prem ni ankahi kahani books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનકહી કહાની




બસ સ્ટેન્ડ પણ કેવી અજબ જગ્યા છે. નાની એવી દુનિયાજ સમજી લો. અલગ અલગ વિસ્તારના અને જુદા જુદા સ્થળે કામ કરવા વાળા જુદી જુદી પ્રકૃતિના લોકોનો રોજ થતો મેળાવડો. વળી બાજુમાં ફ્રૂટની લારી પર 30નું 500.......30નું 500....ની બૂમો પાડતા કાકા. લગોલગ એક નાની એવી પુસ્તકોની લાઇબ્રેરીનો ખજાનો. નવા નવા ચેહરા અને થોડા સમયની મુસાફરીને કારણે બનતા સ્માઇલિંગ ફ્રેંડ્સની ખિખિયારીઓ. બસ આવતાજ એક બીજાને ધક્કો મારીને ઓલિમ્પિક જીતવાવાળા મિલખા સિંહો અને દરેક ઋતુમાં હરિયાળી ખીલવતી બેંચોનો સમૂહ એટલે એક મોટા શહેરનું નાનુ એવું બસ સ્ટેન્ડ
પણ આ વાત બસ સ્ટેન્ડની નહીં છે એક નાનકડા એવા હળવા ફૂલ પ્રેમની.

રાહુલને મોડુ થતું હતું એટ્લે થોડી થોડી વારે ધડીયાળમાં જુવે અને થોડી થોડી વારે રસ્તા પર તપાસે કે બસ આવી કે નહીં ? કાનમાં હેન્ડ્સફ્રી ભરાવી ગીત સાંભળતો હતો.
અચાનક એક બહેન જ્વાળામુખી માથા પરજ ફૂટ્યો હોય એવા ગુસ્સા સાથે ત્યાં આવતા દેખાય છે કે તરતજ રાહુલ મ્યુઝિક સ્ટોપ કરે છે.

“આમાં થી રાહુલ કોણ છે ?” ડાબી દરફથી આવેલા બહેને પૂછ્યું.

થોડુ ધ્યાન તે તરફ કરી ને ખચકાટ સાથે રાહુલે કહ્યું, “હું છું બોલો”

ત્યાં તો રાહુલનો કાઠલો પકડીને તે બહેન માંડ્યા બોલવા, “નાલાયક શરમ નથી આવતી તને, છોકરીઓને હેરાન કરે છે ? ઘેરે માં બહેન છે કે નહીં ? તમારા જેવાઓએ જ છોકરીઓનું ઘરથી બહાર આવવાનું હરામ કરી દીધું છે.”

“અરે તમે શું બોલો છો, કોની વાત કરો છો ?”
ત્યાં તો આસપાસના લોકો તેને પકડીને ધોકાવવાની તૈયારી કરવા માંડ્યા. ટોળે વળવા લાગ્યા.
“અરે ભાઈ મેં કઈ નથી કર્યું આ બેન ને કઇંક મિસઅંડરસ્ટેન્ડિંગ થયુ લાગે છે” રાહુલ બોલતો જ રહ્યો....
“એ ભાઈ આઘા રો મને મૂકી દો યાર મે કઈં કર્યું જ નથી હું તો કોલેજે જાઉં છું” રાહુલ આ બધુ બોલતોજ તો કે પેલી છોકરીની બાજુમાં બીજી લગભગ તેની બહેનપણી જ હશે તે આવીને કહેવા લાગી કે, “અરે સુમન શું કરે છે આ એ નથી, આ તો કોઈક બીજું લાગે છે”

રાહુલ ભાઈની ધોલાય થવાની જ હતી ત્યાં સુમને રોકી લીધા બધા ને અને બધા વચ્ચે કહેવા લાગી, “અરે સોરી સોરી, થોડી ભૂલ થઇ ગઈ આ ભાઈ એ નથી તમે મૂકી દો એને. બધા વિખૂટા પડી ગયા.
શું સોરી, તમારી ભૂલમાં માં આજે મારી તો પથારી ફેરવી નાખત આ રાજકોટની જનતા. કેવો જમાનો છે. રાહુલનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.
સુમન બોલી રહી હતી, “અરે ભાઈ સોરી મને એમ કે રાહુલ છે. મને મારી બહેનપણીએ નામ આપ્યું મને થોડી ખબર હતી તમે કોક બીજા રાહુલ છો. સોરી
“બહુ આવ્યા સોરી વાળા” આમ રાહુલ બોલ્યો ત્યાં બસ આવી ગઈ અને બબડતો બબડતો રાહુલ તેમાં ચડી ગયો.

સુમન બોલી રહી હતી અરે પણ સાંભળો તો ખરી સોરીનો જવાબ તો દેતાં જાવ પણ રાહુલ એને ધ્યાનમાં લીધા વગર બસમાં ચડી ગ્યો. બીજે દિવસે ફરી સુમન એ જ બસ સ્ટેન્ડે ઊભી હતી.

રાહુલને જોઈને તરત જ બોલી ઉઠી, “કાલ માટે સોરી”

રાહુલે ફક્ત માથું હલાવ્યું.

સુમને કહ્યું, “ઇટ્સ ઓકે તો બોલો”

એક શરતે “પાછો માર તો નહીં ખવરાવો ને ?”

જોર જોર થી હસીને સુમને હાથ આગળ વધારીને કહ્યું, “ફ્રેંડ્સ ?”

“ફ્રેંડ્સ ફ્રેંડ્સ ઓબ્વિઅસ” રાહુલે જવાબ આપ્યો

“તમે શું કરો છો ?” સુમને પૂછ્યું.

“બસ કાલે TYનું રિઝલ્ટ છે ત્યાર બાદ જોબની તલાશ’ અને તમે ?” રાહુલે જવાબ આપીને સામો પ્રશ્ન કર્યો.

“હું, હું લેખિકા છું”

રાહુલે આટલી નજીકથી કોઈ અજાણી છોકરીને નહોતી જોઈ. ઘઉં વર્ણો ચેહરો, ક્રીમ કલરનો કુરતો જબ્ભોં, જાજુ મેક અપ ના હોવા છતા ખુબજ કામણગારી લાગી રહી હતી. તેના હોઠથી સહેજ નીચે એક નાનું અમથું તલ રાહુલનું તેના ચેહરા તરફનું concentration વધારી રહ્યું હતું. એકધારુ જોવાથી સુમનની આંખોમાં વણબોલ્યે એક પ્રશ્નનો જવાબ રાહુલને મળી ગયો.
બંને વચ્ચે વાતચીતો થવા લાગી. નંબરની આપ લે થઈ અને વાતો વધવા લાગી. આકર્ષણ મિત્રતામાં પાંગર્યું અને મિત્રતા પ્રેમમાં.

કેમ 1 વર્ષ ગયું સુમનને મળીને ખબર જ ના પડી. રાહુલ એક કંપનીમાં જોબ પણ કરવા લાગ્યો હતો. સારું પગારધોરણ તો હતું જ પણ એક દિવસ ખંતથી કામ કરવાના કારણે પ્રમોશન મળ્યું અને વિચાર્યું કે એક સરસ મજાની ટ્રીટ આપી ને આ ખુશ ખબર પહેલા સુમન ને જ સંભળાવું.

“હેલ્લો સુમન ક્રિસ્ટલ મોલમાં તારી રાહ જાઉં છું. આવી જા” રાહુલે ફોન લગાવીને સુમનને કહ્યું.

“પણ” સામેથી જવાબ આવ્યો.

“પણ બણ કઈ નહીં, પ્રાઇમ મિનિસ્ટર બની ગઈ છો શું આવી જા હાલ ફટા ફટ.” આમ કરી રાહુલે ફોન રાખ્યો. અને વાટ જોવા લાગ્યો. અડધી કલાકની 4 કલાક થઈ ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.
રાહુલે એક હાથ જોરથી ટેબલ પર પછાડ્યો અને કહ્યું,”કમ સે કમ એક મેસેજ કરી દેવો હતો”
રાહુલે તેની બહેંપણીઓ, રૂમ પાર્ટનર્સ વગેરેને પૂછ્યું તો કહ્યું કે એતો બધો સામાન લઈને અમદાવાદ ચાલી ગઈ છે. અમદાવાદ ? આવી રીતે ? રાહુલની આંખ ક્યારે ભીંજાય ગઈ ખબરજ ના રહી.

આ ઘટના પછી રાહુલ અને સુમનની ના કોઈ વાત થઈ કે ના મેસેજ કે ના કોલ. શા માટે સુમન ના આવી એ રહસ્ય રાહુલ માટે રહસ્ય જ રહ્યું. સમય પાણી જેવો હોય છે જે સતત આગળ વધતો જાય છે અને મલમ જેવો પણ જે બધુ રૂઝવી દે છે.

આ વાતને 2 વર્ષ થઈ ગયા. રાહુલે તેની જ્ઞાતિની જ એક કન્યા સાથે લગ્ન કરી લીધા. ઘરેથી ઓફિસ અને ઓફિસ થી ઘર એમ કરીને સમય પસાર થવા લાગ્યો.
એક દિવસ અચાનક એના ફોનની રિંગ વાગી રાહુલે ફોન ઉપાડયો અને સામેથી સુમનનો અવાજ આવ્યો.
“હેલ્લો, રાહુલ હું , હું સુમન બોલું છું”
“સુમન ? હમ્મ, હ બોલ.” અચાનક જ આવી રીતે ફોન આવશે તેની રાહુલને ખબર નહોતી એટ્લે થોડો અચકાયો. “સુમન તું ક્યાં જતી રહી હતી.?”
સુમને કહ્યું “ઘણા બધા સવાલો હશે, અને ઘણી બધી વાતો રાહુલ પણ મારે તને એક વાર મળવું છે શું તું અમદાવાદ આવી શકિસ”

“ના હું નહીં આવું અને હવે મારા લગ્ન પણ થઈ ગયા છે”

“રાહુલ થોડો ઘણો ભરોસો બાકી હોય તો પ્લીઝ મને એક વાર મળી જા હું એડ્રસ મેસેજ કરું છું”

“જોઉ છુ” કહીને રાહુલે ફોન મૂક્યો.

બીજા દિવસે સવારે રાહુલ ઘરે પત્નીને કહ્યા વગર અમદાવાદની ટિકિટ લઈ અને સુમને મોકળાવેલા એડ્રેસ પર પહોંચ્યો એક દવાખાનાનું એડ્રેસ હતું. પહેલો માળ ચડ્યો અને રિસેપ્ટિઓનિસ્ટ ને જઇને પૂછ્યું, “સુમન ઠક્કર ક્યાં મળશે”

સામેથી જવાબ આવ્યો. “વોર્ડ નં 6”

રાહુલ પગથિયાં ચડવા લાગ્યો કેટલાય સવાલો, કેટલીય વાતો કેટલાય ઓહાપોહ, મનમાં રાખીને વોર્ડ નં. 6માં જઈને જોયું તો ત્યાં લખ્યું હતું કેન્સર વોર્ડ. અને તેનીજ સામે રૂમ નં. 16માં સુમનને જોઈને તેનું હ્રદય દ્રવી ઉઠ્યું. ભરાવદાર શરીર અને કામણગારી કાયા ધરાવતી સુમનનું શરીર એકદમ સુકાય ગયેલ છોડ જેવુ થઈ ગયું હતું. રાહુલને જોઈને જગ્યા પરથી ઊભી થઈ ગઈ અને જેને ભેટીને રડવા લાગી.

રાહુલે પૂછ્યું, “સુમન આ શું થઈ ગયું?”

“જે દિવસે તારો ફોન આવ્યો તે દિવસે આ રિપોર્ટ મારા હાથમાં આવ્યો જ હતો. મે મારી રીતે નિર્ણય લઈ લીધો હતો કે મારે શું કરવું છે. ડોક્ટરની થેરપી કામ નથી આવી રહી એટ્લે હવે લગભગ બચવાનો કોઈ આરો નથી. બસ એક તમન્ના હતી તને મળવાની અને અમુક બાબતોની માફી માંગવાની. નહીં તો સુખેથી મરી ના શકત. આપણાં સંબંધને મે એક પુસ્તક રૂપે છપાવ્યું છે. “પ્રેમ – એક અનકહી કહાની” બસ એટલું બોલતાજ સુમનની આંખો મીંચાઇ ગઈ અને સુમન આ દુનિયાના ઉજાસમાંથી જઈ ચૂકી હતી એક ઊંડા અંધકાર તરફ. રાહુલ આ દ્રશ્ય જોઈને ભાંગી ચૂક્યો હતો. મનમાં પશ્ચાતાપ અને કેટલાય કોયડાઓનો ઉકેલ એક સાથે ક્યારનોય તેની આંખનો ખૂણો ભીંજવી ચૂક્યો હતો.

થોડા દિવસો પછી જે બસ સ્ટેન્ડે તેમની મુલાકાત થઈ હતી ત્યાંની લાયબ્રેરીમાં જઈને રાહુલે કહ્યું, “પ્રેમ – એક અનકહી કહાની પુસ્તક આપશો.”

વાત વીતી ગઈ રાહુલ એક સવારે છાપું વાંચતો હતો. અને તરતજ તેણે અવાજ લગાવ્યો.

“સુમન તારી બસ આવી ગઈ છે”

તરતજ એક નાની એવી ઢીંગલી તેનું સ્કૂલ બેગ લઈને બહાર આવી અને બોલી,” ગૂડ બાય પાપા, જય શ્રી કૃષ્ણ”

રાહુલે કહ્યું, “ગૂડ બાય બેટા, ધ્યાન રાખજે, જય શ્રી કૃષ્ણ”




~ Naresh Parmar