Aaruddh an eternal love - 15 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૧૫

"મે આઈ કમ ઇન સર?"

અનિરુદ્ધ આજે સવારથી ઓફિસની બહાર હતો. એ જેવો ઓફિસે આવ્યો એવી તરત આર્યા એની ઓફિસમાં ગ‌ઈ.

ઘડીભર અનિરુદ્ધ એની સામે જોઈ રહ્યો. એને એની સામે જોઇ રહેવાનું મન થતું. રોજ એ કંઈ ને કંઈ અલગ લાગતી. એને જોતાં જ પોતે નક્કી કરેલું ભૂલી જતો.

"મે આઈ કમ ઇન સર?" આર્યાએ એની તંદ્રા તોડી.

"યસ..."

"સર... એક રીકવેસ્ટ છે."

"હં... બોલો." અનિરુદ્ધે એની સામે આખમા આંખ નાખીને જોયું અને આર્યાને ધકધક થઈ રહ્યું.

"જી.... જી..... હું..... પેલું...."

"કહેશો નહીં તો ખબર કેમ પડશે કે શું રીકવેસ્ટ છે.... સારું હું નીચું જોઈ જાઉં છું, તમે બોલો."

"એટલે તમે શું એમ સમજો જો કે હું તમારા થી ડરું છું?"

"ના.... ના.... બિલકુલ નહીં, એવું મેં ક્યાં કહ્યું? મારા ખ્યાલથી તમે તો માત્ર અંધારાથી જ ડરો છો."

અનિરુદ્ધ એ કહ્યું અને આર્યાના મગજ માં પેલી રાતની વરસાદવાળી ક્ષણો તાજી થઈ. આર્યાએ જોયું તો અનિરુદ્ધના મોં પર સ્મિત હતું.

"સર.... માનું છું કે માર્ગીએ ખોટું કર્યું છે. પણ એની સજા કંઈક અલગ આપો, ત્યાં છેક એની બદલી ના કરાવશો. પ્લીઝ.."

"એટલે હવે તમે મને સમજાવશો કે મારે શું કરવું અને શું નહીં."

"ના.... એમ... એવું નથી. હું તો માત્ર એના વતી રિક્વેસ્ટ કરવા આવી છું. ત્યાં રહેવાની પણ પૂરતી સગવડ નથી, એને બિચારીને ખૂબ તકલીફ પડશે."

"ઓહ.... આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તો એક કામ કરો ને મિસ આર્યા, એના બદલે થોડું કામ તમે કરી લો. તો એની સજા રદ. છે મંજુર?"

"હા, બિલકુલ."આર્યાએ આત્મવિશ્વાસથી કહ્યું.

"તો ચાલો, થઈ જાઓ તૈયાર, આજથી ગાંધીજયંતી સુધી તમારે મારી સાથે રહેવાનું. મારા હાથે તકલીફ છે એટલે મારું લખવાનું અને બીજું બધું કામ તમારે કરવાનું છે."

આ તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થયું. બીજાનું કલ્યાણ કરવા જતા પોતાના માથે જ આવી પડ્યું.

"આવું તે કંઈ કામ હોતું હશે સર? બીજું કંઈ...."

"કામ તો ઘણા છે.... પણ તમને મંજુર થશે?" ફરીવાર એ જ દ્રષ્ટિ અને ફરીવાર આર્યાની જીભ થોથવાઈ.

માર્ગીએ આર્યાની હાથ જોડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે જો તે પોતાની બદલી રોકી શકશે તો પોતે આર્યાની બહુ આભારી થશે.

આર્યાને ખબર ન હતી કે એ અપકાર પર ઉપકાર કરવા જઈ રહી છે, પરંતુ એણે અનિરુદ્ધ સાથે જવાનું સ્વીકારીને એક એવો નિર્ણય લીધો છે જે એની આખી જિંદગી બદલી દેનાર હતો.

***

ગાંધીજયંતીની રાષ્ટ્રકક્ષાની ઉજવણી નો તો મોટો જમાવડો હતો, વિશાળ મંડપો બંધાઈ રહ્યા હતા, મોટા મેદાનને સમથળ કરીને તેના પર પાણી છાંટવામાં આવી રહ્યું હતું, ચાલવાના રસ્તાઓની બંને બાજુએ ફુલછોડ તો મહિનાઓ અગાઉ ઊગાડાઈ ગયા હતા.

અનિરુદ્ધે આર્યાને પોતાની જ ગાડીમાં લીધી. આર્યાના હાથમાં અનિરુદ્ધની બેગ અને લેપટોપ હતું. અનિરુદ્ધ ગાડીમાંથી ઉતરીને આખા મેદાનની તૈયારીઓ જોવા માટે આંટો મારી રહ્યો હતો. એ જે રીતે કામ કરનારાઓને સૂચનાઓ આપી રહ્યો હતો એમાં એની સૂક્ષ્મ દ્રષ્ટિ જણાઇ આવતી હતી. એક શ્રેષ્ઠ અધિકારી છે એ વાતની સાબિતી આર્યાને મળી રહી હતી.

એક આખું ગામ સમાઈ જાય એટલી વિશાળ જગ્યામાં અનિરુદ્ધ પગે ચાલીને તૈયારીઓ જોવા માટે આંટાઓ માર્યા. સ્ટેજ ડેકોરેશનની જવાબદારી અનન્યાની કંપનીની હતી. સ્ટેજ પાસે પહોંચ્યા એટલે અનન્ય નજીક આવી.

એ અનિરુદ્ધને ભેટી પડી. અનન્યાને બેસવા માટે તેના કારીગરોએ છાંયડા જેવું ઊભું કર્યું હતું તેમાં એક માણસ બે ખુરશીઓ મુકી ગયો.

એક ખુરશીમાં અનન્યા બેસી ગઈ હતી, બીજી ખુરશીમાં અનિરુદ્ધએ આર્યાને બેસવા ઈશારો કર્યો. આર્યા બેઠી નહીં.

"ઈટ્સ માય ઓર્ડર મિસ આર્યા."

અનન્યાને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તે અનિરુદ્ધનો ગુસ્સો પણ જાણતી હતી એટલે કંઇ કરી શકી નહીં.

આર્યા બેસી ગઈ.

"વાઉ હની, બહેનજીનું તો પ્રમોશન થયું લાગે છે, સીધી પી.એ. બનાવી દીધી તે તો. તું ખુરશી પર નથી બેસતો અને આને બેસાડી?"

આર્યા ખૂબ ક્ષોભ અનુભવી રહી હતી.

"કામના સમયે કામ કર અનન્યા, એનો પગ ઈન્જર્ડ છે અને તે આખા મેદાનમાં ચાલી છે, એની જગ્યાએ કોઈ પણ હોત તો ખુરશી આપી દેત, કોઈપણ."

અનિરુદ્ધે આર્યાની સામે જોયું અને આર્યા સમજી ગઈ કે છેલ્લું વાક્ય પોતે બોલેલું એ એણે વ્યાજ સહિત અનિરુદ્ધે પોતાને પાછું આપ્યું હતું.

"હાથ તો તારો પણ ઈન્જર્ડ છે."કહીને અનન્યા અનિરુદ્ધ નજીક ગઈ અને તેના ખભે હાથ રાખીને એકદમ નજીક ઊભી રહી.

આર્યા પણ ત્યાંથી થોડી દુર ખસી ગઈ અને એ બંનેથી અવળું ફરીને ઊભી રહી ગઈ.

હવે એને અનિરુદ્ધ અને અનન્યાની વાતો સંભળાતી ન હતી. એને થોડી હાશ થઇ.

મંડપ લગાવનારા એક કારીગર ના હાથમાંથી અચાનક એક લાકડું છટક્યું અને એના આધારે ટકી રહેલો આખો મંડપ આર્યા પર નમવા લાગ્યો. અનિરુદ્ધનું ધ્યાન ગયું, એ સફાળો દોડ્યો, આર્યાને જોરથી પોતાની તરફ ખેંચી. આર્યા અનિરુદ્ધના જોરથી ખેંચાઈ આવી અને સીધી અનિરુદ્ધને વળગી પડી.

અનિરુદ્ધ તો જાણે બેબાકળો બની ગયો હતો, "તને કશું થયું નથી ને!"કહેતો એ આર્યાના માથે હાથ પસવારવા લાગ્યો.

આર્યા તો ડઘાઇ ગઇ હતી, ત્યાં કામ કરનાર બધા જ એ બંને સામે જોઈ રહ્યા. અનન્યાએ પોતાની મુઠ્ઠીઓ વાળી દીધી.

આર્યા અનિરુદ્ધ થી છુટી પડી, પોતાને અનિરુદ્ધ ઘણીવાર તુંકારે બોલાવે છે એ વાત આર્યાએ નોંધી. આર્યાને બચાવવા જતા અનિરુદ્ધને જે હાથે વાગ્યું હતું એ જ હાથ પર ફરીવાર વાગ્યું.

અનિરુદ્ધના હાથે વીંટાળેલો આખો સફેદ પાટો લોહી નીકળીને લાલ થઇ ગયો. બધા ખૂબ ડરી ગયા, અનિરુદ્ધને ચક્કર જેવું આવવા લાગ્યું. અનન્યા અને બીજા બે-ત્રણ માણસોએ અનિરુદ્ધને એની ગાડીમાં બેસાડ્યો અને અનન્યા એને લઈને ત્યાંથી જતી રહી.