Mahekta Thor - 20 books and stories free download online pdf in Gujarati

મહેકતા થોર.. - ૨૦

ભાગ -૨૦

( આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને ખબર પડે છે કે વિરલના મૃત્યુનું કારણ તે પોતે છે. એ ફરી સોનગઢ જવાનું નક્કી કરે છે, હવે આગળ...)

પહેલા તો વિચાર આવ્યો કે વ્રતી પાસે જાઉં પણ પછી હિંમત ન ચાલી, ને કઈક તો અંદરના અહમેં પણ ના પાડી. વ્યોમ સીધો રુમ પર ગયો. કરમદાસે વ્યોમને આવતા જોયો એટલે સામે ગયા,

"અરે, સાહેબ સવારનો તમને શોધું છું ક્યાં જતા રહ્યા હતા એ પણ કહ્યા વગર."

વ્યોમ બોલ્યો,
"કઈ નહિ તાત્કાલિક કામ આવી પડ્યું હતું તો જવું પડ્યું, કામ પતી ગયું એટલે પાછો આવી ગયો."

વ્યોમ વધુ કઈ પણ બોલ્યા વગર જ દાદરો ચડી ગયો. સવારે દવાખાને પણ એને ચેન ન પડ્યું. અફસોસ તો નહીં પણ વ્રતી સાથે આંખ કેમ મેળવવી એ વાત એને કોરી ખાતી હતી. એને થયું કે કાશ આવું બન્યું જ ન હોત તો.... મેં એ દિવસે મિત્રોની વાત માની જ ન હોત તો...

જો ને તો ની મજબૂરી વચ્ચે અટવાયેલા આપણે હંમેશા મુંઝાયેલા જ રહીએ છીએ, કે જો આમ થયું હોત તો, અથવા આમ ન થયું હોત તો... આમ તો એ સારું તમારી કલ્પના તમને બરડ થતા રોકે છે.

વ્યોમ બરડ થતો અટકી ગયો એમ નહિ પણ પહેલી વખત એને પોતાના કામ માટે શરમ આવી. છતાં એ વ્રતીની માફી માંગવા જેટલો વિવેક તો દાખવી ન જ શક્યો.

દવાખાને વ્રતી જ સામેથી વ્યોમના ખબરઅંતર પૂછવા આવી. વ્રતી જાણતી હતી કે વ્યોમ આ વખતે વિરલવાળી વાત જાણીને જ આવ્યો હશે. છતાં એણે એ વાત પોતાના વર્તનમાં જરાય જણાવા ન દીધી. વ્રતીનું વર્તન તો પહેલા હતું એવું જ રહ્યું. વ્રતી બોલી,

"ડૉકટર સાહેબ બહુ વહેલા નવરા થઈ ગયા આજે તો, કાલના દેખાયા નથી તો થયું કે ખબરઅંતર પૂછી આવું. બધું બરાબર છે ને.."

વ્યોમ હજી તો હિંમત કરી બોલવા જતો હતો ત્યાં બહાર કોઈનો અવાજ સંભળાયો.
"એ સાયબ......."

ચીસ ત્યાં જ તરડાઈ ગઈ. વ્રતી દોડતી બહાર ગઈ. વ્યોમ તેની પાછળ ચાલતો ગયો. બહાર એક છોકરી ઉભી હતી. એના હાથમાં એક ખૂબ સુંદર ઘેટાનું બચ્ચું હતું. રૂના પોલ જેવું એકદમ સુંદર. કોઈ પૂછે એ પેલા તો છોકરી બોલી,

"રતીમા આ જોવોને આ મારા શિવલાને હુ થય ગ્યું, હાલતુંય નથ ને ખાતુય નથ."

વ્રતીએ આશાભરી આંખે વ્યોમ સામે જોયું. વ્યોમ બોલ્યો,

"No way...... હું કઈ ઢોરનો ડૉકટર થોડો છું. આને કોઈ ઢોરના ડૉકટર પાસે લઈ જાઓ હું થોડો આના માટે આવ્યો છું અહીં.... Made people.."

આમ બોલી વ્યોમ અંદર જતો રહ્યો. વ્યોમ પોતાના કામમાં લાગી ગયો. નવરો પડ્યો ત્યારે એને યાદ આવ્યું તો છગનને પૂછ્યું. છગન ઓલા ઘેટાનું શું થયું પછી. છગન થોડા અણગમા સાથે બોલ્યો,

"સાહેબ, રતીમા પાસેથી કોઈ પણ નિરાશ ન જાય, તમે ના પાડી એટલે એ એને પોતાના ઘરે લઈ ગયા..."

વ્યોમ થોડો શરમાયો, પણ કઈ બોલ્યો નહિ. કામ પતાવી વ્યોમ સીધો વ્રતીના ઘરે ગયો. વ્રતી પેલી છોકરીને સમજાવતી હતી,

"શીલું તને એક વાત કહું સાંભળ,
મહાભારતની કથા તો તે સાંભળી જ હશે ને. એમાં ખબર દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કર્યું હતું. તને ખબર દ્રૌપદી માધવને બોલાવતી હતી પણ માધવ આવતા ન હતા. ફરી બોલાવ્યા તો પણ ન આવ્યા. ખબર માધવ શા માટે ન હતા આવતા, કારણ કે દ્રૌપદી એક હાથે પોતાના વસ્ત્ર પકડીને બોલાવતી હતી. એણે બેય હાથ મદદ માટે લંબાવ્યા ત્યારે જ માધવ આવ્યા. એટલે આપણે પૂરેપૂરી રીતે ભગવાન પર આધાર રાખીએ ને સંપૂર્ણ રીતે તેના પર વિશ્વાસ મૂકીએ તો જ એ મદદ કરવા આવે. તું પણ ઈશ્વર પર સંપૂર્ણ શ્રદ્ધા રાખ. બધી શંકા છોડી દે એટલે તારા આ શિવલાને સારું થઈ જશે....."

વ્યોમ બહાર ઉભો ઉભો બધી વાત સાંભળતો હતો. વ્યોમની અંદર જવાની હિંમત જ ન ચાલી. એ ત્યાંથી જ પાછો વળી ગયો. સવારે કાળું આવ્યો ત્યારે ખબર લઈને આવ્યો કે શીલુંનું પેલું ઘેટાનું બચ્ચું મરી ગયું. ને એના દુઃખમાં શીલું પણ હવે કઈ ખાતી-પીતી નથી.

વ્યોમને આવું વર્તન ન સમજાયું. એણે કાળુનો પૂછ્યું અત્યારે એ છોકરી ક્યાં છે. તો કાળુએ કહ્યું કે રતીમાએ એને પોતાની ઘરે જ રાખી છે. વ્યોમ આ વખતે તો હિંમત કરીને ત્યાં ગયો જ.

શીલું એકદમ નિરાશ મોઢે બેઠી હતી. વ્યોમ વ્રતી પાસે ગયો ને બોલ્યો,
"આ લોકો તો કઈ દુનિયામાં જીવે છે એક બચ્ચા પાછળ કઈ મરી જવાતું હશે. આને કહો કે કંઈક જમી લે બાકી આ પણ......"

આગળ વ્યોમ બોલ્યો નહિ પણ વ્રતી એના કહેવાનો મતલબ સમજી ગઈ. એ બોલી,

"આ લોકો તમારી સમજની બહાર છે ડૉકટર સાહેબ. તમારા માટે જે એક ફક્ત પ્રાણી હતું એ આ છોકરી માટે એનું સર્વસ્વ હતું. અપેક્ષા વિનાના નિઃસ્વાર્થ સંબંધો તમને નહિ સમજાય. આ છોકરીએ એની લાગણીઓ એ બચ્ચામાં આરોપી હતી. જીવ તો જીવ છે ને ભલેને એ પ્રાણીનો હતો તોય પણ શીલું માટે તો એ એનું સ્વજન જ હતું. એ સમજશે પણ થોડી વાર લાગશે..."

વ્યોમ થોડો છોભીલો પડી ગયો. એ બોલ્યો,

"હું તો એમ કહું છું કે એને કઈક ખવડાવો નહિતર એ બીમાર પડશે...."

વ્રતી બોલી, "હા મારા પ્રયત્નો ચાલુ જ છે..."

હજી તો વ્યોમ ઉભો જ હતો ત્યાં સૃજનભાઈ પણ આવ્યા. વ્રતી સાથે આંખના ઈશારે એણે વાત જાણી લીધી કે હજુ શીલુંએ કઈ જમ્યું નથી. એ શીલું પાસે ગયા ને બોલ્યા,

"વ્રતી બેટા, હવે હું પણ થોડા દિવસનો મહેમાન, હું પણ આ શીલુંના શિવલા પાસે જઉ છું, આ શીલું કઈ ન ખાય તો હું પણ નથી ખાવાનો, ને હું રહ્યો હવે ઘરડો માણસ આમને આમ ભૂખ્યો કેટલા દિવસ જીવીશ..."

પેલી ભોળી છોકરી શીલું સફાળી ઉભી થઇ ગઇ ને બોલી,
"લે સજ્જનકાકા તમી ન ખાવ ઈ કઈ હાલે , રતીમા આમની કઈક હમજાવો તો..."
વ્રતી બોલી,
"તું જ સમજાવ મારાથી તો એ સમજશે નહિ..."

વ્રતી એક થાળી લઈ આવી. શિલુએ એક કોળિયો સૃજનભાઈને ખવડાવ્યો ને સૃજનભાઈએ પણ શિલુના મોઢામાં કોળિયો મુક્યો.....

કેટલો સરળ ને સહેલો હલ, ને લાગણીસભર સંબંધો. વ્યોમ માટે તો આ દુનિયા અલગ જ હતી. એકબીજા માટે આટલી ચિંતા, આટલી દરકાર માણસો કઈ રીતે કરી શકે અને એ પણ કોઈ જાતના સંબંધો વગર.....

પથ્થર ધીમે ધીમે પીગળતો હતો. વ્યોમ પોતે પણ જાણતો ન હતો પણ એની અંદર પણ કંઈક બદલાવ થતો હતો, પણ એનો કઠોર સ્વભાવ હજુ ભુક્કો થવાની રાહ જોતો બેઠો હતો જે ધીમે ધીમે થઈ રહ્યું હતું.......

(હજુ પણ વ્યોમમાં કઈ રીતે સંપૂર્ણ પરિવર્તન આવશે... વધુ વાત આવતા ભાગમાં...)

©હિના દાસા