PELE PAAR - 4 books and stories free download online pdf in Gujarati

પેલે પાર - ૪

( આપણે જોયું કે અભિ મિશિગન લેક પર રાત્રે બેઠો હતો, ત્યારે જ તેને મિસિસ રોમા મહેતા નો ફોન આવે છે. અને ભૂતકાળ માં સરી પડેલ અભિ પોતાના ઘર તરફ રવાના થાય છે. ઘરે પહોંચતા જ તે પોતાના ઘર અને ગાર્ડન ને જોવે છે. ગાર્ડન માં રહેલી ચેર ને જોઈ અભિ ને શ્લેષા યાદ આવી જાય છે.)
હવે આગળ…..
ઘર માં પ્રવેશતાં જ ઘર ની સુંદરતા આંખે વળગી પડે તેટલું સુંદર છે આ ઘર. ઘર ની એક- એક વસ્તુ ને જાણે પહેલી જ વાર નિહાળતો હોય તેમ અભિ જોતો હતો. સોફા, બુક્સ, ઈન્ટીરીઅર ઓફ ધ હાઉસ બઘું જ નિહાળતો હતો જાણે દુનિયાભર ની એન્ટીક વસ્તુ નું મ્યુઝિયમ.
ક્યાંક ઓસ્ટ્રેલિયન ટચ ની એન્ટીક વસ્તુ તો ક્યાંક U.K. ની, ક્યાંક બ્રાઝિલ નાં ઓલિન્ડા ક્લે નાં સ્ટેચ્યુ શોભતા હતા તો ક્યાંક લાફીંગ બુદ્ધા. આ બધી જ વસ્તુઓ ની વચ્ચે અભિ ને ફક્ત ભારતીય તાન્જોર પેઈન્ટીંગ જ ગમતું હતું.
‘ રામ દરબાર’ નું પેઈન્ટીંગ મન ને ટાઢક આપતું હતું. કેટલું સરસ લાગે છે આ ચિત્ર જ્યાં પૂર્ણ પરિવાર રામજી, સીતા માતા, લક્ષ્મણજી અને વીર ભક્ત હનુમાનજી. કેટલો આદશૅ, પ્રેમ, ત્યાગ અને પ્રભુ ભક્તિ આ ચિત્ર માંથી પ્રગટ થાય છે.
બીજી સાઈડ અડધી વૉલ રોકાય એટલું જાયન્ટ ચિત્ર હતું જેને જોતા અભિ નાં ચહેરા પર લકીરો બદલાઈ ગઈ. તે ચિત્ર મિસ્ટર એન્ડ મિસિસ મહેતા, અભિ અને શ્લેષા નું હતું.
શરૂઆત માં તેની નજર આ ફોટા પરથી હટતી નહિ. કોઈ ફિલ્મી પરિવાર જેવું તેને આ ચિત્ર લાગતું. મિસ્ટર સમીર મહેતા જે U.S. માં સેમ મહેતા તરીકે ઓળખાતા. તે બ્લેક સૂટ, હાથ માં ગોલ્ડન સ્વીસ વૉચ આછી સફેદ થયેલી મૂછો અને ચહેરા પર ના રૂઆબ સાથે આ ચિત્ર માં મિસિસ રોમા સાથે શોભતા હતા. તેની બાજુ માં જ ગોલ્ડન સિલ્કી હેર માં રૂપાળી એવી શ્લેષા બ્લુ જિન્સ અને બ્લેક શર્ટ માં ડેડી નો હાથ પકડી ઉભી હતી.
તેની જમણી બાજુ જે ચહેરો હતો તે અભિ હતો. યુવાન, ટોલ, ડાકૅ હેન્ડસમ પ્રથમ નજરે જ આકષૅી જનાર વ્યક્તિત્વ. હંમેશા હસતો અને આકાંક્ષાઓ થી ભરપૂર અભિ.
આ જ ચિત્ર આજ તેને દંભી લાગતું હતું. કેમ? કેમ હું અહીં આવ્યો? કેમ મને હંમેશા ‘પેલે પાર’ જવાની જ ઈચ્છાઓ રહી? કેમ મમ્મી- પપ્પા નાં સમજાવતા છતાં હું ના સમજ્યો? કેમ U.S. જવાની લાલસા માં મેં મીરા જેવી છોકરી ને દગો કર્યો?
IIM નાં સેકેન્ડ યર માં પહોંચતા સુધી માં અભિ અને મીરા એકબીજાને પસંદ કરવા લાગ્યા. અભ્યાસ માં એકબીજાનાં કોમ્પીટીટર હોવા છતાં બંને એકબીજા ને મદદ પણ કરતા. આમ કરતા ક્યારે બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા ખબર પણ ન પડી.
મીરા પણ સામાન્ય પરિવાર ની છોકરી હતી. બે બહેનો માં નાની એવી મીરા પિતા રમેશ ભાઈ ની લાડકી હતી.
ઔદિચ્ય બ્રાહ્મણ પરિવાર ની મીરા આધુનિક છતાં સંસ્કારી હતી. ઘણીવાર મીરા અભ્યાસ માટે કે બીજા કોઈ કારણસર અભિ નાં ઘરે જતી ત્યારે અભિ નાં માતા-પિતા ને ‘જય શ્રી કૃષ્ણ’ ચોક્કસ કરતી.
મનહર લાલ અને સુરેખા બહેન ની આંખો માં પણ મીરા માટે પસંદગી નો ચમકારો હતો.
મીરા ની મોટી બહેન નાં લગ્ન માં પણ અભિ સપરિવાર શામેલ હતો. મીરા ત્યારે ખૂબ સુંદર લગતી હતી. આછા ગુલાબી રંગ ની ચોલી સાથે વ્હાઇટ પલૅ નાં ઓનૉમેન્ટ્સ તેને ખૂબ સરસ લગતા હતા. ત્યારે તેની આંખો માં જે ભાવ અભિ એ જોયો તે સમજી ગયો મીરા અભિ ને ચાહવા લાગી હતી. અને તેની નોંધ તેનાં મિત્ર વૃંદે પણ લીધી.
( ક્રમશઃ)