વન્સ અપોન અ ટાઈમ - 153

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 153

‘દાઉદને ભારતને હવાલે કરી દેવાનું દબાણ પાકિસ્તાનના કેટલાક ત્રાસવાદી સંગઠનો અને પાકિસ્તાની અંડરવર્લ્ડના ખેરખાંઓ આઈએસઆઈ પર કરી રહ્યાં હતા, પણ આઈએસઆઈના અધિકારીઓ તેમને દાદ આપતા નહોતા.

જો કે આ દરમિયાન દાઉદે છોટા રાજનને કારણે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો!

છોટા રાજને કરાંચીમાં દાઉદ અને મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપી ટાઈગર મેમણની માલિકીના કમર્શિયલ સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવ્યા એ પછી દાઉદ તકલીફમાં મુકાયો હતો. દાઉદના કમર્શિયલ સેન્ટરમાં બૉમ્બ બ્લાસ્ટ્સ પછી પાકિસ્તાનમાં એવી વાત વહેતી થઈ હતી કે બૉમ્બ બ્લાસ્ટ્સ ભારતીય જાસૂસી સંસ્થા ‘રૉ’ દ્વારા કરવામાં આવ્યો હતો. દાઉદના વિરોધી હોય એવા, પાકિસ્તાની અંડરવર્લ્ડના વગદાર અને ખેપાની, ગૅંગ લીડર્સે એવી વાત ચલાવી કે દાઉદ પાકિસ્તાનમં હશે તો ‘રૉ’ હજી આવા વધુ બૉમ્બ વિસ્ફોટ કરાવશે અને કરાચીમાં ન થવાની થશે.

બીજી બાજુ જેહાદી સંગઠનોને એવો ભય લાગવા માંડ્યો કે અમેરિકાએ દાઉદને દુશ્મન જાહેર કર્યો એટલે જેમ ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાનમાં તાલીબાનોનો ઘડો લાડવો કરી નાખ્યો એ રીતે પાકિસ્તાનના જેહાદી (ત્રાસવાદી) સંગઠનો પર પણ અમેરિકા તવાઈ લાવશે. પાકિસ્તાનના અંડરવર્લ્ડમાં દાઉદના ઘણા દુશ્મનો હતા, પણ દાઉદ પર આઈએસઆઈ અને જનરલ પરવેઝ મુશર્રફના ચાર હાથ હોવાથી તેઓ દાઉદનો વાળ પણ વાંકો કરી શકતા નહોતા. પરંતુ અમેરિકાએ દાઉદને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો એ પછી દાઉદના દુશ્મનો અને કેટલાક ત્રાસવાદી સંગઠનોએ જનરલ પરવેઝ મુશર્રફને દાઉદ વિરુદ્ઘ ઉશ્કેરવાની કોશિશ કરી હતી.

એ વખતે આઈએસઆઈએ એવી દલીલ આગળ ધરી કે દાઉદને ભારતને હવાલે કરી દેવાય તો દાઉદ ભારત સરકારને આઈએસઆઈની ભાંગફોડિયા યોજનાઓ વિશે મુંબઈ અને અન્ય મહત્ત્વના ભારતીય શહેરોમાં આઈએસઆઈના નેટવર્ક વિશે માહિતી આપી દે એથી આઈએસઆઈને ભારે મોટો ફટકો પડે.

જોકે પાકિસ્તાન દાઉદને ભારતના હવાલે કરી દે તો પણ ભારત માટે દાઉદને કાનૂની રીતે ભીંસમાં લેવાનું કામ બહુ આસાન નહોતું કારણ કે સીબીઆઈ હસ્તકના બોમ્બ કેસને બાદ કરતા દાઉદ વિરુદ્ધ રજિસ્ટર થયેલા મોટાભાગના ગુનાઓમાં દાઉદ વિરુદ્ધના કેસ પેપર્સ મુંબઈ પોલીસથી ગુમ થઈ ગયા હતા! આવા જ કારણથી દાઉદ ગેંગના કેટલાય રીઢા ગુનેગારોનું યુ.એ.ઈ.એ પ્રત્યર્પણ કર્યું હોવા છતાં તેઓ સહેલાઈથી જામીન પર છૂટી ગયા હતા.

દાઉદનો નાનો ભાઈ ઈકબાલ કાસકર પણ એક ખૂનના કેસમાં નિર્દોષ છૂટી ગયો હતો અને તેની સામે જે મહત્ત્વનો કેસ ચાલી રહ્યો હતો એ દાઉદ ગેંગ સાથે સંબંધ ધરાવવાનો આરોપનો હતો. યુ.એ.ઈ.દ્વારા ઈકબાલ કાસકરનું પ્રત્યાર્પણ થયુ અથવા તો ઈકબાલ કાસકરે સામે ચાલીને ભારતને હવાલે થઈ જવાની તૈયારી દર્શાવી એ પછી દાઉદનો બીજો ભાઈ હુમાયુ પણ છૂપી રીતે ભારતમાં પ્રવેશી ગયો હતો અને તે અજ્ઞાત સ્થળે રહીને દાઉદ ગેંગની જવાબદારી સંભાળવા માંડ્યો હતો.

આ દરમિયાન ઈકબાલ કાસકરને સંસદસભ્ય કે વિધાનસભ્ય બનાવવાનો વિચાર દાઉદે કર્યો હતો. મુંબઈમાં દાઉદનો કટ્ટર દુશ્મન અરુણ ગવળી અખિલ ભારતીય સેના પક્ષ દ્વારા રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો હતો. ગવળી એક વાર વિધાનસભાની અને એક વાર લોકસભાની ચૂંટણીમા લડીને હારી ચૂક્યો હતો, પણ મહાનગરપાલિકામાં તેના પક્ષનું ખાતું ખૂલી ચુક્યું હતું. ગવળી ગેંગનો શાર્પ શૂટર સુનિલ ઘાટે પાલિકા ચૂંટણી જીતીને નગરસેવક બની ગયો હતો. અને ગવલી 2004ની લોકસભા ચૂંટણીમાં ઝુકાવવા માટે તૈયારીઓ કરી રહ્યો હતો. એ સ્થિતિમાં દાઉદે તેના ભાઈ ઈકબાલ કાસકરને લોકસભા ચૂંટણીમાં ઊભા રાખવાનું વિચાર્યું હતું.

મુંબઈ પોલીસના કેટલાક પ્રામાણિક અધિકારીઓને શંકા હતી કે દાઉદે તેના નાના ભાઈને મુંબઈ મોકલ્યો એની પાછળ દાઉદનું લાંબુ ગણિત છે. દાઉદ તેના ભાઈને લોકસભામાં બેસાડી દે તો ભારતમાં કાસકર કુટુંબની અબજો રૂપિયાની સંપત્તિને રક્ષણ મળી જાય. મુંબઈ પોલીસ પાસે દાઉદના ભાઈ ઈકબાલ કાસકરને બે-ત્રણ વર્ષથી વધુ સમય અંદર રાખવા જેવો મજબૂત કેસ હતો નહીં. અને ઈકબાલ કાસકર સામે સૌથી વધુ મહત્ત્વનો કેસ 1995માં સીબીઆઈના એક ખબરીના ખૂનનો હતો એમા તો તે નિર્દોષ છૂટી ગયો હતો. એ સિવાય મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં એક વૃદ્ધ ગરીબ મહિલાનું ઝુંપડું જબરદસ્તી ખાલી કરાવવાનો મામૂલી કેસ ઈકબાલ સામે હતો. જોકે મુંબઈ પોલીસ એ કેસને સંગઠિત ગુનાખોરીનો એક ભાગ ગણાવીને ઈકબાલ કાસકરની મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ ધરપકડ કરી હતી, નહીંતર તો ઈકબાલ કાસકર ક્યારનોય જામીન પર છૂટી ગયો હોત.

જોકે મે, 2004ની લોકસભામાં ચૂંટણીમાં મુંબઈ પોલીસની ધારણા પ્રમાણે ન બન્યુ, પણ ઓકટોબર, 2004ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ અગાઉ ઈકબાલ કાસકરે મુંબઈ પોલીસને આંચકો આપ્યો અને એના કરતા પણ વધુ આઘાત તો એક કોર્ટના ચુકાદાથી મુંબઈ પોલીસને લાગ્યો!’

(ક્રમશ:)

***

Rate & Review

Mehul

Mehul 3 weeks ago

Hiren Barvadia

Hiren Barvadia 3 weeks ago

Jayveersinh Kher

Jayveersinh Kher 4 weeks ago

Jeet Lakhani

Jeet Lakhani 1 month ago

Vijay Dobariya

Vijay Dobariya 4 weeks ago