The colour of my love - 11 books and stories free download online pdf in Gujarati

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 11

(અગાઉના ભાગોમાં આપણે જોયું કે રિધિમાં નીતિન જ્યાં મેનેજર છે તે ઓફિસમાં જોબ કરવા જાય છે. નીતિનને રિધિમાં માટે લાગણી ઉદભવે છે ત્યારે એ રિધિમાંને કુપાત્ર લાગે છે, હવે જ્યારે રિધિમાંને એ જ લાગણી નીતિન માટે ઉદભવી છે. હવે આગળ શું થશે.)

રિધિમાં પાછી પોતાના ડેસ્ક પર બેસે છે અને એ યાદો જીવંત કરે છે, જયારે નીતિન એની સામે જ માત્ર જોઈ રહેતો હતો. એ યાદો બસ. રિધિમાંના મુખ પર મુસ્કાન આવી જાય છે. એનાથી એની સુંદરતા અનેકગણી વધી જાય છે. નીતિનની એક નજર રિધિમાં પર જાય છે અને એ ખોવાઈ જાય છે આ પળમાં. જે આકર્ષણ બંને વચ્ચે હતું એ કદાચ કોઈ કારણ વગર હતું. પરંતુ હવે તો રિધિમાં નીતિનને પસંદ કરવા લાગી હતી.

કહેવાય છે ને,
ये इश्क नही आसान बस इतना समझ लिजिए,
एक आग का दरिया है और डूब के जाना है।

બસ આવું જ કંઈક અત્યારે રિધિમાં કરી રહી હતી. સપનાની મદદ, મજુમદાર પાસે નોકરીની વાત આ બધું કદાચ રિધિમાંનું વ્યક્તિત્વ કરવા તૈયાર જ ન થાત, પણ નીતિનનું આકર્ષણ બધું જ કરાવી રહ્યું હતું. પણ આ આકર્ષણને પ્રેમ તો ન કહી શકાય ને! બસ એટલે જ નીતિન રિધિમાંને પોતાનાથી દૂર રાખી રહ્યો હતો એની પહેલા કે રિધિમાં એને ચાહવા લાગે.

રિધિમાં યાદોને જીવંત કરી ઓફિસથી પાછી ફરી. ઘરે આવી ઓફિસમાં શુ પહેરી જવું? એ બાબતની વિચારણા કરવા લાગી. નીતિન કામમાંથી બહાર આવ્યો કે એણે સપના જોડે સ્ટાફની અપડેટ લીધી. કોઈ ખાવામાં રહી તો નથી ગયું ને એ બાબત જાણી. સપના અનુસાર ફક્ત રિધિમાં જ કઈપણ ખાધા વગર નીકળી ગઈ.
સપનાના ગયા પછી નીતિન વિચારતો થયો કે, "ક્યાં કારણથી એણે કઈ જ ખાધું નહિ હોય? હવે તો એને જે જોઈતું હતું એ મળી ગયું છે!"

રિધિમાંના જીવનમાં આશાસ્પદ દિવસ ઉગ્યો ને એ કોલેજ પુરી કરી સીધી ઓફિસ ગઈ. ઓફિસમાં સપનાએ એને એનું નવું ડેસ્ક બતાવ્યું. રિધિમાંએ સપનાને નવા ડેસ્કનું કારણ પૂછ્યું. પણ સપના કોઈ જવાબ આપી શકી નહીં

અસંતોષ બતાવવા રિધિમાં નીતિનની કેબિનમાં ગઈ ત્યાં નીતિન પોતાના કોમ્પ્યુટરમાં જ ખોવાયેલ હતો. એને આમ જોઈ રિધિમાંને ચીડ ચડી પણ થોડી શાંત થઈ એને પોતાની વાત કઈક આ રીતે મૂકી, "સર, શુ હું મારું ડેસ્ક બદલવાનું કારણ પૂછી શકું?"
"ના" સીધો જ જવાબ મળ્યો.
"પણ, સર મને ત્યાં ફાવી ગયું છે, કોઈ બીજા પી.સી. પર મને નહિ ફાવે" રિધિમાંનો નીતિન તરફનો લગાવ આ એક વાક્યમાં જ આવી ગયો.
"તમને નથી લાગતું મિસ. તમારા આવા કારણો તમારી બાળક બુદ્ધિ બતાવે છે. અને જો તમે ન સમજતા હોવ તો કહી દઉં કે ઓફિસમાં બધા જ કોમ્પ્યુટર અને ફોન સરખા છે. તો આવું બહાનું થોડું અજીબ લાગે. માન્યું કે તમારા સ્વભાવમાં નથી પણ તમારા બોસ તરીકે ઓફિસના થોડા અધિકારો તો મને આપી શકો ને!"
નીતિનનો આ કટાક્ષ રિધિમાંને બરાબર સમજાઈ રહ્યો હતો પણ એની બેરુખી અસહ્ય હતી.

"ઓકે" રિધિમાં આમ કહી કેબિનની બહાર વધુ તકલીફ અને અસંતોષ સાથે નીકળી. નીતિનની વર્તણુકનું કારણ એને સમજાતું નહતું. એને જે નવી ડેસ્ક મળી હતી તે એક ખૂણામાં પડતી હતી ત્યાંથી નીતિનની કેંબિન દેખાતી જ નહતી. હવે આ રીતે નીતિન રિધિમાંને પોતાનાથી દૂર રાખી રહ્યો હતો.

રિધિમાંએ હવે પોતાના કામ અને નીતિન બંને પર ધ્યાન આપવાનું હતું, નીતિનની બધી હરકતો કઈક એવી હતી કે જે રિધિમાંને એનાથી દૂર રાખવા પર્યાપ્ત હતી, પણ એનું આકર્ષણ રિધિમાંને એની નજીક લઈ જઈ રહ્યું હતું. રિધિમાં શુ કરવું એ સમજવા સક્ષમ નહતી, પણ એટલો ખ્યાલ હતો કે અત્યારે જો નીતિનની નજરથી દૂર થવાશે તો કદાચ એના દીલથી પણ દૂર થઈ જવાશે. એટલે ઓફિસના છેવાડાના ડેસ્ક પરથી પણ એ નીતિનનું ધ્યાન રાખતી, એની વર્તણુક ચકાસતી, એની સાથે વાત કરવા અને કોઈ ને કોઈ બહાનેથી એની કેબિનમાં જવા પ્રયત્ન કરતી.

1 વર્ષનો લાંબો સમય પસાર થયો પણ નીતિનનો વર્તાવ રિધિમાં પ્રત્યે સહેજપણ બદલાયો નહતો. તહેવારો, તારીખ, વર્ષ એ સિવાય બીજું કઈ જ બદલાયું નહતું. રિધિમાં કોલેજના ત્રીજા વર્ષમાં આવી ગઈ હતી. પણ નીતિનનો વહેવાર બદલાયો નહતો. બધું જ યથાવત હતું, રિધિમાં નીતિનનું ધ્યાન આકર્ષિત કરવા જતી પણ એ હમેશા નાસીપાસ થતી. આટલા પ્રયત્નો હોવા છતાં એ કઈ કરી ન શકી. ખબર નહિ નીતિન પર શુ ભૂત સવાર હતું કે એ બધું જાણતો હોવા છતાં રિધિમાંથી દુર ભાગતો. રિધિમાં હવે કંટાળી હતી, એ હવે આ બધા પ્રયાસો છોડવા ઇચ્છતી હતી. હવે બસ, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા ઇચ્છતી હતી. પણ જ્યારે જ્યારે એ નીતિનને જુએ ત્યારે ફરીથી એની સાથે પ્રેમ થઈ જતો. હા પ્રેમ જ હતો કારણકે આકર્ષણ તો થોડા સમય પૂરતું જ હોય. શુ કરવું એ ન સમજાતા હવે રિધિમાંએ બધું જ પોતાના સૌથી સારા દોસ્ત ગણેશજીના સહારે મૂકી દીધું. હવે એ જ કંઇક રસ્તો બતાવશે, એના નસીબમાં જે હશે એની સાથે ભેટો કરાવશે.

આમ તો, ઘણીવાર જ્યારે કોઈ માણસ કસોટીમાંથી પાર ઉતરે ત્યારે આસ્તિક પોતાની ભગવાન પરની શ્રદ્ધાને જવાબદાર માને અને નાસ્તિક માત્ર પોતાના પરની શ્રદ્ધાને. એમા કઈ ખોટું નથી બસ એ બંને માણસ પોતાની શ્રદ્ધા અનુસાર કાર્ય કરે છે. અહીં રિધિમાં બધું જે બેસ્ટફ્રેન્ડ પર મૂકી રહી છે તે કોઈ ઈશ્વરીય શક્તિને કારણે નહિ, પણ એ શ્રદ્ધાને કારણે જે એને ગણેશજીમાં મળી. અને જાણે ગણેશજી પણ રિધિમાંની આ શ્રદ્ધા યથાવત રાખવા ઇચ્છતા હોય એમ એમણે રિધિમાંને હવે એક તક આપી. રિધિમાંના હવાતિયાં અને ગણેશજી પરની શ્રદ્ધાને યોગ્ય સમયે પોતાનું સ્થાન મળ્યું.

આજે સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો હતો, વાહન વ્યવહાર સાવ ઠપ ન થયો હતો. પણ એની પર આ વરસાદની અસર વર્તાઈ હતી. જૂનમાં આવનાર વરસાદ છેક જુલાઈના અંત સમયમાં આવ્યો. અને આવતા જ પોતાનો ક્વોટા પૂરો કરવાનો હોય એમ વરસવા લાગ્યો. આમ તો દિવસના અમુક ભાગમાં પડતો વરસાદ હવે આખો દિવસ પડે, ધીમી ગતિએ વરસતા વરસાદથી કઈ એટલું પાણી ભરાતું નહતું, પણ નોકરિયાત વર્ગ માટે સમસ્યા તો રહેતી જ. વળી જે વરસાદને પ્રેમની બીજી વ્યાખ્યા અપાઈ છે એ જ જો પોતાનું કામ કરવામાં બાકાત રહે તો કેમનું ચાલે? બસ આજે પણ એ જ પ્રેમનો દિવસ હતો.

ઝરમર વરસાદને કારણે રિધિમાંની કોલેજ અને ઓફિસ પર કોઈ ફરક પડ્યો નહતો. સવારે કોલેજ અને બપોરે ઓફિસ ગયા પછી એ કામમાં વ્યસ્ત થઈ ગઈ. સાંજે વરસાદનું જોર વધ્યું અને ઘણા બધા ઓફિસમાંથી જલ્દી નીકળવા લાગ્યા. હજુ તો 7:30 થયા હશે ત્યાં સપના રિધિમાં જોડે આવી, "રિધું, ચલ હવે વરસાદ થોડો વધ્યો છે, પપ્પા મને લેવા આવે છે. હું ઘરે જતા પહેલા તને પણ તારા ઘરે મૂકી દઉં. તને કદાચ પછી કોઈ વાહન નહિ મળે."
"ઓહ એવું" કંઈક મનમાં ઝબકારો થતા રિધિમાં સપનાને બોલી, "એક કામ કર, તું જા"
"અરે એમ તને છોડીને થોડી!" સપના ચિંતાગ્રસ્ત થઈ ગઈ.
"અરે ડોન્ટ વરી, આ તક તો મને મારા મિત્રએ આપી છે. એને જતી કેમની કરું?" રિધિમાં ખૂબ ખુશ જણાતી હતી, એટલે સપનાએ વધુ કઈ પૂછ્યું નહિ, અને એ નીકળી ગઈ.

ઓફિસ છૂટવાનો સમય થયો અને રિધિમાં બહાર નીકળી, એક સાઈડ ઉભી રહી ગઈ. અને કોઈના આવવાની રાહ જોવા લાગી. પાછળ થોડીવારમાં નીતિન પણ બધાના ગયા પછી આવ્યો અને પોતાની બાઇક તરફ ગયો. એ હજુ બેઠો અને ચાવી ઇગનીશનમાં નાખી બાઇકને કિક મારવા જ જતો હતો કે પાછળથી એક અવાજ આવ્યો.
"સર, મને મૂકી જાઓ ને!"
નીતિને પાછળ જોયું ત્યાં રિધિમાં ઉભી હતી, પલળેલી રિધિમાં કોઈ અપ્સરાથી કમ લાગતી નહતી.
"સોરી, પણ માંરે કામ છે. તમને ચાર રસ્તેથી ઓટો મળી જશે." નીતિન પોતાના મન પરનો કાબુ ગુમાવવા ઈચ્છતો નહતો. એટલે રિધિમાંની એક નજર એની તરફ ફેંકી તરત જ પોતાની બાઇક સ્ટાર્ટ કરતા જ જવાબ આપ્યો.
"હા તો સર ચાર રસ્તે જ મૂકી દો ને! એમ પણ તમે જ કહ્યું હતું કે ક્યાંક હું પાણીમાં વહી ના જઉં"
નીતિનને પોતાની એક વર્ષ પહેલાંની વાત યાદ આવી, આ વખતે પણ એણે રિધિમાં સામે જોવાનું ટાળ્યું અને કહી દીધું, "હા કદાચ પણ ત્યારે તમે એટલા પાતળા હતા અત્યારે એવું કંઈ નથી. એક વર્ષમાં તમારામાં ખૂબ બદલાવ આવ્યો છે." આ કેમનું બોલાઈ ગયું એ વિશે નીતિન થોડીક ક્ષણો માટે વિચારવા લાગ્યો.
"સર પણ અહીં ચાર રસ્તા સુધી તો.." રિધિમાં જોકે નીતિનની વાત સમજી ચુકી હતી અને એવું નિષ્કર્ષ પણ નીકાળી ચુકી હતી કે નીતિન એને નોટિસ કરે છે. એ બાબતથી એ ખૂબ ખુશ થઈ ગઈ.
નીતિન હવે વધુ વાત લંબાવવા માંગતો નહતો. એટલે એને રિધિમાંને પાછળ બેસવા ઈશારો કર્યો. ક્યાંક કઈ ખોટું ન બોલાય જાય એ બીકથી એ રિધિમાંને શક્ય એટલું જલ્દી ચાર રસ્તે મુકવા ઈચ્છતો હતો. આમ તો રસ્તો માત્ર પાંચ મિનિટનો હતો પણ રિધિમાં જેવી નીતિનની પાછળ બેઠી કે એના મનમાં તરંગ ઉદભવી રહ્યા હતા, વરસાદના ટીપે-ટીપે એની નજીક હોવાનો અહેસાસ.....

આજ તો ભીંજવવા દે મને તારા પ્રેમમાં,
વરસાદ પણ છે અને તારો સંગાથ પણ...

રિધિમાં હજી નીતિનના ખભે હાથ મુકવા જતી જ હતી કે, " લો તમારા ચાર રસ્તા આવી ગયા, હવે અહીંથી તમને રીક્ષા મળી જશે."
"યાર આટલી જલ્દી કેમ આવી ગયા?" રિધિમાં અફસોસ સાથે નીચે ઉતરી અને સામે ચાની કીટલી જોઈ. "સર એક ચા પીશો? એમ પણ વરસાદ પણ વધી ગયો છે એવામાં તમારે ક્યાંક તો ઉભું જ રહેવું પડશે ને!"
રિધિમાંના બહાનાં નીતિનને સમજાઈ રહ્યા હતા પણ એ જે આકર્ષણ અનુભવી રહ્યો હતો અને પાંચ મિનિટમાં જે રિધિમાંની નજીક હોવાનો અહેસાસ હતો બસ એ પળ, એમાં એ રિધિમાં સાથે જ રહેવા ઈચ્છતો હતો. એટલે એને ચા પીવા હા પાડી.
ચાર રસ્તે એકબાજુ ચાની કીટલીવાળો હતો અને વરસાદને કારણે એક સામાન્ય પ્લાસ્ટિક બાંધી છત જેવું ઉભું કર્યું હતું. ત્યાં નીચે એક પાટલી જેવું હતું, વરસાદને કારણે પબ્લિક નહતી. ત્યાં જઈ નીતિને બે ચાનો ઓર્ડર આપ્યો. ચાવાળો ચા બનાવતો હતો કે રિધિમાંએ વાત શરૂ કરી,
"સર કેટલો મસ્ત વરસાદ છે નહીં? તમે કેટલી તકેદારી સાથે મને ગઈ વખતે મારા ઘરે મૂકી ગયા હતા ને!"
"મને વરસાદ પસંદ નથી" અને નીતિનની આંખોમાં ઉદાસી આવી ગઈ.
એ જોઈ રિધિમાંએ વાત હવે બદલી, "સર જો અત્યારે હિન્દી મુવી અનુસાર તો હિરોઇનને પલળતી જોઈ હીરો એની પાસે ગયો હોત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગર જ ડાન્સ કરવા લાગ્યા હોત નહિ!"
રિધિમાંની આવી વાત સાંભળી નીતિન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, આટલી સમજદાર દેખાતી છોકરી આટલી ફિલ્મી વાતો કેમની કરી શકે એ સાંભળવા છતાં એને પોતાના કાન પર ભરોસો ન થઈ રહ્યો હતો.
"સર અને આવી રીતે કોઈ લોજીક વગર ખબર નહિ એ લોકોને ઝૂંપડું કે છત કેમની મળી જતી હશે? હું હમેશા વિચારું કે એટલું તો કેટલું કોઈ નવરૂ હશે કે આવી જગ્યાઓમાં છત બનાવી ભૂલી જતું હશે. પાછા હીરો અને હિરોઇન વરસાદથી બચવા છત નીચે આવે અને એકબીજાને જોઈ પાછા વરસાદમાં જતા રહે, અને પાછા બીમાર પણ સાથે પડે આવું કેમ? જો પલળવું જ હોય તો છત નીચે કેમ આવ્યા? અને છત નીચે જ આવવું હતું તો પાછા ભીના કેમ થયા? મૂર્ખ લોકો..."
રિધિમાંની આવી વાતો સાંભળી નીતિન પોતાની હસી રોકી ન શક્યો, એ ખડખડાટ હસવા લાગ્યો. ચાવાળો ચા આપી ગયો એણે પણ આ આખી વાત સાંભળી હતી એ પણ પોતાનું હસવાનું રોકી ન શક્યો. "બેન ખરેખર તમે બહુ ફિલ્મી છો"
ચાવાળાની આવી વાત સાંભળી નીતિન વધુ ને વધુ હસવા લાગ્યો અને રિધિમાં બસ એને હસતા જોઈ જ રહી, આ કદાચ પ્રથમ વખત જ હતું કે નીતિનને એ એણે આટલો ખુશ જોયો હતો. એ બસ એને જ નિહાળી રહી હતી. અચાનક હસતા હસતા નીતિને રિધિમાં સામે જોયું તો એને ખ્યાલ આવ્યો કે રિધિમાં ક્યારની એની તરફ જ જોઈ રહી હતી. એણે પોતાની નજરો હવે રસ્તા તરફ માંડી અને ચા પીવા લાગ્યો. રિધિમાંએ પણ ચા પીતા જ નીતિનને પૂછી લીધું,
"સર તમે આ મુસ્કાન અત્યાર સુધી ક્યાં સંતાડી રાખી હતી, હું જાણું છું કે મારું તમારા પ્રત્યેનુ આકર્ષણ એકતરફનું નથી તો તમે કેમ મને તમારાથી દૂર કરો છો?"
નીતિન રિધિમાંના અણધાર્યા સવાલથી ડઘાઈ ગયો, પોતાની અધૂરી ચાની પ્યાલી પાટલી પર મૂકી, ચાવાળાને પૈસા ચૂકવી એ બહાર પોતાની બાઇક પાસે જતો રહ્યો. રિધિમાં સમજી ગઈ હતી કે એનાથી કઈક બહું જ ખોટો પ્રશ્ન પુછાઇ ગયો છે એ પણ પોતાની પ્યાલી મૂકી નીતિન પાસે દોડી ગઈ.
"સર આઈ એમ સોરી મારે એવું ન પૂછવું જોઈતું હતું"
"રિધિમાં તમે મારાથી દૂર રહો એ જ યોગ્ય છે એટલે પ્લીઝ આવી કોઈ વાત હવેથી ન કરતા."
"પણ સર એવું તે શું છે કે તમે મને તમારાથી દૂર કરો છો? હું ફક્ત એટલા જ જવાબની આશા રાખું છું. કે કેમ?"
નીતિને એક પળ માટે આકાશ તરફ જોયું, આકાશમાં થઈ રહેલી વીજળી અને એના મનની હાલની પરિસ્થિતિ કઈક સરખી જ હતી. ઇચ્છતા ન હોવા છતાં એને રિધિમાંના સવાલનો જવાબ એને પોતાનાથી દૂર રાખવા આપવો જ રહ્યો. રિધિમાં હજુ નીતિનના પાછળ ઉભી એના જવાબની રાહ જોઈ રહી હતી. નીતિને એક પળ માટે આંખો બંધ કરી અને એ બોલી ગયો, " કારણકે મારા લગ્ન થઈ ગયા છે." આંખો ખોલી અને રિધિમાંના કોઈ પ્રતિભાવની પરવા કર્યા વગર એક રીક્ષા રોકી અને રિધિમાંને બેસવા કહ્યું.
રિધિમાં અવાચક હતી, શુ બોલવું એ તો દૂર પણ શું કરવું એ એને સમજાતું નહતું. નીતિને એને હાથ પકડીને રિક્ષામાં બેસાડી. જ્યાં સુધી રીક્ષા ન ગઈ ત્યાં સુધી નીતિન એને જ જોતો રહ્યો. રિધિમાં બધી જ સુધબુધ ખોઈ બેસી હતી. એને જે સાંભળ્યું એ સાચું કે ખોટું એ ઉપર એને શંકા હતી. દરેક પરિસ્થિતિમાં રડતી રિધિમાંને આજે રડું જ ન આવી રહ્યું હતું.

આ બાજુ નીતિન રિધિમાંના ગયા પછી પોતાની બાઇક પર બેસી નીકળી પડ્યો રસ્તામાં પણ એને રિધિમાંને જે કહ્યું એના વિચારો આવી રહ્યા હતા અને અત્યારે એની આંખોમાંથી પાણી નીકળી રહ્યું હતું, રિધિમાં અત્યારે કેટલી તકલીફમાં હશે એનો અહેસાસ હતો એને. એ કેટલી રડી રહી હશે એ વાત વધુ તકલીફ આપી રહી હતી. એ જોરથી બૂમ પાડવા ઈચ્છતો હતો પણ હૃદય પર જે ભાર હતો એના કારણે અવાજ પણ નીકળી શકતો નહતો. એના મનમાં બસ એક વિચાર હાલ ચાલી રહ્યો હતો, "રિધિમાં તમારી ઝીંદગીમાં અનેક રંગો છે મારા જીવનમાં માત્ર હવે અંધારું જ રહ્યું છે. મારા પ્રેમના કારણે હું તમને તમારી રંગોભરી ઝીંદગીમાંથી મારા અંધારામાં લાવવા નથી ઈચ્છતો. બહુ જ ખરાબ છું હું. તકલીફ સિવાય કોઈને કઈ જ નથી આપી શકતો. અને તમે એટલા કોમળ છો કે મુરઝાઈ જશો મારી સાથે. મારી બદકિસ્મત... મારી મમ્મી, મારી પત્ની, મારી દીકરીની જેમ...... તમે........ ના એવું નહિ થાય..... હું તમારાથી હમેશા દૂર જ રહીશ અને આજ પછી તો તમે પણ મારાથી દૂર રહેશો......."

(first poetry Lines by Jigar Muradabadi. 1890 - 1960)

(આટલી તકલીફ મળ્યા પછી પણ રિધિમાં હજુ નીતિન માટે રડતી નહતી અને રિધિમાંને તકલીફ આપી નીતિનની આંખોમાં આંસુ આવી ગયા. ખબર નહિ શુ થશે આ પ્રેમ કહાનીમાં. એ માટે આપના પ્રતિભાવોને આવકાર છે. નીતિન અને રિધિમાંની આ કહાની સાથે જોડાયેલા રહો અને વાંચતા રહો મારા ઇશ્કનો રંગ. આગળનો ભાગ જલ્દીથી રજૂ કરવામાં આવશે.)