Baandiyo in Gujarati Children Stories by પુર્વી books and stories PDF | બાંડીયો

બાંડીયો


હેલ્લો મારા નાનકડા ફ્રેન્ડ્સ! જંગલની વાર્તા સાંભળવી કોને કોને ગમે છે? મને તો પ્રાણીઓની વાર્તાઓ સાંભળવાનો ખૂબ જ શોખ છે. ચાલો તો આજે તમને એક રસપ્રદ વાર્તા કહું છું.

દૂર જંગલમાં ઘણા બધા વાંદરાઓ અલગ અલગ ઝાડ ઉપર ચડીને ટોળે વળીને એકબીજાના કાનમાં ખુશ-પુશ કરી રહ્યા હતા. તને શું લાગે છે? જો તો, તને કંઈ દેખાય છે? વગેરે. વાંદરાઓના સરદારના ઘરે બાળકનો જન્મ થવાનો હતો. એટલે કે એક નાનકડા વાંદરાનો જન્મ થવાનો હતો અને જંગલનાં બધા વાંદરાઓ ટોળે વળીને આવનાર નાનકડા વાંદરાની રાહ જોઈ રહ્યા હતા. થોડીક વારમાં જ વાંદરાની પત્ની એક સુંદર મજાના નાનકડા વાંદરાને જન્મ આપે છે. બધા વાંદરાઓ તેમના સરદારને પુત્ર જન્મની વધામણી આપવા લાગે છે. અને જોત જોતામાં જ પેલો નાનકડો વાંદરો તેની માતાની આસપાસ થોડું ઘણું હલન ચલન કરવા લાગે છે. પણ જ્યારે તે બે ડગલા ચાલીને પાછો તેની માતા તરફ ઊંધો ફર્યો, કે બધા જ વાંદરાઓ અચંબામાં મુકાઈ ગયા. બધા ફરીથી અંદરો અંદર ખુશપુશ કરવા લાગ્યા. અરે આ શું ? આવું કેવી રીતે બની શકે? બધાને આમ અંદરો અંદર વાતચીત કરતા જોઈને વાંદરાઓનો સરદાર અને પેલા નાનકડા વાંદરાનો પિતા જ્યારે પોતાના બાળક સામે જુએ છે, તો તેને પણ આશ્ચર્ય થાય છે. કારણ કે એ નાનકડા વાંદરાની પૂંછડી ક્યાંય દેખાતી નહોતી. તે તરત જ પોતાની પત્ની પાસે જઈને ગુસ્સામાં પૂછે છે, આ શું છે? આને પૂંછડી કેમ નથી? પણ વાંદરી બેનની તબિયત ખરાબ હોવાથી તે કોઈ જવાબ આપી શકતી નથી. પોતાના પિતાનું અને બાકી બધા વાંદરાનું વર્તન જોઈને પેલો બિચારો નાનકડો વાંદરો ખૂબ જ ડરી જાય છે અને પોતાની માંને ચોંટી જાય છે. ધીમે ધીમે કરતા એક પછી એક બધા વાંદરાઓ ત્યાંથી ચાલ્યા જાય છે અને પછી જ્યારે વાંદરીની હાલતમાં થોડો સુધારો થાય છે, ત્યારે તે પોતાના નાનકડા વાંદરાને બંટી કહીને બોલાવે છે. પોતાની માં એ આપેલા નામથી એ નાનકડો બંટી ખૂબ જ ખુશ થઈ જાય છે અને ધીમે ધીમે અહીંયા ને ત્યાં ઉછળ કૂદ કરવા લાગે છે. થોડા કલાકોમાં જ તે આસપાસ રહેતા બીજા નાનકડા વાંદરાઓ સાથે રમવા જાય છે પણ પૂંછડી નાં હોવાના કારણે કોઈ માં પોતાના બાળકને તેની સાથે રમવા દેતી નથી અને આવો તિરસ્કાર જોઈને બિચારો નાનકડો બંટી નિરાશ થઈને પોતાની માં પાસે આવી જાય છે. પછી તેની મમ્મી તને સમજાવે છે કે, જો બેટા! જ્યારે ભગવાન આપણી પાસેથી કોઈ એક વસ્તુ લઈ લે છે ને, ત્યારે તે આપણને તેના બદલામાં બીજી કોઈ વસ્તુ જરૂર આપે છે. એટલે હવેથી તારે કોઈપણ વ્યક્તિ તને કંઈ પણ કહે તો તેના કારણે ઉદાસ થવાનું નથી. તારે બસ એક જ વાત યાદ રાખવાની છે, કે તું બહુ જ ખાસ છે અને તારી મમ્મી તને ખૂબ જ પ્રેમ કરે છે. તારે પુંછડી નથી તો શું થઈ ગયું? તને પણ ભગવાને કંઈક બીજી ખાસ વસ્તુ જરૂર આપી હશે. ચાલ હવે સુઈ જા; હું તને કાલે ઝાડ ઉપર ફટાફટ કેવી રીતે ચડવાનું, ફળ કેવી રીતે તોડવાના અને એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કેવી રીતે જવાનું એ બધું શીખવાડીશ. આમ કહીને વાંદરીબેન બંટીને તો સુવડાવી દે છે, પણ કોણ જાણે કેમ બંટીને જન્મ આપ્યા પછી વાંદરીબેનની તબિયત કંઈક સારી રહેતી નહોતી. વળી બંટીના જન્મ પછી બંટીનાં પપ્પા પણ ત્યાંથી ક્યાંક ચાલ્યા ગયા હોય છે. એટલે બંટીને સાચવવાની અને મોટો કરવાની જવાબદારી બિચારા વાંદરી બેન ઉપર આવી જાય છે.

સવાર પડે છે અને નક્કી કર્યા પ્રમાણે વાંદરીબેન બંટીને એક વાંદરાને જરૂરી હોય તે બધી જ વસ્તુઓ શીખવાડે છે. પણ ધીમે ધીમે વાંદરી બેનની તબિયત વધારે ખરાબ થવા લાગે છે અને તે પોતાના કે બંટી માટે ખોરાક લાવી શકવાની હાલતમાં પણ રહેતા નથી. માંને આમ તકલીફમાં જોઈને બંટી કહે છે, માં તું રહેવા દે; આજે હું આપણા માટે કંઈક ખાવાનું લઈને આવીશ. આમ કહીને બંટી કેળા, કેરી, જામફળ , વગેરે ફળો લેવા માટે નીકળી પડે છે. પણ બંટીને એકલો જોઈને બીજા બધા વાંદરાઓ તેને બાંડીયો બાંડીયો કહીને ચીડાવે છે. વળી ,અહીંયા તારે આવવાનું નહીં એમ કહીને તેને દરેક ઝાડ ઉપરથી ફળ તોડ્યા વગર જ પાછો કાઢી મૂકે છે. બંટી ખૂબ જ નિરાશ થઈને પોતાની માં પાસે જાય છે અને કહે છે, મમ્મી! શું પૂંછડી નાં હોવી એ બહુ જ ખરાબ વાત છે? કોઈ મને મિત્ર કેમ નથી બનાવતા? ભોળા બંટીના આ સવાલોના જવાબ આપતા તેની માં કહે છે કે, નાં બેટા! પૂંછડી નાં હોવી એ કોઈ ખરાબ વાત નથી. બસ એ તો કોઈએ પહેલા ક્યારેય પૂંછડી વગરના વાંદરાને જોયો નથીને, એટલા માટે એ લોકો આવું વર્તન કરે છે. તને ખબર છે? આપણા પૂર્વજોમાંથી કેટલાક જે ખૂબ જ બુદ્ધિશાળી હતા ને, તે લોકો ધીમે ધીમે કરતાં એક અલગ પ્રજાતિ બની ગયા છે અને તે જંગલોથી દૂર એક અલગ દુનિયામાં વસવાટ કરે છે. અને એક ખાસ વાત કહું? એમાંથી કોઈને પૂંછડી નથી. એના મમ્મીની આ વાત સાંભળીને બંટી ખૂબ જ ખુશ થઈ જાય છે. અને મનમાં જ નક્કી કરી લે છે, કે તેણે આ પૂંછડી વગરના પોતાના પૂર્વજોની દુનિયાને જોવી છે. બસ પછી તો શું; પોતાની માં નાં સુઈ ગયા પછી ધીમે ધીમે અવાજ કર્યા વગર એ નીકળી પડે છે પૂંછડી વગરના વાનરોની દુનિયાને શોધવા માટે. પોતાની માંને યાદ કરતો કરતો બંટી જંગલમાં ચાલતો ચાલતો ને કૂદતો કૂદતો ખૂબ જ આગળ નીકળી જાય છે. રાત પડે છે અને તેને સમજાતું નથી કે હવે તેણે શું કરવું જોઈએ. એકલામાં અને અંધારામાં તેને ખૂબ જ ડર પણ લાગી રહ્યો હતો. પછી તેને સામે એક ગુફા દેખાય છે અને તે ડરના કારણે ધ્રુજતો ધ્રુજતો ગુફામાં જઈને બેસી જાય છે. ખૂબ જ થાકી ગયેલો હોવાને કારણે બંટી તે ગુફામાં બેઠા બેઠા જ સૂઈ જાય છે.

વહેલી સવારે જ્યારે સૂરજ ઉગવાની તૈયારી હતી એ સમયે બંટીની અચાનક આંખ ખુલે છે અને તેને એક બહુ મોટો પડછાયો દેખાય છે. તે ડરથી ચીસ પાડીને પોતાની આંખ ફરી પાછી ફીટ બંધ કરી દે છે. આંખ ખોલીને સામે જુએ છે, તો એક અલગ જ પ્રકારનું ખૂબ જ મોટું પ્રાણી તેની સામે આવીને ઊભું હોય છે. તેના શરીર ઉપર ખૂબ જ વાળ હોય છે અને તે કદમાં ખૂબ જ મોટું અને જાડું હોય છે. નાનકડા બંટીને પોતાનાથી ડરતા જોઈને તે બોલ્યું, ઓય છોકરા! મારાથી ડરવાની જરૂર નથી. મને તો બસ મીઠું મધુર મધ જ ખાવું ગમે છે. સમજી ગયા ને, કે આ કયુ પ્રાણી હશે? એ તો હતું એક રીંછ. રીંછ ભાઈનાં આમ કહેવાથી બંટીનો ડર થોડો દૂર થાય છે, અને તે રાહતનો શ્વાસ લે છે. પછી રીંછ ભાઈનાં પૂછવાથી બંટી કહે છે કે, હું પૂંછડી વગરના અમારા વાનરોના પૂર્વજોએ વસાવેલી દુનિયા શોધવા નીકળ્યો છું. રીંછ હસવા લાગે છે; અને પૂછે છે, શું તને ખબર છે છોકરા કે તેમની દુનિયા ક્યાં આવેલી છે? બંટી ઉદાસ ચહેરો બનાવીને કહે છે; નાં, મને નથી ખબર. પણ મને પૂંછડી ઉગેલી નાં હોવાથી કોઈ મને મિત્ર બનાવતું નથી કે કોઈ મને ખાવાનું પણ લેવા દેતાં નથી. મારી માં બીમાર હતી તો પણ હું તેના માટે કંઈ જ ન કરી શક્યો. અને એટલે જ મેં નક્કી કર્યું છે, કે હું આ પૂંછડી વગરના વાનરોની દુનિયા શોધી કાઢીશ અને તેમને અહીંયા જંગલમાં આવવા માટે રાજી કરી દઈશ. જેથી બાકી બધા વાનરોને સમજાઈ જાય કે હું એક જ પૂંછડી વગરનો નથી અને પૂંછડી નાં હોવી એ કોઈ ખરાબ વાત નથી. રીંછ ભાઈ કહે છે, સારું સારું છોકરા; ચિંતા નાં કરીશ. મને ખબર છે તમારા પૂર્વજોએ વસાવેલી એ દુનિયા કઈ દિશામાં આવેલી છે. પણ પહેલા તું થોડું ખાઈ-પી લે, અને થોડો આરામ કરી લે. કારણકે તારે ખૂબ જ દૂર સુધી જવાનું છે. રીંછ ભાઈ પોતાની ગુફાની આસપાસથી થોડા ઘણાં ફળ લાવીને બંટીને આપે છે, અને બંટી એ ફળ ખાઈને થોડો આરામ કરીને પછી રીંછ ભાઈએ બતાવેલા રસ્તે આગળ વધે છે.

સતત ત્રણ દિવસ સુધી રીંછ ભાઈએ બતાવેલા રસ્તે ચાલ્યા પછી, બંટીને દૂર દૂર કંઈક અજાયબી જેવું દેખાય છે. ખૂબ જ ઊંચી ઊંચી લાઈન બંધ કંઇક વસ્તુઓ દેખાઈ રહી હતી. પણ બંટીને સમજાતું નહોતું કે એ બધું શું હતું. નક્કી એ વૃક્ષો તો નહોતા જ. પછી બંટી ધીરે ધીરે કરતા નજીક જઈને જુએ છે, તો તે બધું તો પથ્થરોથી બનેલું હતું. તેના ઉપર સુંદર રંગો પણ કરેલા હતા. બંટી જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે સાંજ પડી ગઈ હોય છે અને ક્ષણવારમાં જ અંધારું થઈ જાય છે. એટલે બંટી ત્યાં નજીકમાં જ એક બેંચ હોય છે, તેના ઉપર જ સુઈ જાય છે. વહેલી સવારે થોડા ઘણા અવાજો આવે છે અને ધીમે ધીમે કરતાં બંટી તેની આંખો ખોલે છે. અને આંખો ખોલતાની સાથે જ તે આશ્ચર્યચકિત થઈને જોતો જ રહી જાય છે. અરે આ શું? હું સપનું તો નથી જોઈ રહ્યો ને? છેવટે બંટી તેમના પૂર્વજો દ્વારા વસાવેલી તે અલગ પ્રકારની દુનિયામાં પહોંચી ગયો હોય છે. જ્યાં કોઈને પણ પૂંછડી હોતી નથી. બધા બે પગથી જ ચાલતા હતા અને પોતાના શરીરને સુંદર કપડાથી સજાવીને ઢાંકીને રાખતા હતા. તે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમણે જ બનાવેલા અલગ અલગ પ્રકારના વાહનોનો ઉપયોગ કરી રહ્યા હતા. તેમની રહેણી કહેણી, તેમના આચાર-વિચાર, તેમની ભાષા, વગેરે બધું ખૂબ જ અલગ હતું પણ બંટીને બધું ખૂબ જ ગમે છે. તો સમજી ગયાને મિત્રો આ બધા કોણ છે? માણસો. એટલે કે આપણી દુનિયા; માણસોની દુનિયા. અને હા,ખરેખરમાં આપણા પૂર્વજોનાંયે પૂર્વજો વાંદરા હતાં. એટલેકે આપણી માણસોની ઉત્પત્તિ વાનરોમાંથી જ થઈ છે.

થોડીવાર પછી બંટીને ભૂખ લાગે છે; પણ આજુબાજુ જુએ છે તો ત્યાં એક પણ વૃક્ષ હોતા નથી અને થોડાંક બે ચાર વૃક્ષો દેખાય છે, પણ તેમાં કોઈ ફળ હોતા નથી. પછી તે મનમાં વિચારે છે કે, અરે! અહીંયા તો કોઈ વૃક્ષ જ નથી. તો આ બધા ખાતા શું હશે? પછી તે પોતાની સુંઘવાની શક્તિનો ઉપયોગ કરીને એક ખૂબ જ મોટા ટેન્ટ પાસે પહોંચી જાય છે. ટેન્ટને જોઈને બંટી વિચારે છે કે, ખાવાની સુગંધ તો અહીંયાથી જ આવી રહી હતી; તો શું આ આવડું મોટું ઝાડ હશે? પછી બંટી તેની થોડી વધારે નજીક જાય છે તો તેને થોડા ઘણા પ્રાણીઓના અવાજ સંભળાય છે. બંટી ખુશ થઈને કૂદમ કૂદ કરવા લાગે છે. તેને લાગે છે કે કદાચ જંગલમાંથી તેના પ્રાણી મિત્રો તેને શોધતા શોધતા તેની પાછળ આવ્યા હશે. પણ અફસોસ! કે તે અવાજ તેના માટે આવેલા કોઈ પ્રાણીઓનો નહોતો. તે જુએ છે કે ટેન્ટની પાછળના ભાગમાં હાથી, વાઘ, ઘોડા, કુતરા, વગેરે કેટલાય પ્રાણીઓને અલગ અલગ નાનાં નાનાં ટેન્ટનાં ઘરમાં રાખ્યા હોય છે. જ્યાં તેમની સામે તેમનો મનપસંદ ખોરાક પણ રાખેલો હતો. બંટી વિચારે છે, અરે વાહ! આ દુનિયામાં તો પ્રાણીઓને પણ પોતાના ખોરાક માટે દૂર નથી જવું પડતું બધું તેમને તેમના ઘરમાં જ મળી જાય છે. પછી તે ઘોડાની નજીક જઈને કહે છે; મારું નામ બંટી છે. હું દૂર જંગલમાંથી આવ્યો છું. તમે બધા અહીંયા એક સાથે જ રહો છો? ઘોડો કહે છે, હા.અમે લોકો તો વર્ષોથી સાથે જ રહીએ છીએ. જ્યાં જ્યાં અમારા માલીક અમને લઈ જાય ત્યાં ત્યાં અમે જઈએ છીએ. બંટી આશ્ચર્ય થી પૂછે છે; માલિક? માલિક એટલે શું? ઘોડો કહે છે જે અમારું ધ્યાન રાખે છે, અમને રહેવા માટે ઘર આપે છે, અને ખાવા માટે ખોરાક પણ આપે છે; તે જ અમારા માલિક છે. તેના બદલામાં તે અમને જે થોડા ઘણા કરતબ શીખવાડે, એ અમારે કરવાના. બંટી કહે છે, અરે વાહ! શું તમારા માલિક મને પણ તમારી સાથે અહીંયા રહેવા દેશે? ઘોડો કહે છે શું તારામાં કોઈ ખાસ આવડત છે? જો, હું બે પગ ઊંચા કરીને ચાલી શકું છું અને ખૂબ જ ઊંચી છલાંગ લગાવી શકુ છું. આ કુતરાઓ છે એ આગવાળા ગોળાકારની વચ્ચેથી કૂદીને નીકળી જાય છે અને પોતાના બે પગ ઊંચા કરીને બોલ ઉપર ચાલે છે. હાથી છે એ પોતાની સુંઢ ઉપર પોતાના આખા શરીરને ઊંચું કરી દે છે. અને આ વાઘ છે ને, એ એકબીજાની પૂંછડી પકડીને એકની પાછળ એક ચાલે છે અને માલિકના કહેવાથી ક્યારેક ઉઠી જાય છે તો ક્યારેક બેસી જાય છે. જો તારામાં પણ આવી જ કોઈ ખાસ આવડત હશે, તો જરૂરથી માલિક તને અહીંયા રાખી લેશે. અચ્છા! એવી વાત છે. સારું ત્યારે ફરી મળીશું એમ કહીને બંટી ત્યાંથી જતો રહે છે.

બંટીએ પ્રાણીઓના ટેન્ટથી થોડે દૂર જઈને એક ઝાડના છાંયડામાં બેઠો હોય છે અને બેઠા બેઠા વિચારે છે કે મારામાં એવી શું ખાસ આવડત છે? મમ્મીએ પણ કહ્યું હતું કે જ્યારે ભગવાન આપણી પાસેથી કોઈ એક વસ્તુ લઈ લે છે ત્યારે આપણને બીજી કોઈ ખાસ વસ્તુ જરૂરથી આપે છે. પણ એ ખાસ વસ્તુ શું છે એ કેવી રીતે ખબર પડશે? બંટી ત્યાં પહોંચી તો જાય છે પણ બંટીને સમજાતું નથી હોતું કે હવે તે કેવી રીતે જાણશે કે તેનામાં શું ખાસ આવડત છે; એટલે તે ઘણા દિવસો સુધી ત્યાં જ રહે છે. દરરોજ ત્યાં ખાય-પીવે, સૂઈ જાય અને બાકીનો દિવસ પેલા બધા પ્રાણીઓની મસ્ત મજાની જિંદગીને જોયા કરે. પણ અચાનક એક દિવસ બંટી જુએ છે કે, ત્યાં ટેન્ટ માંથી તેના પ્રાણી મિત્રોનો ખૂબ જ અવાજ આવવા લાગે છે. તે લોકો અંદરો અંદર કંઈક વાત કરી રહ્યા હતા. એટલે બંટી તેમની નજીક જઈને પૂછે છે, શું થયું? તો બધા પ્રાણીઓ કહે છે કે, આજે તેમના માલિક કામ કરતા કરતા પડી ગયા છે. સાંજના સમયે જ્યારે માણસો અમારો કરતબ જોવા આવશે, ત્યારે માલિક વગર અમે કોઈ જ કરતબ નહીં કરી શકીએ. બંટીએ તેમના માલિકને કરતબ કરતા જોયા છે અને તે આ બધા પ્રાણીઓ પાસે કેવી રીતે કરતબ કરાવતા તે પણ જોયું છે. એટલે બંટી તેમના મિત્રોને કહે છે કે, તમે ચિંતા નાં કરશો; મારી પાસે તમારી આ સમસ્યાનો એક ઉપાય છે. તમે તો બસ દરરોજની જેમ તમારા સમયે કરતબ કરવા માટે તૈયાર રહેજો. આમ કહીને બંટી તે પ્રાણીઓના માલિક પાસે જાય છે અને તેમની સાથે કંઈક વાત કરે છે. બંટી સાથે વાત કરીને તેમના માલિકના ચહેરા ઉપર ખુશી આવી જાય છે. સાંજનો સમય થાય છે, અને પ્રાણીઓનો કરતબ જોવા માટે બધા માણસો આવી જાય છે. એટલામાં જ ટેન્ટમાંથી પ્રાણીઓને બોલાવવા માટે વગાડાતી સીટી વાગે છે, અને બધા પ્રાણીઓ તેમના માલિકે શીખવાડેલી રીતથી એક લાઈનમાં નાચતા નાચતા ટેન્ટમાં અંદર આવે છે. પણ આ શું! આ સીટી તેમના માલિકે નહીં, પણ બંટીએ વગાડી હતી. બંટીએ તેમના માલિકના કપડા પહેર્યા હતા અને તે એકદમ માણસ જેવો જ દેખાતો હતો. બાકી બધા પ્રાણીઓનાં કરતબની સાથે સાથે બંટી પણ થોડા ઘણા કરતબ કરી રહ્યો હતો. અને તે સાથે સાથે ગાઈ રહ્યો હતો. "અંકલ અને આંટી, લો આવી ગયો બંટી." "છોકરાઓ ખાય કેન્ડી ને આવી ગયો બંટી." ક્યારેક એક પૈડાવાળી સાયકલ ચલાવતા ચલાવતા, તો ક્યારેક ખૂબ જ ઊંચાઈએ લટકાવેલી લાકડાની પટ્ટી ઉપર ચડીને બંટી પોતાના કરતબો બતાવતો જતો હતો અને ત્યાં આવેલા બધા જ માણસોને પોતાનાથી આકર્ષિત કરી રહ્યો હતો. પાછો વચ્ચે વચ્ચે તેનું ગાવાનું તો ચાલુ જ હતું. "ઘરરર ઘંટી, બાજરો ને ......... બંટી." હવે તો બંટીની સાથે સાથે ત્યાં બેઠેલા બધા માણસો પણ મોટેથી તેનું નામ કહી રહ્યા હતા. "બંટી! બંટી! બંટી!" આખા ટેન્ટમાં બંટીનાં નામની કિલકારીઓ સંભળાઈ રહી હતી. અને આમ લોકોને પોતાને બાંડીયો કહેવાના બદલે ખુશીથી બંટી બંટી કહેતા જોઈને બંટી ખરેખરમાં ખૂબ જ ખુશ થાય છે અને તે સમજી જાય છે કે, દરેક પ્રકારની ભાષા અને વર્તનની આબેહૂબ નકલ કરવાની ખાસ આવડત છે તેનામાં. બંટી હવે આ માણસોની દુનિયામાં જ રહેવાનું નક્કી કરે છે. પણ તેને પોતાની માંથી દૂર આવવાનો અફસોસ હતો. બંટી હવે એટલો પ્રખ્યાત થઈ ગયો હતો કે દરેક ગામોમાં શહેરોમાં રસ્તાઓ પર બધે બંટીના મોટા મોટા ફોટા લાગેલા હતા. તેના ફોટા વાળા કાગળિયાઓ પણ લોકોના ઘરો સુધી પહોંચી ગયા હતા. એક દિવસ બંટી તેના માલિક, તેમના સાથીઓ, અને અન્ય પ્રાણી મિત્રો સાથે જ્યારે બીજા શહેરમાં કરતબો બતાવવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં પોતાનું જંગલ જોઈને તે પોતાના માલિકને ગાડી ઉભી રાખવાનું કહે છે. પોતાના બધા પ્રાણી મિત્રો અને અન્ય માણસો કે જે તેમની સાથે જ કરતબો બતાવતા હતા, તે બધાને સાથે લઈને બંટી પોતાની માંને મળવા માટે જાય છે. જંગલના બાકી બધા વાંદરાઓ અને અન્ય પ્રાણીઓ બંટીને જોઈને ઓળખી તો જાય છે, પણ બંટીની આવી સાહિબી જોઈને કંઈ ખુશ થતા નથી. તેમને હવે સમજાઈ ગયું હોય છે, કે શારીરિક ખોડખાંપણ કોઈનાથી તેમની આવડત છીનવી શકતી નથી. અને બંટીએ એ સાબિત કર્યું કે મુશ્કેલી ગમે તેટલી મોટી કેમ નાં હોય, પણ ઉદાસ થઈને બેસી રહેવા કરતાં તેનો ઉકેલ લાવવા માટે કોશિશ કરતા રહેવી જોઈએ. અને સફળતા તેને જ મળે છે કે જે કોશિશ કરે છે. બંટીને જોઈને તેની માં ખુબ જ ખુશ થઈ જાય છે, અને બંટીના કહેવાથી તે પણ બંટીની સાથે જ માણસોની દુનિયામાં જતી રહે છે.

તો મારા બાળમિત્રો! તમારે પણ જો બંટીની જેમ જીવનમાં સફળ થવું હોય ને, તો મન લગાવીને કોશિશ જરૂર કરજો. અને હા, તમારી કે બીજા કોઈની શારીરિક ખામીને ક્યારેય પણ મજાક ન બનવા દેશો. તો ચાલો હવે હું જાઉં છું અને ફરીથી એક સુંદર મજાની વાર્તા કહેવા માટે જરૂરથી આવીશ. આવજો!

- પુર્વી

Rate & Review

Dhiren Pathak

Dhiren Pathak 4 weeks ago

Very Nice

Jay

Jay 2 months ago

Ratansinh

Ratansinh 3 months ago

varta

Lakshmansinh Bhabhor
TARABEN Chauhan

TARABEN Chauhan 5 months ago