વન્સ અપોન અ ટાઈમ - 138

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 138

આવકવેરા ખાતા દ્વારા દાઉદ ઈબ્રાહિમની જે પ્રોપર્ટીઝ જપ્ત કરવામાં આવી હતી. એમાંથી મોટાભાગની પ્રોપર્ટી દક્ષિણ મુંબઈમાં હતી. એમાં માત્ર બે જ પ્રોપર્ટીની કિંમત 103 કરોડ રૂપિયા થતી હતી. આવકવેરા ખાતાએ જોગેશ્વરીમાં દીવાન શોપિંગ સેન્ટરની ‘એ’ વિંગ અને ચોપાટી વિસ્તારમાં ‘મહેર હાઉસ’ (બૉમ્બે ગેરેજ) જપ્ત કર્યા હતાં એની કિંમત અનુક્રમે રૂપિયા 21 કરોડ અને રૂપિયા 82 કરોડ આંકવામાં આવી હતી. જોકે એ બંને મોટી પ્રોપર્ટી જપ્ત થયા પછી એ પ્રોપર્ટીના નવા માલિકો કોર્ટમાં ધસી ગયા હતા અને તેમણે ધા નાખી હતી કે આ તો અમારી પ્રોપર્ટી છે, આવકવેરા ખાતાને એનું લિલામ કરતા અટકાવો!’

‘’મહેર હાઉસ’ અને દીવાન શોપિંગ સેન્ટરની માલિકીને મુદ્દે કોર્ટમાં અરજી થઈ એટલે આવકવેરા ખાતાએ દાઉદની અન્ય પ્રોપર્ટીની લિલામીની પ્રક્રિયા શરૂ કરી. દાઉદની જપ્ત થયેલી પ્રોપર્ટીઝની કિંમત રૂપિયા 22 કરોડ જેટલી થતી હતી.

આવકવેરા ખાતાએ દાઉદની જે 21 પ્રોપર્ટીઝની લિલામીની પ્રક્રિયા શરૂ કરી હતી એમાં મઝગાંવ વિસ્તારની બેકર લેનમાં 13 હજાર, 43 સ્કેવર ફીટની, રૂપિયા 1 કરોડ પાંચ લાખની કિંમતની ‘મોહમ્મદભાઈ મેન્શન’ ઈમારત, નાગપાડા વિસ્તારમાં 6992 સ્કેવર ફીટ બાંધકામવાળી રૂપિયા 1 કરોડ, બે લાખની કિંમતની ‘પારકર મેન્શન’ ઈમારત, બીબીજાન સ્ટ્રીટમાં, રૂપિયા 90 લાખની કિંમતની, 4109 સ્કેવર ફીટના બાંધકામવાળી ‘રાજગરા મેન્શન’ ઈમારત, યાકુબ સ્ટ્રીટમાં રૂપિયા 35 લાખની કિંમતની, 8595 સ્કેવરફીટ બાંધકામવાળી, ‘ડામરવાલા’ બિલ્ડિંગ તથા યાકુબ સ્ટ્રીટમાં જ રૂપિયા 35 લાખની કિંમતનું, 1610 સ્કેવર ફીટનું 24 નંબરનું મકાન તથા દાઉદ જ્યાં મોટો થયો હતો એ ટેમકર સ્ટ્રીટમાં 3792 સ્કેવર ફીટના બાંધકામવાળી, રૂપિયા 28 લાખની કિંમતની ‘ટેમકર’ બિલ્ડિંગ અને ટેમકર સ્ટ્રીટમાં જ રૂપિયા 40 લાખની કિંમતની, 2832 સ્કેવર ફૂટના બાંધકામવાળી ‘ઘાસવાલા’ બિલ્ડિંગ વગેરે પ્રોપર્ટી મુખ્ય હતી.

આ ઉપરાંત આવકવેરા ખાતાએ દાઉદની અન્ય પ્રોપર્ટીઝની લિલામીની પ્રક્રિયા શરૂ કરી હતી એમાં પાકમોડિયા સ્ટ્રીટમાં 775 સ્કેવર ફીટની, રૂપિયા 6 લાખની કિંમતની ‘રોનક આફ્રોઝ’ હોટેલ, નાગપાડામાં રૂપિયા 25 લાખની કિંમતનું ‘ગરીબ નવાઝ’ ગેસ્ટહાઉસ અને તારદેવ વિસ્તારની જયરામભાઈ લેનની, રૂપિયા બેથી ત્રણ લાખની કિંમતની એક એવી, દસ દુકાનોનો સમાવેશ થતો હતો.

આવકવેરા ખાતાએ આ પ્રોપર્ટીઝની લિલામી માટે જાહેરાત કરીને સૌ પ્રથમવાર 2001ના જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં દાઉદની પ્રોપ્રર્ટીઝ લીલામ કરવાની હાથ ધરી. દક્ષિણ મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે ‘ડિપ્લોમેટ’ હોટેલમાં દાઉદની પ્રોપર્ટીઝની લિલામી માટે બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ, પણ દાઉદની પ્રોપર્ટીઝની હરાજીમાં સમ ખાવા પૂરતો પણ એકેય માઈનો લાલ આવ્યો નહીં! સરકારી અધિકારીઓ નિર્ધારિત સમય સુધી રાહ જોઈને છેવટે મોં વકાસીને રવાના થઈ ગયા. જોકે આવકવેરા ખાતાના અધિકારીઓએ એ વાત ન સ્વીકારી કે દાઉદ ઈબ્રાહિમના ડરને કારણે જ કોઈએ લીલામીમાં હાજર રહેવાની હિંમત કરી નહીં. એડિશનલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ સંજય પાત્રાએ પત્રકારોને કહ્યું કે દાઉદના ડરને કારણે કોઈ હરાજીમાં ભાગ લેવા આવ્યું એવું કહી ન શકાય, કારણ કે કોઈએ એવી ફરિયાદ અમને કરી નથી.

એ પછી વળી બે મહિના બાદ, 2001ના માર્ચ મહિનામાં આવકવેરા ખાતા દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે દાઉદની પ્રોપર્ટીઝની લિલામી માટે બીજો પ્રયાસ હાથ ધરાયો. એ વખતે છ વેપારીઓ હિંમત કરીને દાઉદની પ્રોપર્ટી હરાજીમાં ખરીદવા ડિપ્લોમેટ હોટેલમાં આવ્યા. એમાં શિવસેનાના દિલ્હી એકમની વિદ્યાર્થી પાંખના પ્રમુખ અજય શ્રીવાસ્તવે વધુ કિંમત બતાવીને દાઉદની એક પ્રોપર્ટી ખરીદી લીધી. જોકે એથી આવકવેરા ખાતાના એડિશનલ કમિશનર સંજય પાત્રા અને બીજા અધિકારીઓ કંઈ ખાસ રાજી થયા નહીં. કારણ કે દાઉદ પાસેથી રૂપિયા 45 કરોડ જેટલી રકમ વસૂલવાની હતી તેની સામે એક પ્રોપર્ટી વેચાઈ, જેની રૂપિયા અઢી લાખ આવકવેરા ખાતામાં હાથમાં આવ્યા!

શિવસેનાના દિલ્હી એકમની વિદ્યાર્થી પાંખના વડા અજય શ્રીવાસ્તવે તાડદેવની જયદેવભાઈ લેન વિસ્તારની એક દુકાન માટે રૂપિયા અઢી લાખની બોલી લગાવી અને તેમને એ દુકાન વેચી દેવાઈ. અજય શ્રીવાસ્તવે એ દુકાન માટે રૂપિયા અઢી લાખની બોલી લગાવી એ પછી કોઈ વધુ રકમ બોલવાવાળો આગળ આવ્યો જ નહીં એટલે શ્રીવાસ્તવને એ દુકાન પ્રથમ બોલીમાં જ મળી ગઈ.

પણ દાઉદની દુકાન ખરીદ્યા પછી અજય શ્રીવાસ્તવની હાલત કફોડી થઈ ગઈ. શ્રીવાસ્તવે પહેલા દિલ્હીમાં અને પછી ગાઝિયાબાદમાં પત્રકારોને કહ્યું કે ‘હું કંઈ દાઉદ-બાઉદથી ડરતો નથી. અઠવાડિયે હું મુંબઈ જઈને આવકવેરા ખાતા પાસેથી દાઉદની પ્રોપર્ટીનો કબજો લેવાનો છું.’

જો કે શ્રીવાસ્તવે જાહેરાત કરી એ જ દિવસે તેને ફોન પર ધમકી મળી કે, ‘દાઉદભાઈની પ્રોપર્ટીનો કબજો લેવા તું મુંબઈ જઈશ તો મુંબઈથી બહાર જીવતો નહીં નીકળી શકે અને અમે તારા ખાનદાનનો પણ સફાયો કરી નાખીશું.’

આવી ધમકીથી ગભરાઈને અજય શ્રીવાસ્તવે તરત પોલીસ રક્ષણ લઈ લીધું અને દાઉદની પ્રોપર્ટીનો કબજો લેવા માટે મુંબઈ જવાનો વિચાર પડતો મૂકી દીધો!’

(ક્રમશ:)

***

Rate & Review

vipul

vipul 16 hours ago

Mehul

Mehul 1 month ago

Karmata Jagdish

Karmata Jagdish 3 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 3 months ago

Jeet Lakhani

Jeet Lakhani 3 months ago