1 Pilot, 32 Pouranik siddhio books and stories free download online pdf in Gujarati

૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..!

૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..!

ગયા અઠવાડિયે આપણે ભારદ્વાજ ઋષિ રચિત વૈમાનિક શાસ્ત્રનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતાં અત્યાધુનિક એરોપ્લેનનો ઉલ્લેખ એ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, જેને ઇ.સ. ૧૮૭૫માં ગુજરાતનાં પ્રાચીન મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. વિમાનોની બનાવટથી માંડીને તેનાં અલગ-અલગ પ્રકારો, કદ, આકાર, દળ અંગેની માહિતી ઉપરાંત; એ સમયનાં પાઇલોટે વિમાન ઉડ્ડયન વખતે લેવી પડતી કેટલીક તાલીમ અને સિદ્ધિઓનું પણ એમાં વર્ણન છે. એવી ૩૨ પૌરાણિક સિદ્ધિઓ, જેને ધારણ કર્યા વિના વ્યક્તિ વિમાન ઉડાડવા યોગ્ય ન ગણાઈ શકે!

(૧) માંત્રિક : ‘મંત્રાધિકાર’ પ્રકરણમાં જણાવ્યાનુસાર; અભેદ્ય, અછેદ્ય અને અદાહ્ય વિમાનોનાં નિર્માણ માટે છિન્નમસ્તા, ભૈરવી, વેગિણી, સિદ્ધંબાનાં મંત્રોને જાગૃત કરવા પડે છે. જેનાં વડે વિમાનને દ્રશ્ય-અદ્રશ્ય કરી શકવાની ક્ષમતા કેળવી શકાય છે.

(૨) તાંત્રિક : મહામાયા જેવી અન્ય કેટલીક તાંત્રિક શક્તિઓનો ઉપયોગ કરી વિમાનમાં અમુક ખાસ પ્રકારની ઉર્જાનો સંચાર કરવા.

(૩) કૃતક : વિશ્વકર્મા, છાયાપુરૂષ, મન, માયા તથા વિવિધ સ્થપતિઓનો અભ્યાસ કરી જુદા-જુદા પ્રકારની બાંધણી ધરાવતાં વિમાન બનાવવા.

(૪) અંતરાલ : કુદરતી આફતો અથવા શત્રુ-વિમાન દ્વારા ઉભી કરવામાં આવેલી અડચણો સામે રક્ષણ પૂરું પાડવા તેમજ વિમાનને હવામાં થોડા સમય પૂરતું સ્થંભિત કરવા માટે.

(૫) ગૂઢ : સૂર્યનાં કિરણોથી બચીને અંધકાર પેદા કરી, વિમાનને અન્ય શત્રુ-વિમાનથી છુપાવી દેવા માટે.

(૬) દ્રશ્ય : ‘વિશ્વ ક્રિયાદર્પણ’ વડે પોતાનાં વિમાન જેવું જ બીજું આભાસી (છદ્મ) વિમાન ઉભું કરવા માટે.

(૭) અદ્રશ્ય : સૂર્યમાંથી અલૌકિક ઉર્જા મેળવી, ‘વિનર્થ્ય વિકર્ણ’ અને ‘બાલાહ વિકર્ણ’ શક્તિનો સંગમ કરાવવામાં આવે છે, જેનાં વડે પેદા થાય છે, એક શ્વેત રંગનું આવરણ! જે વિમાનને અદ્રશ્ય કરી આપે છે!

(૮) વિમુખ : અસંવેદનશીલતા અને મૂર્છાવસ્થા ઉત્પન્ન કરવા માટે.

(૯) પરોક્ષ : ‘મેઘોત્પત્તિ’ પ્રકરણમાં જણાવ્યા અનુસાર, ‘શક્ત્ય-આકર્ષણ દર્પણ’નાં ઉપયોગ વડે વાદળો ઉત્પન્ન કરવા માટે આ સિદ્ધિ મેળવવામાં આવે છે. જેનાં ઇસ્તેમાલથી દુશ્મન-વિમાનને દૂર રાખી શકવામાં મદદ મળે છે.

(૧૦) અપરોક્ષ : ‘શક્તિ-તંત્ર’ મુજબ, કોઇપણ અદ્રશ્ય વસ્તુઓને પાઇલોટ સમક્ષ દ્રશ્યમાન કરવા માટે.

(૧૧) વિરૂપકરેણ : ‘ધુમ્ર પ્રકરણ’માં થયેલા ઉલ્લેખ મુજબ, ‘વૈરૂપ્ય દર્પણ’ અને ‘પદ્મચક્ર’નાં ઉપયોગ વડે વિમાનનો આકાર બદલવા માટે.

(૧૨) રૂપાકર્ષણ : વિમાનની અંદર ઉભી કરવામાં આવેલી એક એવી તકનિક, જેનાં વડે દુશ્મન-વિમાનની અંદર ચાલી રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય છે.

(૧૩) સ્તબ્ધક : ‘સ્તંભનયંત્ર’નો ઉપયોગ કરી દુશ્મનો પર ખાસ પ્રકારનો વાયુ છોડી એમને બેભાન કરવા માટે.

(૧૪) સંકોચન : વિમાનની ગતિ ખૂબ તેજ હોય એવા સમયે અચાનક આવી જનારી આપત્તિઓથી રક્ષણ મેળવવા તથા વિમાનને અત્યંત સૂક્ષ્મ (સંકુચિત) બનાવી દેવા માટે.

(૧૫) વિસ્તૃત : ‘આકાશ-તંત્ર’માં અપાયેલ વર્ણનો અનુસાર, વાવાઝોડા અથવા તેજ પવનથી વિમાનનું રક્ષણ કરવા માટે.

(૧૬) સુરૂપ : ‘કારક પ્રકરણ’ અનુસાર, ૧૩ પ્રકારનાં કારક-બળનો ઉપયોગ કરી પ્રેક્ષક સામે સોના-રૂપાનાં દાગીનાથી લદાયેલ, રૂપ-રૂપનાં અંબાર જેવી અપ્સરાનો ભ્રમ ઉભો કરવા માટે.

(૧૭) જ્યોર્તિભાવ : ‘અંશુબોધિણી’ વિભાગનાં વર્ણનો મુજબ, વિમાનમાંથી સૂર્ય જેટલા અતિ તેજસ્વી કિરણોનો પ્રાદુર્ભાવ કરવા માટે.

(૧૮) તમોમય : ‘દર્પણ પ્રકરણ’ અનુસાર, વિમાનનાં કોઇ ભાગ પર સંપૂર્ણ અંધકાર પેદા કરવા માટે.

(૧૯) પ્રલય : પાંચ પ્રકારનાં ધુમાડાઓનો સંગમ કરી મહાવિનાશક અસરો પેદા કરવા માટે વપરાતી આ સિદ્ધિનું વર્ણન ‘સદગર્ભ વિવેક’માં અપાયું છે.

(૨૦) તારા : તારાઓથી મઢેલા આકાશનો ભાસ ઉભો કરવા.

(૨૧) મહાશબ્દ વિમોહન : ‘શબ્દપ્રકાશિકા’ અનુસાર, મેઘગર્જના વડે દુશ્મનોને દિગ્મૂઢ કરી દેવા માટે.

(૨૨) લંઘન : હવાનાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવેશ કરતી વેળાએ વિમાનને ક્ષતિ ન પહોંચે એવા પ્રકારની આ સિદ્ધિનો ઉલ્લેખ ‘વાયુતત્વ પ્રકરણ’માં થયો છે.

(૨૩) ચાપ્લ : ૪૦૮૭ રિવોલ્યુશન પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન વડે શત્રુ-વિમાન પર હુમલો કરવા.

(૨૪) સર્વતોમુખ : દસેય દિશાઓમાંથી થનારા હુમલાઓથી રક્ષણ મેળવવા માટે પાઇલોટ સર્વતોમુખ સિદ્ધિનો પ્રયોગ કરી, પોતાનાં વિમાનને બધી દિશામાં ઝડપભેર ફેરવીને વળતો પ્રહાર કરી શકે છે.

(૨૫) પરશબ્દગ્રાહક : ‘સૌદામિની કલા’ અનુસાર, બે અલગ-અલગ વિમાનોમાં બેઠેલા પાઇલોટ વચ્ચે વાતચીત જળવાઈ રહે એ પ્રકારની સિદ્ધિ (કમ્યુનિકેશન ટેકનિક).

(૨૬) રૂપાંતર : સિંહ, વાઘ, સાપ, પર્વત, નદી વગેરે જેવા અલગ-અલગ આભાસી સ્વરૂપોનું આવરણ ઉભું કરી દુશ્મનોને ભ્રમિત કરવા માટે ‘તૈલ-પ્રકરણ’માં આ સિદ્ધિનું વર્ણન છે.

(૨૭) સર્પ-ગમન : સાપની માફક વિમાનને સર્પાકાર ગતિએ આગળ વધારવા માટે.

(૨૮) ક્રિયાગ્રહણ : ‘ત્રિ-શીર્ષ દર્પણ’અનુસાર, વિમાનનાં નીચેનાં ભાગે શ્વેતરંગી કાપડનું આવરણ ઉભું કરી, વિમાન નીચે ચાલતી પ્રવૃતિઓ પર નજર રાખવા માટે.

(૨૯) દિક્પ્રદર્શન : દુશ્મન-વિમાન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ જાણવા માટે.

(૩૦) આકાશ-આકાર : ‘આકાશ તંત્ર’ અનુસાર, ખાસ પ્રકારનાં રસાયણનો ઉપયોગ કરી, આકાશમાં ઉડી રહેલા વિમાનને અલગ તારવી ન શકાય એ માટેની ક્રિયા.

(૩૧) જલદરૂપ : રસાયણોનાં મિશ્રણને જલદરૂપ આપીને એનાં ધુમાડાંનો ઉપયોગ કરી વિમાનને વાદળોની વચ્ચે ઢાંકી દેવા.

(૩૨) કર્ષણ : એક અતિ-શક્તિશાળી સિદ્ધિ, જેનાં ઉપયોગ વડે પાઇલોટ પોતાનાં વિમાનની આજુબાજુ ઘેરો ઘાલીને ઉભેલા દુશ્મનોનાં વિમાનને ૮૭ ડિગ્રી સેલ્શિયસ તાપમાન ધરાવતી અગનજ્વાળા વડે ભસ્મિભૂત કરી શકવાની ક્ષમતા કેળવી લે છે.

આ તો થઈ વિમાન-ઉડ્ડયન પહેલા પાઇલોટે હાંસિલ કરવી પડતી ૩૨ અદ્ભુત સિદ્ધિઓની વાત! પરંતુ ઋષિ ભારદ્વાજ ફક્ત આટલું કહીને અટકી નથી ગયા! એમણે પોતાનાં પુસ્તકમાં હવાઈ-ઉડ્ડયન માટે ૭૦ અધિકૃત અને ૧૦ નિષ્ણાંત લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે, જેનાં વિશે પુરાતત્વશાસ્ત્રીઓ અને સંસ્કૃત-વિશેષજ્ઞો હજુ અજાણ છે! તદુપરાંત, એમણે વિમાનને લગતાં છ અલગ-અલગ વિષયો પર લખાયેલા પુસ્તકોનાં છ અજાણ્યા લેખકો વિશે પણ વૈમાનિક શાસ્ત્રમાં જણાવ્યું છે :

(૧) વિમાન ચંદ્રિકા : નારાયણમુનિ વ્યોમ

(૨) યાન-મંત્ર : શૌનક

(૩) યંત્ર-કલ્પ : ગર્ગ

(૪) યાન-બિંદુ : વચસ્પતિ

(૫) ખેતયાન પ્રદીપિકા : ચક્રયાણિ

(૬) વ્યોમયાનર્ક પ્રકાશ : દુંદિનાથ

પુરાતત્વશાસ્ત્રીઓને વૈમાનિક શાસ્ત્ર ૧૮૭૫માં મળ્યું, પરંતુ ઉપરોક્ત છ ગ્રંથ વિશે તેઓ સાવ અંધારામાં છે. આમ છતાં સંશોધકોને આશા છે કે, કદાચ કોઇક દિવસ આમાંથી એકાદ ગ્રંથ મળી આવશે ત્યારે મોડર્ન એરોનોટિક્સમાં ધરમૂળ પરિવર્તન જોવા મળવાની સંભાવના છે! અલબત્ત, બ્રિટિશ-કાળ દરમિયાન ઘણા બધા સંસ્કૃત પૌરાણિક ગ્રંથો બળીને ખાખ થઈ ગયા, અથવા ચોરાઈ ગયા. છ ગ્રંથો એકીસાથે હાથ લાગવાની શક્યતા હાલપૂરતી ઓછી છે.

વૈમાનિક શાસ્ત્રને આજનાં મોડર્ન-યુગ સુધી પહોંચાડવા માટે ‘એરોનોટિકલ રિસર્ચ ડેવલપમેન્ટ બોર્ડ’ દ્વારા ‘અકેડમી ઓફ સંસ્કૃત રિસર્ચ’ હેઠળ એક વર્ષનો ખાસ કોર્ષ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં વૈમાનિક શાસ્ત્ર પર પુનઃઅભ્યાસ હાથ ધરાયો. ઘણા પ્રયોગો બાદ, ‘બનારસ હિંદુ યુનિવર્સિટી’નાં પ્રોફેસર ડોન્ગ્રેએ કાચનાં ગુણધર્મો ધરાવતું એક એવું મટીરિયલ વિકસાવ્યું, જેને રડારની રેન્જમાં પકડી ન શકાયું! ખાસ વાત એ છે કે, આવા પ્રકારની તકનિકનો ઉલ્લેખ વૈમાનિક શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે.

આવતાં અઠવાડિયે કથાસરિત સાગર, કૌટિલ્યનાં અર્થશાસ્ત્ર, અને કાલિદાસ રચિત કુમારસંભવ જેવા મહાન ગ્રંથોમાં અપાયેલ આકાશી વર્ણનો અને રહસ્યમય વિમાનો વિશેની આપણી ચર્ચાને આગળ વધારીશું.. સ્ટે ટ્યુન્ડ!

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com