DEEVANGI books and stories free download online pdf in Gujarati

દિવાનગી

દિવાનગી

પ્રકરણ-1 મુકેશ પંડયા

અમદાવાદનાં અત્યંત ઓછો ટ્રાફિક ધરાવતા એરપોર્ટ રોડ પર પોતાની મસ્તીમાં બાઇક ઉપર જઇ રહેલા ચંદ્ર અને તેના મિત્ર રવિ કનોજીયાની અત્યંત બાજુમાંથી ફૂલ સ્પીડે એક અત્યંત મોંઘી કાર નીકળી.અચાનક અને એકદમ બાજુમાંથી કાર પસાર થતાં બાઇક હાંકતો ચંદ્ર ચમકી ગયો અને ચમકથી પૈદા થયેલ ગુસ્સો તેણે ગાળ સ્વરૂપે બાહર ફેંક્યો.ગાળ બોલાયાની થોડાજ ક્ષણોમાં કાર થોડે દૂર જઇને એક શોર્ટ બ્રેક મારીને ઝાટકા સાથે ઉભી રહી ગઇ.

સાલો ગાળ સાંભળી ગયો લાગે છે. ચંદ્રએ રવિને સંબોધતા કહ્યું.

હા,કાર ઉભી રાખી એટલે લાગેતો એમ જ છે.

કાર ઉભી રહેતાજ તેમાંથી એક હથિયારધારી કમાન્ડો બાહર નીકળીને મુખ્યમાર્ગ તરફ આવીને ઉભો રહેતા રવિ અને ચંદ્રએ જોયો તે મુખ્ય માર્ગ તરફ આવીને તેમને ઉભા રહેવા માટે ઇશારો કરી રહ્યો હતો.

રવિ આપણને રોકવા માટે ઇશારો કરી રહ્યો લાગે છે.

આપણને શું કામ રોકાવાનું કહે.ગાળ બોલ્યા તે તેણે કારની સ્પીડમાં અને વિન્ડોના બંધ કાચમાં ક્યાંથી સાંભળી હશે ? વાત તો તારી સાચી છે.

શું કરવું તે વિષે ચંદ્ર મથામણ અનુભવવા લાગ્યો.ઉભા રહેવું કે પૂર ઝડપે બાઇક ભગાવી નીકળી જવું.પરંતુ ભાગી છુટવાનો વિચાર તેને ડરપોકનો નિર્ણય લાગ્યો એટલે તેણે મુદ્દાનો સામનો કરવાનું વિચાર્યું.અંતિમ નિર્ણય કરતા સુધી તેની બાઇક કારની નજીક પહોંચી ગઇ.તેણે બરાબર કારની પાછળ પોતાની બાઇક ઉભી રાખી.કમાન્ડો તેની પાસે પહોંચીને થોડા કોમળ પણ આદેશભર્યા સ્વરમાં બોલ્યો.

આપકો સાહબ બુલાતે હૈ.

સાહબ તુમ્હારા હૈ મેરા નહીં.ઉનકો મુઝસે ક્યા કામ હૈ ?

માલુમ નહીં.આપ મિલ લીજીયે પ્લીઝ.

તો તુમ્હારે સાહબકો બોલો,બાહર આકર મિલલે હમસે.

રવિએ ચંદ્રના ખભા પર હાથ મુકતા કહ્યું છોડને,મળીલે કદાચ તારો ઓળખીતો નીકળે.

ચંદ્ર રવિની વાત માનતા બાઇક છોડી કારના દરવાજા તરફ ગયો.તે દરમ્યાન કારમાં બેસેલ વ્યકિત દરવાજો ખોલીને બિલકુલ તેની સામે આવીને ઉભી રહી ગઇ.એક સુટધારી વ્યકિત કિંમતી ગોગલ્સ આંખ પરથી ઉતારી તેને જોઇ રહી હતી.ચંદ્રના ચહેરા પર અણગમાના ભાવ ઉપસી આવ્યા.પરંતુ તે ખામોશ રહીને તમાશો નિહાળવાના મુડમાં હતો.

થોડીક ક્ષણો ચંદ્રને નિરખ્યા બાદ સુટધારી વિશ્વાસભર્યા સ્વરે બોલ્યો.

તમે...તુ..તું ચંદ્ગ જોષી બરાબર..!.જયોતિ હાઇસ્કૂલમાં ઇતિહાસ ભણાવતા જોષી સાહેબનો લાડકો...ધોરણ સાત..આંઠ..

ચંદ્ર ભૂતકાળની પરતો ઉખેડવાની ઉધેડબૂનમાં પરોવાઇ ગયો.કોણ હશે આ ? મહેન્દ્ર,ભૂપેન્દ્ર,હંસલ,ગણપત... કયા ધોરણનો મારો સહપાઠી હશે ?

અરે યાર હું દ્રિજ.દ્વિજ ઔદીચ્ય....જયોતિ હાઇસ્કૂલમાં ભણતા હતા.પછી કોલેજમાં પણ થોડો સમય સાથે

હતા! પણ કયારેક કયારેક મળતા હતા.યાદ આવ્યું ? યાદ કર સ્કૂલમાં ઝઘડયા હતા..ભમરડાની રમતમાં..

ધારદાર અણીવાળો ભમરડો..તારી હથેળી પરનો ઘા..હવે યાદ આવ્યું કાંઇ.સૂટધારી વ્યકિત અસ્ખલિત બોલી રહ્યો હતો.તેની વાતોથી ચંદ્રનાં ભૂતકાળનાં કાટમાળમાંથી બાળપણની યાદો સપાટી પર આવી ગઇ.ચંદ્રને પોતાની હથેળી પરનો ઘા યાદ આવી ગયો.જયારે તે સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે એક દિવસ સ્કૂલમાં રિસેસ દરમ્યાન ભમરડા રમતા સમયે દ્વિજે રમતમાં ગરબડ કરતાં પોતે તેનો વિરોધ કર્યો હતો.ત્યારે દ્વિજે થોડી મગજમારી કર્યા બાદ તેને મારવાનું શરૂ કરી દીધુ હતુ.મારામારી દરમ્યાન પોતાનું રક્ષણ કરવા જતા દ્વિજના હાથમાં રહેલ ભમરડાની ધારદાર અણી જે ચંદ્રએ જાણી જોઇને તેના તરફ રાખી હતી. તે તેની હથેળીમાં ઉંડે સુધી ઘુસી ગઇ હતી અને તે કાયમ માટે તેનું નિશાન છોડી ગઇ હતી.ત્યારબાદ ઘણી વખત તેની અને દ્વિજ વચ્ચે મારામારી થતી અને હંમેશા પોતાનેજ માર ખાવાનો વારો આવતો.દ્વિજનાં તંદુરસ્ત શરીર સામે તે બહુ જોર આજમાઇશ કરી શકતો નહી.આથી ચંદ્ગ હંમેશા દ્વિજ સામે બદલો લેવાનું ઝનુન લઇને જીવતો.ચંદ્ર તેના તકલીફદેહ ભૂતકાળની લગોલગ પહોંચી જતા તેનો ચહેરો જાણે મંદ ખુન્નસથી લાલ થઇ ગયો.પોતાની હથેળીને જર્મન સેલ્યુટની મુદ્રામાં અધ્ધર ક્રર્યો અને પછી હથેળીનો ઘા દ્વિજને બતાવવા સાથે મિત્ર રવિ તરફ જોતા બોલ્યો

યહ સબ લિયા દીયા તુમ્હારા હી હૈ.કહી ખંધુ હસ્યો.પછી તેનીજ પેરોડી કરતા બોલ્યો.

યસ હું...હું ચંદ્ગ જોષી બરાબર...જયોતિ હાઇસ્કૂલનાં ઇતિહાસનાં જોષી સાહેબનો લાડકો... જયોતિ હાઇસ્કૂલમાં ભણતા હતા.ચાર વર્ષ્....પછી કોલેજમાં પણ થોડો સમય સાથે હતા...કહી ખડખડાટ હસતા હસતા તે દ્વિજને ભેટી પડયો.

આ બાજુ કયાં જાય છે તુ ? કયાં રહે છે તુ અને શું કામકાજ કરે છે ?દ્વિજે ચંદ્ર સામે પ્રશ્નપત્ર મુકી દીધુ.

આગળનાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગ્લોબલ કંપનીમાં ટેક્ષટાઇલ ડિઝાઇનર છું.કંપનીનાં હાઉસ મેગેઝીનનો એડિટર અને લેખક.નાટકનો લેખક ડિરેકટર,અભિનેતા વગેરે વગેરે છું.ચંદ્રએ સામાન્ય ઉત્સાહ દર્શાવતા કહ્યું.

વાહ,તારી પર્સનાલિટીને અનુરૂપની નોકરી અને કામ કરે છે.તારા મિજાજ અને ટેસ્ટને જોતા લાગે છેકે તુ આવા કામ જ કરતો હશે.

હા યાર,કિસ્મતની મહેરબાની છે.ચંદ્રએ સંતોષનું સ્મિત રેલાવ્યુ.

પણ,તુ આ બાજુ..સુટેડ બુટેડ ! ચંદ્રએ આશ્ચર્ય વ્યકત કર્યું.

મારે વિશાળ પાયા પર કન્સ્ટ્રકશન અને જમીન દલાલીનો ધંધો છે બસ...

બસ દાલ રોટી મળી રહે છે કેમ...?

નહીં નહીં,શીરા પુલાવ મળી રહે છે બસ.બંને ઠહાકા સાથે હસવા લાગ્યા.

મારે પણ તે એસ્ટેટમાં એક વિશાળ પ્લોટનો સોદો કરવાનો છે.અને એટલે આ રસ્તે વારંવાર આવવું પડે છે.એક કામ કર મારી સાથે તમે લોકો કારમાં બેસી જાવ.કારમાંજ બધી વાતો કરીશું,તારી બાઇક મારો ડ્રાયવર લઇ આવશે.કાર તો હું ચલાવી લઇશ....યોર શોફર કહી દ્વિજ આંખ મારી હસવા લાગ્યો.

અરે હા,પણ આ મારો મિત્ર છે રવિ કનોજીયા અમે સાથેજ કામ કરીએ છીએ.રવિની ચંદ્રએ ઓળખાણ કરાવી. બંને એક બીજા સાથે હાથ મિલાવીને ખુશી વ્યકત કરી.

રસ્તામાં ત્રણે જણા વચ્ચે વાતો થતી રહી.ચંદ્રને તેની કંપનીના ગેટ પાસે ઉતારતા દ્વિજ બોલ્યો

સાંજે તારી ડ્યુટી બાદ આપણે હોટલ ઉમેદ પેલેસમાં બેસીએ,વાતો કરીશું,મજા કરીશું.સાંજે પાંચ વાગે હું તને પિક-અપ કરી લઇશ અહીંયાથીજ.કહી ચંદ્રએ કાર મારી મુકી.

ક્રમશઃ

પ્રકરણ-2

સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ દ્વિજ અને ચંદ્ર ફરી મળ્યા હોટલ ઉમેદ પેલેસમાં.હોટલનાં પ્રાંગણમાં રાત ધીમે ધીમે ઉતરી રહી હતી.હોટલનાં સ્વિમીંગ પૂલનું પાણી કાંચળી ઉતારતા સાપની માફક ધીમેધીમે પોતાનો અસલ રંગ છોડી ડાર્ક બ્લ્યુ કલરમાં પરિવર્તિત થઇને નવો રંગ ધારણ કરી રહ્યુ હતુ.થોડા સમયબાદ પુલની આસપાસની લાઇટોના સમુહે પાણીની સતહ પર આક્રમણ કર્યું.પાણીએ નવા રંગ સાથે નવી ચમક ધારણ કરતા પાણીની પારદર્શિતામાં વધારો થયો.જળક્રીડા કરતા શરીરો એકદમ સ્પસ્ટ દેખાવા લાગ્યા.હવા પોતાના મંદમંદ સ્પંદનો દ્વારા નવા નવા રાગ સંભળાવી રહી હતી.વાતાવરણની ઉષ્મા અને બે મિત્રોની મિત્રતાની ઉષ્મા પરવાન ચઢી રહી હતી.સમયની સાથેસાથે હોટલમાં માણસોના સમુહનો પણ વધારો થઇ રહ્યો હતો.દ્વિજ ચંદ્રને સ્વિમીંગ પુલની બાજુમાં બનાવેલ રેસ્ટોરેન્ટની તરફ દોરી ગયો અને બુક કરાવેલ ટેબલ પર સ્થાન લીધુ.ચંદ્ર હોટલનું નિરિક્ષણ કરવા લાગ્યો.એક ફાઇવ સ્ટાર હોટલનુ વાતાવરણ આજે તે જોઇ અને જીવી રહ્યો હતો.રેસ્ટોરેન્ટમાં શિસ્તભર્યા કદમોની ચહલકદમી,વેઇટરોનાં ઝડપી પરંતુ સંતુલીત પદચાપ,છરી-કાંટાના કાચની પ્લેટો સાથેના મધ્યમ,તાલબધ્ધ અવાજો,ટેબલની આસપાસ ફૂસફૂસાતા,ગુનગુનાતા,જાડા-પાતળા,જીણાં,તીણાં સ્વરમાં વાતો કરનારાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો.સુંદર અને પારદર્શી વસ્ત્રોમાં લપટાયેલ,કમસીન,છરહરાતા,નાજુક,લચકાતા,મટકાતા તનબદનોની વિવિધ ખુશ્બુ સૌની ઉત્તેજના વધારી જીંદગીની ક્ષણે ક્ષણે જીવી લેવા લલચાવી રહી હતી.ચંદ્રને આ બધુ જોઇ અનુભવીને દમણમાં ગુજારેલ આવીજ એક રાત યાદ આવી ગઇ.

દ્વિજે રેસ્ટોરેન્ટની ખુરશી પર પોતાનું સ્થાન લેતાજ તેનો કમાન્ડો પોતાનું યોગ્ય સ્થાન લઇ દ્વિજની બાજુમાં આવીને ઉભો રહી ગયો.ચંદ્રએ કમાન્ડોની હાજરીનો અણગમો પોતાની આંખો વડે વ્યકત કર્યો.

આ જોઇ દ્વિજ બોલ્યો યાર મારી મજબુરી છે.થોડા સમયમાં તને પણ આદત પડી જશે.

ચંદ્ર તેની વાતથી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

અચ્છા બોલ તુ શું લેશે ચંદ્ર ?

એક કપ મસ્ત મસ્ત ચા.તે પણ માત્ર રેડી ટી.

આ સ્ટાર હોટલમાં માત્ર ચા પીવા આવ્યો છે ?

નાસ્તાનો મારો મુડ નથી અને કોલ્ડ્રીંક્સ હું કયારેય પીતો નથી.અને અત્યારે તો માત્ર ચા પીવાના મુડમાં છું.

દ્વિજે વેઇટરને બોલાવીને એક રેડી ટી અને પોતાના માટે વર્જિન મેરી અને બ્રેડ પકોડાનો ઓર્ડર આપ્યો.

વર્જીન મેરી શબ્દ સાંભળીને ચંદ્ર હસવા લાગ્યો.

કેમ શું થયું ?

આ તારી વર્જિન મેરી...કહી ચંદ્ર હસવા લાગ્યો.

વર્જીન મેરી સાંભળી તુ કેમ હસી રહ્યો છે ?

દ્વિજ મને જવાબ આપ શું આજના સમયમાં કોઇપણ મેરી વર્જિન હોઇ શકે ?બંને ખડખડાટ હસવા લાગ્યા.

ચંદ્ર,પણ આ મેરીમાં તો ઘણા મિલન થયા છે.ચંદ્ર હસતા હસતા બોલ્યો.ડુ યુ નો ? આપણા પૂર્વજો પાંચ ફળોનો રસ ભેગો કરીને પીતા હતા.તે આપણું ફ્રૂટપંચ.સંસ્કૃતમાં પંચ એટલે પાંચ શબ્દ પરથી અંગ્રેજોએ પંચ શબ્દ બનાવ્યો.અને અંતે એજ આઇટમને અંગ્રેજોની ઔલાદોએ વર્જિન મેરી બનાવી દીધી.

દ્વિજની વાતોથી ચંદ્ર આશ્ચર્ય પામતા બોલ્યો.તું તો યાર..સરસ વાતો કરી રહ્યો છે.હોટલનાં માહોલ પ્રમાણે !

હા,થોડો ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો અભ્યાસ છે મને.

બહુજ સારી બાબત છે.અને તે હું અનુભવી પણ રહ્યો છું.

દ્વિજે સિગારેટનું પેકેટ કાઢીને તેની સામે ધર્યું. ચંદ્ર બોલ્યો. વાવ,આપણા બંનેની સિગારેટની બ્રાન્ડ સરખી જ છે.

ઓહ રિયલી ? ફિર તો ઔર જમેગી હમારી તુમ્હારી.દ્વિજે હાસ્ય વેરતા કહ્યું અને ખરેખર કહું ચંદ્ર તો તારી મુલાકાતે મને જાણે તાજોમાજો કરી દીધો છે. કેમ એવું તો શું થઇ ગયું ભાઇ. ખબર નહીં પણ હું આજે ખુબ ખુશ છું.અને હા,બે દિવસમાં મારો સોદો પણ લગભગ પાકો થઇ જશે.

આ દરમ્યાન ચા,બ્રેડપકોડા અને વર્જિન મેરી વેઇટર ટેબલ પર મુકી ગયો.બંને જણા વાતો કરતા રહ્યા અને સમય પસાર થતો રહ્યો.

સમગ્ર મુલાકાત દરમ્યાન કયારેક કયારેક ચંદ્રની નજર દ્વિજના કમાન્ડો સાથે ટકરાઇ જતી તો તે થોડો અસ્વસ્થ થઇ જતો.

ચંદ્ર અને દ્વિજ છુટા પડયા ત્યારે ઘણો સમય વીતી ગયો હતો.જોકે છુટા પડતા દ્વિજે ચંદ્ર પાસેથી થોડા દિવસ બાદ ડિનર માટે તેના બંગલા પર મળવા માટેનું વચન લીધુ.

ક્રમશઃ

પ્રકરણ-3

થોડા દિવસો અનેક વાર ફોન પરની મુલાકાતો બાદ ચંદ્ર અને દ્વિજે ફરી એક વાર રૂબરૂ મળવાનું નક્કી કર્યુ.ચંદ્ર નિશ્ચિત સમયે સાંજે દ્વિજના બંગલે પહોંચ્યો.ચોકીદાર ચંદ્રને બગીચાની લોનમાં બેસાડીને ચાલ્યો ગયો.ચંદ્ર દ્વિજના બંગલાનું નિરીક્ષણ કરવા લાગ્યો.

સ્કૂલ સમયનો એક રખડુ,મુફલિસ,બેજવાબદાર તેનો સહપાઠી અને એક સમયનો તેનો કટ્ટર દુશ્મન આજે દોમદોમ સાહ્યબીમાં આળોટતો હતો.તેના બંગલાનું મુલ્ય આંકવુ પણ તેના માટે કષ્ટદાયક હતુ.આ મુફલિસ રખડુ અને અભ્યાસમાં ડફોળ છોકરાને મળ્યા બાદ કિસ્મત નામની વસ્તુને સલામ મારવા મજબૂર થઇ જવુ પડે તેવુ તે અનુભવી રહ્યો હતો.

કાચ જેવી વસ્તુઓ ખખડવાના અવાજોઓ ચંદ્રનું ધ્યાન તોડયું.દ્વિજ સ્નાન કર્યા બાદ સફેદ દૂધ જેવા કોટનનાં ઝભ્ભા-લેંઘામાં તેની તરફ આવી રહ્યો હતો.તેની પાછળ તેનો નોકર જાતજાતની શરાબોની બોટલ અને ગ્લાસ સાથે તળેલા કાજૂ તથા ચીઝ કયુબના બાઉલ ભરેલી ટ્રોલી લઇને આવી રહ્યો હતો સાથે તેનો કમાન્ડો પણ ચાલી રહ્યો હતો.

ચંદ્ર અને દ્વિજ બંને એકબીજાને ગળે મળ્યા પછી બંનેએ ખુરશી પર સ્થાન લીધુ,કમાન્ડોએ ચંદ્ર ઉપર એક નજર નાખી અને થોડો દૂર જઇને ઉભો રહી ગયો.ચંદ્રને બે મિત્રો વચ્ચે કમાન્ડોની હાજરી વિચિત્ર લાગી.

અરે યાર ઘરમાં પણ આ..કમાન્ડો તરફ ઇશારો કરતા ચંદ્ર બોલ્યો.

સોરી યાર પ્લીઝ, ડોન્ટ માઇન્ડ તે તેની ડયુટી કરી રહ્યો છે.તું આ જો,તને શું ફાવશે ? ફ્રેન્ચ વાઇન, વ્હીસ્કી,રશિયન વોદકા,ગોવાની કાજૂ ફેની કે પછી દોસ્તીના મિલનની શેમ્પેઇન ફોડવી છે કે પછી કેવિયર પીવો છે ? દ્વિજ એક પછી એક બોટલ હાથમાં લઇને પરિચય આપતા બોલી રહ્યો હતો.

નહીં યાર, સાચુ કહુ તો મારી ઇચ્છાતો માત્ર ચીલ્ડ બિયર પીવાની જ છે.જો હોય તો.

કેમ શરાબ પીવાથી ડર લાગે છે ?અને આપણી પાસે બિયર પણ છે શ્રીમાનજી.

અરે દોસ્ત,મેં બધાજ દારૂ ચાખ્યા છે અને કયારેક પીધા પણ છે.પણ સાચુ કહુ તો મને હજી સુધી સમજ નથી પડી કે આમાં મઝા કયાં સંતાયેલી છે અને હું શું કામ તેને પી રહ્યો છુ ? દારૂ મારા માટે શોખ કે સુખ આપનારી વસ્તુ નથી. હું તો યોગ્ય સમયે,યોગ્ય જગ્યા અને કંપની સાથે મારો મુડ હોય તોજ પીવાનું પસંદ કરૂ છુ.મને દારૂનું કયારેય આકર્ષણ નથી રહ્યું જેટલુ સ્ત્રીનું આકર્ષણ મને રહ્યુ છે.કહી ચંદ્રએ આંખ મારી,પછી બંને ખડખડાટ હસવા લાગ્યા.

તું તો પીધા વગર જ રોમાન્ટીક થઇ ગયો ને.ચાલ હું બિયર મંગાવુ છું.મને થોડી ઓછી ફાવે છે પણ તને આજે કંપની આપીશ.

દ્વિજે કમાન્ડોને ઇશારો કરી પાસે બોલાવ્યો અને નોકરને ચાર બિયરની બોટલ લઇ આવવા જણાવ્યુ.કમાન્ડો એક ક્ષણ ચંદ્ર સામે સૂચક નજરે જોતો રહ્યો અને પછી ચાલ્યો ગયો.

થોડીવારમાં કમાન્ડો પોતે એક ટ્રે માં બીયરની ચાર જેટલી બોટલ,બિયરના ગ્લાસ ટેબલ પર મુકયા. પછી પોતેજ બિયરની બોટલ ખોલી ગ્લાસ ભરતા ભરતા બોલ્યો મહારાજ અને નોકરો જમવા બેઠા હતા એટલે હું જ લેતો આવ્યો. કમાન્ડો ગ્લાસ ભરીને અદબપૂર્વક ચંદ્ર અને દ્વિજના હાથમાં આપીને પોતાના નિયત સ્થાને જઇને ઉભો રહી ગયો.બંનેએ ચિયર્સ-અપ કર્યું.ચંદ્રએ કોટના ખીસામાંથી સિગારેટનું પેકેટ કાઢીને દ્વિજ સામે ધર્યું.બંનેએ સિગારેટ સળગાવી કસ ખેંચ્યો,ધીમે ધીમે વાતોનો દૌર શરૂ થયો,બિયરના ગ્લાસ ભરાતા રહ્યા અને ખાલી થતા રહ્યા. થોડીવાર બાદ ચંદ્રને દ્વિજે પોતાના બંગલામાં ફેરવ્યો.બંગલાની ભવ્યતા માટે ચંદ્ર પાસે કોઇ શબ્દો ન હતા.બંગલાની ભવ્યતા,રાચ-રચીલા,સજાવટ તથા દ્વિજની સમૃધ્ધિ સામે ચંદ્ર અવાચક જેવો થઇ ગયો હતો.પણ બંગલાની ભવ્યતામાં ચંદ્રને કશુંક ખુટતુ હોય તેમ જણાયું.ચંદ્ર અને દ્વિજે ફરી યથાસ્થાને ગોઠવાઇ ગયા. ચંદ્રએ દ્રિજ સામે બંગલાની તારીફના પુલ બાંધતા પોતાના મનની વાત મુકતા બોલ્યો.દોસ્ત તારૂ ઘર જોરદાર છે તારી કિસ્મતની જેમ પણ. હા.કિસ્મત તો જોરદાર છે જ તેમાં ના નહીં.પણ..આ તારા “પણ” નો મતલબ શું છે ? મતલબ એ છેકે તારા ઘરમાં કશુંક ખુટે છે.જાણે ઘર અધુરૂ છે. શું ખુટે છે બોલ કાલે જ મંગાવી લઉ. મંગાવવાની જરૂર નથી એ કદાચ તારી પાસે હશે જ. અરે બોલ,તો તેને પણ સજાવી દઉં. એ સજાવટની વસ્તુ નથી.પણ આ બધુ એણે જ સજાવ્યુ હશે. તું ગોળ ગોળ વાતો કરીને મઝા કિરકીરી ના કર યાર,સાફ સાફ બોલ.શું કહેવા માંગે છે ? આવા ભવ્ય આલિશાન ઘરમાં તું એકલો જ રહે છે ? ભાભી,બાળકો કયાં છે ? ચંદ્રના સવાલથી જાણે મુડ બગડી ગયો હોય તેમ દ્વિજ બોલ્યો.તુ આ બિયરનો ગ્લાસ ખાલી કર.

ક્રમશઃ

પ્રકરણ-૪

ચંદ્ર દ્વિજનો કેડો ના મુકતો હોય તેમ તેણે બોલવાનું ચાલુ રાખ્યું દ્વિજ એકબાજુ તુ મને તારો દોસ્ત માને છે અને બીજી બાજુ મારી વાત ઉડાવી રહ્યો છે.કેમ તુ મને તારા પરિવાર સાથે મળાવવા નથી માંગતો ? તને ન મળાવવાનું કોઇ કારણ ન હોઇ શકે દોસ્ત,બસ સમજી લેકે તે ઘરમાં નથી,આ ઘર માં.દ્વિજે “આ ઘર માં” શબ્દ પર ભાર મુકયો. આ ઘરમાં નથી એટલે ? એકદમ સીધીસટ્ટ વાત કરૂં તો તે મારી સાથે નથી રહેતી.મારા બીજા ઘરમાં રહે છે.એકલી...અને બાળકનું સુખ મારા કિસ્મતમાં નથી. ઓહ,સો સેડ યાર,પણ શું કામ ? અને કેમ શા કારણે ? અરે યાર,આમ એકલા એકલા જીંદગી જીવાય કેમ અને તે પણ આટલી બધી દોલત વચ્ચે ? હજી આપણી ઉંમર જ શું છે ? માત્ર ચાલીસની આસપાસ.અને તને ખબર છે એક કવિ એ શું ગાયુ છે ? “ચાલીસે સૌ કુંવારા સૈયર મોરી,ચાલીસે સૌ કુંવારા.”ચંદ્રએ વાતાવરણ હળવુ કરવા કહ્યુ. એવુ હશે કદાચ.પણ અત્યારે તો હું ખરેખર કુંવારો જ છું.છેલ્લા છ મહિનાથી.દ્વિજ ગંભીર બની ગયો. ભાભી શું કામ ચાલ્યા ગયા ? કે પછી તેં જ ઘર છોડવા... તેનો પોતાનો જ નિર્ણય હતો.મેં તેને કશું જ કહ્યુ ન હતુ. તેં ભાભીને રોકયા નહોતા ? મેં પ્રયત્નો કર્યા હતા.પૂરતા અને જરૂરી પ્રયત્નો તે ઘર છોડી ન જાય તે માટેના.પણ મને ખાતરી હતી કે તે રોકાશે નહીં.તે ખુબ જીદ્દી બાઈ છે.તેનું જીદ્દીપણું મને અને મારા માતા-પિતાને હંમેશા અકળાવતુ રહ્યુ છે.એક તો તે જીદ્દી અને વળી પાછી તેની માતા ની તેને ચડામણી.તેની મા ના કારણે જ અમારો સંસાર ખરાબે ચડયો. ભાભીને તારી સાથે તકલીફ શું હતી ? મતલબ આ ઘરમાં ? આ ઘરમાં મેડમનો દમ ઘૂંટાતો હતો.તેને બાહરની દુનિયા જોવી હતી.દુનિયાથી ટકરાવુ હતુ.કંઇક અલગ કરવુ હતુ. તેમને કંઇક અલગ કરવુ હતુ તેમાં ખોટુ પણ શું છે ?તે પણ ભણેલા ગણલાજ હશે અને તારી વાતો પરથી લાગે છેકે તે સ્માર્ટ અને સમજદાર છે તો પછી તેમાં તને વાંધો શું છે દ્વિજ ? ચંદ્ર આ ફિલ્મો,સિરીયલોએ અને તેના મહિલાપાત્રોએ આજના આ બૈરાઓનું મગજ ખરાબ કરી દીધુ છે. તે દેવીજીને કશુંજ કર્યા વગર મોટી ઓફિસ,ખુરશી જોયતી હતી.માણસો પર પ્રભાવ પાડવો હતો. તો તેમાં ખોટુ શું છે યાર ? ખોટુ કશું જ નથી.પણ ત્યાં સુધી પહોંચતા પહેલા ઘણું શીખવું પડે છે.ભોગ આપવો પડે છે ચંદ્ર કુમાર.તેણે તો મારા ધંધામાં જ ચંચુપાત શરૂ કરી દીધી હતી.તેને..તેને મારા ખભા પર ચઢીને દુનિયા જોવી હતી. સો વ્હોટ યાર,ભાભી એક રીતે તો તારા કામમાંજ મદદરૂપ થતા હતા ને.કામકાજ શીખવાની શરૂઆત તારી ઓફિસ કે ધંધામાં જોડાઇને કરે તેમા ખોટુ શું છે ? તેમનો પણ કંઇક હક્ક તો છે જ ને. હા..હા.. જરૂર ચંદ્ર જરૂર.પણ ભાઇ મારા ધંધાની કેટલીક નિતી-રીતિનું સન્માન જાળવવું પડે.ધંધો ધંધાની રીતે જ થાય.બધું જ બેલેન્સ જાળવવું પડે.દરેક સમયે તમારી જીદ્દ,અહંમ,મંતવ્યો,ધારણાઓ,માન્યતાઓ કે પછી કાયદા-કાનૂનને વળગીને ન રહેવાય.ઘણી બધી બાંધછોડ,લેતીદેતી કરવી પડે નહીંતર આ ગળાકાપ સ્પર્ધામાં ફેંકાઇ જતા વાર ના લાગે ચંદ્ર કુમાર.તને અમારા ધંધાની થોડીક તો જાણકારી હશે જ કે એક ખોટો નિર્ણય લેવાય એટલે કરોડો રૂપિયાની પથારી ફરી જાય.હું આવડા મોટા ધંધામાં તેની ખોટી જીદ્દ,ખોટા નિર્ણયોને કયાં સુધી ચલાવી લઉં ? તેની ખોટી નિતી-રીતિઓએ મારા સ્ટાફમાં અસંતોષ અને ઉશ્કેરાટનું વાતાવરણ ઉભુ કર્યુ હતુ.જો લાંબો સમય આમ ચાલ્યુ હોત તો મારો વિશ્વાસુ સ્ટાફ મને છોડીને ચાલ્યો જાત.માણસ માત્ર પૈસાથી નથી સચવાતો.તેને સન્માન,ઇજ્જત,હોદ્દો,સુરક્ષા બધુ આપવુ પડે છે પછી તે તમને બધુજ સમર્પિત કરવા લાગે છે.મારા બધા માણસોએ મારા ધંધાને દોડતો કરવા શરૂઆતથી જ લોહી-પાણી એક કર્યા છે.તેમને થતી ખોટી હેરાનગતિ મારાથી કેમ સહન થાય તુ જ કહે.મને આજે પણ તેના માટે કોઇ કટુતા નથી,પણ મારે તો મારા ધંધા સાથે મારા માણસો અને તેમના પરિવારનું પણ વિચારવાનું છેને. વાત પૂરી કરી દ્વિજે બિયરના ગ્લાસમાંથી બે ઘૂંટ ભર્યા.પછી તેણે આગળ વાતની શરૂઆત કરી તે તેના એમબીએના પ્રયોગો મારા કામમાં કરવા લાગી એટલે મારે તેને રોકવી પડી................... ચંદ્રએ દ્વિજની વાતને વચ્ચેથી કાપતા કહ્યું.લોકો તો એમબીએ વાળાને પોતાની કંપનીમાં રાખીને પોતાના ધંધાને સારી રીતે વિકસાવે છે.અને તેના ફાયદાઓ... દોસ્ત,આપણા દેશમાં એમબીએ પહેલા કોઠાસૂઝની જરૂર પડે છે.મારા ઘણા સમજાવ્યા બાદ પણ તે ના માની,તો તેને મારી ઓફિસમાં પગ ન મુકવાનું ફરમાન મારે જારી કરવું પડયુ.જોકે,મેં તેને પોતાનો કોઇ અલગ ધંધો કરવા,તે માટે જોઇએ તેટલા રૂપિયા આપવા પણ કહ્યુ.તેમાં પણ તે રાજી ન થઇ.પછી રોજરોજની કચકચ અમારી વચ્ચે વધી ગઇ.પછી એક દિવસ તેની મરજીથી ઘર છોડીને ચાલી ગઇ.

્કમશઃ

પ્રકરણ-5

દ્વિજ તેની પત્ની ઘર છોડીને કેમ ચાલી ગઇ તે જણાવ્યા બાદ તેણે થોડો વિશ્રામ લેવા માટે સિગારેટ સળગાવી એક કશ ખેંચી ધુમાડાને હવામાં તરતો મુક્યો.બોજીલ વાતાવરણમાં ધુમાડા કયાંય જવા માંગતા ન હોય તેમ તેની આસપાસ જ નર્તન કરતા રહ્યા.થોડીક ક્ષણો બાદ દ્વિજે અધુરી વાતને આગળ ચલાવી. અત્યારે તો તેણે સ્વબળે તેનો ઇન્ટીરીયર ડિઝાઇનરનો ધંધો જમાવી દીધો છે,ખુબજ ટુંકા ગાળામાં.હું તેને સલામ કરૂ છુંકે મારી પાસેથી મૂડી લીધા વગર તે આજે પોતાના પગ પર ઉભી છે.જોકે તેની માતાનો પૂરો દોરી સંચાર છે. તો પછી દ્વિજ, બાપુ હવે ઝઘડો જ કયાં રહ્યો છે.તુ તારા ધંધામાં તે તેમના ધંધામાં.તમારે હવે અલગ રહેવાનો કોઇ મતલબજ નથી.હવે તો તુ ભાભીને બોલાવી લે. મેં મારા તરફથી બે ત્રણ વખત કહેવડાવ્યુ છે.જે વાત નથી રહી તેના માટે જીદ શું કામ ? ઘેર પાછી આવી જા.પરંતુ મેડમને તેમનો અહમ નડી રહ્યો છે.તેમને હજી વધારે મોટા થવુ છે.વળી પાછી તેની મા ની ચઢવણી યથાવત છે. દ્વિજ,જોકે તારા કેસમાં હવે ખાસ દમ નથી.તું અને પરિવારવાળા સાથે બેસીને આ સમસ્યા દૂર કરી શકો છો. મારા માતા-પિતા છેક ઇમ્ફાલમાં રહે છે.હું તેમને આ ઉંમરમાં દુખી કરવા નથી માંગતો મારો આ ઇતિહાસ જણાવીને.અને આટલો મોટો ધંધો હોવા છતા મારે ખાસ કોઇ મિત્રો નથી અને છે તે આ બધુ જાણતા નથી.અને ધંધામાં લોકોને આ બધી વાતો ના કરાય.ચંદ્ર ધંધાદારીઓને હરીફો હોય મિત્રો નહીં.આટલુ બધુ મેં માત્ર તને જ જણાવ્યું છે.બસ સમજી લેકે હવે તું એક જ મારો ખાસ મિત્ર છે.જેમ સ્કૂલમાં હું હતો તારો ખાસ દુશ્મન. દ્વિજના ચહેરા પર નિરાશાભર્યુ હાસ્ય ઉપસી આવ્યુ.

ચંદ્રએ દ્વિજના ચહેરા પરની નિરાશાને જોઇ રહ્યો.જવાબમાં ફિક્કુ હાસ્ય સાથે કહ્યું. તેનો બદલો તો તારે ચુકવવોજ પડશે.પછી બંને ખડખડાટ હસવા લાગ્યા. ચંદ્ર એક કામ કર,તું જ આ કામ હાથમાં લઇ લે.તુ જ તેને સમજાવીને તેની ઘર વાપસી કરાવ. દ્વિજ એક વાત કહું, ગીતકાર આનંદ બક્ષીએ એક વાત કહી છે. “મુઝે કયા પતા થા કભી ઇશ્કમેં રક઼ીબોં કો કાસિદ બનાતે નહીં.”.રકીબ એટલે હરીફ અને કાસિદ એટલે સંદેશાવાહક...ચંદ્ર ફિલસુફની અદાથી બોલ્યો. ચંદ્ર અને દ્વિજ બંને એકબીજાને જોવા લાગ્યા. ઓહ હો,તુ મારો રકીબ બનવા માંગે છેકે કાસીદ? ચંદ્ર એકદમ ખામોશ થઇ ગયો.પરંતુ સંયત થતા બોલ્યો “વકત આને પર બતા દેંગે આસમાં કયા હમારે દિલ મેં હૈ.” ઠીક હૈ,હમભી વક્ત કી પ્રતિક્ષા કરેંગે. બંને ઠહાકા સાથે હસવા લાગ્યા. ઓફકોર્સ,તારો મિત્ર છુ.પણ યાર આ કામ મારા હાથનું નથી,વળી ભાભી સાથે મારે કોઇ પરિચય પણ નથી.તેમને મેં જોયા પણ નથી અને પછી આ પ્રકારની ગંભીર વાત! પણ તારી વાતો અને ભાભી પ્રત્યેની તારી ઇન્ટેમસી જોતા મારે જરૂર વિચારવું પડશે.ચંદ્રએ ગંભીર થતા કહ્યું. બંને વચ્ચે વાતો,સિગારેટ અને બિયરનો દૌર ચાલતો રહ્યો.ચંદ્ર અને દ્વિજે ગાર્ડનમાં ડિનર લઇ લીધુ.રાતે લગભગ એક વાગ્યાના સુમારે દ્વિજ ચંદ્રને બંગલાના મુખ્ય ગેટ સુધી વળાવવા ગયો.ત્યારે દ્વિજ બોલ્યો. ચંદ્ર આનંદ બક્ષીએ એ પણ કહ્યું છે “દોસ્તી ઇમ્તિહાન લેતી હૈ,દોસ્તોં કી જાન લેતી હૈ.”ચંદ્રએ હસતા વિદાય લીધી.

00000

એક સમયનાં ખાસ દુશ્મન અને હવે કિસ્મતે અચાનકજ બનાવી દીધેલ મિત્ર તરફની ફરજ નિભાવવા વિષે ચંદ્ર બિસ્તરમાં પડખા ફેરવતો વિચારતો રહ્યો.એક સમયના ખાસ દુશ્મન માટે બદલો લેવાની તક તરીકે પણ તે આ ઘટનાને જોઇ રહ્યો હતો.સ્કૂલ સમય દરમ્યાન તે દ્વિજ સામે બદલો લેવાનું ઝૂનૂન લઇને જીવતો હતો તે પણ તેને યાદ આવી ગયુ.વિચારોના યુધ્ધમાં તેને વહેલી સવારે ઉંઘ આવી ગઇ. સવારે સ્નાન-પૂજા કરીને ચંદ્રએ નાસ્તો કરતા દરમ્યાન દ્વિજના કેસનું શું કરવું તે તેણે નક્કી કરી લીધુ. ચંદ્રએ દ્વિજના સમજાવેલ સરનામા મુજબ પહોંચીને એક ફલેટનો ડોરબેલ વગાડયો.દરવાજો ખુલતા સામે ઉભેલી એક યુવાન છોકરીને પોતાની ઓળખ આપતા ચંદ્રએ કહ્યું. બ્રિન્દા ઔદિચ્ય...મેડમ છે ઘરમાં ? હા..અંદર આવો.બેસો તમે!...ચંદ્એ પોતાનો પરિચય આપતાં છોકરી અંદરના કમરામાં ચાલી ગઇ. ચંદ્ર રૂમનું નિરિક્ષણ કરવા લાગ્યો.કમરામાં રાચરચીલુ અત્યંત ઓછુ પણ ઉત્કૃષ્ટ અને એકદમ વ્યવસ્થિત હતુ.ઘરમાં જાતજાતની હેન્ડીક્રાફટની વસ્તુઓ નજર આવી રહી હતી.એક દિવાલ પર દ્વિજનો આદમકદનો ચહેરો ફોટોફ્રેમમાં સ્મિત વેરી રહ્યો હતો. અચાનક કમરામાં લેડી પર્ફુયમની ખુશ્બુ સાથે સ્ત્રીનો મધુર અવાજ ફેલાયો.

ક્રમશઃ

પ્રકરણ- 6

યસ,વેલકમ મીસ્ટર ચંદ્ર જોષી. ચંદ્રએ સોફા પરથી સ્થાન છોડી નમસ્તે કરતા પુછયુ તમે જ...બ્રિન્દા..? હા..હા હું જ બ્રિન્દા ઔદિચ્ય. દ્વિજની પત્નિ,તમે બેસો ને.બંનેએ સ્થાન લીધુ. ચંદ્ર્ બ્રિન્દાને જોતો રહ્યો.તેના મિત્રની પત્નિ જે રૂપ લાવણ્યથી ભરપૂર હતી.છતાં તેની સાદગી ઉડીને આંખે વળગે તેવી હતી.ગોરા બદન પર તેણે સુંદર પ્રિન્ટેડ સાડી પર મેચીંગ બ્લાઉઝ પહેર્યો હતો.સાડીમાં બ્રિન્દાનું રૂપ કોઇને પણ મોહિત કરી શકે તેવુ હતુ.થોડા સમય પહેલાજ સ્નાન કર્યુ હોવાના કારણે તેના કમર સુધીના વાળ છુટા રમતા હતા અને કમરાના પંખાની હવાના કારણે તે ઉડીને તેના ચહેરા પર ફેલાઇ જતા હતા જેને તે વારંવાર ઠીક કરવાની નાકામ કોશીસ કરી રહી હતી. સ્નાનની તાજગીના કારણે તેના બદનની ખુશ્બુ કમરામાં અલગ ઉત્તેજના જગાવી રહી હતી.તેના ગોળ સુંદર ચહેરા પર લાલ બિંદી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.તેના બંને કાન ઉપર સુધી સોનાની વિવિધ વાળીઓથી વીંઘેલા હતા. હોઠ પરની આછા ગુલાબી કલરની લિપસ્ટીક તેના ગુલાબી ગાલ સાથે જાણે હરિફાઇ કરી રહી હતી.ગળાનું મંગળસુત્ર તેના ક્લિવલેઝને વારંવાર ચુમીને તેની સાથે જાણે અટખેલીયા કરી રહ્યુ હતુ.બંને હાથના કાંડામાં સોનાના ભારે ડિઝાઇન વાળા પાટલા અને ઘણીબધી આંગળીમાં સોના-ચાંદી,હીરાની વિંટીઓ નજર આવી રહી હતી.ચંદ્નને બ્રિન્દાનું અતિ સામાન્ય શણગાર સાથેનું સાદગીભર્યુ રૂપ પણ ખુબજ મારક લાગી રહ્યુ હતુ.કોલેજમાં તેને દ્વિજ સાથે કયારેક કયારેક જોયાનું યાદ આવી ગયું.આટલા વર્ષો બાદ પણ જાણે તેની ઉમર રોકાઇ ગઇ હતી.બ્રિંદાને જોઇને ચંદ્રના મગજમાં વિચાર કૌંધી ગયો....આવી પત્નિથી અલગ થઇને કેમ રહી શકાય? પણ પોતાની મર્યાદાનું ભાન થતા તેણે બ્રિન્દા પરથી નજર હટાવી અને વાત શરૂ કરવાના ઇરાદે કહ્યું મેં અને દ્વિજે સ્કૂલ સમયમાં સાથે હતા થોડોક સમય કોલેજમાં પણ હતા.લાંબા સમયબાદ અમે થોડા દિવસ પહેલા અચાનક ભેગા થઇ ગયા.ગઇકાલે અમે ફરી મળ્યા મોડીરાત સુધી અમે વાતો કરતા રહ્યા,જોડે જ જમ્યા.પછી મોડી રાતે છુટા પડયા. બ્રિન્દા એક ધ્યાન થઇ ચંદ્રની સામે જ જોતા તેની વાતો સાંભળી રહી.પછી બોલી...સૌ પ્રથમતો હાઇવે પર અને પછી હોટલ ઉમેદ પેલેસમાં મુલાકાત થઇ હતી ને તમારી? બ્રિન્દાના અણધાર્યા સવાલથી ચંદ્ર અસુવિધા મહેસુસ કરવા લાગ્યો.વાત બદલવા તેણે કહ્યુ. મને એક ગ્લાસ પાણી... ઓહ..સોરી..સોરી.હું તો સાવ ભૂલી ગઇ.બ્રિન્દા ઉભી થઇને રસોડા તરફ ચાલી ગઇ.તેના જવાથી ચંદ્રને થોડી નવાઇ લાગી.ઘરમાં કામવાળી હોવા છતા તે પોતે કેમ આવા સામાન્ય કામ માટે ઉભી થઇ હશે ? થોડા સમયબાદ બ્રિન્દા એક ટ્રે લઇને આવી તેમાં પાણી ભરેલા ગ્લાસ સાથે બિયરની બે બોટલ,ખાલી ગ્લાસ,તેની પસંદગીની બ્રાન્ડનીં સિગારેટનું પેકેટ,અને લાઇટર તથા નમકીન પડયા હતા. બ્રિંદાએ પાણીનો ગ્લાસ ચંદ્રને આપતા કહ્યુ “સીગારેટ અને બિયર તમારા ગમતા જ છે.તમને જરૂર ફાવશે.” કહી બ્રિંદાએ ટ્રે ચંદ્રની સામે ટિપોય પર મુકી દીધી. દ્વિજ કયારેય બિયર નથી પીતો.ગઇ કાલે રાતે તેણે તમારી સાથે કેમ બિયર પીધો તેની મને ખૂબજ નવાઇ લાગી રહી છે.વળી એક કે બે નહીં પણ ચાર-ચાર બોતલ.ડીસમાં નમકિન જમાવતા બ્રિન્દા બોલી રહી હતી. ચંદ્રએ બ્રિન્દાની વાત સાંભળી એક આંચકો અનુભવ્યો.તે વિચારવા લાગ્યો આ સ્ત્રીને ગઇકાલ રાતની મુલાકાત વિષેની માહિતી ક્યાંથી મળી ?તેને હવે બ્રિન્દાથી થોડો ભય લાગી રહ્યો હતો.પોતે જે વાત કરવા આવ્યો હતો તે વાત તેણે હવે પછી કરવી કે નહીં તે બાબતે તે વિચારવા લાગ્યો.એક સમયે તેને લાગ્યુ કે દ્વિજે પોતે જ કદાચ બ્રિન્દાને બધી વાત જણાવી હશે? પણ,જો તેમ હોત તો તેણે આ બાબતે મને જરૂર જાણ કરી હોત.ચંદ્ર કશું નિર્ણય કરવાની સ્થિતીમાં ન હતો.એટલે તે જલ્દીથી આ સ્થળ છોડી ચાલ્યા જવા વિષે વિચારવા લાગ્યો.અંતે પોતાનો નિર્ણય બદલવા સાથે પોતાનો પેંતરો બદલતા કહ્યુ. સોરી ભાભી,હું અજાણી સ્ત્રીઓની હાજરીમાં આવી કોઇ વસ્તુઓ નથી લેતો.અને મેં મારો નિયમ ક્યારેય તોડયો નથી. ઓકે,નો પ્રોબ્લેમ.પણ સિગારેટ તો પીશો ને ?તે તમારી પસંદગીનીજ બ્રાન્ડ છે .તે દિવસે અને ગઇકાલે તમે ઉમેદ પેલેસમાં ચા અને બ્રેડપકોડા સાથે આ જ સીગારેટ પીધી હતી ને! બ્રિન્દા એક પછી એક રાજ ખોલતી હોય તેમ વાતો કરી રહી હતી.તેની વાતોની સાથેસાથે ચંદ્રની અકળામણ પણ વધી રહી હતી.અહીં આવવાના પોતાના નિર્ણય પર તે પસ્તાઇ રહ્યો હતો.આ સ્ત્રી તેને હવે રહસ્યમય લાગી રહી હતી.તે વિચારી શકતો ન હતો કે તેને આ બધી વાતોની ખબર કઇ રીતે પડી હશે ? આ સ્ત્રીએ દ્વિજના ઘરમાં જાસૂસી ઉપકરણો ગોઠવ્યા હશે કે પછી પ્રાયવેટ જાસૂસ રોક્યા હશે ? જે હોય તે પણ આ સ્ત્રી તેને રહસ્યમયી કરતા ખતરનાક લાગી રહી હતી. ક્ર

ક્મશઃ

પ્રકરણ-7 બ્રિંદાની વાતો અને વર્તનથી મુંઝવણ અનુભવી રહેલ ચંદ્રએ થોડા સચેત થઇ વધુ સમય બગાડવાને બદલે સીધી વાત ચાલુ કરતા જણાવ્યુ કેતે મિત્રનાં ખાધેલ નમકનું ઋણ ચુકવવા,તેમના બંને વચ્ચે સમાધાનની આશા લઇને અહીંયા આવ્યો છે.તેણે કહ્યું જો હું મારી મર્યાદા ન ઓળંગતો હોઉં તો,તમને એક વિનંતી છેકે તમે તમારા ઘરમાં પાછા ફરો અને ફરી એક છત નીચે જીંદગી બસર કરો.દ્વિજ પણ એમ જ ઇચ્છે છે. મિસ્ટર ચંદ્ર હું તમારી ભાવનાઓની કદર કરૂ છુ,પરંતુ અત્યારે આ સમયે મારા માટે તે શક્ય નથી. ઓકે,વાંધો ન હોય તો તેનું કારણ જાણી શકું ? કારણ માત્ર એજ છેકે મેં મારો બિઝનેસ શરૂ કર્યો છે.તેને મોટા પાયા પર મુકવા માંગુ છું.અને તે માટે મારે ઘણો બધો ત્યાગ કરવો પડે તેમ છે.હું મારા મિશનમાં કામયાબ થઇશ પછી જરૂર વિચારીશ. ભાભી,પણ તમે દ્વિજ સાથે ઘરમાં રહીને પણ તમારો... પ્લીઝ હવે મને વધારે કશું જ ન કહેતા.મારા નિર્ણયમાં મારી દ્રષ્ટિમાં બધુંજ સ્પસ્ટ છે.તમે બીજી વાતો કરો મને આનંદ થશે. બંને વચ્ચે થોડો સમય વાતચીત થતી રહી પછી ચંદ્રએ વિદાય લીધી.ચંદ્રને લાગ્યુ આ સ્ત્રી થોડી જીદ્દી, અહંકારી છે તે સાથે સાથે હોંશિયાર અને બુધ્ધિશાળી પણ છે. તેનામાં કયારેક હોંશિયારી કરતાં ચાલાકી અને લુચ્ચાઇ વધુ વર્તાઇ આવે છે.પરંતુ ચંદ્રને એકવાતનો આનંદ થયો કે તે આ સમયે,આવી સ્થિતીમાં પણ તેના પતિનું સમ્માન કરતી હતી અને દ્વિજ માટે ઉંડી લાગણી ધરાવતી હતી. ચંદ્બએ બીજા દિવસેજ દ્વિજને મળીને સમગ્ર સ્થિતી સ્પસ્ટ કરવાનું નક્કી કરીને બ્રિંદા પાસેથી વિદાય લીધી

00000 બીજા દિવસે ચંદ્ર અને દ્વિજ ફરી દ્વિજના બંગલે મળ્યા.ફરી મહેફિલ જામી.બિયર સીગારેટનો દૌર ચાલતો રહ્યો.દ્વિજનો કમાન્ડો ચંદ્રને બિયર અને દ્વિજને વ્હિસ્કી ગ્લાસમાં ભરીને સર્વ કરતો રહ્યો.મુલાકાત દરમ્યાન ચંદ્રએ દ્વિજને બ્રિન્દા સાથે થયેલ મુલાકાતની રજેરજની વિગત જણાવી તો તે સાંભળીને દ્વિજ આશ્ચર્યચકિત થઇ ગયો.તેનું મગજ જાણે બહેર મારી ગયુ હતુ.આવેશમાં આવીને તે બોલવા લાગ્યો. શું વાત કરે છે ? મારી જાસુસી કરી રહી છે ત્યાં બેઠી બેઠી ? મને તેના માટે માન ઉપજી રહ્યું છે અને તે મારી વિરૂધ્ધ કાવતરા કરી રહી છે ? આ ના ચલાવી લેવાય,હવે આ સ્ત્રીને મારે સીધી કરવી પડશે. અનાયાસે ચંદ્રની નજર કમાન્ડો પર પડી તો તે તેના તરફ એક અજીબ ભાવથી જોઇ રહ્યો હતો.ચંદ્રએ દ્વિજને જેમતેમ કરીને શાંત પાડયો અને તે વિચારવા લાગ્યો મેં દ્વિજને બધુ જણાવી યોગ્ય કર્યું છે ? કયાંક મારા કારણે તેમના સબંધોમાં દરાર વધી તો નહી જાય ને ? જોકે દ્વિજનો ગુસ્સો ખોટો પણ નથી.જયારે તેના તરફથી બ્રિંદાને કોઇ બંદીશ કે રોકટોક નથી તો પછી બ્રિંદાએ તેની જાસૂસી કરવાની શું જરૂર છે.અને આ રજેરજની માહિતી તેને કોણ પહોંચાડે છે ? વિવિધ સવાલોની ગડમથલ ચંદ્રનાં મગજમાં ચાલી રહી હતી.ચંદ્ર અને દ્વિજ બંગલાની લોનમાં જ રાતનું ભોજન લઇને છુટા પડયા.દ્વિજમાં નશા અને ગુસ્સાનું મિશ્રણ હતુ તેથી ચંદ્રને દ્વિજનો કમાન્ડો દરવાજા સુધી વળાવી ગયો.

00000

લગભગ દસ વાગ્યાની આસપાસ ઘરની ડોરબેલ વાગવાને કારણે ચંદ્રની ઉંઘ ઉડી.તેણે દરવાજો ખોલ્યો ત્યારે સરકારી માણસ જેવી લાગતી બે વ્યકિતઓ તેની સામે ઉભી હતી.ચંદ્રએ તેમના આવવાનું આગમન પુછતા તેમણે પોતાનું આઇકાર્ડ બતાવતા કહ્યું. તમે ગઇકાલે રાતે તમારા મિત્ર દ્વિજ ઔદિચ્યને મળ્યા હતા ? જી,અમે મોડી રાત સુધી સાથેજ હતા.પણ વાત શું છે ઇનસ્પેકટર ? તમારા મિત્ર દ્વિજનું ગઇકાલે મોડીરાતે ખૂન થઇ ગયુ છે.ગઇકાલે તમેજ તેને છેલ્લા મળનારા હતા.કેટલાક સાંયોગીક પૂરાવા પણ તમારી તરફ દોરી જતા હોવાથી પોલિસને શક છે કે તમે જ દ્વિજનું ખૂન કર્યું છે.સર,તમે હવે અમારી કસ્ટડીમાં છો.તમારે પોલિસ સ્ટેશન આવવું પડશે. પોલિસની વાત સાંભળી ચંદ્રનું મગજ બહેર મારી ગયું.મિત્રનું મિલન અને વિદાય તેના માટે વિસ્મયકારક બની ગઇ હતી.મિત્રના નમકનું ઋણ અદા કરવા માંગતો હતો તે પહેલાજ તેના પર નમકહરામીનો આરોપ મુકાઇ રહ્યો હતો.થોડીવાર બાદ ચંદ્રએ પોતાની જાતને જેલના સળીયા પાછળ જોઇ.

ક્રમશઃ

પ્રકરણ-8

પોલિસ કસ્ટડીમાં ચંદ્રનું મગજ વિચારોમાં અટવાવવા લાગ્યુ.દ્વિજની હત્યામાં કોને રસ હોઇ શકે ? તે વિચારોના તાણાવાણા ગુંથવા લાગ્યો.તેના કહેવા પ્રમાણે તેના કોઇ સગાસબંધીઓ અહીંયા છે નહી.મિત્રોમા તેના કહેવા પ્રમાણે અત્યારે તો એક માત્ર હું જ છુ.ધંધાકીય હરીફો...? દ્વિજની વાતો પરથી તેનો કોઇ ધંધાદારી હરીફ હોય તેમ લાગ્યુ નહીં.અને હોય તો મને શી ખબર.તો પછી તેની પત્નિ બ્રિંદાએ આ ખૂન કરાવ્યુ હશે?પણ,તે હજી પણ દ્વિજને ખુબ ચાહે છે,દ્વિજ માટે તેના મનમાં કોઇ કડવાશ કે ખૂન્ન્સ હોય તેમ બિલકુલ જણાતુ નથી.તો પછી ખૂન કોણ કર્યુ હશે ? દ્વિજનો તેની પત્નિ પ્રત્યેનો ગુસ્સો ખૂન થવા પાછળનું કારણ હોઇ શકે છે ? બ્રિંદા દ્વિજ વિષેની દરેક બાબતો કઇ રીતે જાણતી હતી અને શું કામ તે આમ કરતી હતી ? અમારી મુલાકાત,અમારા મિલનની વાતો.અમે શું ખાધુ શું પીધુ?કઇ વસ્તુ કઇ બ્રાન્ડની હતી ? તે બધી માહિતી તેની પાસે કયાંથી આવી હશે ? આ બાઇ ખૂબજ ખતરનાક અને ચાલાક લાગે છે.કદાચ તેની કોઇ તમન્ના અધૂરી રહી ગઇ હોય તેને પૂરી કરવાની જીદ્દમાં તેણે આ કૃત્ય કોઇની પાસે કરાવ્યું હોય? પોલિસના કહેવા પ્રમાણે દ્વિજને ઝેર આપવામાં આવ્યુ છે.તેના દારૂના ગ્લાસમાં ઝેરના પાર્ટિકલ્સ મળી આવ્યા હતા.અમે બીજી વાર મહેફિલ જમાવી હતી તે વિષે પણ બ્રિન્દાને ખબર હશે જ.કદાચ તેણે જ આ કારસો ગોઠવ્યો હોય! વાઇન અને બિયરની બોટલો તો સીલપેક હતી..તો પછી ગ્લાસમાં અગાઉથી જ...ચંદ્ર વિચારોમાં ગુંચવાતો જતો હતો. વળી આ સ્ત્રીએ પોલિસને જણાવ્યું છેકે તેના પતિ દ્વિજને છેલ્લે મળનાર વ્યકિત હું જ હતો.આ બાઇએ બરાબર સમજી વિચારીને પાસા ફેંકયા છે...એક સ્ત્રી શું આટલી હદે જઇ શકે ? ચંદ્રને કશું જ સ્પસ્ટ સમજાઇ રહ્ય લગભગ સંઘ્યા સમયે કસ્ટડીના સળીયા પર દંડો પછાડતા ચંદ્રના નામની બૂમ પાડતા એક હવાલદારે “ચાલો તમારા જામીન થઇ ગયા છે.” કહીને ચંદ્રની કસ્ટડીનો દરવાજો ખોલ્યો. જામીન થઇ ગયાના સમાચારે ચંદ્રને રીતસરનો હલબલાવી મુક્યો.અચાનક આ બધુ શું થઇ રહ્યું છે ? મારો જામીનદાર કોણ પૈદા થઇ ગયો ? વિચારધીન ચંદ્ર કસ્ટડી બાહર આવ્યો.તેણે પાછળ નજર નાખીને એક ક્ષણ માટે ફરી કસ્ટડીને જોઇ લીધી.જીંદગી તેને નવા અધ્યાય,નવા મોડ પર લઇ આવી હતી. ભય, અસલામતી, એકાંત,અનિશ્ચિતતા ભર્યા વિચિત્ર અનુભવને એક ક્ષણ પૂરતો યાદ કરી લીધો.ચંદ્ર ઇન્સ્પેકટર સામે આવીને ઉભો રહી ગયો.ઇન્સ્પેકટરે તેને ખુરશી પર બેસવા આગ્રહ કર્યો.પછી એક મોટા સરકારી રજીસ્ટરમાં સહીઓ કરાવતા કહ્યું. બ્રિન્દા મેડમે તમારા જામીન આપ્યા છે.તમે અત્યારે મુકત છે.આ તમારા વકીલ છે કહી ઇન્સ્પેકટરે વકીલની ચંદ્ર સાથે ઓળખાણ કરાવી.

વકીલે ચંદ્ર સાથે હાથ મિલાવતા કહ્યું.આર યુ ઓકે સર ? નાઉ યુ આર ફ્રી સર.આ મારૂ કાર્ડ છે અને તમે તમારી ફૂરસતે બ્રિન્દા મેડમને મળી લેજો. મેડમે સોરી કહેવા સાથે ખાસ રીતે કહેવડાવ્યુ છે.કહી વકીલ પોલિસ સ્ટેશન છોડી ગયો. ચંદ્રનું મગજ ફરી ચકરાવે ચડયું.વળી નવો મુદ્દો તેની સામે આવીને ઉભો રહી ગયો.ખૂની કોણ હોઇ શકે? જો બ્રિન્દાએ જ આ ખૂન કરાવ્યું હોય તો પછી મને જામીન અપાવવામાં તેને શું રસ હોય ? હું ખૂન કેસમાં ફસાયો હોઉં તો પછી તે મને શું કામ જામીન પર છોડાવે ? સાચા ખૂનીને બદલે જો હું ગુનેગાર સાબિત થતો હોઉં તો તેના માટે તો આ વાત શ્રેષ્ઠ જ ગણાય ને ! તેનાથી બ્રિન્દા પણ બચી જાય અને સાચો ખૂની પણ પાકસાફ નીકળી જાય.આ સ્ત્રી કોઇ નવી ચાલ રમી રહી હશે ? પણ તેણે મારી પાસેથી શું લેવાનું હોય ? અને મને ફસાવવામાં કે મને પરેશાનીમાં મુકવામાં તેને શું રસ હોય ? મિસ્ટર ચંદ્ર ચાહ પીશો તમે ? ઇનસ્પેકટરના અવાજથી ચંદ્ર તંદ્રા મુકત થયો. ઓહ થેંકસ ઇનસ્પેકટર, મને લાગે છે મારે હવે ઘેર જઉં જોઇએ.ચંદ્રએ ઇન્સ્પેકટર સાથે હસ્તધૂનન કરીને ઘર તરફ પગ ઉપાડયા.જે સ્ત્રી માટે ખોટા વિચારો કરી રહ્યો હતો તેણેજ તેને મુકત કરાવ્યો આ વાત ચંદ્રને અત્યંત અચંબિત કરી રહી હતી.આ સ્ત્રીને કેવી રીતે મૂલવવી તેનો તે નિર્ણય કરી શકતો ન હતો.ઘેર પહોંચી ચંદ્રએ સંધ્યાસ્નાન,પૂજા-પાઠ પૂર્ણ કરીને જામીન પર છોડાવવા બદલ આભાર માનવા અને શોક પ્રદર્શિત કરવાના આશયથી બ્રિન્દાને ફોન જોડયો.

ક્રમશઃ

પ્રકરણ-9

ત્રણ દિવસબાદ લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ બ્રિન્દાનો ફોન ચંદ્રનાં ફોન પર આવતાં ચંદ્રને નવાઇ લગી.તે વિચારવા લાગ્યો આ સ્ત્રીને હવે શું કામ હશે? બ્રિંદાએ ચંદ્રને જો શક્ય હોય તો રાતે આઠ વાગ્યાની આસપાસ હોટલ ઉમેદ પેલેસની રેસ્ટોરેન્ટમાં મળવાની ઇચ્છા વ્યકત કરી.બ્રિંદાની વાતથી ચંદ્રને અત્યંત નવાઇ લાગી તે કલ્પના કરી શકતો ન હતો કે આ સ્ત્રી આવા શોકમય વાતાવરણમાં એક ફાઇવ સ્ટાર હોટલમાં મને શું કામ મળવા માંગતી હશે? હવે કોઇ નવી રમત રમતી હશે તે ? ઘણા મંથન બાદ પણ તે જવાબ મેળવી ના શક્યો અને અંતે કલાક બાદ ચંદ્ર રેસ્ટોરેન્ટ પર પહોંચ્યો ત્યારે બ્રિન્દા ત્યાં હાજર હતી.તે થોડી સ્વસ્થ અને કંઇક અંશે ખુશ જણાઇ રહી હતી.ચંદ્ર તેનું નવુંજ રૂપ જોઇ રહ્યો હતો.બ્રિન્દાના ચહેરાની ખુશી,તેની સ્વસ્થતા,આવા સમયમાં પાંચ સિતારા હોટલમાં તેને બોલાવવો અને તે પણ રાતનાં સમયે!ઘણા બધા સવાલોના જવાબો શોધવા તે મથી રહ્યો હતો.શા માટે મને અહીં બોલાવ્યો હશે? અને તે પણ રાતના સમયે,હવે મારૂ શું કામ હોઇ શકે આ સ્ત્રીને? અંતે તેણે વિચારવાનું બંદ કર્યું.બંને એકબીજાનું અભિવાદન કરીને ખુરશી પર ગોઠવાયા. બ્રિંદાએ અત્યંત લાઇટ ગ્રે કલરની શોકને અનુરૂપ સાડી પહેરી હતી.આજે પણ તેના ચહેરા પર બીંદી લગાવેલી હતી અને હોઠ પર લિપસ્ટીકને બદલે ગ્લો લગાવ્યુ હોવાના કારણે તે ચમકી રહ્યા હતા.વાળને વ્યવસ્થિત રીતે ઓળીને ચોટલો વાળીને ખભા પરથી આગળની તરફ રાખ્યો હતો.વિંટીઓ વગરની આંગળીઓ અને પાટલા વગરના તેના કાંડા તેની ઉદાસીમાં સાથ આપી રહ્યા હતા.માત્ર એક કિંમતી ઘડીયાળ તેના કાંડા પર સજી રહી હતી.અત્યંત સાદગીમાં પણ બ્રિન્દા ખુબજ આકર્ષક લાગી રહી હતી. ખુરશી પર બેઠક લીધા બાદ બે ચાહ નો ઓર્ડર અપાઇ ગયો.થોડીવાર બાદ બ્રિન્દાએ ગંભીર,દુઃખભર્યા સ્વરથી ખામોશી તોડી.

ચંદ્રભાઇ સોરી,તમને અમારા લીધે ખુબજ તકલીફ વેઠવી પડી.

જી,સાચી વાત છે.બટ...ઓકે.ચંદ્રએ સંયત સ્વરમાં ફરિયાદ કરી.

પણ તમારા માટે એક સારા સમાચાર છે.બ્રિન્દાએ થોડા ઉત્સાહ સાથે કહ્યું...તમે હવે હંમેશા માટે મુકત છો.દ્વિજનો ખુની પકડાઇ ગયો છે. કયાં,કયારે,કોણ છે એ બદમાશ ? ચંદ્ર ઝડપથી બોલવા લાગ્યો.તેની આતુરતા તેના અવાજમાં પડઘાઇ રહી હતી. બસ થોડા સમય પહેલાજ ખૂનીએ પોતાનો ગુનો કબુલી લીધો છે.હું તમને આ બતાવવા માટે ખુબજ આતુર હતી.અને એટલેજ મેં તમને અહીં દ્વિજની પ્રિય જગ્યા પર રૂબરૂમાં મળીને જણાવવા માટે બોલાવ્યા છે.તમારા દ્વારા અમને એક કરવાના પ્રયત્નો બદલ પણ મારે તમારો આભાર માનવો હતો. પણ ભાભી અત્યારે આવી સ્થિતીમાં...તમે મને ફોન કર્યો હોત તો હું તમને મળવા આવી જાત. હા,ચંદ્રભાઇ,તેમ પણ થઇ શકત.પણ હું ઘરના શોકમય વાતાવરણમાંથી થોડી મુક્તિ ચાહતી હતી.તમારા ચહેરા પરની ખુશી મારે જોવી હતી.જે તમે અમારા કારણે ગુમાવી હતી. ચંદ્ર બ્રિન્દાને નવાજ રૂપમાં જોઇ રહ્યો હતો.તેણે આ સ્ત્રી વિષે શું શું વિચારી લીધુ હતુ.તે વિચારીને પોતાની જાત પર પસ્તાવા લાગ્યો. થેંકયુ ભાભી,તમે મારી જીંદગી બચાવી લીધી.હું વિચારી નથી શકતો કે મારૂ શું થાત ?સમાજ,ઘરમાં લોકોને હું શું જવાબ આપત? ઓકે,દેર આયે દુરસ્ત આયે.અરે પણ તમે મને એ તો જણાવો કે ખૂન કોણે અને કેમ કર્યુ મારા મિત્રનું ? ચંદ્રભાઇ તમને લાગે છે કે કોઇ મારા ખાતર કોઇનું ખૂન કરી શકે ? બ્રિન્દાની વાત સાંભળી ચંદ્ર ચમકયોને બોલ્યો..તો ભાભી તમેજ દ્વિજનું ખૂન.... ? નહીં નહીં. ચંદ્રભાઇ મારો કહેવાનો મતલબ એ હતો કે માત્ર મારી પાછળની દિવાનગીને કારણે કોઇ વ્યક્તિ કોઇકનું ખૂન કરી શકે ?...ચંદ્રનો શ્વાસ નીચે બેઠો. હું કોઇ રાણી પદ્મિની નથી,કે નથી ઉર્વશી કે નથી મેનકા. જેથી કોઇ મારા માટે ખૂન વહાવે.પણ હા,મારા ખાતર દ્વિજનું ખૂન તેના કમાન્ડોએ કર્યુ છે.બ્રિન્દાએ રહસ્યફોટ કર્યો. ચંદ્રને આ વાતથી જોરદાર ઝાટકો લાગ્યો.થોડીવાર બાદ ખામોશ રહી તે બોલ્યો. કમાન્ડો દ્વિજનું ખૂન શું કામ કરે ? તેનો શું સ્વાર્થ હોય? મેં તમને કહ્યુંને મારા પ્રત્યેની દિવાનગી.ચંદ્રના ચહેરા પર આવેલા ઉલઝનનાં ભાવ બ્રિન્દાએ વાંચી લીધા. ચંદ્રભાઇ હું તમને વિસ્તારપૂર્વક જણાવું કોલેજ કાળ દરમ્યાન દ્વિજ સહિતના અનેક દિવાનાઓમાં મારો એક જુદાજ પ્રકારનો દિવાનો હતો.રાજન સિન્હા.જોકે તેણે કયારેય મને ન ગમે તેવું વર્તન કર્યુ ન હતુ.પરંતુ તે મારી નજીક રહેવા મારી સાથે વાતો કરવા સતત પ્રયત્નશીલ રહેતો.જોકે દ્વિજને એ બધાથી કોઇ ફરક પડતો ન હતો. કોલેજમાં જો મારા વિષે કોઇ કશું અજુગતુ બોલે કે વર્તન કરે તો રાજન તેમના હાથ-પગ તોડી નાખતો.કોલેજના પ્રોફેસરોને પણ તે ધમકી આપી આવતો અને જરૂર પડે તો તેનો અમલ પણ બેખૌફ કરતો.તેની આદતોથી તંગ આવીને મેં એક દિવસે તેને જાહેરમાં ખખડાવી નાખ્યો.તે બધુ ચૂપચાપ સાંભળતો રહ્યો.પણ જતા જતા બોલતો ગયો કે “તને હેરાન કરનારને હું કયારેય છોડીશ નહીં.ભલે તે ગમે તે કેમ ન હોય.” થોડા સમયબાદ તે અચાનક કોલેજમાંથી ગાયબ થઇ ગયો.પછી અમને ખબર મલ્યા કે આર્મીમાં કમાન્ડો તરીકે દિલ્લીમાં તેની પોસ્ટીંગ છે.મારા અને દ્વિજના લગ્ન સમયે અમે તેને આમંત્રણ આપ્યુ હતુ.પરંતુ તે ભારતનાં રાષ્ટ્રપતિ સાથે વિદેશમાં હોવાથી આવી શકયો ન હતો.હા,તેણે અમને શુભેચ્છા સંદેશ જરૂર મોકલાવ્યો હતો.વાતવાતમાં મારામારી તથા ગુસ્સેલ સ્વભાવના કારણે તે એકવખત કોર્ટમાર્શલ પણ થયો હતો.પછી તે નોકરી છોડીને દિલ્લીમાં જ સ્થાયી થઇ ગયો હતો.

તો પછી,અહીંયા દ્વિજના કમાન્ડો તરીકે..!ચંદ્રએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

ક્રમશઃ

પ્રકરણ- 10

અમારા લગ્નનાં ચાર-પાંચ વર્ષ બાદ દ્વિજ પોતાના ધંધાના કામ માટે દિલ્લી ગયા હતા.ત્યાં તેમની કારને અકસ્માત નડયો.સામેની કારનાં બદમાશ જેવા દેખાતા ચાર જેટલા છોકરાઓ નશામાં હતા અને તેમણે દ્વિજ સાથે મારામારી શરૂ કરી દીધી.ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા રાજનની નજર દ્વિજ પર પડી અને તેણે પેલા છોકરાઓની બરાબર ધોલાઇ કરી અને રાજનની માફી પણ મંગાવી.પછીતો રાજને દ્વિજને દિલ્લીમાં તેમનું કામ ન પતે ત્યાં સુધી પોતાના ફલેટ પર રાખ્યા અને પોતાની ઓળખાણો દ્વારા દ્વિજનું કામ જલ્દી અને સરળતાથી પતાવી આપ્યુ.

બ્રિન્દાએ થોડીવાર વિરામ કરી આગળ વાત શરૂ કરી.થોડા સમયબાદ કન્સ્ટ્રકશનના ધંધામાં નવાનવા બની બેઠેલા બિલ્ડરો,જમીન માફિયા દલાલો,લેભાગુઓ દ્વારા તેમના ધંધામાં મગજમારીઓ વધી ગઇ.તેના કારણે મારામારી,લૂંટ,ખૂન,છેતરપિંડી,અપહરણ જેવી સમસ્યાઓ વધી જતા દ્વિજને પર્સનલ કમાન્ડો રાખવાની જરૂર જણાઇ.એટલે તેમણે રાજનનો સંપર્ક સાધ્યો.રાજન પણ નોકરી વગરનો હોવાથી તેણે પોતે દ્વિજના કમાન્ડો તરીકે રહેવાની ઓફર દ્વિજ સામે મુકી તો દ્વિજે તુરંત સ્વીકારી લીધી.મને રાજનનું મારા ઘરમાં કમાન્ડો તરીકે આવવાને બદલે મારા તરફની તેની દિવાનગી યથાવત રહેવા બદલ નવાઇ લાગી.તે દ્વિજની સાથેસાથે મારૂ પણ ખુબજ ધ્યાન રાખતો હતો.જોકે તે મારી નાની મોટી તકલીફથી પણ વિચલીત થઇ જતો.

એક દિવસ મારા અને દ્વિજ વચ્ચે કોઇ કારણસર ખૂબજ ગરમાગરમી થઇ ગઇ હતી.દ્વિજે મારા પર ગુસ્સામાં હાથ ઉપાડયો તો રાજને તેનો હાથ પકડી લીધો હતો.જોકે તેને તેની મર્યાદા સમજાતા તેણે દ્વિજની માફી પણ માગી હતી.જોકે ત્યારબાદ દ્વિજ કોણજાણે કેમ રાજનની હાજરીમાં જાણી જોઇને મારા ઉપર હાથ ઉપાડતો. તો ભાભી તમે તેનો પ્રતિકાર કરતા ન હતા ? સાચુ કહુ તો ચંદ્રભાઇ મને પણ તે ગમતુ હતુ.શારિરીક જુલ્મ એક લિમિટી સુધી મને પીડા નહીં આનંદ આપે છે. દ્વિજનું દમન મને ખરેખર તો એક તૃપ્તિ આપતુ હતુ.બિસ્તરમાં પણ હું મને મારવા,બચકા ભરવા દમન કરવા દ્વિજને કહેતી. ચંદ્ર એક પરસ્ત્રીના મુખે રતિક્રીડા સમયની અતિ અંગત વાતો સાંભળીને અવાક્ રહી ગયો.આ સ્ત્રી દરરોજ નવા નવા રૂપ લઇને તેની સામે આવી રહી હતી.તે ખામોશ રહીને બધુ સાંભળતો રહ્યો.આ સ્ત્રીની દયા ખાવી ? તેનાથી ભય પામવો કે તેના પ્રત્યે લાગણી દર્શાવવી ? શું કરવું તે ચંદ્ર માટે નક્કી કરી શકાય તેમ ન હતુ. મારી આ અંગત આદત,મારા અંગત આનંદની વાત હું રાજન સમક્ષ કેમ કરીને વ્યક્ત કરી શકું ? મારા ચહેરા અને શરીર પર વિવિધ નિશાન જોઇને કદાચ તે અમારા સબંધોનું ખોટુ અર્થઘટન કરતો રહેતો.મારા ઘર છોડી જવાના કારણે રાજનને ખુબજ ગુસ્સો આવ્યો હતો.અને એટલેજ એણે બદલા સ્વરૂપે તે મને દ્વિજ વિષે રજેરજની માહિતી આપવા લાગ્યો.જોકે મેં તેને તેમ કરવા માટે કયારેય કહ્યું ન હતુ.અને હું તેનું આ વર્તન એટલા માટે ચલાવી લેતી હતી કે દ્વિજ વિષેના સમાચાર સાંભળીને હું તેની નજીક હોવાનો એહસાસ કરતી હતી.બ્રિન્દાની આંખમાંથી આ સાથે આંસુ વહેવા લાગ્યા.તેણે પોતાના હાથ રૂમાલને પોતાની આંખો પર ગોઠવી દીધો.મને તમારા વિષે,તમારા લોકોની મુલાકાત વિષે દરેકે દરેક બાબત રાજને જ જણાવી હતી. બ્રિન્દાએ સ્વસ્થ થતા આગળ ચલાવ્યું.મારી સાથેની મારઝુડ પછી મારી એકલતા જોઇ વ્યથિત રાજને અગાઉથી જ દ્વિજની હત્યાનો પ્લાન બનાવી રાખ્યો હતો.તમે આપણી મુલાકાત બાદની વાતચીત જણાવવા જયારે દ્વિજને મળ્યા ત્યારે તમે લોકોએ ફરીથી મહેફિલ જમાવી.તે સમયે રાજને જાણીજોઇને બિયર અને વ્હિસ્કી લાવવાની ફરજ બજાવી.તેણે તમને લોકોને જણાવ્યુકે મહારાજ અને નોકરો બીજા કામમાં વ્યસ્ત છે.દ્વિજના ગ્લાસમાં તેણે અગાઉથીજ ઝેર લગાવી રાખ્યુ હતુ.અને એટલેજ તેણે બિયર અને વ્હિસકી સર્વ કરી તમારા હાથમાં ગ્લાસ આપ્યા.ત્યારબાદ દ્વિજના અને તમારા ગ્લાસ ખાલી થાય ત્યારે તમેજ ભરતા રહ્યા.અને પોલિસને એટલેજ વ્હિસકીની બોતલ અને ગ્લાસ પર તમારા ફિંગરપ્રિન્ટ મળ્યા.તેણે શરૂઆતમાં ગ્લાસમાં બિયર અને વ્હિસકી સર્વ કર્યા છતાં તેના ફિંગરપ્રિન્ટ પોલિસને ન મળ્યા તેનું સીધુ કારણ એ હતુકે તે હંમેશા ડયુટી પર હેન્ડગ્લોવ્ઝ પહેરીને રાખે છે.ગ્લાસ પરના તમારા ફિંગરપ્રિન્ટ અને દ્વિજને છેલ્લે મળનારા તમેજ હોવાથી પોલિસે પ્રથમ નજરમાં તમનેજ સસ્પેકટ સમજી લીધા અને તમારી ધરપકડ કરી. સત્ય હવે બિલકુલ નગ્ન થઇને ચંદ્ર સમક્ષ ઉપસ્થિત થઇ ગયુ હતુ.તેણે ઉંડો શ્વાસ લઇને સંપૂર્ણ મુક્તિનો એહસાસ કર્યો. ભાભી આ બધુ તમને....ચંદ્રએ આશ્ચર્ય વ્યકત કરવા સાથે પ્રશ્ન કર્યો. આ બધુ રાજને પોતેજ પોલિસ સમક્ષ બયાન આપ્યુ છે.અને પોતે ખૂન કર્યાનું કબુલ કર્યુ છે. પણ તે પકડયો કઇ રીતે અને તેણે કબૂલ કેમ કર્યુ ? સાચુ કહુ તો તે મૂળભૂત રીતે તે અત્યંત સંવેદનશીલ માણસ છે.તેને પોતાના કાર્ય પર પસ્તાવો થવા લાગ્યો.વળી તેનો મારફાડ સ્વભાવ,તેનો નોકરીનો ઇતિહાસ,અને મારા બયાનથી પોલિસને તેના પર શક કરવાનું કારણ મળી ગયું.પોલિસે કડકાઇભરી પૂછપરછ કરીતો તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.દ્વિજ હતા ત્યાં સુધી મને કોઇ ચિંતા ન હતી પરંતુ હવે કદાચ રાજન મારા માટે ખતરારૂપ બની શકે.તેની દિવાનગી મારા ભવિષ્યને દોજખરૂપ બનાવી શકે એટલે મે પોલિસને બધુજ સ્પસ્ટ જણાવી દીધુ.વાત પૂરી કરી બ્રિન્દા આંખો સ્થિર કરી ઉંડા વિચારોમાં ખોવાઇ ગઇ. ચંદ્ર બ્રિન્દાની સમજદારી,દ્વિજ પ્રત્યેની તેની વફાદારી વિષે વિચારવા લાગ્યો. ફાઇવ સ્ટાર હોટલની રેસ્ટોરેન્ટના ટેબલ પર બે શરીર અલગ અલગ વિચારોમાં ખોવાઇ ગયા.

......સમાપ્ત......