anamika in Gujarati Short Stories by Niyati Kapadia books and stories PDF | અનામિકા

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

અનામિકા


એનું નામ તો ક્યારેય પૂછ્યું નથી. મારી બાજુમાં જ રહે છે. નવી આવી ત્યારે મને એ થોડી ગમેલી. પછી ધીરે ધીરે...! છી... આવી છોકરીની શું વાતો કરવાની ? મારે બીજું કંઈ કામ નથી?

મંજરીએ વિચારોના કચરાને વાળી ઝૂડીને, એક પ્લાસ્ટિકની કોથળીમાં બંધ કરી એ કોથળીને બે ગાંઠ મારી, બરોબર ટાઇટ કરીને કચરાટોપલીમાં કચરો ફેંકીએ એમ ફેંકી દીધા! એણે લોટ બાંધવાનું શરૂ કર્યું...

દેખાવે કેટલી સુંદર છે! બીજું કોઈ સારું કામ ના કરી શકે? અરે કંઈ ના મળે તો એક સિલાઈ મસીન વસાવી કપડાં સિવી શકે! કોઈના ઘરે કચરા પોતા કરી શકે અરે જો થોડી ભણેલી હોય તો ટ્યુશન કરાવી શકે! પણ, મહેનત કોને કરવી છે અહીં? મફતમાં રૂપિયા મળતા હોય ત્યાં કોણ આવી કળા ફૂટમાં પડે?

મંજરીને પાછો પોતાના પર જ ગુસ્સો આવી ગયો. એ લોટને વધારે જોર લગાવી મસળવા લાગી. એના વિચારો આજે એનો પિંછો જ છોડતા ન હતાં. એણે ટોઇલેટમાં બધી ક્રિયા પતાવ્યા પછી ફ્લશ કરીએ એમ બધા વિચારોને મનમાંથી ફ્લશ કરી દીધા...છતાં હાશ ના થઈ!

નાની નાની પુરીઓના લુવા વાળતા વાળતા હવે એને એ બાજુવાળીની નાની છોકરી યાદ આવી ગઈ. માનવી! કેટલું સુંદર નામ રાખ્યું છે! એય એની મા જેવી જ રૂપાળી છે. મને જોઇને રોજ સ્મિત આપી દે. બોલે પણ કેટલું મીઠું, “ગુડ મોર્નિંગ આંટી!" મને ઘરમાંય આજ સુધી કોઈએ સવારે ઊઠીને, “ગુડ મોર્નિંગ" નથી કહ્યું. પહેલા તો હુયે એની સામે હસતી. પણ, જ્યારનું અવિનાશે કહ્યું કે એની મમ્મી... છી...! મંજરી પુરીઓ વણીને તળવા લાગી.

આજે મંજરીએ એના ઘરે નાની નાની છોકરીઓને જમવા બોલાવી હતી. નવરાત્રિમાં એકવાર એ દર વરસે આસપાસની છોકરીઓને ઘરે બોલાવી જમાડતી. કાલે સવારે એ કોને કોને ઘરે બોલાવીશું એની ચર્ચા એના પતિ અવિનાશ સાથે કરતી હતી ત્યારે અવિનાશે એને માનવીને બોલાવવાની ના કહી હતી. નવાઈ પામીને મંજરીએ કારણ પૂછેલું. ત્યારે અવિનાશે જણાવેલું કે, “અરે વાત જ ન કર એ છોકરીની આ ઘરમાં, એની મમ્મી કોલગર્લ છે! રોજ રાતે બનીઠની એના ગ્રાહક પાસે જાય છે. સવારે રૂપિયા લઈને ઘેર. અહીં એક એક રૂપિયો ભેગો કરતા નાકે દમ આવી જાય અને આવી રાંન્ડ ગાડીઓમાં ફરે ! એની છોકરીને અંગ્રેજી માધ્યમમાં ભણાવે! કાલે એ સપોલી એનાથીયે વધારે કમાશે!”

અવિનાશની વાતો સાંભળીને મંજરીને ખૂબ આઘાત લાગેલો. એને હવે યાદ આવતું હતું એણે ઘણીવાર એ બાજુવાળીને રાતના એકલી બહાર જતા જોયેલી. પહેલા તો એને થયેલું, કેટલી હિંમતવાળી બાઈ છે! રાતાના ગાડી લઇને એકલી જાય છે! હવે થયું એને શેની ચિંતા? આટલા મોટા દિલ્લી જેવા શહેરમાં એક છોકરી સાથે એ એકલી રહેતી હતી. પહેલાં એને ખૂબ માન થયું હતું એ બાજુવાળી પર પણ હવે, છી... આવીને કોણ ઘરમાં સંઘરે...

સાંજના ચાર વાગ્યા હશે. માનવી સિવાય દરેકના ઘરે સંદેશો પહોંચી ગયેલો કે સાંજે મંજરીઆંટીને ઘરે જમવા જવાનું છે. ઘરની બેલ વાગતા એણે જઈને બારણું ખોલ્યું. દરવાજે એ બાજુવાળી ઊભી હતી. ગુલાબી કુર્તા પાયજામા એ સુંદર લાગતી હતી... મંજરી દરવાજાની વચોવચ ઊભી રહી ગઈ

“તમે મને ભલે અંદર ના આવવા દો હું બહાર જ રહીશ પણ, માનવીનો શો વાંક છે? આસપાસની બધી છોકરીઓ સાંજે તમારે ત્યાં આવશે તો મારી માનવી કેમ નહિ? એના દિલને કેટલો આઘાત લાગે એ વિશે તમે વિચાર્યું છે. દેવીને ખુશ કરવા તમે કન્યાઓને ઘરે બોલાવી ખવડાવો છો એ દેવી એક નાની બાળકીને દુઃખી જોઇને ખુશ થઈ શકશે?”

“જો મારા ઘરે કોને બોલાવવા કોને ના બોલાવવા એ મારો અંગત પ્રશ્ન છે. તને એટલું બધું લાગી આવતું હોય તો તારો ધંધો બંધ કરને!" મંજરીએ ગુસ્સામાં કહી દીધું.

“ધંધો બદલું?" મંજરી હસી જરાક. એની લાંબી મોટી પાંપણોમાં પાણી આવીને અટકી ગયા.“ તમે જ કહો એવો કયો ધંધો છે જેમાં સ્ત્રી સંપૂર્ણ સલામત હોય? ધંધો બદલું હું... શું ફરક પડશે એનાથી...? ખરીદાર બંધ થઈ જશે? કાલે મારી જગાએ કોઈ બીજી લીના, મીના કે ટીના આવી જશે! કોઈ બીજી લજ્જાને કોઈ હરામી એના ઘરેથી ટ્યુશન જતી વેળાએ ઉઠાવી જશે અને વેચી દેશે એને માર્કેટમાં. હું..હું ફક્ત દસ હજારમાં વેચાઈ ગઈ હતી. તેર જ વરસની ઉંમરે! જો એ નાલાયકે મારા ડેડી પાસે રૂપિયા માંગ્યા હોતને, મને છોડાવવાના તો એ એને દસ લાખ ઘડીના છઠ્ઠાભાગમાં આપી દેત. પણ, એણે એવું ના કર્યું. ખબર છે કેમ? કેમકે એ હલકટ ગભરાઈ ગયો હતો. હું એને ઓળખી ગઈ હતી. એ મારા ઘરનો જ જૂનો નોકર હતો. જે ચોરી કરતા પકડાઈ ગયેલો અને એને કાઢી મૂકેલો. ચોરી એ કરે, ગુનો એ કરે, ગભરાઈ એ જાય અને સજા... સજા મને મળી! તેર વરસની ઉંમરે બળાત્કારનો ભોગ બની. એક-બેવાર નહીં અસંખ્ય વાર...” એ હવે રડી પડી. બળાત્કારની એ પીડા એ અત્યારે પણ ભોગવી રહી.

“ચાર વરસ એ નરકમાં જીવી, માબાપ બધું ભૂલી ગઈ, ભૂલી જવું પડ્યું. એ મારી હાલત જાણે તો જીવતે જીવ મરી જાય. એક દિવસ મને મોકો મળ્યો ને ભાગી ગઈ મારા એક યાર સાથે. એણે મારી સાથે લગ્ન કર્યા. મને ગર્ભવતી કરી અને પછી એકદિવસ એ ભાગી ગયો. હું એની રાહ જોતી રહી. ભાડાના ઘરનું ભાડું ચઢતું હતું. ખાવાનું, દવા, લાઇટબીલ... બધા માટે રૂપિયા જોઈએ. જે મારી પાસે ન હતા. પેટમાં નવ મહિનાની બાળકી હતી. હું શું કરત. મેં આસપાસ બધે ભીખ માંગી કામ આપવા... અજાણી અને પાછી રૂપાળી સ્ત્રીને કામ આપવા કોઈ ઇજ્જતદાર સ્ત્રી તૈયાર ના થઈ. મનમાં બીક લાગી હશે એની ઈજ્જતના ફાલુદા ઊડી જવાની. પછી મારી ખોલીના માલિકે મને મદદ કરી. ભાડું માફ કર્યું, રૂપિયા આપ્યા, દવાખાને લઇ ગયો, ખાવા આપ્યું ને એક બાઈ પણ રાખી આપી મારી દેખભાળ માટે...! એ કોઈ સંત મહાત્મા ન હતો એણે આ બધું કર્યું બદલામાં મારે સ્વસ્થ થયા પછી એની જોડે એક મહિનો રહેવાનું રહેવાનું હતું જ્યારે એની પોતાની સ્ત્રી એના કુળદીપકને જનમ આપવા પિયર જવાની હતી! હું એની વાત માની ગઈ. બીજો કોઇ વિકલ્પ મને ના સુજ્યો. ”

“કદી એક આખો દિવસ ભૂખ્યા રહ્યા છો? બિલકુલ ખાધા વગર! હું રહી છું... દિવસોના દિવસો અને એ બધું મારે ફરીથી નહતું સહેવું. મારી દીકરી ભૂખી રહે એ કરતાં મને વેચાઈ જવાનું પસંદ આવ્યું. છું હું પાપણ, તમે મને ના બોલાવો પણ મારી દીકરી એટલી જ માસૂમ છે જેટલી તમારી! એને હું સારામાં સારી સ્કૂલમાં ભણાવું છું જેથી કાલે એ એના પગ પર ઊભી રહી શકે. એણે મારા જેવું ના બનવું પડે. જાણું છું કે મારો રસ્તો ખોટો છે એટલેજ એ આ રસ્તે ના જાય એના માટે હું રોજ રાતે વેચાઈ જાઉં છું, રોજ રાતે મરીને સવારે ફરી જીવું છું ! તમે તમારા પતિને કદી “ના ” કહેતા હશો અને એ માની જતા હશે, મારી પાસે એ વિકલ્પ નથી..."

“માફ કરશો. બહું સમય લીધો તમારો." એ નીચું જોઈ પાછી વળવા જતી જ હતી કે મંજરીએ એનો હાથ પકડી એને રોકી, “સાંજે માનવીને મોકલી દેજે, તું આ ઘરમાં કદી ના આવતી!”

હકારમાં માથું હલાવી એ ચાલી ગઈ.

સાંજે બધી છોકરીઓ આવીને જમીને ગઈ પછી અવિનાશે મંજરીનો ઉધડો લીધો, “તને મેં ના પાડીતી છતાં તે પેલી વેશ્યાની છોકરીને ઘરમાં બોલાવી? તારી આટલી હિંમત કેમ ચાલી? તું સાવ ગમાર, મણીબેન છે એ બધું ચલાવ્યું એટલે હવે,"

“એના ધંધાની તને કેવી રીતે જાણ થઈ?" અવિનાશને વચ્ચેજ અટકાવી મંજરીએ સાવ કોરી ધાકોર, લાગણીશૂન્ય આંખો સાથે પૂછ્યું.

“કેવી... રીતે એટલે?” અવિનાશ ઢીલો પડી ગયો. “ એક દોસ્ત પાસેથી જાણેલું.”

“કયો દોસ્ત? ” મંજરીનો અવાજ ઊંચો થયો.

“તારે શું કામ છે જાણીને? હોય દુનિયામાં બધી જાતના માણસો મળે!” અવિનાશ પડખું ફરીને પલંગ પર આડો પડી ગયો.

“હવે એ દોસ્ત કે એના જેવો બીજો કોઈ પણ દોસ્ત આ ઘરમાં નહિ આવે. ગમાર, મણીબેન છું એટલે અત્યાર સુંધી ચલવ્યું... હવે નહિ ચલવું! તારેય જવાન, રૂપાળી દીકરી છે એ ના ભૂલતો!”

Niyatikapadia.