Koobo Sneh no - 22 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 22

🌺આરતીસોની🌺
પ્રકરણ : 22

ગામડાંના માહોલમાં દિક્ષા પોતાને અસ્વસ્થ મહેસૂસ કરી રહી હતી. એની ફરિયાદોથી વિરાજની મુંજવણો વધી ગઈ હતી. સઘડી સંધર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

રાધા કૃષ્ણ મંદિરમાં આરતી ટાણાની ઝાલર વાગે એ પહેલાં વિરાજ મંદિરમાં અચૂક પહોંચી જ જતો હતો. દિક્ષા પણ એની સાથે નીકળી પડતી. વિરાજને મંદિરનો ઘંટ વગાડતો જોવાની દિક્ષાને બહુ મજા પડતી હતી અને પાછા વળતાં મંદિરની બહાર ફુલ વાળા પાસેથી મોગરાનો ગજરો અચૂક લેતી અને વિરાજના હાથે માથામાં લગાડાવી રાજીપો મહેસૂસ કરતી. દિકરા અને વહુનો આ રાજીપો જોઈને અમ્માની ખુશીઓ ઓચ્છવમાં ફેરવાઈ ગઈ હતી. ખુશીઓનો આ સમન્વય એમના માટે ઓચ્છવ સમાન જ હતો.

આજુબાજુ આડોશી પાડોશીને મળવાનું, સ્કૂલના જુના મિત્રો સાથે મજાક મસ્તી કરવાની, ગામની ભાગોળે રોજ ભેગા થઈને ગપસપ કરવાની.. મજાનો આ બધો લ્હાવો વિરાજને ઘણાં સમય પછી મળ્યો હતો, જે અત્યારે ખોવા નહોતો માંગતો. પરંતુ દિક્ષાનો કંટાળો વધતો જતો હતો. આમને આમ ત્રણેક દિવસ કાઢ્યાં પછી એણે એક દિવસ પાછા જવાનો ઉપાડો માંડ્યો હતો. વિરાજ સમજાવવા પ્રયત્નો કર્યા કરતો હતો.

"અમ્માના હૈયા ખાતર પણ થોડા દિવસ રોકાઈ જાને પ્લીઝ દિક્ષુ!! બીજી તો કોઈ હેરાન ગતિ છે નહીં તને અહીં. તકલીફ શું છે એ જ સમજાતું નથી."

"અહીં આખો દિવસ કાઢવાનો મુશ્કેલ થઈ જાય છે વિરાજ.. હું નથી કોઈનેય ઓળખતી કે નથી કોઈ અહીં મારા ફ્રેન્ડસ્.. હું કોને મળું?"

"વારંવાર અહીં આવવાનો મોકો ક્યાં મળે છે યાર.. અને સમજવાની કોશિશ કર!! આપણે અમેરિકા જઈશું પછી ક્યારે અહીં પાછા આવશું ક્યાં ખબર છે..?"

"ના વિરાજ.. તેં બે દિવસ માટે કહ્યું હતું. હજુ અઠવાડિયા પછી બેબી સાવર છે, એટલે દસ દિવસ સ્યોર થઈ જ જવાના છે. નહીંતર હું પાછી જાઉં છું." લાસ્ટ અલ્ટીમેટમ આપતી હોય એમ દિક્ષા બોલી ગઈ હતી.

"ચાલ એક કામ કરીએ..?? બે દિવસ માઉન્ટ આબુ જઈ આવીએ!! અહીંથી નજીક પણ છે. એ કેવું રહેશે? વોટ યુ થિંકિંગ? તારો કંટાળો પણ દૂર થઈ જશે અને એટલો ટાઇમ પણ નીકળી જશે. આવીને બેબી સાવરનું ફંક્શન પતાવી પાછા અમદાવાદ જવા નીકળી જઈશું."
હળવું સ્મિત આપી દિક્ષાએ મોઢું ઉપર નીચે કરીને ખુશખુશાલ હાનો હુંકાર ભણી દીધો હતો.

"બસ તો પછી ફાઇનલ!! અમ્માની સાથે વાત કરી લઉં છું, આપણે સવારે માઉન્ટ આબુ જવા નીકળી જઈશું."

આખી જિંદગીને અમ્માએ આખે આખી પચાવી જાણી હતી. સુખનો ઓડકાર ખાઈને ખુમારી સાથે જીવન વ્યતીત કરતા અમ્માને શું તકલીફ હોય? એમણે તરત જ હસતાં હસતાં કહ્યું,


"કશો વાંધો નહીં વિરુ દીકરા જઈ આવો તમતમારે. હું સીમંત પ્રસંગની તૈયારીઓ કરી દઉં ત્યાં સુધી ફરી આવો. દિક્ષા વહુને પણ અહીં એકલું લાગતું હશે, અત્યારે હરશો ફરશો નહીં તો ક્યારે ફરશો!? અને આબુ પર્વત, અહીંથી નજીક પણ છે."

ધીરેધીરે અમ્માને કાને અમેરિકા જવાની વાત પણ હવે નાખી રાખવી જોઈએ એવું વિચારીને બોલ્યો,

"અમ્મા આજે મારે તમને એક બીજી વાત પણ જણાવવી છે.. મારા કામની કાબેલિયત જોઈને કંપનીએ અમેરિકામાં જોબની બહુ સારી ઓફર કરી છે અને આવતે મહિને અમેરિકા જવા નીકળવું પડશે."


"પણ ત્યાં ગયા પછી આપણાં પોતાનાં સ્વજનોને મળવા માટે વર્ષો નીકળી જતાં હોય છે અને આપણા પોતાના સ્વજનોમાં જ એવી એક જ્યોતિશિખા હોય છે કે એકબીજામાંથી અજવાળું મળ્યાં કરે અને આપણા જીવનની કાગળની નાવ વિના હલેશે પણ વહેતી રહે છે."


"સમજી શકું છું અમ્મા કે, તમારા વિના અમને ત્યાં નહીં ગોઠે.. અને તમને અહીં એકલા રહેવું તકલીફ પડશે.. પણ કંપની સામેથી આપણને કંઈક સારું આપી રહી છે.."


"અમેરિકા જવું એટલે ખાંડાની ધારે ચાલવા જેવો માર્ગ છે. સહેલું નથી વિરુ દીકરા. સમજી વિચારીને આગળ વધવું, તારા અને દિક્ષા માટે સારું છે."


"તમે જીવનમાં કેટલી મહેનત કરી છે અમ્મા, એટલે હું ઈચ્છું છું કે તમે હવે બસ આરામથી જીવન વ્યતીત કરો. અત્યારે કમાવાનો મોકો મળ્યો છે, થોડાંક વર્ષો મહેનત કરી કમાઈ લેવું જોઈએ!! પછી તમારી સાથે જ રહેવું છે અને જીવવું છે બસ.."


અમ્માને મનના એક ખૂણે હવે તો સાવ એકલાં પડી જવાની ભીતિ સેવાઈ રહી હતી. 'હું મારો પોતાનો આ મુંઝારો તારી સમક્ષ કંઈ રીતે વ્યક્ત કરું? તને જોઈને તો મારામાં ઉર્જા પ્રાપ્ત થાય છે વિરુ.. તને કઈ રીતે સમજાવું!! સૂર્ય પ્રકાશમાંથી ફોટોન કણોનું પોષણ વનસ્પતિને મળે એવું પોષણ વિરુ મને તારામાંથી તને જોઈને તો મળે છે!!' વિચારોમાં ગરકાવ થઈને અમ્મા પોતાની અસ્વસ્થતા વિરાજથી છૂપાવી જિંદગીનું ગણિત જ કંઈક જુદું ગણી રહ્યાં હતાં. અમ્માના ચહેરાનો બદલાયેલો ભાવપલટો વિરાજ સહજ ઓળખી ગયો હતો.©

વધુ આવતા પ્રકરણ : 23 માં વિરાજ અને દિક્ષા, અમ્માની પરવાનગી લઈને માઉન્ટ આબુ જવા નીકળી તો ગયા હતા, પરંતુ અમ્માનું હૈયું કળી ગયેલા વિરાજના હૈયે અધમણનો ભાર હતો.

-આરતીસોની ©