Mahekta Thor - 14 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૧૪

ભાગ - ૧૪

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના નિયત સ્થાન પર પહોંચે છે, એનો સામાન ત્યાં જ મળે છે, રતિમાનું નામ સાંભળી વ્યોમ વિચારે ચડે છે, હવે આગળ....)

રાત પડતા વ્યોમ ઊંઘી ગયો. હજુ તો સવારના પાંચ થયા હશે ત્યાં તો એના દરવાજા પર જોરજોરથી ટકોરા પડ્યા. વ્યોમ તો સફાળો ઉભો થઈ ગયો કે અત્યારે વળી કોણ ?

એણે દરવાજો ખોલ્યો, કરમાકાકા ને સાથે એક વૃદ્ધ માજી હતા. કરમાકાકા બોલ્યા,
"સાહેબ, મને થોડું ઇમરજન્સી જેવું લાગ્યું તો હું માજીને ના ન પાડી શક્યો."
વ્યોમ કઈ બોલે એ પહેલા તો સાથે આવેલા માજી જ બોલ્યા,
"એ સાયબ ! મારા રતનીયાને કઈક થઈ ગ્યું સે, કઈ ખાતોય નથી ને હલતોય નથી, માથું નાખીને પયડો રયો સે, અટાણે તો ઉલ્ટીની હરેરાટી થઈ સે. સાયબ તમે જોઈ દયો ને, ઈને હુ થયું હયસે..."

વ્યોમનો આ ગામનો પહેલો દર્દી. એ પણ પાંચ વાગ્યામાં. વ્યોમ તો અકળાઈ ગયો. અત્યારમાં કઈ કેસ લેવાના હોય. એ બોલ્યો,

" દસ વાગ્યે હોસ્પિટલ આવજો એને લઈને, અત્યારે મને સુવા દો...." ને એણે દરવાજો બંધ કરી દીધો.

સવારે નવ વાગ્યે વ્યોમ ઉઠ્યો. ફ્રેશ થઈ નીચે ઉતરી એણે બુમ પાડી...

"કરમદાસ..."

કરમદાસ હાજર થયા. વ્યોમ બોલ્યો,

"ચા નાસ્તાની કંઈ વ્યવસ્થા થઈ શકશે અહીં, ને બની શકે તો કોઈ મહારાજ રાખી લો જે મને રોજ ત્રણ ટાઈમ જમવાનું બનાવી દે..."

કરમદાસ બોલ્યા,

"સાહેબ, અહીં કોઈ મહારાજ મળવો મુશ્કેલ છે પણ તમે ચિંતા ન કરો તમારા જમવાની વ્યવસ્થા થઈ જશે. અહીં જે કોઈ આવે એમની રસોઈ રતીમાની ઘરેથી જ આવે છે, એટલે એ સમયસર આવી જશે, સવારની ચા પણ આવી હતી સાત વાગ્યામાં, પણ તમે સુતા હતા તો કાળુ પાછી લઈ ગયો. ચાલો હમણાં ફરી મંગાવું છું."
કહી કરમદાસ બહાર ગયા, થોડી વાર પછી આવ્યા. વ્યોમ ટીપોઈ પર પગ ચડાવી ખુરશી પર બેઠો હતો. કરમદાસ હળવેકથી બોલ્યા,

"સાહેબ, એક વાત કહું, આજે પેલી ડોશી બિચારી તમારી પાસે બહુ આશા લઈને આવી હતી."

વ્યોમને સવારનો કિસ્સો યાદ આવતા બોલ્યો,
"અરે હા, કરમદાસ હવે આટલી વહેલી સવારે મને ક્યારેય ઉઠાડવો નહિ, ઇમર્જન્સી હોય તો જ, ને એ પણ આવી ઇમર્જન્સી નહિ, કોઈના મોતનો સવાલ હોય તો જ.."

કરમદાસે ખાલી માથું હલાવ્યું. એટલામાં કાળુ ચા ને નાસ્તો લઈને આવ્યો. વ્યોમ કાળુને જોઈ બોલ્યો,

"એય તે દિવસ માટે સોરી. સામાન તો મારો અહીં પહોંચી ગયો હતો. તને ખોટો રડાવ્યો. હાલ હવે દોસ્તી કરી લે મારી. તારે મને ગામ બતાવવાનું છે."

પેલો નિર્દોષ છોકરો સીધો બધું ભૂલી પણ ગયો. ને બોલ્યો,

"હા હો, ગામનો પાણે પાણો મની ઓરખે, હાઈલ કિયા લઈ જાવ. ઓલી હાત પીપરીએ કોઈ જાતુ નત પણ હું તો જાવ સુ. મની બીક નો લાગે કોયદી. ને નદીમાં નાવા તો કાયમ જાવ. હાલ તનીય લઈ જાવ."

વ્યોમ કહે, "અત્યારે તો હોસ્પિટલ જાઉં છું, પછી આવીશ.."
એમ કહી વ્યોમ કરસનદાસ સાથે બહાર નીકળ્યો.

વ્યોમનો નવી નોકરીનો પહેલો દિવસ. વ્યોમની હોસ્પિટલની વ્યાખ્યામાં ક્યાંય બંધ ન બેસે એવા બે ઓરડાના બાંધકામ પાસે કરમદાસ આવીને ઊભા અને બોલ્યા,
"લ્યો સાહેબ આ તમારું દવાખાનું."

વ્યોમ તો સડક થઈ ગયો, અહીં એને નોકરી કરવાની હતી. એણે તો વિચાર્યું પણ ન હતું કે આ પરિસ્થિતિમાં પોતાને ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવી પડશે. કરમદાસે દરવાજો ખોલ્યો. એક ઓરડામાં બે ટેબલ, છ-સાત ખુરશીઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી, ચોખ્ખાઈ પણ સારી હતી, ઘણા સમયથી કોઈ ડૉક્ટર અહીં આવ્યો નહિ હોય એવું લાગ્યું, દવાઓ કે બીજી કોઈ વસ્તુ ત્યાં ન હતી. વ્યોમે પૂછ્યું,

"મારે દવાઓને વગેરે જોઈશે, હું લખી દઉં છું તમે શહેરથી મંગાવી દેજો. બીજી પણ જે જે વસ્તુ જોઈએ તે બધી પહોંચતી કરજો."

સાંજ સુધીમાં બધું આવી ગયું, વ્યોમે બધું વ્યવસ્થિત ગોઠવ્યું. કરસનદાસ પટ્ટાવાળાને બોલાવીને લાવ્યા. છગનો પટ્ટાવાળો કમ ડૉક્ટર હતો. અડધી સારવાર તો એ કરી શકતો દર્દીની. સાંજ થતા બધું બરાબર પતી ગયું પછી વ્યોમને સવારે આવેલો દર્દી યાદ આવ્યો. એણે કરસનદાસને પૂછ્યું,
"સવારે તમે લઈને આવ્યા હતા એ દર્દીનું શુ થયું."

ત્યાંતો છગન બોલ્યો,
"એ કેસ તો મેં પતાવીય દીધો, કઈ બોવ હતું નહીં, દવા મારે ઘરે પડી હતી તો આપીને રવાના પણ કરી દીધા. અત્યારે તો સારું પણ થઈ ગયું હયશે રતનીયાને..."

વ્યોમની સમજની બહાર હતા આ લોકો. રાત પડી એટલે વ્યોમ ઘરે ગયો. જો કે એના માટે તો ઘર ન હતું. જમીને એ સીધો સુઈ રહ્યો. કદાચ પહેલી વખત એને આટલી સરસ ઊંઘ આવી હશે.

સવારે મોડે સુધી ઊંઘવાની ટેવ વ્યોમને હતી. એ મોડો ઉઠી દવાખાને પહોંચ્યો ત્યાં તો દર્દીઓની લાઈન લાગી હતી. કોઈ તો ખાલી જોવા જ આવ્યું હતું કે નવા ડૉકટર કેવા છે. વ્યોમ છગન પર તાડુકયો કે,
"આ બધું શું છે આટલા બધા લોકો કેમ છે અહીં, દર્દી સિવાયના લોકોને ઘરભેગા કર તો.."

ગામડાના ભોળા લોકો આવા વર્તન માટે ટેવાયેલા ન હતા, એમને તો આશ્ચર્ય થયું કે ડૉકટર થઈને આવું કઈ રીતે કરી શકે.

(વ્યોમ નવી જગ્યાએ કઈ રીતે અનુકૂળ થશે.... વધુ વાત આવતા ભાગમાં....)

© હિના દાસા