Maro Shu Vaank - 32 - Last Part books and stories free download online pdf in Gujarati

મારો શું વાંક ? - 32 - છેલ્લો ભાગ

મારો શું વાંક ?

પ્રકરણ - 32

લગભગ રાતનાં દસેક વાગે ચિઠ્ઠી હાથમાં સાથે લઈને રહેમતે જાવેદનાં રૂમનો દરવાજો ખખડાવ્યો. જાવેદે દરવાજો ખોલ્યો અને રહેમતને જોઈને બોલ્યો.... બોલ બેટા ! કાઇં કામ છે?

રહેમત દરવાજો ખૂલતાની સાથે રૂમમાં દાખલ થઈ ગઈ અને બોલી... ભાઈ ! આપા ! મને બોવ એકલું-એકલું લાગે છે... તો આજે આપા તમારી સાથે સૂઈ જાઉં?

શબાના એને પલંગ ઉપર બેસાડીને માથે હાથ ફેરવીને બોલી... મારી નાનકી તો કોઈ દી મોટી જ નથી થાતી... આટલી નાની વાતમાં પૂછવાનું હોય? તારે તો હકથી ફક્ત હુકમ જ કરી દેવાનો કે.... આપા... મારે તમારા સાથે સૂવું છે.

જાવેદ શેતરંજી લઈને નીચે પાથરવા લાગ્યો અને બોલ્યો.. તમે બેય બેનું ઉપર સૂઈ જાવ, હું અહીં નીચે સૂઈ જાઉં છું. જાવેદે રહેમતનાં કપાળે હાથ મૂકીને ચેક કરી જોયું કે એને તાવ તો નથી ને... આ જોઈને રહેમત હસી પડી અને બોલી... શું ભાઈ તમેય તે.... હવે આટલી બધી ચિંતા ના કરો... હું હવે ઘણી મોટી થઈ ગઈ છું... આવા લાડ નાના છોકરાંવને કરાય.

જાવેદ રહેમતનાં માથે હળવી ટાપલી મારીને બોલ્યો... તો તું મારુ નાનું છોકરું જ તો છે. ચાલો , હવે સૂઈ જાઓ... હું લાઇટ બંધ કરી દઉં...

રહેમતે પોતાનાં હાથમાં રહેલી ચિઠ્ઠીને જાવેદ જોવે એ રીતે ટેબલ ઉપર મૂકી...

ચિઠ્ઠી વિશે જાવેદને રહેમતને પૂછવાનું મન થઈ ગયું પણ રહેમત આરામ કરે એ માટે જાવેદે પૂછવાનું માંડી વાળ્યું અને વિચાર્યું કે સવારે રહેમત ઊઠશે ત્યારે પૂછી લઇશ... એમ વિચારીને લાઇટ બંધ કરી દીધી.

રાતનાં ત્રણેક વાગે રહેમત જરાક મોટા અવાજે બોલી... આપા ! મને છાતીમાં બોવ દુખે છે... બસ એટલો જ રહેમતનો અવાજ નીકળ્યો.

રહેમતનો અવાજ સાંભળીને શબાના તરત જ ઉઠી ગઈ અને જોરથી જાવેદને બૂમ પાડી... એય ઉઠો.... રહેમતની તબિયત ખરાબ થઈ ગઈ છે.

શબાનાનો અવાજ સાંભળીને જાવેદ હાંફળો-ફાંફળો ઊભો થઈને લાઇટ ચાલુ કરવા જતાં ખુરશી પગમાં આવતા જોરથી પટકાયો. પાછો ઊભો થઈને ફટાફટ લાઇટ ચાલુ કરી.

રહેમત સાવ નિશ્ચેતન અવસ્થામાં પલંગ ઉપર પડી હતી... જાવેદે જોરથી આદમને બૂમ પાડી અને બેગમાં ફટાફટ પૈસા નાખવા માંડ્યા... સામે ટેબલ ઉપર પડેલી ચિઠ્ઠી પણ બેગમાં નાખી દીધી અને બેગ શબાનાને આપી દીધી અને બોલ્યો.... શબાના ફટાફટ બધાને લઈને નીચે આવ ... રહેમતને હોસ્પિટલ લઈ જાવી પડશે.

જાવેદ રહેમતને ઊંચકીને રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં તો આખો પરિવાર ત્યાં આવી ગયો...

આદમ ! ફટાફટ ગાડી કાઢ... ભાગતા પગલે રહેમતને લઈને જાવેદ સીડીઓ ઉતરવા માંડ્યો. રાશીદ અને આસિફા રહેમતને આમ જોઈને સાવ પડી ભાંગ્યા હતા.

રહેમતને પ્રાઈવેટ હોસ્પિટલમાં સીધી જ આઈ. સી. યુ. માં લઈ જવામાં આવી. આખો પરિવાર હોસ્પિટલ પહોંચી ગયો હતો. દાનીશને ખબર મળતા એ પણ તાબડતોબ હોસ્પિટલ પહોંચી ગયો.

ડોક્ટર્સની ટીમ દ્વારા તાત્કાલિક રહેમતનાં હ્રદયની રિધમને પાછી મેળવવા તેનાં હ્રદયને ઇલેક્ટ્રીક શોક અને એક્સટર્નલ કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યો પણ રહેમત તરફથી કોઈપણ પ્રકારની ઇમ્પૃવમેંટ નહોતી.

લગભગ પંદરેક મિનિટ સુધી રહેમતને બચાવવાના ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા પણ ડોક્ટરોને એમાં નિષ્ફળતા મળી... રહેમતને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

રૂમની બહાર આવીને ડોક્ટરે રહેમતનાં પરિવારને જણાવ્યું કે પેશન્ટને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો... જેને કારણે તાત્કાલિક તેમનું હ્રદય બંધ પડી ગયું... અમે એમને બચાવવા ખૂબ પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી... ભારે અવાજે ડોક્ટર બોલ્યા... સોરી... અમે એમને બચાવી ના શક્યા.... પેશન્ટનું મૃત્યું થઈ ગયું છે.

આ સાંભળીને જાવેદ અને આખા પરિવાર નીચેથી જાણેકે જમીન ખસકી ગઈ હોય એવો બધાને આંચકો લાગ્યો.

થોડીવાર પહેલા જીવતી-જાગતી રહેમત અચાનક મોતની ગોદમાં સમાઈ ગઈ... છૂપા પગલે બધાને હાથતાળી આપીને મોત રહેમતને લઈ ગયું.

કોઈ એકબીજાને હાથ પકડીને સંભાળે એવી એકેયની પરિસ્થિતી નહોતી. આદમ અને અફસાના તો આ સાંભળીને અવાચક જ થઈ ગયા તા કે એમની માં ને આ શું થઈ ગયું? આટલી નાની ઉંમરમાં એમની માં ને કાર્ડિયાક અરેસ્ટ કઈ રીતે આવી ગયો?

આખરે ડોક્ટરે એમને ડેડબોડી લઈ જવા કહ્યું... ડેડબોડી એવો શબ્દ સાંભળીને રાશીદ, આસિફા અને જાવેદનું મગજ તમ્મર મારી ગયું કે અમારી દીકરી આટલીવારમાં ડેડબોડી કઈ રીતે બની ગઈ!!

દાનીશે હિમ્મત રાખીને બધાને સંભાળ્યા અને રહેમતને ઘરે લઈ જવાની તૈયારી કરવા માંડી... ત્યાં જ જાવેદ બોલ્યો... રહેમતની દફનવિધિ આપણાં ગામડે આપણાં ઘરેથી જ થશે... સીધી હોસ્પિટલથી જ રહેમતને એમ્બ્યુલેન્સમાં ગામડે એનાં ઘરે લઈ જવામાં આવી.

લગભગ સવારનાં અગિયારેક વાગે રહેમતને લઈને એ લોકો ગામડે પહોંચ્યા. આખું ગામ હીબકે ચડ્યું તું... બધા રહેમતનાં ઘર આગળ જમા થઈ ગયા તા.... આખરે હતી તો એ ગામની જ દીકરી.... શકુરમિયાંની દીકરી... ઇરફાનને જાણ કરી દેતા એ પણ એમનાં સાથે જ ગામડે પહોંચી ગયો હતો અને ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગયો હતો કે આમ આટલી નાની ઉંમરમાં રહેમતને કાર્ડિયાક અરેસ્ટ કઈ રીતે આવી ગયો!!

બપોરની નમાઝ પછી રહેમતની દફનવિધિ રાખવામા આવી હતી... કોઈ મોટી હસ્તી ગુજરી ગઈ હોય અને ભીડ જામી હોય એમ રહેમતનાં જનાઝામાં દરેક ધર્મનાં લોકો શરીક થયા હતા.. કારણકે રહેમતે કામ જ એવું કર્યું હતું... ગામમાંથી બાળલગ્ન બંધ કરાવવાનો શ્રેય ફક્ત અને ફક્ત રહેમતને જ જતો હતો.... ગામનું બચ્ચે-બચ્ચું રહેમતને ઓળખતું હતું.

રહેમતની ઇચ્છા મુજબ જ શકુરમિયાં અને જિન્નતબાનુંની બાજુમાં જ રહેમતને દફન કરવામાં આવી... ભરી જુવાનીમાં શકુરમિયાંની દીકરી એની બધી જ જિમ્મેદારીઓ નિભાવીને એમની પાસે આવીને દુનિયાથી સદાકાળની વિદાઇ લઈને કાયમ માટે સૂઈ ગઈ.

ઘરે આવીને આખો પરિવાર સૂનમૂન બેઠો હતો... ત્યાં જાવેદને રહેમતે ટેબલ ઉપર રાખેલી ચિઠ્ઠી યાદ આવી ગઈ... તરત એણે બેગમાંથી ચિઠ્ઠી કાઢી અને આદમને વાંચવા આપી..

આદમે હીબકાં ભરતાં-ભરતાં આખી ચિઠ્ઠી વાંચી.. રહેમતની લખેલી ચિઠ્ઠી સાંભળીને આખો પરિવાર અને સુમિત થોડીકવાર માટે જાણેકે હ્રદયનો થડકાર ચૂકી ગયા.... અને આંખોમાંથી વહેતા આંસુઓને રોકી ના શક્યા.

ઈરફાન વિચારમાં પડી ગયો કે.... રહેમત કઈ માટીમાંથી બનેલી હતી કે જતાં- જતાં પણ મારા જેવા ગુનેગારને માફ કરતી ગઈ . પહેલીવાર રહેમતનાં ગયા પછી ઇરફાનને એનાં માટે એક અજબ પ્રકારની લાગણીનો ભાવ જાગ્યો અને લાગણી જાણેકે આંસુરૂપે તેની આંખોમાંથી વહેવા લાગી.

રહેમતને ગયે એક મહિનો વીતી ગયો હતો. રાશીદ,

આસિફા , જાવેદ અને શબાના એ ચારેય હવે ગામડે જ રહેતા હતા.

રોજ સવારે રાશીદ અને આસિફા ફૂલની ચાદર લઈને રહેમતની કબર પાસે જતાં... આસિફા કબ્રસ્તાનની બહાર બેસીને સતત રહેમત માટે દુવા જ માંગતી રહેતી.. જ્યારે રાશીદ ધીરે-ધીરે ફૂલની ચાદર કબર ઉપર ચડાવીને કબર ઉપર હાથ ફેરવતો કલાકો સુધી ત્યાં જ બેસી રહેતો...

જાવેદ દિવસમાં લગભગ બે વખત રહેમતની કબરે આવીને ફૂલ ચડાવતો અને એ પણ કલાકો સુધી એની આગળ રાશીદની જેમ એમ ને એમ બેસી રહેતો... રહેમત ફક્ત શરીરથી તેમનાં બધાથી દૂર હતી પણ એની યાદ પડછાયારૂપે આખા પરિવારની સાથે હમેશાં રહેતી.

આદમ અને જાવેદનાં બેય છોકરાંઓ દર બીજા દિવસે રહેમત અને તેમનાં દાદા-દાદીની કબરે આવતા અને સતત દુવા કરતાં રહેતા.

અફસાના દાનીશની સાથે દર અઠવાડિયે રહેમત પાસે આવતી અને આસિફાની સાથે કબ્રસ્તાન બહાર બેસીને પોતાની માં માટે દુવા કરતી રહેતી. દાનિશ જ્યારે પણ આવતો ત્યારે રહેમતની કબરને સાફ કરતો.. નવા તાજા ગુલાબનાં ફૂલ ચડાવતો અને એક –બે કલાક સુધી પોતાની મિત્ર સામે ચૂપચાપ બેસી રહેતો.

ઈરફાન પંદર દિવસે એક વખત ત્રણ ફૂલની ચાદર લઈને આવતો.. જે પોતાનાં અબ્બા-અમ્મા અને રહેમતને ચડાવતો.. રહેમતની કબર ઉપર હાથ રાખીને એ એકધારો એની કબરને જોઈ રહેતો... જાણેકે આજુબાજુની હવા રહેમતનાં અવાજમાં ઇરફાનને પૂછી રહી હોય કે.... પણ ઈરફાન ! આ બધામાં મારો શું વાંક હતો? કેમ મારા એકલીનાં નસીબમાં જ આ બધુ ભોગવવાનું આવ્યું? અને એ અવાજ ઇરફાનને જાણેકે અંદરથી તોડી મૂકતો હતો..

ત્યાં વળી ઝાડ ઉપર બોલતી કોયલનાં મીઠા અવાજમાં રહેમત જાણે કે ખીજાઈને કહી રહી હોય કે.... ઈરફાન ! મેં તમને સાચા દિલથી માફ કરી દીધા છે... હવે કેટલીક વાર કહું.... એવા અવાજનો ભાસ ઇરફાનને થયો અને તેનાં ચહેરા ઉપર હલકું સ્મિત આવી ગયું.

રહેમતની કબર ઉપર હાથ ફેરવીને અને એ ત્રણેય માટે ખૂબ દુવા કરીને ઈરફાન જાણેકે હ્રદયનો ભાર ઓછો થયો હોય એમ હળવા હ્રદય સાથે કબ્રસ્તાનની બાહર નીકળી ગયો.

સમાપ્ત

Reshma Kazi

AHMEDABAD