનાં નિકાહ પડાવી દેવામાં આવ્યા.

સુમીતે વધુ ઉમેરીને નિસાસા સાથે કહ્યું... ઈરફાન મારો નાનપણનો લંગોટિયો યાર છે... પણ હવે અમારા બેય વચ્ચે ફક્ત બોલવા પૂરતી જ વાત થાય છે... બે છોકરાંવ થયા પછી એને એની હારે કામ કરતી છોકરી જોડે પ્રેમ થઈ ગયો અને એની હારે લગનેય કરી લીધા... ઇરફાનને લાગતું હતું કે રહેમતબેન શહેરમાં એની સાથે સેટ નહીં થઈ શકે... સ્પષ્ટ શબ્દોમાં કહું તો એને રહેમતબેન તેની પત્ની છે એ તેના બે દિવસથી બનેલા ઓફિસનાં લોકોને કહેવામા શરમ આવતી હતી.. કારણકે રહેમતબેન એટલું ભણેલા નથી એટલે પોતાના ઓફિસ અને શહેરી મિત્રો સાથે એ બરાબર વાત નહીં કરી શકે અને સેટ નહીં થઈ શકે એવું ઇરફાનને લાગતું હતું.

પરંતુ હકીકત આજે જુદી જ છે... જે રહેમતબેનને ઇરફાને ભોટ સમજીને પોતાના બાળકો સાથે ત્યજી દીધી હતી તે રહેમત આજે એમણે પસંદ કરેલી ભણેલી-ગણેલી સ્ત્રીને પણ ટક્કર મારે એવું કામ કરી રહી છે.... એ તારી સામે છે દાનીશ..

દાનીશે હકારમાં જવાબ આપતા કહ્યું.... ”અફ કોર્સ! શી ઈઝ અ વેરી ઇન્ટેલીજ્ંટ વુમન.... ઇન ફેક્ટ, શી ઇસ ધ પરફેક્ટ બિઝનેસ વુમન”.

સુમિત ગુસ્સા સાથે બોલ્યો.... ઇરફાનયાની મતિ મારી ગઈ તી કે તેણે રહેમતબેન જેવી છોકરીને બીજી માટે મૂકી દીધી... આ બધામાં વાંક વડવાઓએ બનાવેલા રિવાજનો હતો... જેનો ભોગ ઈરફાન અને રહેમતબેન બન્યા.... પણ આમાં દુ:ખ ભોગવવાનું ફક્ત એકલાં રહેમતબેનને માથે આવ્યું.

આ બધામાં રહેમતબેનનાં સાસરિયાંઓ એમની સાથે અડીખમ ઊભા રહ્યા... એમણે પોતાનાં દીકરાને બદલે એમની વહુનો સાથ આપયો. રહેમતબેનને પોતાના ઘરની દીકરી બનાવી લીધી અને તેમને પગભર બનાવ્યા.

આ બધામાં રહેમતબેનની જગ્યાએ બીજી કોઈ સ્ત્રી હોત તો આટલી નાની ઉંમરમાં ક્યારની પડી ભાંગી હોત. પરંતુ પોતાના બેય છોકરાંવ માટે એમણે આ બધી પીડાઓને બાજુ પર મૂકી દીધી અને જેમ રાખમાંથી ફિનિક્ષ પક્ષી પાછું જીવંત બેઠું થાય છે એ જ રીતે રહેમતબેન પોતાના જીવનમાં પાછા બેઠા થયા. એમનાં મનમાં તો અનેક ફરિયાદો ધરબાયેલી છે પણ નકલી હાસ્યનાં મહોરાં તળે એ બધી ફરિયાદોને એમણે હદયનાં એક ખૂણે કાયમને માટે સંકેલી લીધી છે.

દાનીશ થોડાક ખચકાટ સાથે બોલ્યો... શું રહેમતનાં બીજા લગ્ન ના થઈ શકે? હજી એમની ઉંમર જ કેટલી છે... માંડ વીસ વરસ... એમનાં પરિવારવાળા એમનાં બીજા લગ્ન વિશે ના વિચારી શકે?

સુમીત આશ્ચર્ય સાથે દાનીશ સામે જોઈ રહ્યો અને જવાબ વાળ્યો... હા દાનીશ! રહેમતબેનનાં બીજા લગ્ન થઈ જ શકે પણ એમને બાળકો સાથે અપનાવે એવો વ્યક્તિ પણ મળવો જોઈએ ને.... જે લગભગ અશક્યવત લાગે છે... અને માનો કે એવો કોઈ વ્યક્તિ મળી પણ જાય તો પણ રહેમતબેનને બીજા લગન માટે મનાવવા ખૂબ જ મુશ્કેલ કામ છે... એક વખત આટલી મોટી પછડાટ ખાધા પછી તેમના માટે બીજા લગન કરવા એ લગભગ અશક્ય વાત છે...

દાનીશ ઉત્સાહભેર બોલ્યો... રહેમતને એનાં બાળકો સાથે અપનાવે એવો વ્યક્તિ છે અને એ તારી સામે ઊભો છે સુમીત.... બોલ મારામાં રહેમતને લાયક બનવામાં કોઈ ખામી હોય તો એ ખામીને દૂર કરવા હુ શું કરી શકું એ બધુ જ કરીશ... હું રહેમત સાથે લગ્ન કરવા માંગુ છું. આમાં એનાં પ્રત્યે કોઈ દયાભાવ કે સહાનુભૂતિ ખાતર આ નથી કહી રહ્યો પણ મારા દિલમાં રહેમત માટે સાચી લાગણી પેદા થઈ છે.

સુમીત ફરીથી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો અને બોલ્યો... માનું છું રહેમતબેનમાં કોઈ કમી નથી... કિસ્મતે તેમના સાથે ભયંકર ખેલ ખેલ્યો છે... પણ તે લગન કરેલા અને બે છોકરાંવની માં છે... જ્યારે દાનીશ તું હજી બેચલર છે અને વિદેશ પણ આવતો જતો રહે છે... તારી પાછળ તો અનેક છોકરીઓ પાગલ હશે.... તો પછી રહેમતબેન જ કેમ?

દાનીશ ધીમેથી બોલ્યો.... કારણકે હું પણ લાગણીનાં સંબંધમાં ઘણાં વરસો પહેલાં પછડાટ ખાઈને ઘવાઈ ચૂક્યો છું... જેની રૂઝ હજી સુધી નથી આવી... પણ જ્યારથી મેં રહેમતને જોઈ છે ત્યારથી મને શાયમા પછી તેના પ્રત્યે અપાર લાગણી જન્મી છે.. અને હવે મને પણ કોઈનાં સાથની ખૂબ જરૂર લાગી રહી છે અને એ સાથ હવે ફક્ત રહેમતનો મળી જાય તો જીવન પ્રત્યેનો જે અણગમો પેદા થઈ ગયો હતો તેમાં ફરીથી ખુશહાલ જીવન જીવવાનાં રંગો ભળી જાય તો આગળનું જીવન આસન થઈ જાય.

સુમિતનો હાથ પકડીને દાનીશ બોલ્યો.... શું તું મને આ સંબંધને લગ્ન સુધી લઈ જવામાં મારી મદદ કરીશ? હું રહેમતનાં બંને બાળકોનું સગો બાપ બનીને પાલન-પોષણ કરીશ... અને રહેમતનાં એની જિંદગીને લઈને જે સપનાઓ અધૂરા રહી ગયા છે તેને પૂરાં કરવામાં એનો સાથીદાર બનીને મદદ કરવા માંગુ છું... એમને આગળ ભણવું હશે તો એ ભણી શકશે... એમનાં દરેક નિર્ણયનું હું પૂરેપૂરું સન્માન કરીશ અને સાથ આપીશ.

સુમીત આંખોમાં ચમક સાથે બોલ્યો... અફ કોર્સ યાર! હું આમાં તારો પૂરેપૂરો સાથ આપીશ... રહેમતબેન મને રાખડી બાંધે છે... મારી નાનકડી બેન છે... એમનાં દરેક કામમાં જાવેદ ભાઈ ના હોય ત્યારે પહેલાં મારી સલાહ લેવા આવે છે... જો મારી બેનનાં જીવનમાં ખુશીઓ ફરીથી આવી રહી હોય તો મારાથી વધારે બીજું કોણ ખુશ હોઈ શકે.. અને.... દાનીશ! તારા જેવો છોકરો મારી બેનનાં જીવનમાં આવતો હોય તો પછી સાથ આપવાનું પૂછવાનું જ શું હોય? હું તારા નિર્ણયમાં તારી સાથે છું અને મારાથી બનતી બધા જ પ્રકારની મદદ કરીશ.

દાનીશ બોલ્યો... બે દિવસ પછી મારા અમ્મી-અબ્બાની શાદીની સાલગીરહ છે... અબ્બા તો આ દુનિયામાં નથી પણ એ દિવસે મદરેસાઓ અને અનાથાશ્રમનાં બાળકોને ભોજન કરાવીએ છીએ... તને ખબર જ છે તું દર વખતે હાજર હોય જ છે... જેમાં મારા અમુક સગાઓ અને મિત્રોને આમંત્રણ આપું છું... એટલે વિચારું છું કે રહેમતનાં આખા પરિવારને આમંત્રણ આપી દઉં જેથી એ દિવસે મારી અમ્મી રહેમતનાં પિતા અને જાવેદભાઈ સાથે લગ્ન વિશે વાત કરી શકે. તારું આ વિશે શું કહેવું છે?

સુમીત બોલ્યો... દાનીશ! તારો પ્લાન એકદમ બરાબર છે.. તું શકુરકાકાનાં આખા પરિવારને આમંત્રણ આપી દે... એ લોકો વ્યવહાર સાચવવામાં ખૂબ જ નિપુણ છે.... સો ટકા તેમનો આખો પરિવાર આવશે જ.

ત્યાં તો ઇબ્રાહીમની મોટેથી બૂમ આવી.... સુમીત ભાઈ! દાનીશ ભાઈ! ચાલો.... જાવેદભાઈ જમવા બોલાવે છે.

જમવાનો બધો જ પ્રોગ્રામ આજે ખેતરે જ રાખવામા આવ્યો હતો... જાવેદની પત્ની શબાના પણ બધા બાળકોને લઈને ખેતરે જ આવી ગઈ હતી.

બધાંએ સાથે મળીને ભોજન લીધું... વારેઘડીએ દાનીશની નજર ફક્ત અને ફક્ત રહેમત ઉપર જ જતી હતી. આ બધાથી અજાણ રહેમત ઘરનાં પાંચેય બાળકોને જમાડી રહી હતી... જ્યારે શબાના અને જાવેદ બધાને ભોજન કાઢીને આપી રહ્યા હતા.

બધાએ જમી લીધું પછી દાનીશ શકુરમિયાં અને જાવેદ પાસે આવ્યો... અને બોલ્યો... કાકા! જાવેદભાઈ! તમે મારી ખૂબ ખાતીરદારી કરી... હવે મને પણ તમારા પરિવારની મહેમાનનવાઝી કરવાનો મોકો આપો... પરમ દિવસે મારા અમ્મી-અબ્બાની શાદીની સાલગીરાહ છે.... મારા અબ્બા તો છે નહીં પણ છતાં અમે એક નાનું ફંક્શન રાખીને આ દિવસને યાદ કરીએ છીએ અને મારા અમ્મી પણ ખુશ થઈ જાય છે.... તો જાવેદ ભાઈ! વચન આપો... પરમ દિવસે આખા પરિવાર સાથે તમે મારા ઘર આવશો...

જાવેદનાં પહેલાં શકુરમિયાં બોલ્યા.... હા બેટા! તમે આટલા પ્રેમથી દાવત આપી છે તો હું ચોક્કસ મારા આખા પરિવાર સાથે આવીશ...

આખરે બધાને મળીને દાનીશ રહેમતનાં ગામેથી રહેમત સાથે નવું જીવન માંડવાના સોનેરી સપનાઓ સાથે અમદાવાદ જવા રવાના થયો.

***