LoveRiya books and stories free download online pdf in Gujarati

લવરિયા

બોપલના એક બંગલોમાં જે.બી પ્રોડક્શનની U.S.A ની એક કંપની સાથે થયેલી બિગ ડીલની સક્સેસ પાર્ટી ચાલી રહી હતી. કોઈ હુક્કો પી રહ્યું હતું તો કોઈ પેગ બનાવી રહ્યું હતું, ત્યાં જ આખી પાર્ટીની જાન એવી રિયાના મોબાઈલમાં whatsapp મેસેજ ટયૂન વાગી એણે મોબાઇલ જોયો તો મેસેજ હતો. "પ્લીઝ ડોન્ટ બી ક્લોઝ વિથ સવાણી ઈન ફ્રન્ટ ઓફ વરુણ.". વરુણ અને રિયા એક સમયે પ્રેમમાં હતા ને એમનું બ્રેક અપ થયું હતુ એ વાતની પાર્ટીમાં હાજર ઘણા બધાને નહોતી ખબર, કે જે મેસેજ કરનારને ખબર હતી, એટલે એણે - રિયા એ તરત જ સામે મેસેજ કર્યો , "ઓકે સોરી" ને થોડીવાર પહેલા સુધી સવાણી સાથે મસ્તી કરતી રિયા તરત જ સવાણીથી દૂર થઈ ગઈ. સવાણીને પણ નવાઈ લાગી કે મારી સાથે લળી લળીને વાતો કરતી રિયા અચાનક કેમ દૂર થઈ ગઈ ?

બધા પોતપોતાની મસ્તીમાં હતા કોઈ ગીતો ગાઈ રહ્યા હતા, કેટલાક નાચી રહ્યા હતા, એ બંધ રૂમમાં જવાનીની મસ્તી જોશ પર હતી, ત્યાં ફરી પાછી રિયાની મેસેજ ટયૂન રણકી. રિયા એ જોયું તો લખ્યું હતું, " બીજું કાંઈ નહી મળ્યું કે આ પહેરીને આવી? સાચવીને બેસ." રિયા આજે સ્કર્ટ પહેરીને આવી હતી. એના લીસ્સા સુવાળા સેકસી પગ પરથી ઘણાની નજર લપસી પડવાને બદલે ત્યાં જ ચોંટી જતી. એ નજરો ઇચ્છતી કે હજી સહેજ સ્કર્ટ જો ઊંચું થાય તો ઘુટણથી ઉપર જે પ્રદેશ સુધી આંખો ફરી શકે, ચરી શકે એટલું ફરી ને ચરી લે. એ મેસેજ વાંચતા ની સાથે જ રીયાએ પોતાની બેસવાની સ્ટાઈલ બદલી નાખી ને લખ્યું, "હા હું ધ્યાન રાખીશ."

પાર્ટી મોડે સુધી ચાલી ને પછી જ્યારે ઘરે જવાનો સમય થયો ત્યારે નક્કી થયું કે આજે સેટરડે નાઈટ છે એટલે કોમ્બિંગ નાઈટ જે કોઈ બોપલ ક્રોસ કરશે એ ઘેર નહીં સીધો જેલમાં જશે. પોલીસ તોડ કરશે એટલે સૌએ પાર્ટી સવાર સુધી ખેંચી નાખવાનો નિર્ણય કર્યો. પી ને કેટલાક ઢીંગલી થઈ ગ્યાતા, તો કેટલાક વાતોએ વળગ્યાતા. નશામાં માણસની અંદરનો અસલી માણસ - પશુ બહાર આવે છે. એમ કેટલાક ના પશુ બહાર આવ્યા રીયાની ખૂબસૂરતીના વખાણ કરતા.
પણ આ બધાની લગામ એક વ્યક્તિના હાથમાં હતી, જે રિયાને મેસેજ કરતો હતો એ હાથ ને એ આંખથી બધા ડરતા હતા.

મિસ્ટર લવ, જેણે આ પાર્ટી એરેન્જ કરી હતી. જે આ પ્રોજેક્ટનો હેડ હતો અને એટલે જ આ પાર્ટી એણે એરેન્જ કરી હતી, એના મિત્રના ફાર્મ હાઉસ પર.

મિસ્ટર લવ જાડેજા. બધા મસ્તીમાં કહેતા પણ કે આનું નામ લવ કોણે પાડ્યું હશે? ખબર નહીં ક્યારેય કોઈના લવમાં પડ્યો હશે કે નહીં ? કામ સિવાય કોઈ બીજી વસ્તુમાં પણ લવ હોઈ શકે એની આને ખબર પણ છે કે નહીં?

સવારે બધા પોત પોતાના ઘરે જવા નીકળી ગયા ત્યારે લવે નોકર પાસે બધુ સાફ કરાવ્યું. ફાર્મ હાઉસ પહેલા હતું તેવું જ વ્યવસ્થિત કરાવીને નીકળ્યો ત્યારે એને કંપની આપવા રિયા, વિજય અને મુકેશ હતા, એટલે ત્રણેયને ગાડીમાં બેસાડ્યા અને ગાડી અમદાવાદ તરફ મારી મૂકી.

છેલ્લું ઘર રિયાનું હતું. રિયાને ઉતારી લવે રિયા0ને કહ્યું, " મારે તારું કામ છે. ક્યારે મળી શકાય? રીયાએ કહ્યું, "આજે." લવે કહ્યું , "નહીં આજે સન્ડે છે ને સન્ડે મારો પેક હોય છે. મન્ડે?" " હા ઓફિસે મળીયે" રિયાએ કહ્યું. લવે કહ્યું, " ના ઓફિસે નહીં. ક્યાંક બીજે. રિયા બોલી, " તમારા ઘરે " લવે તરત જ હા પાડી. રિયાએ કહ્યું, ' ઓકે 11 'o clock તમારા ઘરે મન્ડે. લવે કન્ફર્મ કરતા પુછ્યું ડન? "ડન" રિયાએ અંગુઠો બતાવ્યો.

ત્યાં જ ડોરબેલ વાગી ને લવ શનિવારના ફ્લેશબેકમાંથી મન્ડેના વર્તમાનમાં આવી ગયો.

જોયું તો અગિયાર વાગી ગયા હતા. રિયા સમયની પાબંદ હતી. લવે દરવાજો ખોલ્યો સામે રિયા હતી. રીયાએ એના ફેવરિટ કલર પર્પલનું સ્લીવલેસ ટોપ અને જીન્સ પહેર્યું હતું.રિયાએ બેસતાં બેસતાં પુછ્યું, ક્યાં ગયા ભાભી દેખાતા નથી? લવે કહ્યું, એ હોત તો તને અહી ના બોલાવી હોત. રિયાના ચહેરા પર એક ન સમજાય એવી સ્માઈલ આવી.એનાં મધરનું ઈમરજન્સી ઓપરેશન આવ્યું હતું એટલે એ ગઈ છે. પાણી? રિયાએ પોતાની બોટલ બતાવી કહ્યું, છે. ચા? કોફી ? લવે પુછ્યું.રિયાએ કહ્યું, પછી પીશ. તમે બોલોને તમે મને કેમ બોલાવી શું કામ હતું?

લવે હવે એની આંખોમાં આંખો નાંખીને વાત કરવાનું શરૂ કર્યું, જો તારા ને વરુણનો ઝગડો થયો એ વખતે મેં તને કહ્યું હતું કે at least એ રીતે છૂટા પડો કે તમે જ્યારે પણ મળો તો એકબીજા સાથે બેસીને ચા પી શકો, વાતો કરી શકો

અને જ્યારે સેટર ડે' પાર્ટીમાં એને ઇન્વાઇટ કરવાનો હતો ત્યારે સૌથી પહેલાં મેં તને પૂછ્યું હતું કે તને કોઈ વાંધો નથી ને એ આવે તો? ને તે કહ્યું હતું કે ના તમે જ તો કહ્યું હતું કે છુટા એવી રીતે પડો કે બંને જણા જ્યારે પણ મળો ત્યારે એકબીજા સાથે બેસીને ચા પી શકો, વાતો કરી શકો. ને અમે એ રીતે છૂટાં પડ્યા. હવે મારી અને એની વચ્ચે એવું કાંઈ જ નથી. જે કાંઇ હતું એ બધું પતી ગયું છે. તારી એ મેચ્યોરિટી જોઈને જ મેં તને આજે અહીં બોલાવી છે ને આશા રાખું છું કે હું તને જે વાત કહું છું એ તું ક્યારેય કોઈને નહીં કે'. રિયાએ માત્ર સ્માઈલ કર્યું.

લવે અત્યાર સુધી ખુલ્લો ઘરનો દરવાજો બઁધ કરી દીધો.
કલાક પછી દરવાજો ખુલ્યો.......રિયાની છાતી જોસથી ધબકી રહી હતી....એનાં ટાઈટ સ્લિવલેસ પર્પલ ટોપમાં છુપાયેલા ઉભારો એ રીતે ઉછળી રહ્યાં હતા જાણે એક તોફાન આવીને જતું રહ્યું હોય. લવે કહ્યું, ચલ બાય, ને દરવાજો ખોલી નાંખ્યો.

રિયા યઁત્રવત બ્હાર આવી મોબાઇલ હાથમાં લીધો ને એક્ટિવા સ્ટાર્ટ કર્યું . રોડ પર એક્ટિવા ફુલ સ્પીડ પર જઇ રહ્યું હતું.એક્ટિવાનાં પૈડાં આગળ જઇ રહ્યાં હતા ને રિયાનાં મગજના પૈડાં પાછળ......એક કલાક પાછળ. એની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

દરવાજો બંધ થયા બાદ બંધ રૂમમાં એ કલાક દરમ્યાન જે થયું એ બધું રિયાને યાદ આવી રહ્યું હતું..........

લવે દરવાજો બંધ કરી ફરી એની આંખોમાં આંખો નાંખીને કહ્યું કે રીયા તે અનુભવ્યું હશે કે મારું તારા તરફનું વર્તન કેટલાક વખતથી બદલાઈ ગયું છે , ને એ માર્ક ન કરે એટલી મૂર્ખ તો તું છે નહીં. હું તને લાઈક કરું છું. હું એને લવ નહીં કહું કારણકે લવ તો મારું નામ છે. હું કોઈને પ્રેમ કરી શકું કે નઈ એ એક પ્રશ્ન છે, પણ તારી પાસે એક કબૂલાત કરવા માગું છું જેથી મારી અંદર ઘૂંટાતી આ વાતો,જેનાથી હું પોતે જ બહુ Distrub રહું છું એ બહાર નીકળી જાય. હા હું તારી તરફ આકર્ષાયો છું અને એ આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી નહીં પણ તને યાદ હોય તો આપણે લાસ્ટ પ્રોજેક્ટ માટે ઉદયપુર ગયા હતા ને છેલ્લા દિવસે થોડો સમય મળતાં 'સહેલીઓ કી બાડી' જોવા ગયા હતા. ત્યાં તને યાદ હશે કે નહીં પણ મે તારા કેટલાક ફોટોઝ ક્લિક કર્યા હતા અને એ દરમિયાન તારા એક અચાનક થયેલ ટચે મારામાં તારા તરફ એટ્રેક્શનને જન્મ આપ્યો, ને પછી મારા ઘણાં રોકવા છતાં હું તારી તરફ ખેંચાતો જ રહ્યો ને એ ખેંચાણ આજે તને અહીં સુધી લઈ આવ્યું છે. તમે બધા મસ્તી મજાક કરો છો ને કે આનું નામ લવ છે પણ આને કોઈ દિવસ લવ થયો હશે કે નહીં? તો હું તને જણાવવા માગું છું કે હા મેં પાંચ વાર લવ કર્યો છે અને દરેક વખતે - પાંચેય વખતે મને પ્રેમ કરનાર વ્યક્તિ મને છોડીને જતી રહી છે. એના કારણો અલગ અલગ હતાં,ને એમાં હું નહીં પડું અને એટલે જ મેં તને કહ્યું કે હું તને લાઈક કરું છું લવ નહીં. બીક લાગે છે કે ક્યાંક લવ કહીશ ને તું પણ મને છોડીને જતી રહીશ તો? હું તને મારા પ્રેમના ભોગે મારી કંપનીમાંથી ગુમાવવા નથી માંગતો, ને આમ પણ તમે લોકો જ કહો છો ને કે આને કામ સિવાય બીજા કશામાં રસ હશે કે નહીં કોને ખબર ? તો આશા રાખું છું કે તું મારી વાત જાણ્યા પછી મારી કંપની છોડીને નહીં જાય. હું તને લાઇક કરું છું પણ લવ નહીં કરી શકું. જો તને મંજુર હોય તો. એવો ડર પણ ના રાખીશ કે હું તારી પર હક્ક કરીશ.

ભવિષ્યમાં જો તને કોઈ ગમે ને તને એની સાથે પ્રેમ થઈ જાય તો તને મારા કોઈ જ બઁધનમાં નહીં બાંધુ.

રિયા એકીટશે લવને જોઈ - સાંભળી રહી હતી. લવે પૂછ્યું, "હવે ચા કે કોફી લઈશ? રિયાનું ધ્યાન તુટ્યુ એણે કહ્યું, ના કંઈ નહીં. લવે કહ્યું ચિંતા ના કરીશ એમાં કશું નાખીને તેને બેભાન કરીને તારો દુરુપયોગ કરું એટલો નીચ હું નથી જેટલો તારા દોસ્તોએ તને સલાહ આપીને મોકલી છે. "એ ચા - કોફી કોલ્ડડ્રીંક કાંઇપણ આપે તો પીતી નહીં.અમે તને બચાવવા નહીં આવી શકીએ. આ જ કહ્યું હતું ને? રિયા અચંબિત થઈ ગઇ કે આ વાત લવને કેવી રીતે ખબર પડી? આ વાત તો અહી આવતાં પહેલા શર્ત લગાડનારા વચ્ચે થઈ હતી. લવે કહ્યું, મારુ કામ ભાનમાં રહેલાને બેભાન કરવાનું નહીં પણ બેભાનને ભાનમાં લાવવાનું છે. તું ઇચ્છે તો તું તારા મોબાઇલમાં જે પ્રુફ લઈને જઈ રહી છે રેકોર્ડ કરીને તે બતાવી શકે છે. તું શરત જીતી શકે છે મને તારી જીત માટે ખુશી થશે. રિયાએ કહ્યું, સર તમે..... તમને? કેવી રીતે ખબર પડી એમ ને? લવે કહ્યું. લે સાંભળ. એ હતું રેકોર્ડિંગ.

મહિના પહેલા જ્યારે આ પ્રોજેક્ટ શરૂ થયો હતો, ત્યારે મીટીંગ રૂમમાં બધા વાતો કરતા હતા એનું રેકોર્ડિંગ. જેમા દરેક ઓફિસમાં થાય છે એમ બેક બાઈટિંગ ઓફ બોસ હતું કોઈ કહેતું હતું કે - એનું નામ લવ કોણે પાડ્યું હશે? - લવ નો છાંટો પણ નથી.- કામ સિવાય એ કોઈને પ્રેમ નથી કરતો. - ખબર નહીં એની બૈરીને પણ પ્રેમ કરતો હશે કે નહીં? વગેરે વગેરે ને ત્યારે રિયાએ શરત મારી હતી કે મિસ્ટર લવને હું પ્રેમમાં પાડી દઉં તો ? બધાએ બોસની ફીરકી ઉતારવાના મૂડમાં શરત લગાવી હતી. રિયાએ કહ્યું હતું કે તમારે મારો સાથ આપવો પડશે. રિયાને રેકોર્ડિંગ સાંભળતા જ બધુ યાદ આવવા લાગ્યું.........એ લોકો દ્વારા પછી વરુણ અને રિયાની લવ સ્ટોરી બનાવવામાં આવી. વરુણ અને રિયા વચ્ચે ઝગડો ઉભો કરવામાં આવ્યો. ને પછી રોના ધોના ને બ્રેકઅપ... જેમાં મિસ્ટર લવે...લવ ગુરુની ભૂમિકા ભજવી હતી અને બન્ને ને સમજાવ્યા હતા. એ દીવસ પછી રિયાનું ધ્યાન મિસ્ટર લવ વધારે રાખવા લાગ્યા હતા. જે રિયા પણ ફીલ કરતી હતી ને

આજે રિયાનો માસ્ટર સ્ટ્રોક હતો જેમાં મિસ્ટર લવ ચેક એન્ડ મેટ થઈ જવાના હતા

અને આ બંને એટલે કે મિસ્ટર લવ અને રિયાની વાતોનું, પ્રુફ માટે રેકોર્ડિંગ થઇ રહ્યું હતું રિયાના મોબાઇલમા, જેની મી. લવને ખબર પણ ન હતી.

રિયા સહીત બધાને એવું હતું કે મિસ્ટર લવ રીયાના લવમાં spellbound થઈ ગયા છે. રીયાની બ્યુટી જીતી ગઈ છે પણ રિયા ખોટી પડી.

એ કોઈ પ્રુફ આપે એ પહેલા જ મિ. લવે એને રેકોર્ડિંગ સંભળાવીને ક્લીન બોલ્ડ કરી નાંખી હતી.

મેં મારા કર્મચારીઓના વિચારો જાણવા માટે મીટીંગ રૂમમાં માઇક્રોફોન ગોઠવેલા છે. જેથી હું મીટીંગ પહેલા એમના વિચારો જાણી શકું. જેથી મિટિંગ દરમિયાન કેટલા મારી વાહવાહ કરે છે, ખોટી વાહવાહ કરે છે અને કેટલા સાચું બોલે છે એની મને ખબર પડે. તેં શરત મિટિંગરૂમમાં લગાવી હતી. એ વખતે હું બહારગામ હતો એટલે રેકોર્ડીંગ સાંભળ્યું નહોતું. Coincidentally આજે અચાનક એ રેકોર્ડિંગ મારા સાંભળવામાં આવ્યું ને તું આવી એ પહેલા જ મેં એ સાંભળ્યું.

રિયા બોલી સર તમને ખબર હતી છતાં..રિયાને અટકાવતા લવ બોલ્યો, " હા છતાં.... છતાં મેં તને આ બધું કહ્યું કારણ કે આ જ સત્ય છે આઇ લાઇક યુ ઍન્ડ લવ યુ ટુ .

તું મારી હા માં હા નથી મિલાવતી. તું કંપની માટે વિચારે છે and I like that. હવે તારા ઉપર છે કે તારે શું કરવું. પણ જે કાંઈ હું બોલ્યો છું એ સત્ય છે. તારા ફોનમાં રેકોર્ડિંગ થઇ રહ્યું છે એની પણ મને ખબર છે મારૂં છેલ્લું વાક્ય તારા શરત જીતવા માટે પુરતું છે એટલે તું આ શરત જીતી શકે છે.

ચલ બાય, ને લવે દરવાજો ખોલી નાંખ્યો.

રિયા યઁત્રવત ઊભી થઈ લવના ઘરેથી બહાર આવી મોબાઇલ હાથમાં લીધો ને રેકોર્ડિંગનું બટન પોઝ કર્યું,સ્ટોપ કર્યું ને સેવ કર્યું. રિયાનાં એક્ટિવાનાં પૈડાં અને મનના પૈડાં અટક્યા, જયાં એ લોકો રિયાની લવ પર સક્સેસની પાર્ટી માટે મળવાના હતા એ ડોમિનોઝ પિત્ઝા પર પહોંચી. એણે એનું એક્ટિવા પાર્ક કર્યું.મોબાઈલ કાઢ્યો, ને રેકોર્ડિંગ ફોલ્ડર ખોલી એ ફાઇલ શોધી.

જેનું નામ એણે લવરિયા આપ્યું હતું.

એને સિલેક્ટ કરી ને એની સામે ઓપ્શનસ હતાં.... એણે ડીલીટની કી ને ટચ કરી.

કારણ કે

શરત જીતી ગઈ હતી પણ દિલ હારી ગઈ હતી.

-જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO : 032928