The colour of my love - 9 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 9

નીતિને રિધિમાંને એના ઘર સુધી મૂકીને પછી પોતાના ઘર તરફ પાછો ફર્યો. નીતિન રિધિમાંના મુશ્કેલીના દિવસોમાં એનો સાથ આપવા માંગતો હતો. એટલે જ જ્યારે રિધિમાં ઓફિસથી રાત્રે 8 વાગ્યે નીકળે ત્યારે એની પાછળ જતો અને સુરક્ષિત ઘરે પહોંચી જાય ત્યારે જ એ પાછો આવતો. નીતિન ઘણા થોડા સમયમાં રિધિમાંની નજીક આવી ગયો હતો. રિધિમાં એના જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવતી હતી.

આજે જે કઈ થયું એ રિધિમાં માટે ખૂબ આશ્ચર્યજનક હતું. ઘરે પહોંચી અને એના મમ્મીને એણે પોતાનો એવોર્ડ બતાવ્યો. એની મમ્મી પણ ખૂબ ખુશ થઈ ગઈ. પણ સાથે સાથે રિધિમાંને એ પણ યાદ અપાવ્યું કે, "જો તે નોકરી છોડી દીધી હોત તો કદાચ આ એવોર્ડ પણ તને ન મળ્યો હોત." મમ્મીની વાત સાંભળી રિધિમાંને યાદ આવ્યું કે, "મે તો મમ્મીને ખાલી એમ જ કીધું છે કે હું આ નોકરી કરીશ, પણ એ વાત તો કીધી જ નથી કે 3 મહિનામાં હું આ નોકરી છોડવાની છું. હવે શું કરું? નોકરીના લીધે નીતિન હમેશા મારી નજીક રહે છે, જો નોકરી છોડીશ તો શું થશે? મારે આ નોકરી કરવી જોઈએ કે નહીં. નીતિને જે મારી માટે કર્યું છે એ માટે હું એના પર વિશ્વાસ કરવા લાગી હતી વચ્ચે આ વિશ્વાસ ક્યાંક ડગી ગયો હતો. પણ હવે...... હું શું કરું?" રિધિમાં ખૂબ જ મૂંઝાઈ રહી હતી. આજનો દિવસ તો અનેક હકીકતો સાથે પૂરો થયો.

રિધિમાંની કોલેજ ખુલવામાં 10 દિવસ બચ્યા હતા. અને ફરીથી પાછું એ જ દિનચર્યા પાછી આવવાની હતી.
બીજા દિવસની સવાર થાય છે ને રિધિમાંના જીવનમાં પણ એક નવો સૂરજ ઉગે છે એ આગળનું બધું જ ભૂલી ખુશ રહેવાની ઈચ્છા રાખે છે અને નોકરીના જે બચેલા થોડા મહિના છે એ ખુશી ખુશી બધાની સાથે વિતાવવા ઈચ્છે છે. સપના સાથે સારી રીતે વાત કરે છે અને નીતિનને પણ વ્યવસ્થિત રીતે બોલાવે છે. રિધિમાંની અંદર આવેલો બદલાવ જોઈ નીતિન ખુશ થઈ જાય છે. એને લાગે છે કે રિધિમાં હવે જ્યારે આદિત્યના પ્રકરણમાંથી બહાર આવી ચૂકી છે તો હવે એને કોઈ સમસ્યા નહિ ઉદભવે. જોતજોતામાં રિધિમાંની કોલેજ પણ શરૂ થઈ જાય છે. અને 3 મહિના પુરા થવાને હવે છેલ્લા 2 દિવસ જ બાકી રહે છે.

આ 3 મહિનાના સમયમાં રિધિમાં અને નીતિન વચ્ચે કોઈ મનમોટાવ રહેતો નથી. બંને વચ્ચે જે એક ગેરસમજનો બંધ હતો, એની જગ્યાએ માનની લાગણી ઉદભવે છે. રિધિમાં જે દરેક વાતે નીતિનને ખોટો સમજતી હતી, એની જગ્યાએ હવે કોઈ પણ ગેરસમજ રાખ્યા વગર એની પર વિશ્વાસ કરવા લાગી હોય છે. ખરેખર બહુ મોટું પરિવર્તન નીતિન અને રિધિમાંના જીવનમાં આવ્યું હોય છે. રિધિમાંને ઓફિસના બધા જ લોકો ખુલ્લા દિલથી સ્વીકારી લે છે અને જે નાની-મોટી તકરારો રોજિંદી હોય છે એની જગ્યા બધાની મસ્તી લઈ લે છે. રિધિમાંની બધા સાથે મિત્રતા થઈ જાય છે. આ બાજુ નીતિનને પણ રિધિમાં જે રીતે સારું વર્તન કરી રહી હોય છે તે ખૂબ પસંદ પડે છે. એ રિધિમાંને ખુશ જોઈ ખૂબ ખુશ રહેવા લાગ્યો હોય છે. ખબર નહિ કેમ પણ જે રીતે નીતિન શરૂઆતથી જ રિધિમાંથી આકર્ષિત હતો, તેમ હવે રિધિમાં પણ નીતિનથી આકર્ષિત થઈ રહી છે.

ઓગષ્ટ મહિનો ચાલી રહ્યો હતો, તહેવારો અને પાછું વળતું ચોમાસુ બંનેના દિવસો હતા. એવામાં એક દિવસે રિધિમાં ઓફીસ આવી તો જાય છે. પણ એના પછી આખી બપોર અને સાંજે પણ ખૂબ વરસાદ પડે છે, અને આખા શહેરમાં પાણી ભરાઈ જાય છે. સમયસૂચકતા વાપરી નીતિન બધાને જલ્દી ઘરે નીકળી જવા કહે છે. બસ અને રીક્ષા તો ક્યારના બંધ થઈ ગયા હોય છે. ઘણા બધા એમ્પ્લોઈ જેમના ઘર એકબીજાની નજીક હોય એ જોડે જવા માટે સાંજના 6 વાગ્યે જ નીકળી જાય છે. સપના પણ પોતાના પપ્પાને લેવા માટે બોલાવી લે છે. અને 6:30 સુધીમાં નીકળી જાય છે. રિધિમાં એના પપ્પાને ફોન કરે છે પણ કોઈ જવાબ નથી આવતો તો એ પણ સપનાના ઘરે ગયા પછી ચાલતા જ નીકળવાનું નક્કી કરે છે. ઓફિસમાં એકમાત્ર નીતિન બચ્યો હતો, જે બધાને સલામત નીકાળવા માટે રોકાયો હતો, હવે એ પણ નીકળે છે. કોમ્પ્લેક્સની બહાર આવીને એ જુએ છે તો ચાલુ વરસાદમાં ઘૂંટણભેર પાણીમાં ધીમે-ધીમે ચાલતી રિધિમાં દેખાય છે. વરસાદને લીધે એનો ડ્રેસ આખો એના શરીર પર ચોંટી ગયો હોય છે, એની હેન્ડબેગ પલડી ગઈ હોય છે અને એ બળપૂર્વક પોતાના પગ સંભાળતી થોડું જ ચાલે છે. પાછી ઉભી રહી જાય છે, નીતિનને રિધિમાંની આ હાલત જોઈ એકબાજુ હસવું આવે છે અને બીજીબાજુ દયા પણ. એ રસ્તા તરફ જુએ છે તો એને બાઇક રસ્તા પર નિકાળવા જેવી નથી લાગતી. આથી એ બાઇક પાર્કિગમાં જ મૂકી રિધિમાંની પાછળ જાય છે.

"રિધિમાં... ઉભા રહો......" નીતિન પાછળથી બૂમ પાડી કહે છે. રિધિમાં પાછુ વળીને જુએ છે. નીતિન મોટા મોટા ધુબાકા પાણીમાં કરતો એની તરફ આવી રહ્યો હોય છે. "ધીમે.... ધીમે... સર હું અહી જ ઉભી છું આટલી જલ્દી આવવાની જરૂર નથી." રિધિમાં નીતિનને કહે છે. નીતિન નજીક આવે છે અને રિધિમાંને પૂછે છે, "રિધિમાં તમે અહીંથી તમારા ઘરે કઈ રીતે જશો?"
" સર અહીંથી મારુ ઘર 4 કિમી. ની દુરી પર જ છે, રીક્ષા કે કઈ મળે એમ લાગતું નથી. તો વિચારું છું કે ચાલતા જ નીકળી જઉં" રિધિમાં બોલી.
"ઓકે, ચાલો હું તમને મૂકી જઉં." નીતિન બોલ્યો.
રિધિમાં, "ના સર, વાંધો નહિ, હું જતી રહીશ."
નીતિન હસતા હસતા એની સામે જોઈ બોલ્યો, "તમે એટલા પાતળા છો કે એક પવનનું જોકુ આવશે અને ઉડી જશો, નહિતર પાણીના પ્રવાહ સાથે તણાઈ જશો, કાલે સવારે ખબર નહિ ક્યાં ખાડામાંથી મળો! એના કરતાં સારું છે કે હું મૂકી જઉં."
રિધિમાં નીતિનની વાત સાંભળી જે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે એ જોઈ નીતિન હસતો બંધ થઈ ગયો. અને એની સામે રિધિમાં બોલી, "બસ, થઈ ગયો તમારો મજાક કે હજુ બાકી છે?"
રિધિમાં ગુસ્સામાં પાછી ફરી પણ પાણીના પ્રવાહની વચ્ચે ટકી ન શકતા પડવા જેવી થઈ ગઈ. નીતિને એનો હાથ પકડ્યો અને પડતા બચાવી, "જોયું મે કીધું હતું ને પ્લીઝ રિધિમાં આવવા દો મને હું તમારો મજાક નહિ બનાવું." હજી આ બોલતા સુધીમાં નીતિને રિધિમાંનો હાથ પકડી જ રાખ્યો હતો, પછી તરત ખ્યાલ આવતા હાથ છોડી દીધો અને સોરી કહ્યું. રિધિમાં હવે નીતિનની સામે ન જોઈ શકી અને ઓકે કહી ચાલવા લાગી, સાથે - સાથે નીતિન પણ ચાલવા લાગ્યો.

એકબીજાનો સાથ આપી એ બંનેએ ખાસ્સો રસ્તો કાપી નાખ્યો પણ એકબીજા સાથે કઈ વાત ન કરી શક્યા. છેવટે રિધિમાંનું ઘર જે સોસાયટીમાં હતું એ આવી ગઇ. નીતિને બહારથી જ કહ્યું, "ઓકે ચાલો તો હું પણ હવે જઉં, હવે તમને અહીંથી ઘરે જતા કોઈ તકલીફ નહિ થાય." અહીં આવતા ખાસ્સો દોઢ કલાક જેટલો સમય જતો રહ્યો હતો, વરસાદ બંધ થઈ ગયો હતો પણ પાણી રસ્તા પર ભરાયેલા જ હતા અને મેઘગર્જના હજુ ચાલુ જ હતી. "સર તમે મારા ઘરે ચલો, પાણી ઉતરી જાય પછી જજો. નહીંતર તમારા ઘરે પહોંચતા તમને બહુ વાર લાગશે." રિધિમાંએ ખૂબ શાંતિથી પણ આગ્રહપૂર્વક નીતિનને ઘરે આવવા કહ્યું.
"ના રિધિમાં, તમારા ઘરે આવવું યોગ્ય નહિ રહે, તમારા મમ્મી-પપ્પા અને તમારા આજુબાજુના લોકો કઈ ખરાબ વિચારે એ કરતા હું નીકળી જઉં એ જ સારું રહેશે." નીતિન બોલ્યો. નીતિનની આવી વાતથી રિધિમાં ખૂબ ચિંતામાં આવી ગઈ.
નીતિન, "રિધિમાં ચિંતા ન કરશો, મારા દોસ્તનું ઘર છે હું ત્યાં જ જતો રહીશ." એમ કહી નીતિન રિધિમાંને બાય કહી પોતાના રસ્તે ચાલવા લાગ્યો.
દરવખતે નીતિન રિધિમાંને જતા જોઈ એની સાથે હોવાનું અનુભવતો, આજે કઈ અલગ વાત હતી આજે રિધિમાં એને જોઈ રહી હતી, અને એક લગાવ અનુભવી રહી હતી. નીતિન રસ્તામાંથી દેખાતો ગાયબ થયો ત્યારપછી એ પોતાના ઘર માટે નીકળી.

ઘરે જઈ પહેલા તો મમ્મીને ઘરની બહારથી જ બૂમ પાડી અને રૂમાલ લાવવા કીધું.
"હાય હાય, મારી દીકરી કેટલી પલળી ગઈ છે તારા પપ્પાનો કેે તારી ઓફિસમાં ક્યાંય ફોન જ ન લાગતો હતો, તું કેવી રીતે આવી? તું ઠીક તો છે ને?" મમ્મીના એકસામટા આટલા પ્રશ્નો નો મારો સાંભળી રિધિમાં બોલી, "મમ્મી મને ન્હાવા દે, પછી કહીશ. જા ગરમ પાણી આપ."
સ્નાનથી પરવારી રિધિમાએ આખી વાત મમ્મીને કહી, ત્યાં સુધીમાં એના પપ્પા પણ આવી ગયા. એમણે પણ સાથ આપ્યો અને રિધુંને કહ્યું કે, "તારે તારા બોસને ઘરે ન લવાય, બિચારા આટલા વરસાદમાં ક્યાં હેરાન થશે?" રિધિમાંએ મમ્મી અને પપ્પાને સમજાવી દીધા પણ પોતાને અને પોતાના હૃદયને ન સમજાવી ન શકી. અત્યાર સુધી નીતિને પોતાના માટે જે પણ સારું કર્યું અને આજે જે રીતે એ અહીં મુકવા આવ્યા, એ દરેક સમય જ્યારે નીતિન રિધિમાંને એક સુરક્ષા આપી શક્યો તે દરેક ક્ષણ રિધિમાંની સામે આવીને ઉભી રહી.

રિધિમાં વિચારોમાં જ સુઈ ગઈ અને વહેલી સવારે ઉઠી. પાણી ઉતરી ગયા હતા અને વરસાદ બંધ થઈ ગયો હતો. સમાચાર પણ 'ભુવો, ખાડો, મ્યુનિસિપલ કોર્પોરેશનનો ગોટાળો અને સંચાર ખોરવાયો'થી શુશોભિત હતા. આ બધા વચ્ચે એક સમાચારે રિધિમાંનું ધ્યાન ખેંચ્યું. રિધિમાંની જે કોમ્પ્લેક્સમાં ઓફીસ હતી, એના પાર્કિંગની છત વરસાદ અને આંધીને કારણે તૂટી પડી હતી. રિધિમાંને તરત નીતિનની બાઇક યાદ આવી. એણે નીતિનને કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યો પણ ફોન ન લાગ્યો, એ ઓફીસ માટે વહેલા નીકળી ગઈ.

ઓફીસ પહોંચી તો કોમ્પ્લેક્સનું સમારકામ ચાલી રહ્યું હતું, એ અંદર ગઈ. લગભગ ઓફિસનો અડધો સ્ટાફ વરસાદ અને તબિયત ખરાબ થવાને કારણે આવ્યો નહતો. એ નીતિનની કેબિન તરફ જતી હતી, પણ સપનાએ એને રોકી અને કહ્યું, "આજે સર નથી આવ્યા. ખબર નહિ ગઈ કાલે એમના ઘરે પણ નથી પહોંચ્યા, એવું આપણા મેઈન હેડનું કહેવું છે. આટલા દિવસ પછી હેડ ઓફીસ આવ્યા કારણકે નીતિન સર નથી. મને ડર છે કે નીતિન સર સાથે ક્યાંક કોઈ ખરાબ ઘટના બની હશે."
સપનાની વાતથી રિધિમાં ખૂબ ચિંતિત થઈ ગઈ, પોતાના ડેસ્ક પર બેસીને પણ વારે-વારે નીતિનની કેબિન તરફ જોઈ લેતી અને પોતાને જ દોષ આપ્યા કરતી હતી." કાશ મે એમને કાલે જવા જ ન દીધા હોત તો આવું ન થયું હોત."

રિધિમાં આખો દિવસ ઉદાસ રહી અને ક્યાંકથી નીતિન વિશે જાણકારી મળે તો સપનાને પૂછતી રહી. નીતિન વિશે કોઈને કઈ જ ખ્યાલ નહતો. અને રિધિમાં એના ખ્યાલોમાં ખોવાઈ ગઈ હતી. નીતિન સાથે રસ્તા પર ચાલવું, એની રિધિમાં પ્રત્યેની તકેદારી, આટલા સાથ છતાં નીતિને રિધિમાંને સ્પર્શ કરવાની કોશિશ પણ ન કરી હતી અને જ્યારે એણે રિધિમાંનો હાથ પકડ્યો એ બધી જ ક્ષણ કેટલી કિંમતી હતી! રિધિમાંને રહી-રહીને નીતિન યાદ આવવો લાગ્યો. એ ઘરે ગઈ તેમ છતાં એના મગજમાં નીતિન જ ફરી રહ્યો હતો. ઊંઘ અને ભૂખ ગાયબ હતી અને હાથમાં એના પપ્પાનો ફોન હતો. દર થોડી વારે એ નીતિનને ફોન કરવા પ્રયત્ન કરતી, ફોન લાગતો નહતો. કંટાળી ને ફોન બાજુમાં મૂકી દીધો. બીજા કોઈનો નંબર તો હતો નહિ. આખી રાત એની અજંપા સાથે ગઈ અને સવાર થતા જ કોલેજ ગઈ. કોઈ લેક્ચર એટેન્ડ ન કર્યા, માત્ર નીતિન વિશે વિચારતી રહી. કોલેજ પુરી કરી જલ્દીથી ઓફીસ પહોંચી તો આજે પણ નીતિન આવ્યો નહતો ના એના કોઈ ખબર.

ત્રીજો દિવસ થોડો વધુ સારો નીકળ્યો રિધિમાં માટે. કારણકે 2 દિવસ એની માટે 2 જન્મ જેવા રહ્યા અને એ ઉદાસ બનીને કરવા ખાતર બધું કામ કરી રહી હતી, પણ આજે ઓફિસમાં જેવી આવી કે સપનાએ કહ્યું, "રિધિમાં સરના પપ્પાનો ફોન આવ્યો હતો એ હોસ્પિટલમાં હતા, આજે જ ઘરે આવ્યા. વરસાદ પડ્યો એ રાત્રે જ એ રસ્તા વચ્ચે બેભાન થઈ ગયા હતા પહેલા ત્યાં કોઈ દવાખાનામાં રાખ્યા પછી હોસ્પિટલ લઈ ગયા હતા. એમાં જ એમના ઘરના કોઈને ખબર નહતી. બસ આજે જ ઘરે લાવ્યા. હજી સરને આવતા થોડા દિવસ જતા રહેશે એમ મને લાગે છે."
સપનાની કોઈ વાત રિધિમાંના મગજમાં જઈ રહી નહતી જ્યારથી એણે નીતિન વિશે એટલું સાંભળ્યું કે એ હોસ્પિટલમાં છે. એ ઓફિસની બહાર નીકળી ગઈ અને રડવા લાગી.
ખૂબ રડી એ પણ સમજાયું નહીં કે નીતિનના બિમાર થવાથી એને કેમ આટલો ફરક પડી રહ્યો છે? બહુ મુશ્કેલીથી એ પોતાને સંભાળી શકી અને સ્વસ્થ થઈ ઓફિસમાં જઈ શકી. ઓફિસમાં કામમાં મન ન લાગવા છતાં ત્યાં બેસી રહી. સપના દૂરથી એનું નિરીક્ષણ કરી રહી હતી. સાંજે સપના રિધિમાં પાસે આવી, "રિધિમાં તારી ઉદાસીનું કારણ જાણી શકું?" રિધિમાંનો કોઈ જવાબ ન આવતા એણે જાતે જ કહ્યું, " જો રિધિમાં તું સરની ચિંતા કરે છે એ સમજી શકું છું, પણ તારું આટલું દુઃખી થવાનું કારણ નથી સમજી શકતી! તું શું વિચારી રહી છે જો એ કઈક કહે તો મને સમજાય." રિધિમાંનો કોઈ જવાબ ન મળતા એ બોલી "વાંધો નહિ કઈ કહેવું હોય તો હું તારી માટે હાજર છું" એટલું કહી એ પોતાના ડેસ્ક પર જતી રહી.

રિધિમાંને સપનાને જવાબ આપવો હતો કે, "ના એવું નથી જે તું સમજે છે. હું ફક્ત એક એમ્પ્લોઈની જેમ એમની માટે ચિંતા અનુભવું છું." પણ એ ના બોલી શકી. 'ફક્ત એક એમ્પ્લોઈ' આ શબ્દો એના જ મગજમાં જ ભમી રહ્યા હતા. પોતાની જ આંખોની ભીનાશ એને ખૂંચી રહી હતી અને એ પળે-પળે એ વાત સમજી રહી હતી કે એની માટે નીતિન એના બોસ માત્ર રહ્યા નથી.

આ દિવસો જેમાં નીતિન સાથે નહતો, એ રિધિમાં માટે ખૂબ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હતા. એ નીતિનના કેબિનની સામે વારેઘડી જોયા કરતી. એક આખું અઠવાડિયું પસાર થઈ ગયું નીતિનને જોયા વગર કે એનો એ 'બેસુરો' અવાજ સાંભળ્યા વગર, એ અવાજ જેનાંથી રિધિમાંને એક તબક્કે ધૃણા હતી, એનો ચહેરો જે જોવો પણ ગમતો ન હતો, આજે એને રિધિમાં ઝંખતી હતી.

હૃદયની આ વિટમ્બણા કોને કહેવી?
તારા વગરની દુનિયા કેવી રીતે સહેવી?
માનું છું કે ભૂલ છે મારી,
પણ આ ભૂલ કેમની સુધારવી?
હું તો તારી પાછળ બધું ભૂલી,
અને તને એક ક્ષણ માટે પણ મારી યાદ ન આવી?
વિરહમાં ઝુરતી હું ક્ષણને પણ જન્મ લેખું,
અને એ મિલનની ક્ષણ પણ લાંબા વિરહની નીકળી........

રિધિમાં ઓફિસમાં મુશ્કેલીમાં દિવસો પસાર કરી રહી હતી, રવિવારની રજા પુરી કરી એ સોમવારે કોલેજથી સીધી ઓફિસ આવી. એનો ઓફિસ જવાનો કોઈ ઈરાદો નહતો. નીતિન વગર ઓફિસમાં જાણે એની માટે કઈ જ નહતું. આજે એ ઓફિસમાં આવી અને રિસેપશન સામે જોયું તો સપનાનો મિજાજ કઈ અલગ જ એને લાગ્યો. એ પોતાના ડેસ્ક પર આવીને બેસી અને નીતિનની કેબિન સામે જોયું. આ વખતે નીતિનની કેબિનના કાચમાંથી કેબિન ચોખ્ખી દેખાતી હતી અને નીતિન પણ. રિધિમાંના હૃદયના ધબકારા વધી ગયા અને એના ચહેરા પર મોટી મુસ્કાન આવી ગઈ.

એટલામાં સપનાએ એને નીતિનની કેબિનમાં જવા માટે ઈશારો કર્યો. રિધિમાં ખૂબ ખુશી સાથે અંદર જવા માટે પોતાની જાતને તૈયાર કરી. રિધિમાંએ દરવાજો નોક કર્યો અને દરવાજો ખોલી પૂછ્યું, "સર મે આઈ કમ ઇન"
નીતિનની કોમ્પ્યુટર સામે જ નજર હતી અને એમાં જ નજર રાખી એ બોલ્યો, "યસ"
રિધિમાં અંદર આવી, એને ક્યારે નીતિન પોતાની સામે જોઈ વાત કરે એ માટે આતુર થઈ રહી હતી. અને નીતિન સામે જોઈ બોલ્યો, "સોરી મિસ રિધિમાં" આ સાંભળી રિધિમાં પ્રશ્નાર્થ નજરે જોવા લાગી.
નીતિન બોલ્યો, "તમારો રિઝાઇન લેટર હું મંજુર કરું છું સોરી, મારી રજાઓને કારણે તમારે આટલા દિવસની રાહ જોવી પડી. પણ હવે તમે આ નોકરી છોડી શકો છો. જો ભવિષ્યમાં કંપની તમારી મદદ કરી શકશે તો અમને ખુશી થશે." પછી એક એનવેલોપ આપતા બોલ્યો, "આ તમારો છેલ્લો સેલરી ચેક. અહીંની તમારી કામગીરી બદલ તમારો આભાર" નીતિન ચેક આપી પોતાના કોમ્પ્યુટરમાં પોતાના કામ પર ધ્યાન આપવા લાગ્યો.
પણ રિધિમાંના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ, જે વસ્તુ રિધિમાં આટલા સમયથી ઇચ્છતી હતી તે મળ્યું ત્યારે એની કોઈ ખુશી જ નહતી. રિધિમાં વીલા મોઢે પોતાના ડેસ્ક પર પરત ફરી. હવે એ નીતિનને ક્યારેય નહીં જોઈ શકે એ વિચાર માત્રથી જ એનું હૃદય કંપી ઉઠ્યું.
રિધિમાં કાચમાંથી જ નીતિન સામે જોઈને મનમાં, "કેમ નીતિન? એકવાર તો મને કંઈ બોલવાની તક આપવી હતી! કેમ.........?" અને એક આંસુ એની આંખોમાંથી સરી પડે છે.

(નીતિનના આવા નિર્ણય પાછળ શુ કારણ હશે? શુ નીતિન અને રિધિમાંનો સાથ અહીં સુધી જ હતો? જે નજરથી નીતિન રિધિમાંને જોતો હતો હવે એ નજરથી રિધિમાં પણ નીતિનને જોવા લાગી છે એ વાત નીતિન ક્યારેય જાણી શકશે? આ મુંઝવણ દૂર કરવા માટે આગળનો ભાગ જલ્દી રજૂ થશે.......)