Identification of God books and stories free download online pdf in Gujarati

ઈશ્વરની ઓળખ

ઈશ્વર..પરમાત્મા.. ભગવાન..

કોણ છે ઈશ્વર? ક્યાં છે ઈશ્વર? કોણે જોયા છે ઈશ્વરને? આ બધા સવાલોના આપણી પાસે કોઈ જવાબ નથી. પણ એનો મતલબ એવો નથી કે ઈશ્વર છે જ નહીં એવું આપણે સ્વીકારી લઈએ. સાયન્સ કહી શકે છે કે આ વખતે ચોમાસુ થોડું મોડું આવશે અથવા તો ઉનાળો બહુ તપસે, અને શિયાળામાં હિમાલય જેવી કડકડતી ઠંડી પડશે. પણ સાયન્સ એવું કહી શકે છે કે આ દિવસે આટલા વાગે આટલો જ વરસાદ પડશે અથવા તો આટલો જ બરફ પડશે. અને સાયન્સ કહે તે પ્રમાણે જ એટલો જ વરસાદ કે એટલો જ બરફ પડી ને કદી બંધ થઈ જાય છે? જવાબ છે ના. જ્યાં સાયન્સની પહોંચ પૂરી થઈ છે ત્યાંથી હજારો કિલોમીટર દૂર સુધી એટલે કે અનંત સુધી ઈશ્વરની પહોંચ છે. એ ઈશ્વર કે જેમને આપણે ક્યારેય જોયા નથી પરંતુ એક તેમની એક આકૃતિ કે છબી આપણે આપણા મનમાં બનાવી લીધી છે. જ્યારે કોઈ વ્યક્તિ મરણ પથારીએ પડ્યું હોય ત્યારે આપણે હોસ્પિટલમાં સાયન્સ ની મદદથી તેમની સારવાર લેતા હોય છે અને ડોક્ટર જ્યારે તેમના થી બનતી કોશિશ કરી લે પછી તે ખુદ પણ આપણને કહે છે કે અમારાથી બનતું હતું એ થઈ ગયું હવે તો બધુ ભગવાનના હાથમાં છે. સાયન્સના કેટલાક અનુયાયીઓ પણ ક્યાંકને ક્યાંક એ અદ્રશ્ય શક્તિ કે જેને આપણે ભગવાન કહીએ છીએ તેના હોવાનું સ્વીકારે છે.

આજના મોર્ડન યુગમાં યુવાન પેઢી તેમના પૂર્વજો કે વડીલોની જેમ મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થાનો ઉપર જવાનું પસંદ નથી કરતા. વળી તે લોકોને કલાકો બેસીને પૂજા પાઠ , ભજન કીર્તન બધું કરવું પણ ખૂબ કંટાળાજનક લાગતું હોય છે. અને પોતાના બાળકોમાં ભગવાન પ્રત્યે અને ધાર્મિક કામો પ્રત્યે આવી અરુચિ જોઈને તેમના માતા-પિતાઓ ખૂબ જ ચિંતામાં મુકાઈ જતા હોય છે. તેમને લાગતું હોય છે કે તેમના બાળકોની આવી માનસિક ધારણા તેમને તેમના જીવનને બરબાદ કરવાના રસ્તા તરફ લઈ જશે. પણ મારુ માનવું છે કે ભગવાન એ આપણી અંતઃ પ્રેરણા છે તે આપણાંથી ભિન્ન નથી. બલ્કે એ તો આપણી અંદર જ આપણા આત્માની સાથે જ હોય છે. અનેક ધાર્મિક ગ્રંથ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે ભગવાન પ્રત્યેક સજીવ માત્રમાં વસવાટ કરે છે. તેથી ભગવાનની પ્રત્યે પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ દર્શાવવા માટે ધાર્મિક સ્થળો ઉપર જવું કે પછી જાતજાતના હોમ હવન, પૂજા પાઠ, ભજન-કીર્તન કરવું એ એક જ વાત ધાર્મિક હોવાનું કે ભગવાનમાં વિશ્વાસ હોવાનું દર્શાવવા નો માપદંડ ના બનવું જોઈએ. જે કોઈ વ્યક્તિ આ બધું કરે છે તે તેના મનથી ખુશીથી કરતો હોવો જોઈએ. અને જે ના કરે તેને નાસ્તિક કે ગેર માર્ગે જનાર વ્યક્તિ સમજવું ના જોઈએ.

આજકાલ કેટલાંય યોગી પોતાને ભગવાનના અનુયાયી જણાવીને પોતાનો જ એક અલગ પંથ ઉભો કરી લેતા હોય છે. અને ધીમે ધીમે આવા બધા અનેક પંથો નીકળી પડ્યા છે. ભગવાન ના નામ પર ભોળા અને અંધવિશ્વાસુ લોકોને ફસાવીને આ બધા પંથના સંચાલકો તેમની પાસેથી દાન ધર્મના નામે થોડા થોડા કરીને લાખો કરોડો રૂપિયા ની સંપત્તિ એકઠી કરી લેતા હોય છે. અને આ બધા પંચના અધિકારીઓ પછી પોતાનું જ અલગ સામ્રાજ્ય ઊભું કર્યું હોય તે રીતે તેના ઉપર રાજ કરે. જ્યાંના ભગવાન તે પોતે જ બની જતા હોય છે અને અંધવિશ્વાસ અને ભોળા લોકો સાચા ભગવાન પરમાત્માને ભૂલીને આવા અધિકારીઓને વશમાં થઇ જતા હોય છે. આવા અધિકારીઓ પોતાના સામ્રાજ્યમાં ભગવાન ના નામ પર સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, દવાખાના અને પોતાની જ દવાની ફાર્મસી, ગૌશાળા વગેરે વસ્તુઓનું નિર્માણ કરીને બધાને પોતાના સેવા કર્મો વિષે ઢંઢેરો પિટતા હોય છે આવા બધા સ્થાનોના મારફતે તેઓ ક્યારેક ફી સ્વરૂપે, ક્યારેક દાન સ્વરૂપે, તો ક્યારેક તેમણે બનાવેલી વસ્તુઓની કિંમત સ્વરૂપે તેઓ બીજી ઘણી કમાણી કરતા હોય છે. અને આ બધું જોઈને તેમના અનુયાયીઓ પણ વિચારતા હોય છે કે તેમના એ સત્તાધિકારી જેમને તે પોતાના ગુરૂ માનતા હોય છે તેઓ આટલી બધી સેવા કરે છે. જો સાચે જ તેમણે સેવા કરવી હોય અને જો તે સાચા ગુરુ હોય તો પોતાના શિષ્ય પાસેથી એક પણ રૂપિયો લીધા વગર જ તેઓ પોતાની જાતે પોતાના બળ ઉપર બધાની સેવા કેમ ન કરે? અને સાચા ગુરુ તો આપણને ભગવાનની ભક્તિ નો સાચો અને સરળ માર્ગ બતાવે. ગુરુ તો ભગવાન અને મનુષ્ય વચ્ચેના એક પુલ સમાન કામ કરે. સામેવાળાના મનમાં પોતાની જાતને ભગવાન ના બનાવી દે.
(નોંધઃ આ મારુ પોતાનુ મંતવ્ય છે. કોઇનું વ્યક્તિગત, કે સામાજિક, કે જાતિગત અપમાન કરવાનો મારો કોઈ ઉદ્દેશ છે નહીં. તેથી મારો આ લેખ વાંચીને કોઈએ ધર્મના નામ પર કે પછી રાજકારણને વચ્ચે લાવીને કોઇ યુદ્ધ ચાલુ કરવું નહીં.)

બાકી કડવું લાગે તો વાંધો નહીં કારણ કે સત્ય હમેશા કડવું જ હોય છે. હવે વાત કરીએ એવા લોકોની જે અલગ પ્રકારના કપડાં પહેરીને લાંબા વાળ રાખીને આડાઅવળા ધૂણીને લોકોને ભગવાનના નામે ખંખેરતા હોય છે. આ હવન કરાવો, પેલો હવન કરાવો, પેલી મહાપુજા કરાવો, આટલા રૂપિયાનો ચડાવો ચઢાવો, આ મંદિરે આવજો, પેલા મંદિરે જજો, રાતના આટલા વાગે જ આવજો, એકલા જ આવજો, બલી ચડાવવી પડશે, પિતૃ પીડાય છે, આવા બધા અનેક કારણ બતાવીને ભગવાન ના નામ પર લોકો પાસેથી હજારો રૂપિયા ભેગા કરનારા ભુવાઓ હોય છે. અને આમાંના 80% ભૂવાઓ આજ નહિ તો કાલે પોલીસના હાથે આવી જતા હોય છે કારણકે ભૂવા બનીને તેની આડમાં કેટલાય મોટા ગુનાઓ કરતા હોય છે. તો લોકોને શું લાગે છે કે જે ભગવાન છે જેમણે આખી સૃષ્ટિ બનાવી છે તેમને આપણી પાસેથી પાંચ પચ્ચીસ રૂપિયા નો પ્રસાદ કે કોઈ મહાપૂજા કરાવવાની જરૂર હશે? આ સૃષ્ટિની પ્રત્યેક વસ્તુના સર્જનહારને એમાંથી સાવ થોડું કંઇક આપીશું તો જ તે પ્રસન્ન થશે? જવાબ છે ના. જે પોતે અખૂટ ભંડારના સ્વામી છે તેમને કોઈ વસ્તુની જરૂર નાં હોય. આપણા ધાર્મિક ગ્રંથોમાં પણ લખેલું છે કે ભગવાનને સાચા મનથી યાદ કરવા માત્રથી પણ તે એમના ભક્તોની મદદ કરતા હોય છે પણ તેના માટે ભક્તોએ પણ પોતાની જાતથી કંઈક પ્રયત્ન કરવા જોઈએ. જેમ કે કોઈને પરીક્ષામાં સારા ગુણ જોઈતા હોય અને પરીક્ષાની તૈયારી ના કરી હોય. તો પછી આવા સંજોગોમાં સારા ગુણ તો શું પાસ પણ ના થવાય અને આમાં ભગવાન કોઈ મદદ ન કરી શકે. તેવી જ રીતે લોકો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે પરંતુ તેમનો જીવ આ દુનિયાની વૈભવ વિલાસી વસ્તુઓમાં રચ્યાપચ્યા રહેવામાં હોય છે. લાખો કરોડો રૂપિયાના માલિક હોવા છતાં રસ્તામાં સામે કોઈ ભિખારી મળે કે જરૂરિયાત મંદ વ્યક્તિ મળે તો તેને આપવા જો ખિસ્સામાંથી એક દસ રૂપિયા પણ ન નીકળી શકે, કે ના તો આસપાસ રહેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન-પુણ્ય કરતા હોય, માત્ર પોતાના મોજશોખ અને પોતાની બિનજરૂરી શોખ પૂરા કરવા પાછળ જ રચ્યાપચ્યા રહેતા હોય તો તેવા વ્યક્તિને ભગવાન શું જોઇને મોક્ષ આપે? હવે પાછું આ દાનને કે સેવા કાર્યને કોઈ ધાર્મિક પંથ સાથે કોઈ સંબંધ નથી. એટલે હિન્દુ એ ખાલી હિન્દુઓને જ ધ્યાન આપો કે મુસ્લિમ મુસ્લિમ સમાજને દાન આપો કે મદદ કરવી એવું ના હોવું જોઈએ. પણ આપણા સમાજમાં તો લોકો હિન્દુ હોય કે મુસ્લિમ તેના પેટા જેટલા પણ પ્રકાર હોય (પેટા જ્ઞાતિ) તે પ્રમાણે જ દાન કરતા હોય છે. હવે ભગવાને તો કોઈ હિન્દુ મુસ્લિમ ને અલગ રીતે તો બનાવ્યા નથી તો પછી માણસ માણસ વચ્ચે આટલો બધો ભેદભાવ શા માટે? આપણે બધા હળીમળીને ખાલી ઇશ્વરના બનાવેલા માણસો જ બનીને ના રહી શકીએ?

વાત કરીએ પેલા બધા ઢોંગી બાબાઓ અને ધર્મના સત્તાધીશોની તો આપણે આવા બધા ઢોંગી બાબાઓથી છેતરાઈ જઈએ અથવા તો બીજું કોઈ છેતરાય અને સમાચારોમાં તેમની કરતુતો આવ્યા પછી આપણે ભગવાન ઉપરથી વિશ્વાસ ખોઈ દઈએ છીએ અને સાયન્સને જ માનવા લાગીએ છીએ. પણ એમ નથી વિચારતા કે આપણી અંધશ્રદ્ધાના કારણે આપણે આ બધા ચંગુલોમાં ફસાયા. જો આપણે સાદી અને સરળ શ્રદ્ધા રાખી હોત તો આવું કઈ થાય જ નહીં. એટલે આવું કઈ થવાથી ભગવાન ના હોવા ઉપર ફુલ સ્ટોપ મૂકી દેવું તે યોગ્ય નથી. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ફરજ સમજીને આપણે આપણા જીવનમાં ભગવાન અને સાયન્સ બંને ને યોગ્ય સ્થાન આપવું જોઈએ.

✍🏻 પૂર્વી 🧚🏻‍♀️