once open a time - 160 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 160

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 160

દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનું પ્રત્યાર્પણ થયું અને તેને દુબઈ સરકારે ભારતના હવાલે કર્યો એ વખતે ઈકબાલ કાસકરનો કેસ લડવા માટે ચુનંદા વકીલોની ફોજ ઊભી થઈ ગઈ હતી અને તેમણે ઈકબાલને થોડા સમયમાં જામીન પર છોડાવી લીધો હતો. (એમાં મુખ્ય એડવોકેટ અધિક શિરોડકર હતા, જે શિવસેનાના સંસદસભ્ય તરીકે રાજ્યસભામાં બિરાજમાન હતા!) એટલે ઈકબાલ કાસકર નૂરાને પાનો ચડાવી રહ્યો હતો કે એણે પણ ભારત આવી જવું જોઈએ. (બાય ધ વે, નૂરાએ તો ચૂંટણી લડવા માટે કોર્ટની પરવાનગી પણ મેળવી લીધી હતી!) જોકે ભારત પાછા આવવાનું નૂરા માટે શક્ય બન્યું નહોતું. એનું એક કારણ કદાચ એ પણ હતું કે નૂરા સામે ઈકબાલ કરતા વધુ પોલીસ કેસ ઊભા હતા અને બીજી બાજુ એની તબિયત પણ કથળી ગઈ હતી એટલે થોડા મહિનાઓ કે એક-બે વર્ષ જેલમાં ગાળવા પડે તો તકલીફ થાય એ વિચારથી કદાચ દાઉદે પણ તેને ભારત આવતા રોક્યો હોય.

11 ફેબ્રુઆરી, 2010ની સાંજના 6.45 કલાકે મુંબઈ કુર્લા ઉપનગરની ટેક્સીમેન કોલૉનીમાં વિવાદાસ્પદ એડવોકેટ શાહિદ આઝમી તેના મિત્ર સબા કુરેશી સાથે પોતાની ઑફિસમાં બેઠો હતો. શાહિદ આઝમીએ મુંબઈના 1992ના કોમી રમખાણોના અનેક આરોપીઓ અને આતંકવાદના કેસનો સામનો કરી રહેલા અનેક આરોપીઓને મુંબઈની જુદી જુદી કોર્ટોમાંથી નિર્દોષ છોડાવીને ‘નામના’ મેળવી હતી. શાહિદ આઝમી પોતે પણ આતંકવાદના આરોપ હેઠળ વર્ષો સુધી જેલમાં રહી ચૂક્યો હતો. 1992ના કોમી રમખાણો પછી ભારત સામે જિહાદ છેડવા માટે તેણે પાકિસ્તાની આતંકવાદીઓ સાથે હાથ મિલાવ્યા હતા અને પાકિસ્તાન જઈને આતંકવાદી કેમ્પમાં તાલીમ પણ મેળવી હતી. જોકે પછી તે ભારત પાછો આવી ગયો હતો અને આતંકવાદી પ્રવૃત્તિઓનો આરોપ હેઠળ જેલભેગો પણ થયો હતો. આતંકવાદનો સામનો કરી રહેલા ઘણા આરોપીઓ માટે મસીહા સમાન સાબિત થયો હતો.

શાહીદ આઝમી પોતાની ઑફિસમાં મિત્ર સાથે કોઇ મુદ્દે ગંભીર ચર્ચા કરી રહ્યો હતો ત્યારે બે યુવાન તેને મળવા આવ્યા. તેમણે બહાનું કાઢ્યું હતું કે કોઈ કેસને મુદ્દે વાત કરવી છે. એ યુવાનોએ અંદર આવતાવેંત શાહિદ આઝમી પર અંધાધૂંધ ગોળી બાર કર્યો અને શાહિદ આઝમીએ ઑફિસમાં જ છેલ્લો શ્વાસ લઈ લીધો. શાહિદ આઝમીને ગોળીએ દીધા પછી એ બંને યુવાન બહાર નીકળ્યા અને સહેજ પણ ઉતાવળ વિના રીક્ષા પકડીને ત્યાંથી રવાના થઈ ગયા. એ યુવાનો પૈકી એક જીતેન્દ્ર્ રત્નાકર ઉર્ફે જે.ડી. હતો અને બીજો શૂટર નવો નિશાળિયો હતો. જીતેન્દ્ર રત્નાકર અગાઉ નેપાળી સાથે છોટા રાજન ગેંગ માટે કામ કરતો હતો.

શાહિદ આઝમીની હત્યાના સમાચાર ગણતરીની ક્ષણોમાં દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન બંને સુધી પહોંચી ગયા હતા.

***

આ દરમિયાન અંડરવર્લ્ડની ગતિવિધિઓ ઓછી થઈ હતી અને ગેંગવોરની ઘટનાઓનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું હતું. જોકે 2010માં 23 જુલાઈના દિવસે આર્થર રોડ જેલમાં દાઉદ ગેંગના ખતરનાક ગુંડા અને મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ વિસ્ફોટના આરોપી મુસ્તફા ડોસાએ, દાઉદ ગેંગથી છૂટા થઈને પોતાની અલગ ગેંગ બનાવનારા અને પછી પોર્ટુગલમાં ઝડપાઈને પ્રત્યાર્પણ દ્વારા ભારત ધકેલાયેલા ડોન અબુ સાલેમ પર હુમલો કર્યો. એ હુમલામાં અબુ સાલેમ બચી ગયો પણ અબુના વફાદાર વકીલોએ હોબાળો મચાવી દીધો એટલે અબુ સાલેમને તાકીદે મુંબઈની બહાર તલોજા જેલમાં મોકલી દેવાયો.

2010ના વર્ષમાં દાઉદ માટે આથી વધુ ખાસ મહત્વની ઘટનાઓ બની નહીં, પણ 2011ના વર્ષની શરૂઆતમાં દાઉદને વધુ એક ઝટકો લાગ્યો. 7 ફેબ્રુઆરી, 2011ના દિવસે દાઉદના દોસ્ત અને નેપાળના પાવરફુલ મિડીયામેન એવા ન્યૂઝ ટીવી ન્યૂઝ ચેનલ માલિક જમીમ શાહને કાઠમંડુના વાંતુ વિસ્તારમાં ધોળા દિવસે ગોળીએ દેવાયો. જમીમ શાહ જબરદસ્ત કહેવાય એવું કેબલ નેટવર્ક ધરાવતો હતો અને નેપાળમાં સૌ પ્રથમ સેટેલાઈટ ટીવી ન્યૂઝ ચેનલ તેણે શરૂ કરી હતી. નેપાળના ઉચ્ચ અધિકારી મોહિમ શાર અને આયેશા શાહના પુત્ર એવા જમીમ શાહ દાઉદ ઈબ્રાહીમ અને કુખ્યાત પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈનું નેટવર્ક ધરાવતો હોવાનું ભારતીય જાસૂસી સંસ્થા માનતી હતી અને આઈએસઆઈના ઈશારે ભારતમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાની પ્રવૃત્તિ પણ કરતો હોવાનું ભારતીય જાસૂસી સંસ્થાની તપાસમાં બહાર આવ્યું હતું.

જમીમ શાહને ગોળીએ દેવાયો એ પછી છોટા રાજને જાહેર કર્યું કે, મેં જ જમીમ શાહને ડેથ વોરંટ ઈસ્યુ કર્યું હતું કારણ કે તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો! જમીમ શાહની હત્યાથી દાઉદ ગેંગને નેપાળમાં જબરદસ્ત નુકસાન પહોંચ્યું હતું.

***

7 એપ્રિલ, 2011ની બપોરના 12 વાગ્યે કરાચીની ડિફેન્સ કોલોનીમાં અરૈયા સ્ટ્રીટમાં 8 નંબરના બ્લોકની બહાર એ અજાણ્યા યુવાનોએ એક માણસની નજીકથી ગોળીએ મારી હત્યા કરી. એ ઘટના વિશે ગણતરીની મિનિટોમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા રાજન અને ભારતીય જાસૂસી સંસ્થાઓ તથા પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના ઉચ્ચ અધિકારીઓને માહિતી મળી ગઈ. એ ઘટના વિશે જાણીને દાઉદ અને આઈએસઆઈના અધિકારીઓ અપસેટ થઈ ગયા તો છોટા રાજન અને ‘રો’ના અધિકારીઓ આનંદમાં આવી ગયા.

કરાંચીની એ ઘટનામાં કમોતે માર્યો ગયો હતો એ માણસ આગાખાન શરીફ ઉર્ફે છોટા દાઉદ હતો. 2008માં મુંબઈ પોલીસે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાંથી કરોડો રૂપિયાની નકલી ચલણી નોટો સાથે અખ્તરઅલી ઉર્ફે પાપા હુસેની કાદર, રફીક શેખ અને અન્ય બે દેશદ્રોહીઓની ધરપકડ કરી ત્યારે કે.એમ,અબ્દુલ્લા ઉર્ફે રહેમાની અને આગાખાન શરીફ ઉર્ફે છોટા દાઉદ સુધી છેડો નીકળ્યો હતો. આગાખાન શરીફ પણ આઈએસઆઈના ઈશારે ભારતીય અર્થતંત્રને ફટકો મારવા માટે ભારતમાં મોટી સંખ્યામાં બનાવટી ચલણી નોટો ઘુસાડતો હતો. આવા છોટા દાઉદની હત્યાની દાઉદ ગેંગને અને આઈએસઆઈને ફટકો પડ્યો હતો, પણ ભારતીય જાસૂસી સંસ્થાના અને મુંબઈ અને પોલીસના અધિકારીઓએ રાહતની લાગણી અનુભવી હતી.

છોટા દાઉદની કરાંચીમા હત્યા થઈ એથી દાઉદનું નાક કપાયું હતું. છોટા દાઉદની હત્યા પણ છોટા રાજને જ કરાવી હોવાની વાત ફેલાઈ હતી. દાઉદના ગઢ સમા કરાંચીમાં જ તેના મહત્વના માણસને ગોળીએ દેવાયો એ ઘટના દાઉદ માટે શરમજનક હતી. પણ ત્યારે દાઉદને કલ્પના સુદ્ધાં નહીં હોય કે તેના માટે આથી પણ વધુ શરમજનક અને આંચકાદાયક ઘટના એક જ મહિનામાં બનવાની છે.

(ક્રમશઃ)