Koriama Boudhatva - 2 books and stories free download online pdf in Gujarati

કોરિયામાં બૌદ્ધત્વ : અયોધ્યા, શ્રી રામ અને રાજકુમારી હ્વાંગ ઓકે! - 2

કોરિયન લોકો અયોધ્યાને શા માટે પૂજનીય ગણે છે?

(ભાગ-૨)

(ગતાંકથી ચાલુ)

કોરિયન વૈજ્ઞાનિકોએ ત્યાંની પૌરાણિક ગાથા પર જે રીસર્ચ હાથ ધર્યો, એમાં સામે આવ્યું કે ભારતની રાજકુમારીનાં દક્ષિણ કોરિયાનાં રાજકુમાર સાથેનાં વિવાહની વાત સો ટકા સાચી છે! ગિમ-હેનાં મકબરામાંથી લેવામાં આવેલા ડીએનએ નમૂનાની જાંચ બાદ આ હકીકત પરથી પડદો ઉઠ્યો. જાંચ દરમિયાન જે ડીએનએ સેમ્પલ મળ્યા એ ભારતનાં રાજવી ખાનદાનનાં હોવાનું માલુમ પડ્યું, આથી જ આજેપણ કિમ-હે પ્રદેશનાં લોકો અન્ય કોરિયન પ્રજાતિની સરખામણીએ પ્રમાણમાં વધુ સુંદર અને બુદ્ધિશાળી હોય છે! તદુપરાંત, જાપાન અને ચીનથી આવેલા કોરિયન લોકોની તુલનામાં તેમનું નાક ઘણું ઓછું ચપટું જોવા મળે છે.

ગયા અઠવાડિયે આપણે જોઇ ગયા કે કોરિયામાં અમુક ખાસ પ્રકારનાં પથ્થરો જોવા મળે છે જે ગમે એવા તોફાની દરિયાને પણ શાંત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ‘સેમ કુક યુસ’ પુસ્તકમાં અપાયેલા વર્ણન અનુસાર, રાજકુમારી હીઓ હ્વાંગ ઓકે જ્યારે અયોધ્યાથી કોરિયા આવી એ વખતે પોતાની સાથે એક પથ્થર લાવી હતી જેનામાં અશાંત જળને શાંત કરી શકવાની ચમત્કારિક પ્રકૃતિ મૌજૂદ હતી! આજની તારીખે પણ આવા પથ્થરો અયોધ્યા અને કોરિયા સિવાય બીજે ક્યાંય જોવા નથી મળતાં એ સત્ય છે. રામસેતુ-નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો એ આનું જ ઉદાહરણ છે! આ સિવાય અયોધ્યા સાથે પોતાનાં કેવા પ્રકારનાં સંબંધો હતાં એ જાણવા માટે કિમ-હે પ્રદેશનાં લોકોએ ખાસ્સું રીસર્ચ-વર્ક હાથ ધર્યુ જેમાં સાબિત થયું કે કાયા રાજ્ય (કિમ સુરોનું પોતાનું રાજ્ય)નું પ્રતિક અને અયોધ્યાનાં રાજવી પરિવારનું (બે માછલી એકબીજાને ચુંબન આપી રહી હોય એવા પ્રકારનું) ચિહ્ન એ બંને દેખાવમાં તદ્દન એકસરખા છે!

૨૦૧૦ની સાલમાં કોરિયાનાં નેશનલ આર્કિયોલોજિસ્ટ અને પ્રોફેસર બ્યંગ મો કિમ પાંચમી વખત ભારતની મુલાકાતે આવ્યા હતાં. તેમણે અગાઉ ઘણી વખત અયોધ્યા અને કોરિયા વચ્ચેનાં પૌરાણિક સંબંધો અંગેની પુષ્ટિ કરતાં પુરાવાઓ ગવર્નમેન્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. આજ વખતે તેમણે ‘અયોધ્યા શોધ સંસ્થાન’માં અમુક ખાસ પ્રકારનાં સબૂત આપ્યા, જેના પરથી સાબિત થયું કે ભારત અને કોરિયા વચ્ચે આદિકાળથી સાંસ્કૃતિક સંબંધો છે! રાજકુમારી હ્વાંગ ઓકે ભારતમૂળનાં હોવાને લીધે પ્રોફેસર કિમ આજે પણ આ દેશને માતા સમાન ગણે છે. ઉત્તરપ્રદેશનાં સ્ટેટ-સિમ્બોલ એવા માછલીનાં ચિહ્નને અયોધ્યાની પ્રત્યેક જૂની-પુરાણી ઇમારતો પર જોઇ શકાય છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, આ જ પ્રકારનું ચિહ્ન નેપાળ, પાકિસ્તાન, ચીન, જાપાન અને કિમ-હે શહેરમાં દફન કિમ સુરોનાં મકબરા પર પણ જોવા મળ્યું! ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી પ્રોફેસર બ્યંગ મો કિમ અયોધ્યાની રાજકુમારી હ્વાંગ ઓકે કોરિયા આવી એ વખતનો રૂટ (રસ્તો) નક્કી કરી રહ્યા હતાં. ભારતમાંથી બહાર નીકળ્યા બાદ ચીન, જાપાન, નેપાળમાં એમને જે ચિહ્નો મળ્યા એ પરથી તેમણે સ્પષ્ટ રીતે કહી દીધું કે અયોધ્યા અને કોરિયા એકબીજા સાથે ગાઢ સંબંધો ધરાવતું હતું એ વાતમાં રત્તીભરની પણ શંકા નથી!

‘સેમ કુક યુસ’માં કોરિયાની ચાની ખેતી વિશે પણ વર્ણન છે. રાજકુમારી હ્વાંગ ઓકે ભારતથી પોતાની સાથે ચાનાં પત્તા લાવી હતી, એક આખો ઘડો ભરીને! ત્યારથી કોરિયામાં પણ ચાનો ટ્રેન્ડ શરૂ થયો હોવાની સ્વીકારવામાં આવી છે. કોરિયામાં રાજકુમારી હ્વાંગ ઓકેની મહત્તાનો વિચાર કરીએ તો સમજાય કે, બુઝાન એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં કિમ સુરો અને હ્વાંગ ઓકેનાં પ્રેમને ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો હતો. ૩.૬ અબજ એશિયન લોકોની એકતા અને આશાનાં પ્રતિક સમી એ ઓપનિંગ સેરેમનીને સમગ્ર વિશ્વે નિહાળી હતી.

૨૦૦૦ વર્ષો પહેલા રાજકુમારી હ્વાંગ ઓકેનાં પરિવારજનો કોણ હતાં એ વિશેનો અંદાજ કોરિયન લોકો પાસે નથી. તેમનું માનવું છે, હાલનાં અયોધ્યાનાં રાજવી પરિવાર ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા એ રાજકુમારી હ્વાંગ ઓકેનાં વંશજ છે, કારણકે એમનાં રાજપ્રતીકમાં પણ બે માછલીનું ચિહ્ન બનેલું છે! માર્ચ, ૧૯૯૯માં કિમ-જોંગ પિલ દ્વારા ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાને આમંત્રણ આપતો એક લખવામાં આવ્યો, જેમાં જણાવાયું કે, “કિમ સુરોની ૭૨મી પેઢીનો વંશજ હોવાને નાતે હું કિમ-જોંગ પિલ, આપને કિમ સુરોની મેમોરિયલ સેરેમનીમાં હાજર રહેવા માટે હ્રદયપૂર્વકનું આમંત્રણ પાઠવું છું!”

ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા માટે આ આખી વાતને પચાવી શકવી થોડીક મુશ્કેલ હતી, કારણકે તેમને પોતાની પહેલાની દસ પેઢી વિશે જ જ્ઞાન પ્રાપ્ત હતું! એ પૂર્વે એમનાં પરિવારમાં કોણ રાજવીઓ થઈ ગયા એ વિશે દૂર દૂર સુધી કોઈને માહિતી નહોતી. સત્તરમી સદીમાં થઈ ગયેલા સદાનંદ પાઠક નામનાં જમીનદાર ભોજપુર (બિહાર)થી અયોધ્યા આવ્યા ત્યારથી જ એમનો વંશજ અહીં વસવાટ ધરાવે છે એટલી અપૂરતી માહિતી ભીમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા પાસે હતી. એમ છતાં કોરિયન નાગરિકોની ભાવનાને ઠેંસ ન પહોંચે એ માટે એમણે સહ્રદય કિમ-જોંગ પિલનું આમંત્રણ સ્વીકાર્યુ!

મે, ૨૦૦૧ની સાલમાં અયોધ્યા અને કિમ-હેનાં મેયર વચ્ચે રાજકીય કરારો થયા. જેમાં અયોધ્યા શહેરને નવેસરથી નિર્માણ કરાવવા તેમજ ત્યાં રાજકુમારી હ્વાંગ ઓકેનું સ્મારક બનાવવા માટે બે અબજ ડોલરની આર્થિક સહાય ફાળવવામાં આવી! સરયુ નદીનાં કિનારે (જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાનું મનાય છે) અયોધ્યામાં જન્મેલી કોરિયન રાજકુમારીનું સ્મારક આજેપણ અડીખમ ઉભું છે. જેને બનાવવા માટે ૭૫૦૦ કિલો વજનની ૩ મીટર ઉંચી વિશાળકાય શિલાને ખાસ દક્ષિણ કોરિયાથી મંગાવાઈ! ત્યાંના નિષ્ણાંત આર્કિટેક્ટ અને ટેક્નિશિયનની મદદ વડે ખાસ પ્રકારની કોરિયન સ્ટાઇલમાં તેનું કોતરણીકામ થયું. દર વર્ષે લાખોની સંખ્યામાં કોરિયન લોકો આ સ્થળની મુલાકાતે આવીને અહીં પોતાનું માથું ટેકવે છે!

(સમાપ્ત)

bhattparakh@yahoo.com