Kuvari kanyana kod books and stories free download online pdf in Gujarati

કુંવારી કન્યાના કોડ

"કુંવારી કન્યાના કોડ '' કેતન મોટલા 'રઘુવંશી'

'સાંભળ્યું તમે હજુ તૈયાર નથી થયા! મહેમાનો હમણાં આવતા જ હશે..જાવ જલદી કરો' મનોરમા બેન એકની એક દીકરી દિવ્યા ના પિતા ગુણવંતરાય ને કહ્યું.

'હા હવે જાઉં છું.કોણ જાણે હજુ કેટલા મહેમાનોની સરભરા કરવી પડશે !'ગુણવંતરાય આક્રોશ કરતા બોલ્યા.
'દીકરી ને સારે ઘરે વળાવવી તે મારી એક ની જવાબદારી નથી, તમે પણ દીકરીના બાપ છો..'મનોરમા બેને ગુસ્સામાં કહ્યું.

'મને ખબર છે મારી જવાબદારી ની. પણ તારી લાડકી દીકરી હા પાડે તો ને....!આ સત્તરમો છોકરો છે. '

"એ તો એમ કેમ હા પાડી દે.!જેટલા છોકરા જોયા એમાંથી એક પણ મારી દિવ્યાને લાયક ન હતા. મારી દિવ્યા છે કેવી હિરોઇન જેવી...'મનોરમા બેન દિવ્યાની પોરસ કરતા બોલ્યા.

' દીકરીને ક્યાં સુધી ઘરમાં બેસાડી રાખશો અને પાંચ હજારની નોકરી કરે છે એનો મતલબ એવો નહીં કે આપણી દીકરી પગભર છે. દીકરીને તો જેમ બને તેમ વહેલી પરણાવી દેવાય...'ગુણવંતરાય સમજાવતા બોલ્યા.

'હવે ડાહી ડાહી વાતો બંધ કરો ને જલ્દી તૈયાર થાવ...'

'એ આવો...આવો..જયશ્રીકૃષ્ણ.'

'જયશ્રીકૃષ્ણ'

' કેમ મકાન શોધવામાં કંઈ તકલીફ ન પડી ને..'મનોરમા બેન મહેમાનોને આવકારતા પૂછ્યું.

'ના ના, એડ્રેસ હતું ને એટલે સરળતાથી મળી ગયું. '
'સારું સારું. દિવ્યા બેટા ચા નાસ્તો લાવો..'
મહેમાનોનાં ચા-પાણી નાસ્તો કરતા તે દરમિયાન છોકરા છોકરી ની મીટીંગ પતી ગઈ .

'ગુણવંતરાય અમારી હા છે અમને તમારી દીકરી પસંદ છે. '

આવા શબ્દો ગુણવંતા સોળમી વખત સાંભળી ચૂક્યા હતા એટલે તેમને જરાપણ આશ્ચર્ય ન થયું.તેને ખાતરી હતી કે હમણાં જ મનોરમા વચ્ચે કૂદશે અને થયું પણ એવું જ..

'ઉભા રહો તમે બધી વાત મારી સાથે કરો.તમને મારી દિવ્યા પસંદ છે એ તે મારી દિવ્યા છે જ એવી..પણ અમારી કેટલીક શરતો છે. '

' શરતો? કેવી શરતો...'

'મારી દીકરી સાસરે આવ્યા પછી વાસણ કચરા-પોતા જેવું ચીલાચાલુ કામ નહીં કરે .'

'એ તો અમારે ત્યાં કામવાળી બાઈ છે ને '

' અને તેને નોકરી કરવી હોય તો કરવા દેવી પડશે તમારાથી ના નહિ પડાય...'

'અરે! પણ અમારે ભગવાનની દયાથી ખૂબ સારું છે સારી ઇનકમ છે એટલે વહુ ને નોકરી કરવાની ક્યાં જરૂર છે....'

'અને પરણી ને બંને અલગ મકાનમાં રહેશે તે તમારી સાથે નહીં રહે ...'

મનોરમા બેનની એક પછી એક કઠોર શરતો સાંભળી કોઈ મુરતીયો તેની દીકરીને પરણવા તૈયાર ન થયો એમ છતાં મા-દીકરી કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા રાજી ન હતા આમ ને આમ દિવ્યા ની ઉંમર વધતી જતી હતી.

'અરે ગુણવંત' તારી દીકરીનું ગોઠવાઈ ગયું...?નહીંતર મારા ધ્યાનમાં એક ઠેકાણું છે. ડોક્ટર છે છોકરો..'ગુણવંતરાય ના મિત્ર ધનસુખલાલ એ પૂછ્યું.

'અરે શું કહું ધનસુખ તને, મારી દિવ્યા માટે સાઇઠ ઠેકાણા જોયા પણ મા-દીકરી ક્યાંય હા જ ન પાડે..કોઈ ઊંચો તો કોઈ નીચો.કોઈનું ભણતર નડ્યું તો કોઈનું ગામ...આ જગતમાં મારી દીકરીને લાયક કોઈ મુરતિયો જ નથી...'ગુણવંતરાય દુઃખી હૃદય બોલ્યા.

'અરે દોસ્ત, દીકરી આપવી હોય તેનુ ખાનદાન જોવાય સારા ખાનદાનમાં હોય પછી બાકી બધી બાબત ગૌણ છે. '

'તારી વાત સાચી છે ધનસુખ હું પણ એમ જ કહું છું પણ મારી વાત સાંભળે કોણ ? આમ ને આમ દિવ્યા ૩૫ વર્ષની થઈ ગઈ. હવે તો આખા સમાજમાં અમારી વગોવણી થઈ ગઈ છે.તેનાથી દસ-પંદર વર્ષ નાની ઉંમરની દીકરીઓ પરણવા લાગી પણ મારી દીકરી નો મેળ ન પડ્યો તે ન જ પડ્યો. 'ગુણવંતરાય પોતાની વેદના વ્યક્ત કરતા બોલ્યા.

'ઠીક છે દોસ્ત, તું હા પાડે તો પેલા ડોક્ટરને ફેમિલીને વાત કરું. '
'ભલે '

અને એકસઠમો મુરતિયો દિવ્યા ને જોવા આવ્યો બધું રૂટીન મુજબ પતી ગયા પછી મનોરમા બેને તેની એક પછી એક શરતો મુકી. ફેમીલી મેમ્બર તો શરતો જાણી ઉભા થઇ ગયા પણ ડોક્ટર યુવાને તેના માતા-પિતાને બેસી રહેવા ઈશારો કર્યો.

'આંટી હું તમારી બધી જ શરતો માનવા તૈયાર છું...'

આ શબ્દો સાંભળી મનોરમા બહેન અને દિવ્યાની આંખોમાં ચમક આવી.
'પણ.. ?'
'પણ શું? '

'મારી પણ વાત તમારે માનવી પડશે '
'હા બેટા બોલોને શું વાત છે. ' મનોરમાબેન ઉત્સાહ થી બોલ્યા

'તમારી દીકરીની ઉંમર...?'

ત્રી...સ...ત્રીસ વર્ષ'

' ખોટું બોલો છો તમે. ૩૫ વર્ષ પૂરા થઈ ગયા છે દિવ્યા ને .મને ધનસુખ અંકલે કાલે જ કહેલું. અને સાંભળી લો એક ડોક્ટર હોવાને નાતે મને એટલી ચોક્કસ ખબર પડે કે તમારી દીકરીને આટલી ઉંમરે પ્રેગ્નેંટ થઇ શકવાના ચાન્સીસ બહુ ઓછા હશે અને ચાલીસ વર્ષે તો મોનોપોઝ સમજો છો ને તમે. ..!અને બીજી વાત કદાચ બે-ત્રણ વર્ષમાં બાળક જન્મે તો પણ અત્યારે માણસ ની સરેરાશ ઉંમર 55 60 વર્ષની છે એટલે કે આવનાર બાળક યુવાનીમાં માતા વિહોણું બની જાય..હું મારું કે મારા સંતાનોનું ભવિષ્ય ડુબાવવા નથી માગતો. મારી ઉંમર હાલ 26 છે એટલે મને ૨૨ ૨૩ વર્ષનુ સારું પાત્ર મળી જશે... અવિવેક બદલ હું આપની માફી માગું છું પણ જે વાસ્તવિકતા છે તે મારે એક ડોક્ટર તરીકે આપને કેવી જ પડે...'આટલું કહી યુવા ડોક્ટર તેના પરિવારને લઇ નીકળી ગયા.

'મમ્મી, મારે હવે લગ્ન જ નથી કરવા.....'

@@@સમાપ્ત@@@