Angat Diary - Santosh books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - સંતોષ

અંગત ડાયરી
============
શીર્ષક : સંતોષ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


એક સવારે એક મિત્ર હોસ્પિટલ નજીક બસની રાહ જોતો ઊભો હતો. એક ભિખારી એની નજીક આવી બોલ્યો ‘સાબ, વીસ રૂપિયા આપશો?’ મિત્ર એની આવી માંગણીથી ચોંક્યો. ત્યાં એ ભિખારી ગળગળા અવાજે બોલ્યો ‘સાબ, મારી છોડીને દાખલ કરી છે, ડોકટરે દવા લેતા પેલા બે કેળા ખાવાનું કીધું, મારી પાસે પૈસા નથી’. મિત્રને દયા આવી ગઈ. એણે ખિસ્સામાંથી પાકીટ કાઢી વીસની નોટ પેલા ભિખારીને આપી. ભિખારી તરત જ હાથ જોડી ભાગી ગયો. એના ગયા પછી મિત્રને છેતરાયાનો અહેસાસ થયો. કેવા કેવા નુસખા આ લોકો શોધી કાઢે છે? આપણા દયા, કરુણાભાવને એવો છંછેડે કે ભાવાવેશમાં પાંચના બદલે વીસ કે પચાસ આપી દઈએ. મૂર્ખ બન્યાના અહેસાસ સાથે મિત્ર બસની રાહ જોવા લાગ્યો. એવામાં પેલો ભિખારી અચાનક પાછો આવ્યો. એક દસની નોટ મિત્ર સમક્ષ ધરતા બોલ્યો. ‘સાબ, દસમાં ત્રણ કેળા આવી ગયા.’ મિત્રના હાથમાં દસની નોટ પકડાવી, હસતા ચહેરે, હાથ જોડી એ પાછો જતો રહ્યો. મિત્ર ક્યાંય સુધી એ દસની નોટ સામે અને એ ભિખારી જે દિશામાં ગયો હતો એ દિશામાં જોતો રહી ગયો.

એ દિશા સંતોષની હતી. એ દિશા ઈમાનદારીની હતી. આ દિશામાં ચાલવું એક એડવેન્ચર જેવું છે. કોઈએ સાચું જ કહ્યું છે કે ‘મોટાભાગના લોકો પાસે જરૂરિયાત કરતાં વધુ છે, પરંતુ કોઈ પાસે પૂરતું નથી. No one have enough.’ કૈંક તો ઘટે જ છે. ઇચ્છાઓનું લીવર દાબીને દોડ્યે જતાં ઘણા લોકો સંતોષની બ્રેક ભૂલીને એક્સીડેન્ટ કરી, ઘવાયેલા, મૂંઝાયેલા દોડ્યે જતાં હોય છે.

એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે : ‘સંતોષૈશ્વર્યસુખીના દૂરે દુર્ગતિભૂમય, ભોગાશાપાશ બદ્ધાનામવમાના: પદે પદે’ [સંતોષના ઐશ્વર્યથી સુખી લોકોની કદી દુર્ગતિ થતી નથી અને ભોગેચ્છામાં ફસાયેલાં લોકોને ડગલે ને પગલે અપમાન અને લાચારી સહેવા પડે છે.]

એક સરકારી મિત્રને ગામડે એના મિત્રને ત્યાં બે દિવસ રોકાવા જવાનું થયું. ગામ નાનું હતું અને મિત્ર થોડે દૂરની મોટી કંપનીમાં સુપર વાઈઝર હતો. ગામમાં એના જેટલો પગાર કોઈનો ન હતો. નવરાત્રીમાં એનો ફાળો સૌથી વધુ હોય. નિશાળમાં બાળકોને ઇનામો, નાસ્તો એના તરફથી ચાલુ જ હોય. એય કહેતો ‘ભગવાન ધોમ રૂપિયો આપે છે. આપણી લાયકાત કરતાં વધુ આપે છે. આટલું વાપરું છું તોયે ખુબ વધે છે. મારે કોઈ વ્યસન નથી. બહારનું કંઈ ખાવું ગમતું કે ભાવતું નથી. બે ટાઈમ શાક, રોટલો, ખીચડી ખાઈએ એટલે ધરાઈ જઈએ’ એના ચહેરા પર ખરેખર ‘ધરાઈ ગયા’નો સંતોષ દેખાતો હતો. આખો પરિવાર મોજમાં રહેતો હતો. સરકારી મિત્ર પાછો ફરી રહ્યો હતો ત્યારે એને ગામડિયા મિત્રનો પગાર ખબર પડયો. "બાર હજાર રૂપિયા." આવતા મહિનેથી સીત્તેર હજારનો પગાર થવા જઈ રહ્યો હતો, છતાં જીવનમાં રહેતી ફરિયાદો, વાંધા-વચકાઓ શા માટે હતા એનું કારણ આજ એને સમજાઈ ગયું.

અનેકના મોંએ મેં સાંભળ્યું છે ‘મારી લાયકાત કરતા મને ઈશ્વરે ઘણું આપ્યું છે.’ આવું બોલતી વખતે એક ગજબ સંતોષ મેં એમની આંખોમાં વાંચ્યો છે પણ એ જ વ્યક્તિ જયારે બીજાની સરખામણી કરી ‘ઈર્ષ્યા’ની આગમાં સળગવા માંડે છે ત્યારે એ ત્રેવડ બહાર – લાયકાત બહાર – કેપેસીટી બહાર દોડવા આતુર બની જાય છે.

મિત્રો, લગ્નની મૌસમ છે. એક જ દિવસમાં ત્રણ-ચાર જગ્યાએ પહોંચવાનું આમંત્રણ છે. નવા કપડાં અને બત્રીસ જાતના પકવાન. સંગીત સંધ્યાથી શરુ કરી ફટાકડાની ‘ધૂમધડાકા કરતી’ સરો જોઇને ‘સતયુગ છે’, ‘માનવ જન્મ સુખોની ખાણ છે’ અને ‘હવે જ જીવન જીવવા જેવું છે – ચાલ જીવી લઈએ’ના સંતોષપૂર્ણ નારાઓ પોકારવાની હિમ્મત અને સાહસ કરીએ તો કેવું? લગે રહો... હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!