Koobo Sneh no - 21 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 21

🌺આરતીસોની🌺
પ્રકરણ : 21

હરિ સદનને ઉંબરે અચાનક વિરાજને વહુ સાથે ઊભેલો જોઈને અમ્મા ગાંડા ઘેલાં થઈ ગયાં હતાં અને લાઇટના થાંભલા માફક ખોડાઈ ગયાં હતાં.

❣️કૂબો સ્નેહનો❣️

કેટલાક સુખ ઓચિંતા આયખાની ઝોળીમાં આવીને ટપકી પડતા હોય છે. હરિ સદનના ઉંબરે વિરાજને વહુ સાથે જોઈને અમ્મા હરખ ઘેલાં થઈ ગયાં હતાં ને એને ભેટી પડ્યાં હતાં, એમની ખુશીઓનો પાર નહોતો રહ્યો. એ આભા થઈને જોઈ જ રહ્યાં અને ચહેરા પર અકથ્ય વિસ્મય સાથે આંખો સ્હેજ મસળીને બોલ્યાં હતાં,
“અરે..‌ ખરેખર મારો વિરુ આવ્યો છે!?” અને સાથે સાથે મીઠું મોહક સ્મિત પ્રગટ્યું હતું.

વિરાજને વહુ સાથે સજોડે જોઈને અમ્માનો હરખ સમાતો નહોતો, વિરાજ લગ્ન કરીને આવ્યો હોવાથી પોંખણાં કરીને ગૃહ પ્રવેશ કરાવવા અમ્મા ઘરમાં દોડાદોડ કરવા લાગ્યાં હતાં.

લગ્નની મહોર લગાવી ઉંબરે ઊભેલા બેઉંને માથેથી અમ્માએ લોટો ઉતારી પોંખણાં કર્યા બાદ તિલક કર્યુ, આરતી ઉતારીને વિરાજ અને વહુને કંકુ ચોખે વધાવી ઓવારણાં લીધાં બાદ, ગૃહ પ્રવેશ કરાવી આવકારો આપ્યો હતો.
"આવ.. વિરુ દિકરા આવ..”

હરિ સદનમાં પ્રવેશ કરી બેઉં જણે આશિર્વાદ લેવા અમ્માના પગ ચરણ કર્યા હતાં.
આશીર્વાદ આપી અમ્મા બોલ્યા,
"અખંડ સૌભાગ્યવતી રહો.. સો વર્ષનાં થાઓ અને સુખી થાઓ.. કોણ કહે છે ખુશીને દાબડીમાં ભરી ન શકાય કે બથમાં ભીંસી ન શકાય?"
અને એક સરળ સ્ત્રીની જેમ જ બેઉંને માથે હાથ ફેરવીને કહ્યું,
"વિરાજ તો મારું સંઘરેલું સુખ છે અને તું મારું ઓચિંતું આવી ચડેલું સુખ છે."

દિક્ષા એમના આશીર્વાદથી રોમાંચિત થઈ ગઈ હતી. જેવું ચિત્ર વિરાજે આપ્યું હતું, એવું અદ્લથી પણ કંઈક વિશિષ્ટ જાણે એમનું હૃદય એક વિશાળ આકાશી દૂધસાગર જેવું સ્પષ્ટ એ અનુભવી રહી હતી. ચહેરા પર એક અદ્ભૂત વ્યક્તિત્વ ને અભૂતપૂર્વ ચેતના દીઠ્યું. એમની આંખોમાં તેજ અને ખુશીની વાદળીઓ બસ દોડાદોડ કરી રહી હતી. અને પછી આખાં ઘરને દિક્ષા નિરખી રહી હતી.

નાનકડું છતાંયે સુંદર અને સ્વચ્છ ઉપર નીચેનું મકાન હતું, વચ્ચોવચ ખંજરીનો રણકાર કરતો હિંચકો, બાજુની દિવાલ પર સુખડનો હાર ચઢાયેલી વિરાજના બાપુની છબી અને બીજી બાજુ પૂજાનું મંદિર એની ઉપર ખીલખીલાટ હસતી નટખટ કાન્હાની છબી. મંદિરની બાજુમાં નાનો સરખો ત્રણ ખાનાનો ઘોડો હતો. લાઈનબંધ પુસ્તકો ઘણા હતા, પણ એમાં 'ભગવત્ ગીતા' અને તુલસીદાસ રચિત 'રામચરિતમાનસ' તો દૂરથી પણ ચોખ્ખું વંચાતું હતું. ઓછું રાચરચીલું છતાં અમ્માની સુઘડ સજાવટ જોઈ દિક્ષા ખુશ થઈ ગઈ હતી.

બારીમાં કબુતર ઘૂંટર ઘૂં.. કરી વાતાવરણને મીઠુ મધુરુ સંગીતમય કરી રહ્યાં હતાં, જાણેકે વિજેતા થવાની કબુતરોએ હોડ મચાવી હતી.
"હા ભાઈ હા.. હમણાં ચણ નાખું છું. આ મંજી આવવાની હોવાથી ખુશીમાં હમણાંથી ભૂલી જ જવાય છે.."
અમ્માએ બાસ્કો ભરીને જુવાર બારી બહાર હાથ નાખીને વેરી અને કબુતરા જાણે રાહ જોઈને જ બેસી રહ્યાં હતાં, એકજ જગ્યાએ ઘડીકમાં મેળો ભરાણો હોય એમ ભેગા થઈ ગયાં અને ચણવા લાગ્યાં.

અમ્માએ વિરાજને ખુશીના સમાચાર આપતાં કહ્યું,
“મંજીને લગ્ન પછી ઘણાં સમય બાદ સારા સમાચાર છે, અઠવાડિયા પછી મંજીનું સીમંત છે. હું આજે તમને ફોન કરવાની જ હતી."

"અરે વાહ અમ્મા.. હું મામા બનવાનો છું? આ તો બહુ સારા સમાચાર છે!!"

"હા વિરુ.. તારે અને વહુને મંજીના સીમંત પ્રસંગમાં એના સાસરે હાજરી આપવાની છે."

સીમંત પ્રસંગે જવાની વાત સાંભળી દિક્ષાએ મનોમન થોડીક મુંઝવણ અનુભવી, ને એમાંય વળી પાછી અઠવાડિયા પછીના પ્રસંગની વાતથી અકળાઈ ઉઠી હતી. ફરિયાદ કરતી હોય એમ વિરાજ સામે જોઈ રહી હતી.

અમ્માના ચહેરા પર મ્હોરેલી તાજપભરી આ તાજી તાજી સંવેદનાને વિરાજ કરમાવવા નહોતો માંગતો. એટલે વિરાજ, દિક્ષાને અવગણીને બોલ્યો,
"હા અમ્મા.. ચોક્કસ જઈશું."

અમ્માનું મમતાનું ઝરણું ફૂટી નીકળ્યું હતું. એ ક્યાંય સુધી એમાં હિલોળતા જ રહ્યાં હતાં. અમ્માના પગલાં આજે ધરણી પર અને માથું સ્વર્ગે હતું. મોં પર આતમનો ઓજાસ પ્રસરાઈ ગયો હતો. લાપસી ચોળીને અમ્માએ બંનેને એમના હાથે કોળિયા ભરાવી ખવડાવ્યું હતું. પ્રેમ સાથે માતૃત્વ અને હરખોત્સવના ત્રિવેણી સંગમથી ત્રણેયના પેટ સાથે મન પણ આજે સંતોષથી ભરાઈ ગયાં હતાં.

અમેરિકા જવાની વાતને અત્યારે તરત જ બોલવી યોગ્ય ન લાગતાં વિરાજે સમજીને પછી કહેવા પર ટાળી દીધું હતું.
'વિરાજ શહેરમાંથી વહુ લઈને આવ્યો છે', એવી વાત આખાં ગામમાં ફેલાઈ ગઈ હતી. દિક્ષાને જોવા સૌ કોઈ ઉમટી પડ્યાં. આડોશી પાડોશી આવીને બેઉંને વિંટળાઈ વળ્યાં હતાં. પાડોશમાં રહેતાં રૂખીમા હવે તો ઘણા ઘરડાં થઈ ગયાં હતાં. પરાણે ચાલતાં ચાલતાં આવ્યાં અને બોખલા મોંઢે આવીને કહેવા લાગ્યાં. “વિરુ જો તારા હારુ ઘી, ગોળ ને ભાત લાઈ સુ, તન બૌ ભાવે સે ન.!!"

રૂખીમાના હાથમાં ભાત જોઈને વિરાજની આંખોમાં ચમક આવી ગઈ હતી
"હા..બા.. બહુ દિવસથી યાદ આવ્યો હતો, તમારા હાથનો ઘી-ગોળ ભાત.."

"કદિ યાદ કરે સે કે નહીં આ બાને? ટેમ કાઢી આ ઘરડી ડોશી રૂખીમાની ખબર પુસતો રે’જે.” એમ કહી એના માથે હાથ ફેરવીને ઘી-ગોળનો વાટકો એના હાથમાં પકડાવ્યો. દિક્ષા તો જોતી જ રહી ગઈ ને વિરાજ ચપોચપ રૂખીમાનો ભાત ખાઈ ગયો હતો.

ખુશીઓના ખજાના સમાન અમ્માના મિલનસાર સ્વભાવને કારણે દિક્ષાને સુખ દુઃખની વાતો વહેંચવાની એમની સાથે મોકળાશ મળી હતી અને ગામડાંના ભાવજગતની મીઠાશના માહોલમાં એ ભળી જવાની કોશિશ કરી રહી હતી. બે દિવસ ક્યાં પસાર થઈ ગયાં ખબર પણ ન પડી. દિક્ષા હજુ આ માહોલમાં પોતાને થોડીક અતડી મહેસૂસ કરી રહી હતી. કેમકે વિરાજને તો અહીં આવ્યા પછી દિક્ષાની સાથે વાત કરવાનો સમય જ નહોતો મળતો.

વિરાજ, બે દિવસનું કહી દિક્ષાને ગામડે લઈ આવ્યો હતો, પરંતુ ત્રણ દિવસ પછી પણ અહીં બધાને મળવામાં મોઢું ઊંચું કરીને દિક્ષા સામે જોતો નહોતો. કંટાળીને ચોથા દિવસે દિક્ષાએ પાછા જવાનો ઉપાડો માંડ્યો. "ચાલને વિરાજ, બેબી સાવરને હજુ કેટલાં બધાં દિવસ છે? ફરી અહીં આવી જઈશું! હું નહીં રહી શકું અહીં વિરાજ.."©

વધુ આવતા પ્રકરણ : 22 માં ગામડે આવ્યાં પછી વિરાજની વધી ગયેલી મુંજવણ..

-આરતીસોની ©