pratishodh. - 3 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ૩

આપણે પાછલા ભાગમાં જોયું કે રૂપાલી બી જાય છે
પ્રસ્તુત છે આગળનો ભાગ....
મોન્ટી એ તેને સાંત્વના આપી. રાવસિંહ તરફ જોયું, તો તે પણ ગભરાઈને મોન્ટી તરફ ભેદી નજરોથી જોઈ રહ્યો હતો. મોન્ટી એ બધાને કામે લાગવાનું કહ્યું. મોન્ટી રૂપાલીને પોતાની સાથે ફેક્ટરી પર લઇ ગયો.
ફેક્ટરી પર સાંજ ક્યાં પડી ગઈ તેની બંને ને ખબર જ ન પડી. બંને જણા કામ પૂરું કરીને ઘરે પહોચ્યા. પહોંચતા જ બનેલો બનાવ ને સવારના સમયે ઘટેલ ઘટના યાદ આવી ગઈ. રૂપાલીએ તેની સામે જોયું, ત્યારે મોન્ટી એ ડોળ કરતા કહ્યું : “રાવસિંહ આજે જમવાનું તૈયાર છે ને? ભૂખ લાગી છે અને જો તારા મેડમનું મોં ભુખના માર્યા કેવું ઉતરી ગયું છે? ચલ, જલ્દી જમવાનું પીરસ.”
- રૂપ... ફ્રેશ થઈ જા, પછી આપણે જમીયે..!
ડાયનિંગ ટેબલ પર જમવાનું પીરસતા પીરસતા રાવસિંહે કહ્યું:
“સાહેબ...કુમાર સાહેબ આવ્યા હતા..”
- “કોણ કુમાર સાહેબ..?”
- “પેલા ઇન્સ્પેક્ટર કુમાર...”
-“ઓહ..કુમાર..શું કામ હતું એને?”
-“આપના વિશે પૂછી રહ્યા’તા, મેં કીધું કે આપ ફેક્ટરી પર ગયા છો. ચા પાણી કરવા બેસાડ્યા પછી જતા રહ્યા.”
-"ઓકે..સારું”
(બંને એ નિરાંતે ભોજન લીધું. સરસ મજાનું જમીને આખા દિવસનો કામનો થાક જાણે ઉતરી ગયો. બંને જણા પોતાના રૂમમાં જઈને પડતાની સાથે જ સુઈ ગયા.
રાવસિંહ અને બાકીના નોકરો પણ બાકીનું કામ પતાવીને પથારી ભેગા થયા.)
રાતના ત્રણ વાગ્યાનો સમય...... ઠકઠક..... ઠકઠક..... ઠકઠક..... અવાજ ફરીથી શરૂ થયો. રૂપાલી ભર ઊંઘમાંથી ગભરાઈને ઊઠી ગઈ. કાલે રાતે બનેલ બનાવથી તે સંપૂર્ણપણે વાકેફ હતી એટલે આ વખતે તેણે મોન્ટી ને ઉઠાડ્યો.
-મોન્ટી... મોન્ટી... જો ફરીથી એ જ અવાજ આવી રહ્યો છે.. કોઈ બારણું ખખડાવી રહ્યું છે... મોન્ટી સાંભળ..!!
(તે સફાળો જાગી ગયો.)
મોન્ટીને પણ એ જ અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો પણ તેણે કહ્યું : “કયો અવાજ? મને તો કોઈ અવાજ નથી સંભળાતો?”
“ -શું? અવાજ નથી આવતો તને? પણ મને તો સ્પષ્ટ આવી રહ્યો છે, ત્યાં સ્ટોરરૂમમાંથી આવી રહ્યો છે ફરીથી.!!”
“ -ના.. હવે..! તને વહેમ થયો છે. જો અવાજ આવતો હોય તો મને પણ સંભળાવો જોઇએને..?! મને કેમ નથી સંભળાતો..?? નવી જગ્યા છે ને તારા માટે... કદાચ... એટલે તને એવું લાગે છે. તોય કાલે હું એ સ્ટોરરૂમની ખબર લઉં છું. હવે શાંતિથી સુઈ જા..!!”
બંને જણા આવી રહેલ અવાજને આવગણીને સુવવાનો પ્રયત્ન કરી રહ્યા. રાતના સાડા ત્રણ વાગી ચૂક્યા હતા. આંખોમાં ઊંઘ અને શરીરમાં થાક..! બંનેને ફરીથી ઊંઘ આવી ગઈ.
નિત્યક્રમથી પરવારીને બંને જણા નીચે ઉતર્યા. મોન્ટી એ રાવસિંહને આદેશ કર્યો કે ચાર-પાંચ મજૂરોને બોલાવે અને સ્ટોરરૂમમાં કામ કરાવે રાવસિંહ મજૂરોને બોલાવવા નીકળી ગયો અને બંને પતિ-પત્નીએ ચા નાસ્તો પૂરો કર્યો. રાવસિંહ કડિયા કામ કરનારા મજૂર-કારીગરોને લઈને આવ્યો હતો.
રૂપ... તું અહીં ડ્રોઇંગરૂમમાં બેસ. હું અને રાવસિંહ હમણાં તારી સમસ્યાનું સમાધાન કરીને પાછા આવીએ છીએ. રૂપાલી ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસી અને મેગેઝિન વાંચવા લાગી. મોન્ટીએ રાવસિંહ અને મજૂરોની ટોળકીને સ્ટોર રૂમમાં લઈ જવા કહ્યું, પાછળ પાછળ મોન્ટી પણ ગયો. કામ પત્યા પછી બધા નીચે ઉતર્યા.
(પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના બે કોન્સ્ટેબલ સાથે મોન્ટીના ઘરમાં પ્રવેશ્યા.)
(મજૂરો બહાર નીકળી રહ્યા હતા. મોન્ટી ઉપરથી નીચે આવી રહ્યો હતો અને રૂપાલી ત્યાં સોફા પર બેઠી હતી.)
પોલીસને જોઇને મોન્ટી એ પૂછી લીધું કે, “શું થયું ઇન્સ્પેક્ટર સાહેબ..??”
-“મિ. મોન્ટી તમારી વાઇફ જુલી, છેલ્લા ત્રણ દિવસથી ગાયબ છે. તમે તેને શોધવાની કે પોલીસને જાણ કરવાની કોશિશ કેમ ન કરી?”
-"ઇન્સ્પેક્ટર... જુલી પોતાના ભાઈની સાથે જતી રહી છે. મને છોડીને ગઈ છે. ગાયબ નથી થઈ.”
-"તે તેમના ભાઈ સાથે ગઈ છે? પણ મને ઈન્કવાયરીમાં ખબર પડી કે તેમના કોઈ સગા સંબંધી જ નથી. તો ભાઈ ક્યાંથી આવ્યો?”
-"ભાઈ મીન્સ કઝીન બ્રધર. એનો સગો ભાઇ નહીં.. પણ કઝીન આવીને લઈ ગયો.”
-"કઝીન?? હવે કઝીન ક્યાંથી પેદા થઈ ગયો? એ તો ચાલી જ નથી શકતી તો તેને કેવી રીતે લઈ ગયો?”
-"ઇન્સ્પેક્ટર કુમાર.. તમે કહેવા શું માગો છો?? તમે મારી પર શંકા કરી રહ્યા છો? એનો કઝીન હતો મને શું ખબર..તમે એને જ પૂછો તો વધારે સારું. “