Brand-name ni aadat books and stories free download online pdf in Gujarati

બ્રાન્ડનેમ ની આદત


બૈજુ ઓ બૈજુ ક્યાં ગયો ? ઓ બૈજુ ક્યાં છો ? કાબલી શેઠે સાદ પાડ્યો, જરા જલ્દી કર મારો ભાઇ આ વેપારી મહેમાનો આવ્યા છે, પેલો ચીલી ચેવડાવાળો જોયો ને ? પેલો સુપર-ડુપર વર્લ્ડ ફેમશ ચેવડો નહિ બનાવતો ? તેને ત્યાથી 500 ગ્રામ ચેવડો મારો ભાઇ તાબડતોબ જરા લઈ આવને , આ મહેમાનોને મોડુ થાય છે એટલે જરા ફાસ્ટ-ફાસ્ટ માં લાવજે, આ લે પૈસા અને જેટ સ્પીડે દોડતો પાછો આવજે મારો ભાઇ !
બૈજુ બોલ્યો , હા , હા શેઠ ,આ ગયો અને આ આયો ! હમણાંજ લઇ ને પાછો આવું છું તમે જરા પણ ચિંતા ન કરો શેઠ, તમને મારા કામની તો ખબરજ છે ને ? બધુ કામ ફૂલ સ્પીડે કરવાની મારી આદતની ?
કાબલી શેઠ બોલ્યા હા, હા ભઇ , હા મને ખબરજ છે તારી , હવે જલ્દી જા અને જલ્દી પાછો આવ , આ લોકોને મોડુ થાય છે. બૈજુ બોલ્યો, હા શેઠ જલ્દી પાછો આવું છું.
બૈજુ શેઠ પાસેથી પૈસા લઈને ચીલી ચેવડાવાળા ને ત્યાં ચેવડો લેવા ગયો. જોયુતો હૈયે- હૈયું દળાઈ એટલી ભીડ ચીલી ચેવડાવાળા ને ત્યાં લાગી હતી ! બૈજુ મુંજાયો ! શેઠે થોડીજ વાર માં ચેવડો લઇ આવવાનું કહ્યું છે , જો મોડુ થશે તો શેઠ મારી ઉપર ધગશે ! શું કરવું ? શું ન કરવું ? આ મુંજવણ માં બૈજુ વિચારવા લાગ્યો . ચીલીની બાજુમાં જ ચીલીથી અલગ થયેલા તેના ભાઇઓની ચાર-પાંચ દુકાનો હતી. જેમાં મોહન ચેવડાવાળો , ભાઉજી ચેવડાવાળો , દુધો ચેવડાવાળો તથા મનજી ચેવડાવાળો વગેરે ,વગેરે ,વગેરે – આ બધાની મુળ ફોર્મ્યુલા ચેવડો બનાવવાની શેઈમ જ હતી કારણકે આ બધા ભાઈઓ જ હતા અને હાલમા જ જુદા પડ્યા હતા, હવે શું કરવું ? ચીલી પાસેથી ચેવડો લાવવામાં કલાક વીતી જાય તેમ હતું જ્યારે તેના ભાઇઓની દુકાનેથી ચેવડો લાવવામાં 5 મિનિટમાં જ વારો આવી જાય તેમ હતું ! આમ મોડુ ન થાય અને શેઠ ધગી ન જાય એ વિચારે બૈજુએ 500 ગ્રામ ચેવડો દુધા ચેવડાવાળા ને ત્યાંથી બંધાવ્યો અને જલ્દી-જલ્દી દુકાને પહોચ્યો !
કાબલી શેઠ અને તેના વેપારી મિત્રો બૈજું ની જ રાહ જોતાં હતા , બૈજું આવી જતાં બધાજ ખુબજ ખુશ થતા ચેવડાનું પડીકુ ઝડપથી ખોલીને પ્રખ્યાત ચીલીનો ચેવડો આનંદથી ખાવા લાગ્યા ,બૈજું તેના કામમા પરોવાઈ ગયો. થોડીવાર સમય થતા બૈજુંએ શેઠ તથા તેના મિત્રો ને પાણી આપ્યું. ચેવડો ખાઈને બધા ખુબજ આનંદથી વાતો કરતાં હતા. કાબલી શેઠ બોલ્યા , આ ચીલીનો ચેવડો એટલે ચીલીનો ચેવડો ! આના જેવો ચેવડો તમને ક્યાંય જોવા મળે નહીં , ચાહે તમે દુનિયાના પડમાં જાવને તો પણ નહીં !
બૈજું થોડીવાર માટે શેઠ ની વાત સાંભળીને મનોમન મુંજાયો પછી શેઠ ને સાચુ કહી દીધુ ! બૈજું બોલ્યો ,શેઠ હું આ ચેવડો ચીલીને ત્યાંથી નહીં પરંતુ દુધા ચેવડાવાળા ને ત્યાંથી લાવ્યો હતો ! અને પછી ............
કાબલી શેઠ નો પિતો છટક્યો ! કાબલી શેઠ કાળ – જાળ, ગુસ્સામા ધુવા-ફૂંવા થતા બૈજું ને કહે સાલા બેવકુફ ! મૂરખ ! તને કહ્યું હતું ને કે ચીલીને ત્યાંથી ચેવડો લાવજે ! તારામાં કોઈ દિવસ અકકલ આવીજ નહીં , સાલો મુરખ નો મુરખ જ રહ્યો ! કાબલી શેઠ નો ઠપકો સાંભળી બૈજું નીચું મોઢું રાખીને ,બધુજ સાંભળીને પોતાના કામમાં પરોવાય ગયો અને મનોમન વિચારવા લાગ્યો- આ મારા બેટાવ ! 500 ગ્રામ ચેવડો ચીલીનો છે એમ માનીને વાત-વાતમાં , ચપટીમા , બે-ચાર મિનિટમાં ઉમળકાભેર બધો જ ચેવડો ઉલાળી ગયા ! પાછા હશતા-હશતા કેવી વાતો કરતાં હતા કે આ ચીલીનો ચેવડો એટલે ચીલીનો ચેવડો ! આના જેવો ચેવડો દુનિયામાં ક્યાંય થાય જ નoહીં ! પરંતુ મે સાચી વાત કરતાં કેવા બધાના મોઢા દિવેલ પીધા જેવા થઈ ગયા ! આ તો ભાઈ નામની કમાલ છે ભાઈ નામની ! હું મૂંગો રહ્યો હોત અને કઈ બોલ્યો ન હોત તો ? તો શું ? તો પછી આવી ઘાણી થાત જ નહીં ને ?!
મિત્રો, આપ બધા નું શું કહેવાનું થાય છે ? નોકર બૈજું સાચો ? કાબલી શેઠ સાચા ? કે પછી આપણી બધા ની અંદર ઝેર ની જેમ ભળી ગયેલી ‘બ્રાન્ડનેમ’ સાચી ?! વિચારો મિત્રો, વિચારો ,આપણે બધા સાથે મળીને કાઈક વિચારીએ !!!

લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન: મૌલિક બિપિનભાઈ ભોજાણી (B.E. Mechanical)
I