Smile books and stories free download online pdf in Gujarati

સ્માઈલ

આજે સન્ડે હોવાથી ફેમિલી સાથે પિક્ચર જોવાનો પ્રોગ્રામ ઘડાયો.ક્યું જોવા જવું એ બાબત પર અલગ - અલગ મત હતા. અમારે બંને જણને "હેલ્લારો" જોવું હતું. પણ બાળકોને "તાનાજી" ને એ પણ 3d માં જોવું હતું. આખરે "તાનાજી" પર સિક્કો લાગ્યો. છોકરાઓના રાજીપે આપણો રાજીપો. ભાવનગર top three સિનેમા માં જવાનું હતું. સાંજ નો શૉ હતો. થોડા વહેલા જઈશું એટલે ટિકિટબારી પર જ ટિકિટ મળી જશે એવા ભરોસા ને લીધે pay tm app હોવા છતાં ઓનલાઇન બુકિંગ ન કરાવ્યું. ઓન લાઈન બુકિંગનો એકવારનો કડવો અનુભવ પણ થયો હતો.ઓન લાઈન ખરીદીમાં પણ ઘણી વખત આવું થાય છે.

શૉ નાં ટાઈમથી બે કલાક વહેલા ઉપડી ગયા. કેમકે સિહોર થી ભાવનગર પહોંચવામાં એક કલાક અને એકાદ કલાક વહેલા જઈએ તો ટીકીટ આસાનીથી મળી જાય. એમ વિચારેલું.

આજે મને થોડી ઉધરસ ની અસર હતી. ઠંડીના દિવસો છે. મેં વિચાર્યું, " થિયેટરમાં કદાચ એસી ચાલુ હોય ને મને ઉધરસ આવવાનું ચાલુ થાય તો બીજાને પણ તકલીફ પડે. એટલે રસ્તામાં ક્યાંક મેડિકલ સ્ટોર આવે ત્યાંથી વિક્સની cough drops લઈ લવ. કદાચ ઉધરસ આવે તો મોઢામાં મૂકી દેવાય."

રસ્તામાં એક મેડિકલ સ્ટોર આવ્યો. મેં ખિસ્સા ફંફોસ્યા છુટા પૈસા ના મળ્યા. સો ની નોટ આપી, દેવ ને મોકલ્યો. મેડિકલ સ્ટોર વાળા ભાઈ પાસે vicks cough drops તો ન હતી પણ તેના જેવી cofsils ચાર નંગ આપી. દેવે આવીને મને ટેબલેટ અને સોની નોટ આપી કહ્યું ,
"પપ્પા તે ભાઈએ પૈસા ના લીધા."

મેં કારનો વિન્ડો ગ્લાસ ઉતાર્યો. તેમનું ધ્યાન મારા તરફ જ હતું. મેં તેને આભારવશ સ્માઈલ આપી.

અમે થોડા વહેલા પહોંચી ગયા. ટિકિટ વિન્ડો પરથી ટિકિટ લીધી સાથે 3d ચશ્મા પણ લીધા. અમે બહાર લગાડેલા પોસ્ટર જોવા લાગ્યા ને ફિલ્મ વિશે પૂર્વધારણા બાંધવા લાગ્યા. પોસ્ટર પાસે ઊભા રહી સેલ્ફી પણ લીધી. લીધેલી સેલ્ફી જલ્દીથી whats app માં સેન્ડ કરી દીધી.આજે ફિલ્મ જોવા આવ્યા છીએ તેની જાણ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડી આત્મસંતોષ લીધો.

બેલ વાગ્યો, અમે અમારા સીટ નંબર જોઈ ગોઠવાઈ ગયા. અંધારું થયું. ફિલ્મ ચાલુ થઈ. શરૂઆતમાં જ ફાઈટિંગ નો સીન 3d માં જોરદાર ઇફેક્ટ આપતો હતો. તીર જાણે અમારા પર આવતા હોય તેવો ભાસ થતો હતો.

એટલામાં અમારી બાજુમાં બેઠેલા કપલમાં બહેનને ઉધરસ આવવા લાગી. બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું. તે બેન શરમિંદા બની ગયા. તેમણે ઉધરસ રોકવા પ્રયત્ન કર્યો. થોડીવાર ઉધરસ બંધ થઈ. પરંતુ ફરી ઉધરસનો જોરદાર હુમલો થયો. તે બહેન જોરદાર ઉધરસ ખાવા લાગ્યા. તેનો પતિ તેના તરફ અણગમાથી જોવા લાગ્યો. ને કહેવા લાગ્યો,

"મેં તને કહ્યું હતું કે પાણીની બોટલ લઇ લે પણ તારી આદત એવી ને કે તે ધરાર ના લીધી."

આમ કહી તે પગ પછાડતો નીચે પાણીની બોટલ લેવા દોડ્યો. આખા થીયેટરમાં પેલા બેનની ઉધરસ ને લીધે બધા ડિસ્ટર્બ થઈ રહ્યા હતા.

મેં ખિસ્સા માં રાખેલી cofsils કાઢી મારા હાથમાં મૂકી. અંધારામાં દેખાય તે માટે તેના પર મારા મોબાઈલની ફ્લેશલાઇટ મારી. કેસરી કલરની ટેબલેટ હાઈલાઈટ થઈ. મેં હાથ લંબાવ્યો. પેલા બેન ઉધરસ ખાતા ખાતા ટેબલેટ લઈ મોં મા મૂકી. મો માં મુક્તા જ તેમની ઉધરસ શમી ગઈ.

મોબાઈલની ફેશલાઈટ માં પેલા બહેનો ચહેરો દેખાતો હતો. તેણે મને સ્માઈલ આપી.

તેનો પતિદેવ પગ પછાડતો હાથમાં બીસ્લેરી ની બોટલ લઇ આવ્યો. બધા શાંતિથી ફિલ્મ નિહાળી રહ્યા હતા.

(સત્યઘટના પર આધારિત)
લેખક: અશોકસિંહ ટાંક ( ૧૩/૧/૨૦૨૦)