Chanothina Van aetle Jivan - 9 books and stories free download online pdf in Gujarati

ચણોઠીનાં વન એટલે જીવન - 9

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 9

વિજય શાહ

સંવેદન ૨૩ અમેરિકન શૉક– અમે ડેટીંગ કરીયે છે.

હીનાને લીધા વીના જવલંત તેને ગામ કોઇ પણ જાતની ખબર આપ્યા વિના પહોંચી ગયો. દીપ અકળાઈને બોલ્યો “પપ્પા આમ મારે ત્યાં ન અવાય. પહેલા જાણ કરવી જોઇએ અને મારી મંજુરી હોય તો જ અવાય.”

પહેલો અમેરિકન શૉક જ્વલંતને મળ્યો. દિકરો કહેતો હતો કે મને મળવા આવતા પહેલા મને જાણ કરવી જરુરી છે.

જ્વલંતે કહ્યું “ તારી ચિંતા થતી હતી અને આજે રજા હતી એટલે નીકળી આવ્યો.” ત્યાં પેલુ ગલુડીયુ આવ્યું અને જ્વલંતનાં પગ ચાટવા લાગ્યુ એટલે દીપ પ્રસન્ન થઈને બોલ્યો “તમે ગમે તે વિચારતા હો પણ તેને તમે ગમો છો. અને તેથી તો ભસવાને બદલે પગ ચાટે છે.”

મારા મનમાં તેને માટે જેમ બધા માટે હોય તેમ કરુણા ભાવ છે. તારો રુમ પાર્ટનર નથી દેખાતો કોણ છે તે? ભારતિય છે ને?

“પપ્પા જેસીકા છે તે ચાઈનીઝ છે અને અમે ડેટીંગ કરીયે છે.”

જ્વલંતને બીજો અમેરિકન શૉક લાગ્યો.

“ ડેટીંગ? બેટા ભણી લીધા પછી ડેટીંગ કરો તો સારુ…અત્યારે ડેટીંગ કરશો તો ભણવામાં મન નહી લાગે.. આપણે ત્યાં તો ભણી રહ્યા પછી જ તે દિશામાં વિચારાય..”

“પપ્પા તમે કહ્યું હતુંને કે બધુ બદલાય છે, અમેરિકામાં સ્થિર થવા બદલાવ આવશ્યક છે.”

“ હા બેટા પણ બદલાવ એવો જોઇએ કે જે તમારો ઉધ્ધાર કરે.”

“એટલે?” “ ભણી ગણીને લાયક બનો , પૈસા કમાવ અને બે પાંદડે થયા પછી સંસાર માણો”

પપ્પા પૈસા તો અઢળક મળે છે ભણવામાં સમય બગાડીયે અને ટેકનોલોજી આઉટ ડેટેડ થઈ જાય તેના કરતા હમણા કમાઈ લો પછી ડીગ્રી લઈશું, બહુ ફાસ્ટ સમય છે… “

જ્વલંત કહે “ડીગ્રી મળ્યા પછી પૈસા વધુ મળશેને?”

દીપ કહે “કોઇ બાંહેધરી નહીં”

સંવેદન ૨૪ –ઘરમાં એક જ બેડ રુમ, એક જ બેડ

“પપ્પા જેસીકા બહુ સારી છોકરી છે. મને ગન પ્રસંગે બહુ જ સારી રીતે સાચવ્યો હતો. મને પૈસાની પણ મદદ કરી હતી.”

આખા ઘરમાં એક જ બેડ રુમ અને એકજ બેડ જોયો એટલે જ્વલંતનું મો પડી ગયું. પહેલી વખત હીનાને લીધા વિના આવ્યાનો તેને અફસોસ થયો. સાથે લાવેલો નાસ્તો અને મેગીનું બોક્ષ મુકીને જ્વલંતને તુર્તજ પાછા જવાનું મન થઈ ગયું.

કેટલીક ધારણાઓ બાંધેલી તે સર્વે કડડ ભુસ થઈને તુટી ગઈ. જો કે આવું બધુ જ થાય છે પણ મારા દીકરાઓ અને દીકરીઓ તો સંસ્કારી છે મારે ત્યાં તો આવું નહીં જ થાય. આ દેશનો પ્રભાવ છે કે ઉંમરનો તે નક્કી કરવા મથતું મન હબક્થી ભરાઇ ગયું..

તે આગળ બોલ્યો “ લગ્ન કરવાની ઉંમર હજી તો થઈ નથી ત્યાં મને યોગ્ય પાત્ર મળી ગયું પછી મારે શાને માટે રાહ જોવાની?

હીનાને તો મોઢા મોઢ કહી દીધું કે મમ્મી તું જેસીકાને નહી સ્વીકારે તો હું તને પણ ભુલી જઈશ.હીના કહે જ્વલંત આવા સંસ્કાર તો મારા કુટુંબમાં પણ કોઇના નથી કે તારા કુટુંબમાં પણ કોઇના નથી. ભારે ઉતાવળીયો દીપ તું તો ભાઈ!

સંવેદન ૨૫ સાચા દીલની દુઆ

પાછા ફરતા હૈયું રડતુ હતું અને નિષ્ફળતા ડંખતી હતી. આ વાસ્તવિકતા હતી. નક્કર વાસ્તવિકતા. દીપ ભણવાનું ગૌણ કરી દાંપત્યજીવન માણવા બેસી ગયો છે.ગાડી હ્યુસ્ટન તરફ વહી રહી હતી અને બાપ ધીમે ધીમે બે સ્વરુપમાં વ્હેંચાતો જતો હતો.એક લાગણી શીલ બાપ અને બીજો વહેવારું કઠોર બાપ.

બાપ કઠોર બને કે કોમળ- હેતૂ તો એક જ હોય દીકરાનું હીત સાચવવું.બંને બાપ લઢતા હતા.દીપ ભુલ કરે છે તેને ખાડામાં પડતો રોકી શકાય છે.

બંને બાપાએ ન્યાય તોળ્યો જો ભાઈ તને તો અમે ખોયો જ છે હવે વિદેશમાં તારા રસ્તે અમારાથી ચલાય તેવું નથી. જ્યારે સાન આવે ત્યારે આ ખોટા રસ્તા બંધ કરી અમારા રસ્તે ચાલવૂં હોય તો આવજે. બાકી તેં માર્ગ લીધો છે તે રસ્તો તને મુબારક. પ્રભુ તને સફળ બનાવે તેવી સાચા દીલની દુઆ.સાજે માંદે જાણ કરીશ તો ખબર કાઢીશું બાકી માની લઈશું કે તુ તારી દુનિયામાં સુખી છે. તને ભારત થી અહીં ભણવા લાવ્યા હતા. પણ તું તો જેસીકા મળી ગઈ અને ડોલર કમાવા લાગ્યો એટલે ભણવાનું છોડીને તારી દુનિયા વસાવી બેઠો….

સંવેદન ૨૬ કલ્યાણ હો મારા દીકરા.

હીના વિલાપ કરતી અને કહેતી મારો દીપ ભોળો છે

ક્યારે આ ગોઠવણ બદલાઇ જાય તે ખબર નહીં પડે. પ્રભુ તેના ક્ષેમ કૂશળ જાળવજે.અમારી કુંખમાં થી પહેલી વખત છુટો પડ્યો છે આશા રાખીયે કે જેસીકા સાથે તેનું જીવન સુખમય જાય. પણ દીકરા જેસીકાને લીધે મને છોડી દેવાની વાત અજાયબ લાગે છે. મા દીકરાને છોડી દે કે દીકરો માને છોડી દે તેવું ક્યારેય બન્યું છે ખરું? એતો નાડીનો સંબંધ. કાપે તો ય ના છુટે..તે તો આજન્મ રહેવાનો અને સંબં ધ પુરો મૃત્યુ પછી પણ પુરો નથી થતો. તારા નામની પાછળ ખરેખર બાપનું નામ તો મેં આપેલું છે બાકી જગ તો તને હીનાપુત્ર જ કહેશે કારણ કે તારા મનમાં અને હૈયે તો મા તરીકે હું જ ધબક્તી હોઇશ. કંઇ પીડા થઈ કે વેદના થઈ ત્યારે તે વખતે તારા મોઢે પહેલો શબ્દ આવશે ઓ મા.. અને કુદરતી રીતેજ તે વેદના ઝીલશે પણ તારી મા હીના…કલ્યાણ હો મારા દીકરા

સંવેદન ૨૭ નમન નમન માં ફેર છે

રોશની દેખાવડા અને મિત્તભાષી ડોક્ટર અભિલાષને લઈને આવી ત્યારે પહેલો પ્રશ્ન જ્વલંતે એ પુછ્યો “મારી રોશની તો ડોક્ટર નથી છતા આપે પસંદગી ઉતારી તેનું કારણ?”

“રોશની મને બહુ ગમી ગઈ. અને મારી મોમ પણ ડોક્ટર નથી તેથી હું પણ ઘરમાં દવાખાનુ મારા પપ્પાની જેમ લાવવા નથી માંગતો”

રોશની ની આંખમાં અભિલાષ માટે ભારો ભાર પ્રેમ હતો જે પ્રેમ એણે હીનાની આંખમાં પણ જોયો હતો. હીના ને તો કોઇ તકલીફ ન પડી પણ ડો અભિલાષનો ભરોંસો કેટલો કરવો?

રોશની તો તેને ભરપુર ચાહત આપશે પણ આ ચાહત બે તરફી હોવી જરુરી છે.. મને કેમ એવું લાગે છે કે આ બધો ખાલી દેખાડો છે.નમન નમન માં ફેર છે બહુ નમે નાદાન. અત્યારે તો રોશની જોઇએ છે તેથી તેનો રાજાપાઠ જુદો છે. કમાતી અને દેખાવડી રોશની ને એમ ડી નું સર્ટીફીકેટ બતાવી મોહીત કરે છે.બધુ અનુકુળ છે જૈન છે ભણેલો ગણેલો છે પણ ન્યુ જર્સી રહે છે તેના બાપા પણ ડોક્ટર છે.પણ મનમાં સંકોચ રહે છે.. ના જાણ ના ઓળખાણ અને આમ આંધળુકીયા કરાય?

સંવેદન ૨૮ ગ્રાહક્નું હીત જોવાની પધ્ધતિ

ધંધાનાં ક્ષેત્રે જ્વલંત સફળ થતો રહ્યો કારણ એ સામાની નાડી પકડી તેવીજ રીસર્ચ રજુ કરતો.અને તે વિષયમાં એકલી સારીજ વાતો નહીં પણ તે વિષયની નબળી કડી પણ બતાવતો. લોકોને બંને પ્રકારનાં પ્રશ્નોનાં જવાબ મળતા તેથી એવી ભુમિકા રચાતી કે આ વેચાણ કરવાજ નહીં પણ ભણાવવા આવે છે.આપણા હીતની વાતો લાવે છે.જે દરેક્ને માટે નવીન અને ઉપયોગી વાત થતી..પૈસા બનતા કે ઘટતા તેના કરતા સૌને એમજ લાગતું કે આ જોખમ ની ચર્ચા કરી હતી.વર્ષાંતે જ્યારે પુરસ્કાર સ્વરુપે ૫૦૦૦ ડોલર બોનસ મલ્યુ ત્યારે થયું કે ગ્રાહક્નું હીત જોવું તે સાચી વેચાણ પધ્ધતિ છે.સ્પર્ધા અને વેચાણ નાં દબાણો લાંબે ગાળે નુકસાન દેય જ છે.

આ વાત જ્યારે ગ્રાહક કહે ત્યારે સારું લાગે. બ્રાંચ મેનેજર બ્રાડે જ્યારે સવારની મિટિંગમાં આખા સ્ટાફની વચ્ચે કહી ત્યારે ભારતની તાલિમ પધ્ધતિ માટે ગર્વ થયો. ગ્રાહક્નું હીત જોવાની પધ્ધતિ જ સાચી છે.

******