The colour of my love - 1 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - 1

પ્રકરણ 1

"તો આ તમારો અંતિમ નિર્ણય છે?" અમદાવાદમાં ઉસ્માનપુરા વિસ્તારના એક કોફી શોપમાં ખૂણાના ટેબલ પર બેસીને એક છોકરો તેની સામે બેઠેલી છોકરીને આવું પુછી રહ્યો હતો. અહીં જાણે "તું" ના બદલે "તમારે" શબ્દ જાણી-જોઈને વપરાયો હતો. કોઈને પણ તે બંનેની સામે જોતા ખ્યાલ આવી જાય કે આ બંને ઝઘડી રહ્યા છે અને બંને હમણાં જ કૉફી શોપમાં જ કોઈ મોટો ઝગડો કરીને મારામારી કરી બેસશે. છોકરાનો ગુસ્સો તો સાતમા આસમાને હતો જ પણ છોકરીની આંખો રડી-રડીને સાવ સૂઝી ગઈ હતી. છોકરાએ આ વસ્તુ પણ નોટ કરી કે જે આંખોમાં એ પોતાની માટે માત્ર પ્રેમ જોવા ઈચ્છતો હતો એમ હવે તકલીફ સિવાય કંઈ જ ન હતું. આ જ કારણે બીજી કોઈ પણ વાતચીત સિવાય માત્ર આટલી વાત પછી છોકરો ત્યાંથી ઉભો થઇ કોફી શોપની બહાર નીકળી ગયો. તેની પાછળ-પાછળ છોકરી પણ ત્યાંથી ઉભી થઇ બહાર જતી રહી, જતા પહેલા બંનેએ પોતાનું બિલ અલગ-અલગ ચૂકવી પોતપોતાના રસ્તે નીકળી ગયા.

આવો સીન લગભગ મોટાભાગે તો નવી પેઢીના લોકો માટે નવો નથી હોતો. પહેલા આંખો મળે, પરિચય થાય, પરિચયમાંથી ઓળખાણ થાય, ઓળખાણમાંથી એકબીજા વિશે વધુ ને વધુ જાણતા થાય, જાણતા-જાણતા ક્યારે પ્રેમમાં પડી જાય તેની ખબર તો તેમને પણ નથી પડતી. અંતે પ્રેમનો રંગ ઉડતા એકબીજાની ખામીઓ સામે આવે અને આવી રીતે એકબીજા થી દુર થઇ જાય અને આમ જ ભગ્ન હૃદયે એકબીજાનું મોઢું પણ જોવુ પસંદ ના કરે.

પણ કંઈક અલગ હતું અહીં, કંઈક એવું અલગ જે આ બંનેને બધાથી અલગ કરતું હતું કંઈક એવું કે જે આ બંનેને અલગ પણ થવા ન દેતું અને સાથે પણ રહેવા ન દે, જેના લીધે આ બન્ને આટલા લાંબા ઇન્તેજાર પછી પણ એકબીજાનો સાથ ન મેળવી શકતા હતા, એનાથી મોટી વિટંબણા કઈ હોઈ શકે.

કહેવાય છે કે મન મળ્યા પછી કોઈ પૂજારી કે મૌલવીની જરૂર નથી હોતી, ક્યાં ખબર છે આ પ્રેમી પંખીડાઓને કે મન મળ્યા પછી જાતિ, જ્ઞાતિ, કુંડળી ને સામજિક દરજ્જો ન મળે તો આ દુનિયા સાથે જીવવા પણ નથી દેતી.

આપણી આ નવલિકાની નાયિકા-રિધિમાં. જેની સાથે આ બધું કઈ અચાનક ન હતું તેની માટે આ જાણે રોજની વાત થઈ હતી. દરરોજ તેને આ વાતો નીતિનના મોઢેથી સાંભળવી પડતી. તેને તો મનમાં થતું કે બસ હવે બહુ થયું, નથી રહેવું એવા માણસ સાથે જે મને સમજી ન શકે નથી કરવો તેને પ્રેમ પણ એ કઈ જ કરી શકતી ન હતી.

હૃદયની આ વિટંબણા કોને કહેવી?
જેની સાથે તાર જોડાયા છે હૃદયના
એની દુરી કેવી રીતે સહેવી?

બસ આ જ વાતથી જોડાયેલા હૃદય એકબીજાને મળવા તડપી રહ્યા હતા અને મળી શકતા ન હતા. આ પરિસ્થિતિમાં કોણ સાચું કે કોણ ખોટું એ સમજી શકવું મુશ્કેલ હતું. બંને પોતાની જગ્યાએ સાચા હતા. પણ ભવિષ્ય કોને ભાંખ્યું છે હવે ભવિષ્ય પોતાના ભંડારમાં શુ બતાવે છે એ જોવાનું હતું.......

(પાંચ વર્ષ પહેલાં)
અમદાવાદની એચ.કે આર્ટ્સ કોલેજનો ઉનાળા વેકેશન પછીનો પ્રથમ દિવસ. અમુક વિદ્યાર્થીઓ બી.એ. ના બીજા વર્ષના તો અમુક ત્રીજા વર્ષના હતા. આ બધામાં સૌથી નવા આવેલા પ્રથમ વર્ષના બી.એ.ના વિદ્યાર્થી. બોલીવુડ ફિલ્મોમાં જેમ બતાવામાં આવે છે તેમ રેગીંગ અને સિનિયર વિદ્યાર્થીઓના ડરથી ભરેલા, અમુકને તો નવી દુનિયા જોવામાં રસ હતો ને અમુકને તો સ્કૂલ પછી મળેલી સ્વતંત્રતામાં જ રસ હતો. આ બધામાં અમુક તો એવા હતા જે અન્ય સામે પોતાની છાપ છોડવા માંગતા હોય અને તે બધા કઈક અલગ જ કપડા પહેરીને આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને તો કોલેજનું વાતાવરણ જોઈને જ હૈયાનો ઉમળકો શમી ગયો. આ બધી આશાઓ પર પાણી ફરી વળે એવો આ દિવસ ઘણા બધાના જીવનમાં આવે છે. જ્યાં એક અજાણી ગભરાહટ અને એક નહીં માણેલી ખુશીનો અનુભવ થવાનો હોય છે, ને જ્યારે પાછું વળીને આ દિવસો યાદ કરવામાં આવે ત્યારે એક મુસ્કુરાહટ સિવાય કંઈ યાદ નથી આવતું.

રિધિમાં જેને 12મુ ધોરણ કોમર્સમાં કર્યા પછી એના પપ્પાના હુકમથી બી.બી.એ., બી.સી.એ., કે બી.કોમ. છોડીને કોલેજમાં આર્ટ્સમાં એડમિશન લેવું પડ્યું. એ વખતે એ દુઃખી તો થઈ પણ પિતાની આજ્ઞા સામે થવું એને યોગ્ય ન લાગ્યું. મમ્મી ગૃહિણી અને સાથે સાથે નાનું-મોટું સિલાઈકામ કરીને પપ્પાને ઘરખર્ચમાં મદદ કરે અને પિતા એક મિલમાં કામદાર ભાઈ નાનો 7 માં ધોરણમાં અભ્યાસ કરે અને આવું જ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર, જ્યાં અમુક વસ્તુઓ કે અમુક પસંદગીને પરિવાર માટે જતી કરવી પડે એવું પરિવાર. રિધિમાં પણ આ રીતે જ મોટી થઈ હતી અને કોલેજમાં આવ્યા પછી અન્ય લોકોની જેમ એને પણ મનમાં મૂંઝવણ થઈ રહી હતી. ભણવા અંગેની, સિનિયર વિદ્યાર્થીઓ અંગેની અને દોસ્તો વિશેની, બસ આ બધી મૂંઝવણ સાથે કોલેજમાં એનો પ્રથમ દિવસ જઇ રહ્યો હતો.

પણ રિધિમાંના મળતાવડા સ્વભાવને કારણે 2 જ દિવસમાં એના ઘણા બધા મિત્રો બની ગયા. એમા કેટલીક છોકરીઓ તો કેટલાક છોકરા હતા. બધાની સાથે થોડા જ દિવસમાં રિધિમાં ખૂબ જ સારી રીતે ભળી ગઈ. બસમાં સાથે આવવા-જવાથી લઈને સાથે વર્ગમાં બેસવું, અને સાથે કલાસ બંક કરવો, સાથે નાસ્તો કરવો આ બધું જ રિધિમાં ને ખૂબ ગમવા લાગ્યું. 6 મહિના ક્યાં પસાર થઈ ગયા એને ખબર જ ન પડી. શરૂઆતમાં જ્યારે છોકરાઓ સાથે દોસ્તી કરી ત્યારે તેને ખૂબ અલગ લાગતું કારણકે સ્કૂલ દરમિયાન માત્ર છોકરીઓ સાથે જ રિધિમાંની દોસ્તી હતી. પણ અહીં કોલેજમાં આવ્યા પછી આખો માહોલ જ બદલાઈ ગયો. મેસેજમાં લાંબી વાતો કરવી રોજરોજ અલગ અલગ નાસ્તો કરવો, કલાસ બંક કરી રિવરફ્રન્ટ કે લો-ગાર્ડન જવું, લાલ-દરવાજામાં ખરીદી કરીને પાણીપુરી ખાવી આ બધું એક રૂટિન બની ગયું હતું.

બસ જાણે રિધિમાંને આ બધું ખૂબ ગમવા લાગ્યું હતું. કોલેજને હજુ 6 મહિના થયા હતા ને કોલેજની મિડ-ટર્મ પરીક્ષા પુરી થઈને બસ શિયાળાની શરૂઆત થઈ રહી હતી. સવારે સવારે ગુલાબી ઠંડીમાં પોતાના પલંગ અને ચોરસાને લાત મારીને રિધિમાં પરાણે કોલેજ જવા ઉભી થઈને મમ્મીની મદદ કરવા લાગી જતી. સવારની કોલેજ માટે બસ પકડવાની હોય એની પહેલા નહાવાનું ને નાસ્તાને ન્યાય આપવાનો હોય, મમ્મીને ટિફિન માટે મદદ કરવાની હોય ને બીજું એવું ઘણું-બધું. બપોરે છેક 2 વાગ્યે ઘરે આવીને જમવું ને પછી આરામ કરવો, સાંજે ઉઠીને ચા પી ને દિવસ દરમિયાન પ્રોફેસરે ભણાવેલું એક વખત ફરીથી વાંચીને અન્ય પણ પુસ્તકો પણ વાંચવા. આ બધું પૂરું થાય ને જમવાનું બનાવવાનું ને એ પછી સુતા-સુતા મિત્રો સાથે ચેટિંગ કરવી. આવુ જ કંઈક રૂટિન હતું એનું.

પણ આ સવાર અલગ હતી, રિધિમાં ઉભી થઈને સીધી જ સ્નાન ઇત્યાદિમા લાગી ગઈ. ને એ બધું પતાવીને જેવી રસોડામાં આવી એ સાથે જ એના પપ્પાએ એને રૂમમાં બોલાવી કોઈ વાત કરવા માટે. જેમ સામાન્ય રીતે દરેક પરિવારમાં બને એમ જેવો પપ્પાનો બોલ સાંભળીએ એમ સૌપ્રથમ એમ જ વિચાર આવે કે કઈ ભૂલ તો નથી કરી દીધી ને? બસ રિધિમાંના મનમાં પણ આ જ વિચાર આવી રહ્યો હતો કે" મેં કોઈ ભૂલ તો નથી કરી દીધી ને?" અને આતુરતાથી પપ્પાની વાતની રાહ જોવા લાગી.

પપ્પાએ પોતાની વાત કહેવાની શરૂઆત કરી, "જો બેટા, તું તો જાણે છે કે આજના જમાનામાં એક પગારથી ઘર નથી ચાલતું. તારી મમ્મી ઘર સંભાળે છે અને સાથે સાથે સિલાઈનું પણ નાનું-મોટું કામ કરે છે હું પણ મિલમાં નોકરી કરું છું તેમ છતાં આ નોકરીનો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે મને નીકાળી દે એમ છે, એટલે જો તું પણ કોલેજની સાથે-સાથે પાર્ટ-ટાઈમ જોબ કરે તો તારો ખર્ચ તેમાંથી નીકળી જાય ઉપરાંત તું પગભર પણ થઈ શકે. એક પિતા તરીકે મારે તને આ વાતો ન કરવી જોઈએ, પણ આપણા ઘરની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત કરવી એ પણ એક પિતાની ફરજ છે. તું એમ ન વિચારીશ કે હું તારા પાર કોઈ ભાર મુકું છુ, તું તને જે ગમતું હોય તે કરી શકે છે હું તારો સાથ આપીશ." આટલું કહી તેના પિતાને તેને પોતાની વાત મુકવા માટે સમય આપ્યો.

રિધિમાં એક સમજદાર છોકરી હતી અને પોતાના પિતાની વાત સારી રીતે સમજતી હતી તેને માત્ર એટલું કહી જવાબ આપ્યો કે "તમે ચિંતા ન કરો, હું આજથી જ કોઈ નોકરી શોધું છું, અને જો મુસીબતના સમયે પરિવાર સાથ નહીં આપે તો કોણ આપશે. એટલે હું તમારી વાત સારી રીતે સમજી શકું છું." ને બસ બધું પતાવીને તે પોતાની કોલેજ જવા રવાના થઈ ગઈ. બસમાં પણ બારીની બહાર જોતા જોતા પપ્પાની વાત જ એને યાદ આવી રહી હતી. નોકરી કઈ કરવી? કઈ નોકરી એ કરી શકે? ને નોકરી કેવી રીતે શોધવી?

આજના જમાનામાં દરેક યુવાનને આ પ્રશ્ન સતાવતો હોય છે કે કઈ રીતે એ પોતાના પગભર થઈ શકે અને પિતાનો ભાર હળવો કરે, અમુક યુવાન પોતાના શોખ પુરા કરવા પણ નોકરી કરતા હોય છે જ્યારે અમુક માત્ર સમય પસાર કરવા. અહીં રિધિમાંની વાત અલગ હતી, તેને તો પોતાના પરિવારને મદદ કરવી હતી પણ કેવી રીતે? બસ આ વિચારવાનું બાકી હતું.

યુવાનીનો ઉંબરે આવવાની તકલીફ કોને કહેવી??
બાળપણ છોડવાની જે ખુશી હતી
તે અચાનક આટલી ફીકી કેમ લાગવા લાગી??
યુવાનીના શમણાંઓમાં બાળપણ જે જતું રહ્યું,
એ યુવાનીમાં આવતા જ રંગીન લાગ્યું
ને એ બાળપણ શોધવા ફરી પાછા
આજે એ ગલીઓમાં જવું છે
જ્યાં પપ્પાની આંગળી ને મમ્મીનો ખોળો એકમાત્ર સહારો છે,
અચાનક આ સમજદારી ડંખે છે મને,
ફરીથી બાળક થવા આ મન ઝંખે છે હવે.....

હજી તો એક સામાન્ય છોકરીની પગભર થવાની ને એના વિચારોને ખીલવાની એક શરૂઆત માત્ર હતી. રિધિમાંને આ જીંદગીનો ખરો અનુભવ અને પ્રેમની અનુભૂતિ તો હવે થવાની હતી.

(આગળની વાર્તા બહુ જ જલ્દી આગળના ભાગમાં રજૂ થશે.)