vaishyalay - 12 books and stories free download online pdf in Gujarati

વૈશ્યાલય - 12

સવાર થઈ ગઈ, સૂરજ પોતાના કુણા કિરણો ધરતી પર પ્રકાશિત કરી ધરતીની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. હરેકના જીવનનો એક દિવસ પૂરો થઈ ચૂક્યો હતો. જીવનમાં એની કોઈ અસર દેખાતી ન હતી. બધા પોતાના રોજિંદા કામમાં જ લાગી જતા હતા. આકાશ બે ચાર પક્ષીઓ થી ભરેલું લાગતું હતું. માણસની ઉન્નતિની કદાચ આ જ નિશાની હશે કે પક્ષીઓને ઉડવા લાયક આકાશ પણ નથી છોડ્યું. મોબાઈલ ટાવરમાંથી નીકળતા કિરણો એ નિર્દોષ પક્ષી પર પ્રહાર કરી રહ્યા હતા. આ તો શહેર હતું, અહીં ક્યાં ગામડા જેવી દયા, ભાવના અને કરુણા? અહીં તો બસ ખુદ થી જ મતલબ હોઈ છે. વલોણાના અવાજ ને બદલે અહીં દૂધવાળાની બુમો સંભળાય છે. હા, આ જ શહેર છે...

અંશ નાસ્તો કરી ભરતના આવની રાહ જોઈ રહ્યો હતો. રાતે સારી ઊંઘ આવી હતી એટલે ચહેરા પર તાજગી હતી. ગઈ કાલે બનેલી કે સાંભયેલી વાતોની કોઈ અસર દેખાતી ન હતી. કઈક મેળવવા માટે કે કંઈક સિદ્ધ કરવા માટે ઘણી નાની નાની વાતો અને પ્રસંગોના બલિદાન આપવા પડે છે. એ બાબતને અંશ સમજી ચુક્યો હતો. કુરબાની...! શુ પેલી વૃદ્ધા અને એ એરિયામાં રહેતી તમામ સ્ત્રીએ પોતાના સ્વાભિમાન અને પોતાના નારિત્ત્વની કુરબાની આપી હશે? માત્ર પેટ ભરવા કોઈ દેહ અને આત્માને વહેંચે ખરા? એવું તો નહીં જ હોઈ કે તમામ સ્ત્રીની એક સરખી મજબૂરી હશે! જેને ખરેખર કામ જ કરવું છે એને ગમે ત્યાં રોજગાર મળી જ જાય છે. સવાલ માત્ર પેટનો ખાડો પુરવાનો જ હોઈ છે ને..! અનેક લોકો છેલ્લે ભીખ માંગીને પણ જીવી લેતા હોય છે. પોતાના દેહના સોદા કરતા તો એ જ કદાચ હિતાવહ લાગે છે. કોઈ ભીખ ન આપે તો માત્ર જાકારો આપે, પણ આમ જીવનભર રહે એવો ડાઘ તો ન રહે. બદનામ તો એ ન રહે. આવા વિચારો કરતો અંશ પોતાના ઘરે બેગ તૈયાર કરી બેઠો હતો. ત્યાં ભરત પણ આવી ગયો. બન્ને રોમામાં જવા રવાના થઈ ગયા.

ફરી એ જ દ્રશ્ય, એ જ વાતાવરણ, એ જ અવાજો, એ જ ઈશારા. ગ્રાહકોને રીઝવવા કામુક અદાઓનો કહેર મચાવતી ગણિકાઓ. પોતાના રૂમના દરવાજાથી બાલ્કનીમાંથી પોતાના ચહેરા બતાવી જીસ્મની નુમાઈસ કરતી હતી. બન્ને આગળ ચાલતા ગયા, ગટરની થોડી દુર્ગંધ આવતી હતી. કોઈ કોઈ રૂમ માંથી ગાળોના અવાજ આવતા હતા. રૂપના સોદાગરો અહીં પોતાના ચહેરા છુપાવી આવતા હતા. હરેક કહેવાતા શરીફ લોકોઓ અહીં શરાફતનો નકાબ ઉતરી જતો હતો. એ કેટલો હેવાન અને જાહિલ છે એ અહીંયા જ ખબર પડી જતી. શહેરના અનેક રાજ આ નાના વિસ્તારમાં છુપાયેલા છે. જ્યારે આ ગણિકાઓ પેલા લોકોના રાજ બહાર પાડશે ત્યારે શું થશે...? પહેરેલા કપડે એ લોકો નાગા થઈ જશે. આ એ જ ગણિકાઓ છે જે કામી હેવાનોની વાસનાને તૃપ્ત કરે છે. જ્યારે આ જ સ્ત્રીઓ શરીફ અને ઈજ્જતદાર બની ગઈ ત્યારે કામી આખલાઓ સમાજની કોઈપણ સ્ત્રી કે બાળાને પોતાની લાલાયત ઇન્દ્રિયોનો શિકાર બનાવી નાખશે. સમાજની સ્ત્રીઓ હવસખોરોનો ભોગ ન બને એ માટે જ કદાચ આ ગણિકાઓ પોતાનો આ ધંધો ચાલુ રાખે છે. જેથી સમાજના અતૃપ્ત લોકો વાસનાની તૃપ્તિ કરી ચરમસીમા પામી પોતાની વાદનાને શાંત કરી શકે. આવા વિચાર આવતા અંશને આ સ્ત્રીઓ પર થોડી રહેમ આવી. અને બન્ને આગળ પેલી વૃદ્ધા ઓરડા તરફ ચાલવા લાગ્યા.

વૃદ્ધા ખાટલા પર બેઠી હતી. બાજુમાં હુક્કો પડ્યો હતો. એની પાઇપ લઈ કશ લઈ રહી જતી. હુકકામાં ગડગડાટ થતો હતો. એક નાની છોકરી એમની બાજુમાં બેઠી બેઠી થોડા રમકડાંથી રમી રહી હતી. એ નિર્દોષ બાળા શુ જાણે, કે એ કઈ જગ્યા પર અને ક્યાં વાતાવરણમાં પોતાનું જીવન જીવવાની છે! અંશ અને ભરત એ વૃદ્ધા પાસે ગયા અને બોલ્યો, "નમસ્તે માસી."

(ક્રમશઃ)