pratishodh - 1 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - 1

પ્રતિશોધ
સફેદ કલરની ગાડી એક સુંદર બંગલાના આંગણામાં આવી ને ઉભી રહી. તેમાંથી એક કપલ ઉતર્યું. મોન્ટી અને રૂપાલી. મોન્ટી એ ગેટ પાસે ઉભેલા રાવસિંહને રૂપાલી તરફ ઇશારો કરતાં કહ્યું ઘરના નવા શેઠાણી રૂપાલીમેડમ છે.
રાવસિંહે સલામ કરીને તેની નવી શેઠાણીને ઘરમાં આવકાર આપ્યો. તરત દોડીને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. બંનેએ પાણી પીધું. રૂપાલી આખા બંગલાને કુતૂહલતાથી જોઈ રહી હતી. મોન્ટી એ તેનો હાથ ઝાલીને કહ્યું કે ચલ હવે તને આપણો આખો બંગલો બતાવું. બંગલાના પહેલા માળે જમણા હાથ તરફ વળતા તેમનો વિશાળકાય શયનખંડ. તેમાં આવેલ બાલ્કનીમાંથી તેના બંગલાનું સુંદર ગાર્ડન દેખાઈ રહ્યું હતું. રૂપાલી અને મોન્ટી લગ્ન કરીને ખુશ હતા. ત્યાં જ ઉભા રહી બંનેજણ એકબીજામાં ખોવાઈ ગયા. દરવાજે ટકોર પડી...ને રાવસિંહે બહારથી જ કહ્યું, શેઠજી જમવાનું તૈયાર છે.
બંને જણા જમી રહ્યા. જમ્યા પછી પોતાના બેડરૂમમાં પ્રેમાલાપ કરતાં સુઈ ગયા. રાતના ત્રણેક વાગ્યા હશે અને ગાઢ નિદ્રામાં હતાં ત્યાં અચાનક જ કંઈક ખખડાવાનો અવાજ સંભળાયો ઠકઠક... ઠકઠક... ઠકઠક... જાણે કોઈ દરવાજો ખટખટાવી રહ્યું હોય. અચાનક થયેલા અવાજથી રૂપાલી સફાળી જાગી ગઈ. તેણે મોન્ટી તરફ જોયું તો તે ભર નિદ્રામાં લીન હતો. રૂપાલી ધીમે પગલે ઉભી થઇ ને દરવાજો ખોલ્યો અને આજુબાજુ જોયું પણ કોઈ ન હતું. ત્યાં તેને ફરીથી એ જ ખખડવાનો અવાજ જોરજોરથી સંભળાયો. રૂપાલી આવી રહેલા અવાજની દિશામાં આગળ વધી. તેના બેડરૂમની લાઈનમાં જ બીજા ઘણાબધા રૂમ હતા. રૂપાલી આવી રહેલા અવાજની દિશામાં આગળ વધી. અવાજ વધતો જઇ રહ્યો હતો. તે ડાબી તરફ ખૂણામાં આવેલા એક રૂમ પાસે જઈને ઉભી રહી. તેણીએ તે દરવાજા પર કાન મૂકીને સાંભળ્યું તો અવાજ તે રૂમની અંદરથી જ આવી રહ્યો હતો. તેણે આમ તેમ જોયું પછી ધીરે રહીને દરવાજાનો હેન્ડલ પકડીને દરવાજો ખોલ્યો. ત્યારે રૂમના દરવાજા પાસે આવેલ લાઈટની સ્વીચ દબાવી. અવાજ હવે તીવ્ર અને નજીક થતો જઈ રહ્યો હતો. રૂપાલી રૂમમાં દાખલ થઈ બધે નજર ફેરવી રહી હતી. તે સ્ટોર-રૂમ હતો. જૂનીપુરાણી ચીજવસ્તુઓથી તે ખીચોખીચ ભરાયેલો હતો. એન્ટિક સામાનથી લઈને તૂટેલા-ફૂટેલા ફર્નિચર.. બધું ત્યાંજ અસ્ત-વ્યસ્ત પડ્યું હતું. અવાજ હજુ પણ ચાલુ જ હતો. એક લાકડાની જૂની તિજોરીમાંથી (કબાટમાંથી) આવી રહ્યો હતો. તે આગળ વધી. તે લાકડાના કબાટ પર લટકતી ચાવી વડે તેણે કબાટનો દરવાજો ગભરાતા ગભરાતા સહેજ ખોલ્યો.
ઝડપચી તેમાંથી એક સફેદ હાથ બહાર આવ્યો. તેણે રૂપાલીનું ગળું પકડી લીધું અને જોરથી દબાવી રહ્યું. રૂપાલીએ ચીસાચીસ કરી મૂકી. પોતાના ગળાને તે હાથમાંથી છોડાવવા મથી રહી હતી. તેણે મહા મુશ્કેલીએ પોતાનું ગળું છોડાવ્યું ને ત્યાંથી બૂમો પાડતી પોતાના બેડરૂમ તરફ જતી લોબીમાં દોડવા લાગી. તેનો અવાજ સાંભળીને મોન્ટી રૂમમાંથી બહાર આવ્યો. લોબીમાંથી દોડતી ગભરાયેલી ચીસો પાડતી પોતાની પત્ની રૂપાલી ને આવા હાલમાં જોઈને તે તેના તરફ દોડી ગયો. રૂપાલી તેને ભેટી પડી. પરસેવે રેબઝેબ ગભરાયેલી રૂપાલીએ હાંફતા હાંફતા તૂટેલા સ્વરમાં કહ્યું :
મો...ન્ટી... મો...ન્ટી... ત્યાં... ત્યાં... રૂમમાં કોઈકે મારું ગળું દબાવ્યું. એક હાથ હતો... એણે મારું ગળું દબાવ્યું મોન્ટી..!?
- રૂપ.... ડાર્લિંગ... કશું જ નથી..! શાંત થઈ જા પહેલા. ઓકે.?! શાંત થઈ જા. પ્લીઝ રિલેક્સ..!!
મોન્ટી એ તેના વાળ સરખા કર્યા પરસેવો લૂછ્યો ને આલિંગનમાં લઈને તેની સાથે પોતાના બેડરૂમ તરફ ચાલવા લાગ્યો. નીચે ઉભેલો રાવસિંહ આ બધું જોઈ રહ્યો હતો. તેના ચહેરા ઉપર પણ એક અલગ જ બીક ડોકિયુ કરી રહી હતી.
મોન્ટી એ રૂપાળી ને સમજાવતા કહ્યું, કશું જ નથી સ્વીટી..! તારો વહેમ હશે..?! આપણા બંગલામાં આવું કશું નથી... ડર નહીં...!!
ના મોન્ટી, દરવાજો ખખડાવવાનો અવાજ સંભળાતો’તો.. ત્યાંથી અવાજ આવી રહ્યો હતો. હું ત્યાં ગઈ’તી સ્ટોર-રૂમમાં... તિજોરી છે લાકડાની.. એમાંથી અવાજ આવતો હતો. મેં તેને ખોલી ને ત્યાં જ કોઈક નો હાથ બહાર આવ્યો અને એણે મારું ગળું દબાવ્યું. મારો વહેમ નથી કે કોઈ સ્વપ્ન પણ નથી. પ્લીઝ મારી વાત માન. મને સખત બીક લાગી રહી છે..
ઓકે.. ઓકે.. હું તારી વાત માનું છું બસ...!! તેણે રૂપાલી ને પલંગ પર પોતાનું આલિંગન આપીને સુવાડી ને પોતે ત્યાં જ વિચારોમાં ઘૂમરાયા કર્યો. પોતાના પતિ ની છાતી પર માથું મૂકીને રૂપાલી સૂઈ ગઈ. મોન્ટી જાગી રહ્યો હતો તેને પોતાના રૂમની બાલ્કનીમાં આવેલ હિચકાનો અવાજ સંભળાયો અને કોઈ તેને પોકારી રહ્યું હોય તેવું લાગ્યું.
મો...ન્ટી......મો...ન્ટી......
રૂપાલીનું માથું પોતાના પરથી હળવેથી તકિયા પર સરખાવીને મોન્ટી બાલ્કની તરફ વધ્યો. હીંચકા પાસે જઈને જોયું તો હીંચકા પર કોઈ જ ન હતું પણ સ્વિંગ કરી રહ્યું હતું. મોન્ટી ત્યાં જ ઊભો રહીને હીંચકા ને જોઈ રહ્યો અને વિચારોમાં ગુમ થવા લાગ્યો.