Maro Shu Vaank - 28 books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 28

મારો શું વાંક ?

પ્રકરણ - 28

એ આખી રાત દાનીશ સૂઈ ના શક્યો.. બીજી તરફ રહેમતને પણ આવી પડેલા અણધારા સંજોગો સૂવા નહોતા દેતા... મનોમન તે અપરાધભાવ અનુભવી રહી હતી કે એક જ જાટકે એણે દાનીશનું દિલ તોડી નાખ્યું અને પોતાની જાતને કોસીને વિચારવા લાગીકે..... ” કાશ હું દાનીશને મળી જ ના હોત તો સારું થાત, અલ્લાહ...... હમેશાં એને ખુશ રાખે અને જલ્દીથી એનાં જીવનમાં કોઈક આવી જાય અને વહેલી તકે એ આમાંથી બહાર નીકળી જાય”. દાનીશને મળીને હું આ વિશે જરૂર વાત કરીશ.

બે દિવસ આમને આમ વીતી ગયા... રહેમતને કામથી સુમીત સાથે અમદાવાદ જવાનું થયું. શબાનાની તબિયત સારી નહીં હોવાથી જાવેદને શબાનાને ડોક્ટર પાસે લઈ જવાની હતી.

કામ પતાવીને રહેમતે દાનીશને મળવાની સુમીતને ઇચ્છા જતાવી.. સુમીતે દાનીશને ફોન લગાવીને તે અને રહેમત તેની ઓફિસે આવી રહ્યા છે... તેથી તે ક્યાંય જાય નહીં તેવું જણાવ્યુ.

બંને જણાં સુમીતની કેબિનમાં પહોંચ્યા... દાનીશે હલકું સ્મિત આપીને... આવો... સુમીત ! રહેમત મેડમ ! કહીને આવકાર્યા...

દાનીશની સુજેલી લાલ આંખો એ વાતની ચાડી ખાતી હતી કે તે બે દિવસથી બરાબર સૂતો જ નથી. દાનીશ સાથે શું વાત કરું એની ગડમથલમાં સુમીત હતો.

ત્યાં દાનીશ બોલ્યો.... અફસાના ક્યાં છે? એને કેમ સાથે ના લાવ્યા?

રહેમતે તુરંત જવાબ આપ્યો.... અફસાના સ્કૂલ ગઈ છે.... સવારનાં પહોરમાં જિદ્દ કરતી તી કે મારે પણ અમદાવાદ આવવું છે અને દાનીશ અંકલને મળવું છે.

રહેમતે લાગ જોઈને સુમીતની હાજરીમાં જ દાનીશ સાથે વાત માંડી અને બોલી.... દાનીશ ! મને માફ કરી દે જો.... પેલા દિવસે મારુ તમારી સાથેનું બિહેવિયર ખૂબ જ રુડ હતું. પણ સાચું કહું તો હવે હું આવા કોઈ બંધનમાં બંધાવા જ નથી માંગતી.. કારણકે હું સામેવાળી વ્યક્તિને ન્યાય આપી શકું એવી સ્થિતિમાં જ નથી.... તો હું તમારું જીવન કઈ રીતે બરબાદ કરી શકું? તમે ખૂબ સારા વ્યક્તિ છો અને હું તમારી ખૂબ રિસ્પેક્ટ કરું છું.

તમને તો એકથી એક છોકરી મળી જશે.... અલ્લાહ... જલ્દીથી તમને એ વ્યક્તિ સાથે મળાવી દે એવી હમેશાં મારી દિલથી દુવા રહેશે... તમે કહો તો હું અને સુમીતભાઈ તમને છોકરી શોધવામાં મદદ કરીએ...

રહેમરની આવી નિર્દોષ વાત સાંભળીને દાનીશ ખડખડાટ હસી પડ્યો... અને મનોમન વિચારવા લાગ્યો કે... ઈરફાન કેટલો બદનસીબ વ્યક્તિ છે કે જેણે આવી સાફદિલ રહેમતને ઠુકરાવી દીધી.

સુમીત પણ દાનીશને આવી રીતે હસતો જોઈને બોલ્યો.... હા યાર ! તું ખાલી હા કહી દે... હું અને રહેમતબેન આજથી જ તારા માટે છોકરી શોધવાનું શરૂ કરી દઈએ..

આ સાંભળીને દાનીશ વધારે જોર-જોરથી હસવા માંડ્યો... અને બોલ્યો.... અમ્મી એક ઓછાં હતા તે હવે તમે બંનેય મારા લગ્ન કરાવવા પાછળ પડી ગયા છો.

દાનીશ ધીરેકથી બોલ્યો... હવે આ બધું વિચારવાનો ટાઈમ જ નથી.... ઘણું કામ છે અને થોડીક કામ માંથી નવરાશ મળે એટલે અમ્મીને હજ કરાવવા લઈ જવાના છે.

રહેમત સામે જોઈને દાનીશ બોલ્યો... મેડમ ! એક વાત કહું?

રહેમત તરત બોલી.... હા કહોને...

દાનીશ હળવેકથી બોલ્યો.... જાણું છું તમે મારા સાથે કોઈ લાગણીનાં સંબંધમાં નથી જોડાવા માંગતા... અને એની હું કદર પણ કરું છું... પણ આપણે નિર્દોષ મૈત્રીનો સંબંધ તો નિભાવી જ શકીએ ને!! જે રીતે સુમીત મારો મિત્ર છે એમ આપણી મિત્રતા પણ આજીવન ચાલે... તમારો અને મારો પરિવાર પણ આજીવન મિત્રતાનાં સંબંધે બંધાઈ રહે એમ હું ઇચ્છું છું..... શું તમે મારા મિત્ર બનશો?

રહેમત દાનીશની આંખોમાંથી નીતરતા એનાં સાફ ઈમાનદાર વયક્તિત્વને જોઈને બોલી... વગર મિત્રતાએ તમે અત્યાર સુધી મિત્ર જેવું જ તો વર્તન કર્યું છે... તમારા જેવો મિત્ર તો નસીબદાર વ્યક્તિને જ મળી શકે...

દાનીશ ! હું તમારી મિત્રતાનો સ્વીકાર કરું છું અને આજીવન એક સાચા મિત્ર તરીકે તમારી સાથે ઊભી રહીશ... અને આ મિત્રતાનાં હકકે જ તમારા માટે ખૂબ સરસ છોકરી પણ શોધીશ...

દાનીશ રહેમતની વાત સાંભળીને પાછો ખડખડાટ હસવા માંડ્યો... અને બોલ્યો... લાગે છે તમે બંને જણાં મારા લગ્ન કરાવીને જ જંપશો...

સુમીત ઊભો થઈને દાનીશની પીઠ ઉપર ધબ્બો મારતા બોલ્યો.... તો આજથી રહેમતબેન મારી સાથે-સાથે તારા પણ મિત્ર બની ગયા... હવેથી આપણે બિઝનેસ પાર્ટનર પછી અને મિત્રો પહેલા..... બરાબરને દાનીશ...

દાનીશ ઊભો થઈને એટલી જ જોરથી સુમિતની પીઠ ઉપર ધબ્બો મારીને બોલ્યો... એબ્સોલ્યુટલી રાઇટ.... સુમીત....

આ જોઈને રહેમત જોર-જોરથી હસવા માંડી... અને બોલી... સુમીતભાઈ ! હવે ચાલો... છોકરાંઓ સ્કૂલેથી આવી ગયા હશે અને આપાને હેરાન કરતાં હશે... એક તો એમની તબીયતેય સારી નથી... કહીને રહેમત જવા માટે ઊભી થઈ.

દાનીશ બોલ્યો... હવે બીજીવાર આવો ત્યારે અફસાનાને ચોક્કસ લઈને આવજો...

ભલે, લઈને આવીશ કહીને રહેમત અને સુમીત પોતાનાં ગામે જવા રવાના થયા.

***

Share

NEW REALESED