Thank you sir books and stories free download online pdf in Gujarati

થેંક્યુ સર

પ્રહર મધ્યાહનમાંથી ઠેકડો મારીને સાંજ તરફ જઈ રહ્યો હતો. થોડોઘણો સૂર્યપ્રકાશ હજુ વાતાવરણને હુંફાળું રાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પથ્થરની બેન્ચ પર બેઠેલ હિતાંશી પર વડલાની ડાળનો થોડો પડછાયો ઓથનું કામ કરી રહ્યો હતો. ખેડૂત જેમ વરસાદની વાત જુએ તેમ હિતાંશી પોતાના ગામની બસ આવવાની રાહ જોઈ રહી હતી. ધો.12માં અભ્યાસ કરતી હિતાંશી દરરોજ પોતાના ગામડેથી બાજુના શહેરમાં ટ્યુશન માટે આવતી. પોતાના ગામની સરકારી શાળામાં શિક્ષણતો સારું જ મળતું પણ વધુ મહેનત માટે તેના પપ્પાએ ટ્યુશન રખાવવાનો આગ્રહ રાખ્યો હતો. મોટેભાગે તો તેને પપ્પા લેવા મૂકવા આવતા. ગામથી શહેર લગભગ પંદર કિલોમીટર જ દૂર હતું અને વળી થોડુધણુ ઘરનું હટાણું પણ કરવાનું હોય તે કરીને મુકુલભાઈ હિતાંશીને લઈને ઘરે આવતા રહેતા. પણ ક્યારેક કોઈ કામ હોય ત્યારે હિતાંશીને બસમાં આવવાનું રહેતું. આજે એવુજ કઇંક હતું પોતાના ખેતરે કામ ચાલતું હોવાથી દરરોજ હિતાંશી બસમાં જ આવ-જા કરતી.

દરરોજ ટ્યુશનનો સમય 4:30 થી 6 વાગ્યાનો હોય. શિયાળો પૂરો થવાની અણી પર હતો જેથી દિવસ પહેલા કરતાં થોડો લાંબો થઈ ગયો હતો અને 6:45 વાગ્યે પણ થોડું અંજવાળું હતું. પણ જે બસ 6:15ની આસપાસ આવતી આજે 6:45 થયા તોય આવી નહોતી. સમય જેમ મુઠ્ઠી માંથી રેતી સરી જાય તેમ પસાર થઈ રહ્યો હતો. સાંજ પડી ચૂકી હતી જેથી કારખાનેથી ઘરે જવાવાળા કારીગરો, દુકાનદારો, બાઈકચાલકો હિતાંશીની સામે ઘૂવડ નજરે જોઈ રહ્યા હતા. કારણ કે તે બેન્ચ પર એકલી બેઠી હતી. બીજા બે ત્રણ બહેનો પણ થોડી વાર પહેલા બેઠા હતા પણ તેના ગામની બસ આવવાથી તે જતાં રહ્યા હતા. શરીરે થોડી કાઠાવાળી, ગૌરવર્ણો ચહેરો, જ્યારે હસતી ત્યારે ગાલ ગલગોટાની જેમ ફૂલી જતાં અને એમાં કોઈએ ટાંકણી ભોંકી હોય એવા નમણા ખાડા પડી જતાં, માથામાં હમેશાં તેલ નાખેલી ચોટલી છેક કમર સુધી પહોંચતી, લાલ રંગની કંકુની કરેલ બિંદી લેઝર લાઇટની જેમ તેના માથા પર જગારા મારતી, આંખો એટ્લે સફેદ સમુદ્રમાં તરતી કાળા રંગની માછલી. ટ્યુશનમાં આપેલું કાળા રંગનું બેગ મોટેભાગે પોતાના ખોળામાં જ લઈને બેઠી હોય. જેમ જેમ દિવસ ચઢતો જાય છે તેમ તેમ બધા રાહદારીઓની પડતી નજર હિતાંશીને તીરની જેમ લાગી રહી હતી. સાંજ પડ્યે એકલી છોકરી અહિં શા માટે બેઠી હશે ? એવો આછેરી ઝલકવાળો ચહેરો પ્રશ્નાર્થભાવે હિતાંશી સમક્ષ હર વખત જોઈ રહ્યો હતો.

આ તરફ તેના પપ્પા મુકુલભાઈ હજુ ખેતરેથી ઘરે આવે જ છે ત્યાં તરતજ હિતાંશીના મમ્મી કહે છે,
“કહું છું આ 7 વાગ્યા તોય હજુ હિતુ ઘરે નથી આવી. આવા ટાણે તો રોજ આવી જાય છે. એના સાહેબને જરા ફોન કરીને પૂછો તો ખરી”
દીકરી બાપનું નાક હોય છે, મમ્મીની નથડીનું રતન હોય છે એવું ઘણા કહેતા હોય છે. સાચું જ કહેતા હશે કદાચ. પણ મુકુલભાઈ હિતાંશીને નાક નહીં પોતાનું હ્રદય ગણતા. હવે હ્રદય જેને ગણ્યું છે તેની ફિકર તો હોવાની જ ને ? તરત ફોન કાઢીને નંબર શોધ્યા અને ફોન જોડ્યો.

“હેલ્લો નમસ્તે સાહેબ, મુકુલભાઈ બોલું છું. હિતાંશીના પપ્પા.”

“હા, મુકુલભાઈ બોલો, નમસ્તે.”

“હિતું ત્યાંથી નીકળી ગઈ છે ?”

“હા, 6 વાગ્યાની, કેમ શું થયું ?” સાહેબે પૂછ્યું.

“હજુ ઘરે નથી પહોંચી. હું સામો જાવ છું હાલો તેડવા.”

“હા. મુકુલભાઈ. કઈ એવું હોય તો મને ફોન કરજો અને ઘેર પહોંચી જાય ત્યારે મને જાણ કરી દેજો.”

“હા, સાહેબ ભલે.”

મુકુલભાઈ હાથ-મોં ધોયા વગર જ ડેલીની બહાર પડેલ ગાડીને કીક મારીને નીકળી પડ્યા. આમતો હિતાંશીના ગામથી શહેરનો રસ્તો 30 મિનિટનો જ છે પણ રાત્રિ દરમિયાન અંધારને કારણે 5-10 મિનિટની વાર લાગે. મુકુલભાઈ ગામની બહાર સડક પર પહોંચી ગયા. અંધારું વધારે ઘેરું બની રહ્યું હતું, મુકુલભાઈએ ગાડીની હેડલાઇટ ઓન કરી અને તેની સાથે જ પીળા રંગનો શેરડો રોડ પર દેખાવા લાગ્યો. ક્યારેક અણધારી બાબત બને ત્યારે માણસ નકારાત્મક પાસું પહેલા વિચારી લે છે. આટલું મોડું ક્યારેય થયું નહોતું તો પછી આજે શું થયું હશે ? તેવા કેટલાય નકારાત્મક વિચારોને કારણે મુકુલભાઈ ની આંખ ક્યારે ભીંજાય ગઈ તે ખ્યાલ જ ના રહ્યો. વળી આજે પવન પણ પોતાનું કામ કરી રહ્યો હતો આંખનું આંસુ લૂછવામાં મુકુલભાઈને રસ્તા પર રહેલો ખાડો નજરમાં ના આવ્યો અને દેખાયો ત્યાં જોરદાર બ્રેક મારી પણ છતાં ગાડી ઢસડાઈને ખાડામાં પડી. મુકુલભાઈ રોડની સાઈડ પર ફંગોળાઈ ગયા. સદભાગ્યે ત્યાં રેતી વધુ હોવાથી તેમને જરા પણ ઇજા ના થઈ. પરંતુ ગાડીનું હેન્ડલ સહેજ ત્રાંસુ થઈ ગયું અને પાછળનો પંખો વળી ગયો.

ધૂળ ખંખેરી મુકુલભાઈ ઊભા થયા. ગાડી ઊભી કરીને બધુ જોઈ લીધું સ્ટેરિંગને તેમણે સહેજ મરડીને સીધું કરી નાખ્યું પણ પંખો ગાડી ચલાવવા જાવ ત્યારે વ્હીલ સાથે ઘસાવાને કારણે ગાડીને આગળ ચાલવા નહોતો દેતો. ખેતી કરવાવાળા અડધા મેકેનિક તો હોયજ જો પક્કડ કે પાનું મળે તો જાતે જ રીપેર કરી શકે. પણ અંધારાને કારણે રસ્તા પર અવર જવર નહોતી. પોતાનું મોં ઊચું કરીને મુકુલભાઈ કોઈ આવે એની વાટ જોવા લાગ્યા. આજે મુકુલભાઈને એક વાત યાદ આવી ગઈ થોડા સમય પહેલા જે હિતાંશીએ કહેલી હતી, “પપ્પા મને એક મોબાઈલ લઈ દો ને જેથી ક્યારેય મોડું થાય તો હું તમને જાણ કરી શકું” પણ આ વાતને તેમણે જ ટાળી નાખી હતી. જેનો પછતાવો આજે ભરપૂર થતો હતો.

હિતાંશી જ્યાં બેઠી હતી ત્યાં પાનના ગલ્લાથી માંડીને બે ત્રણ બીજી દુકાનો હતી. જેના શટર પાડવા લાગ્યા હતા. એક નાનો પાનનો ગલ્લો ખુલ્લો હતો. રસ્તા પર વાહનોની અવર જવર બંધ થઈ ગઈ હતી. બસની વાટ જોવામાં ને જોવામાં પોતાના ગામની એક રિક્ષા પણ તેણીએ જવા દીધી. જોકે તેમાં જો હીરાના કારીગરો ના બેઠા હોત તો કદાચ એમાં હિતાંશી ચાલી ગઈ હોત પણ તે બેસે એ પહેલા તો બધા કારીગરોએજ રિક્ષા ભરચક ભરી દીધી. બસની વાટ જોવાનું પણ હવે નિરર્થક લાગવાં લાગ્યું. રસ્તાનો સૂનકાર હિતાંશીને ડંખી રહ્યો હતો. જે બેન્ચ પર તે બેઠી હતી ત્યાં નજીક જ રેલ્વે ના પાટા પસાર થતાં. ત્યાં બે ત્રણ માણસો પીધેલ હાલતમાં આવીને અપશબ્દો બોલવા લાગ્યા. ગલ્લા પર પણ જોતાં બે-ત્રણ માણસો આવાજ ઊભા હતા. હિતાંશીનો રૂપાળો ચહેરો હવે લાલ થવા લાગ્યો હતો. હમેશાં મલકતો ચેહરો ચિંતા, ડર, આતુરતાના ભાવોથી અકળાઈ રહ્યો હતો. હિતાંશી 12માં ધોરણ માં અભ્યાસ કરતી હતી. તેને પૂરેપુરી એ વાતની સભાનતા હતી કે એકલી છોકરી સાથે શું થઈ શકે. જોકે આ ગુજરાત હતું દિલ્લી નહીં પણ આવું કશું થાય ત્યારે પપ્પા તરત જ તેને લેવા આવી જતાં. તો આજે કેમ ના આવ્યા ? પછી બધી હિંમત ભેગી કરીને તેણે પેલા ગલ્લા વાળાને પોતાના પપ્પાના નંબર આપીને ફોન કરાવડાવ્યો. પણ તે કવરેજ વિસ્તાર બહાર આવતો હતો. ફરી જગ્યાએ બેઠી. પેલા દારૂડિયા થોડા વધુ નજીક આવવા લાગ્યાં. હિતાંશીની આંખ વધુ નીચે નમવા લાગી. ઘડીએ ઘડીએ આવતા આંસુડાંને પોતાના સફેદ રૂમાલ વડે લૂંછીને ફરી વાર વાટ જોવા લાગતી. આજે જેવી બીક લાગી રહી હતી એવી બીક હિતાંશીને ક્યારેય નહોતી લાગી. કોઈ રણમાં જાણે હરણી વ્યાકુળ થઈને પોતાની માંથી વિખૂટી થઈ પડી હોય એવું લાગી રહ્યું હતું.

જ્યાં બેઠી હતી ત્યાં અચાનક જ એક બાઈકની ફ્લેશ તેના ચહેરા પર જ પડી. હિતાંશીનું જોવાનું થયું અને તે બાઇકનું તે તરફ વળવાનું. ફ્લેશ આંખોમાં પડતાં થોડીવાર તો તેણી આંખો અંજાય ગઈ. પણ હિતાંશીના આશ્ચર્ય વચ્ચે તે બાઈક તેણીની પાસેજ આવીને ઊભી રહી. આંખોમાં પ્રકાશના ઉજાશને કારણે કોણ એમાંથી ઉતર્યું તે દેખાણું નહીં. પપ્પા જો આવે તો એ તો રસ્તાની બીજી તરફથી આવે જે તરફથી બાઈક આવી હતી તે તરફથી નહીં.

જ્યારે થોડા વધુ નજીક આવ્યા ત્યારે હિતાંશી ઓળખી અને બોલી ઉઠી, “અરે સર, તમે ?”

“હા, બેટા. તારા પપ્પાનો કોલ આવ્યો હતો કે હજુ ઘરે નથી પહોંચી એટ્લે આ બાજુથી નીકળતો હતો તો કીધું બસ સ્ટેન્ડ પર જોતો જાઉં.” સર તેનાથી લગભગ ચારેક વર્ષ જ મોટા હતા પણ છતાં તેને બેટા કહી ને સંબોધતા ક્યારેય કોઈ વિદ્યાર્થીઓને દુ:ખી ન જોઈ શકતા. સાચું તો એ હતું કે મુકુલભાઈનો ફોન આવતા જ પોતાનું અધૂરું જમવાનું મૂકીને શું થયું હશે એ જાણવા નીકળી ગયા હતા.
સાહેબ એને મૂકી આવી શકે એમ હતા પણ ગામડાનો સંકુચિત માનસ ધરાવતો વર્ગ સત્તર પ્રકારની વાતો કરીને હિતાંશીનીજ ઠેકડી ઉડાડત.

“બેટા, હું તારા પપ્પાને ફોન લગાવવાની ટ્રાય કરું છું. હું સામે દુકાને જ બેઠો છું. કઈ ચિંતા ના કર હું તારી સાથે જ છું.” આમ કહીને હિતાંશીના સર સામે ગલ્લે જઈને બેઠા. હિતાંશીના આંસુઓ સુકાવા લાગ્યાં હતા. ચહેરા પર સલામતિનો ભાવ સ્પષ્ટ દેખાય રહ્યો હતો. પોતાના સરની હાજરી તેને હવે સલામત અને નિશ્ચિંત બનાવી ચૂકી હતી. હિતાંશીએ પોતાના બેગમાથી વોટર બોટલ કાઢી અને પાણી પીતા પીતા તે સરને મોબાઈલમાં કઇંક કરતાં જોઈ રહી હતી. સાહેબ મુકુલભાઈને ફોન લગાવવાની કોશિશ કરતાં હતા.

આ બાજુ મુકુલભાઈને એક છકડો આવતા દેખાય છે. તેને તરત જ રોકીને તેની મદદ વડે પંખો સીધો કરે છે. ગાડીને ચાલવા લાયક બનાવીને ઉતાવળે જ કીક મારી રિક્સાવાળાનો આભાર માનીને ત્યાંથી પૂરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગે છે. મુકુલભાઇ પોતાની ગાડીને થોડી આગળ ચલાવીને લાવ્યા એટ્લે તેનો મોબાઈલ કવરેજમાં આવી ગયો. હિતાંશીના સાહેબ ફોન કરવાની જે ટ્રાય કરતાં હતા તે ફોન લાગી ગયો. ચાલુ ગાડીએ જ મુકુલભાઇએ ફોન ઉપાડયો.

“હા. બોલો” મુકુલભાઇએ કાન અને ખભ્ભા વચ્ચે મોબાઈલ પકડીને કહ્યું.

“મુકુલભાઇ હું હિતાંશીના સર બોલું છુ. તે અહીં બસ સ્ટેન્ડ પર તમારી રાહ જોઈ રહી છે. હું તેણીની સાથે જ છું કઈ ચિંતા ના કરતાં” સાહેબે કહ્યું.

“સાહેબ હું રસ્તામાં જ છું, આવુજ છું. 10 મિનિટમાં પહોંચ્યો.” મુકુલભાઇએ કહ્યું.

થોડીવાર પછી મુકુલભાઇ બસ સ્ટેન્ડે પહોંચ્યા. દૂરથી જ પપ્પાની ગાડીને હિતાંશી ઓળખી ગઈ. પોતાની જગ્યાએથી ઊભી થઈ અને દોડીને પપ્પાને ભેટી જ પડી. આંખમાં ખુશીના ઝળઝળિયા આવી ગયા. પપ્પાએ આંસુ લૂછીને કહ્યું, “રડમાં હવે બેટા, તારી મમ્મી તારી ચિંતા કરતાં હશે ચાલ બેસ ગાડીમાં.”

આ દ્રશ્ય નિહાળીને સાહેબનાં મુખ પર પણ નાનકડું સ્મિત રમતું થઈ ગયું. સાહેબનો આભાર માનીને મુકુલભાઇએ રજા લીધી. મુકુલભાઇએ ગાડી વાળી અને ગાડી રસ્તા પર દોડવા લાગી. સાહેબ તે જતી ગાડીને પાછળથી જોવા લાગ્યાં કે તરત હિતાંશીએ પાછું વળીને સાહેબને એક મીઠું મધુર સ્મિત આપ્યું. કદાચ એ સ્મિત એકજ વસ્તુ કહેવા માગતું હશે.....

”સર તમારો ખૂબ ખૂબ આભાર”

© Naresh Parmar