Baani-Ek Shooter - 1 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 1

“બાની”- એક શૂટર

પ્રસ્તાવના

“બાની-એક શૂટર ” સંપૂર્ણપણે એક કાલ્પનિક સાહસ કહાણી છે. વાર્તામાં આવતા નામ, ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો અને ચિત્રણ કાલ્પનિક છે. બેહદ ઇન્ટરેસ્ટીંગ કહાણી છે વાંચક મિત્રો. આપને જરૂર પસંદ આવશે.

મુખ્ય પાત્ર બાની નામની બ્યુટીફૂલ પણ બગડેલી કુલ છોકરીની કહાણી છે. બાનીનાં લાઈફનો ફ્લો મસ્ત સુટ્ટા મારવામાં, ગાલીગલોચ, ફ્રેન્ડ સર્કલ સાથે સમય બગાડવામાં અને ગલી ગલી ફરવામાં જતો હતો બટ એની લાઈફની અસલી કહાણીની શરૂઆત તો ત્યાંથી થાય છે જયારે એની જિંદગીમાં એવી ઘટના બને છે જેણે કદી સપનામાં પણ વિચારી ન હતી. બાની છોકરી હતી. એ બગડેલી હતી પણ એણે પણ પ્યારની જરૂરત હતી. એ પણ હમસફરની શોધમાં હતી. એ પણ કોઈની સાથે જીવન વ્યતિત કરવા માંગતી હતી. પરંતુ એવામાં જ એક અઘટના બને છે જેમાં એણે સર્વસ્વ પોતાનું હોમવા પડ્યું. એ ઘટના બાદ એ ઈરાદો બનાવી ચૂકી હતી, એના લાઈફને એક ધ્યેય આપી ચૂકી હતી કે જીવન હવે આ ઘટનાનાં પ્રતિશોધ માટે જ જીવવાનું છે.

વાચક મિત્રો, હું આપના સમક્ષ બીજી ઈબુક સ્વરૂપમાં નોવેલ લાવી રહી છું. હું સરળ ભાષામાં જ લખું છું. હોપ આપને આ નોવેલ પણ પસંદ આવશે અને એવો જ વાંચીને પ્રેમ દર્શાવતા રહેજો. બટ વાચક મિત્રો 'બાની-એક શૂટર' નામની કહાણી જે નવો જ સબ્જેક્ટ લઈને હું લખી રહી છું. જો કે હું નોર્મલી પ્રેમ કથાઓ જ લખતી આવી છું તો આ મારા માટે નવો જ અનૂભવ રહેશે. મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન તો કર્યો જ છે. બાકી તો વાચક મિત્રો આપ સમજદાર છો. મારી ફર્સ્ટ નોવેલ થોડી સહેમી સહેમી હતી પણ એના કરતાં આ નોવેલ જરા હટકે છે. કેટલાક અપશબ્દો ગાલીગલોચનો ઉપયોગ થયો છે. કોન્સેપ્ટ અને કેરેક્ટર પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી કહાણી આપને વાંચવામાં રસ હોય તો ૧૬ ના ઉંમરના મારા વાચકમિત્રો “ બાની - એક શૂટર ” નોવેલ વાંચી શકો છો.

પણ વાચકમિત્રો આપને ફરી હું દિલથી આભાર વ્યક્ત કરવાં માગું છું મારી પહેલી ઇબૂક સ્વરૂપમાં “કયો લવ?” નોવેલને ખૂબ જ નિષ્ટા સાથે વાંચીને પ્રેમ આપવાં બદલ. હું માતૃભારતીની ઘણી જ આભારી રહીશ. માતૃભારતી પર “કયો લવ?” ઈબૂક નોવેલના આજની તારીખ પ્રમાણે પણ અધધ ડાઉનલોડ મળ્યા છે તેમ જ થતાં રહેશે. આ બધો જ તમારો પ્રેમ છે વાચક મિત્રો. ખૂબ આભાર. આપ બીજી શોર્ટ સ્ટોરી/ નોવેલ પણ વાંચી શકો છો જેમ કે “તું મારા ટાઈપની” , “કલી” , “આશિકથી આર્ટીસ્ટ” , “મામુ બોય” અને “સંજુ જીતું.”

નોંધ: “કયો લવ ?” નોવેલના સમયે જે મારી ભૂલ( ૩૨ એપિસોડ પછી રેગ્યુલર પાર્ટ અપાયા ન હતાં) થઈ હતી અને વાચક મિત્રો મારા પ્રત્યે નારાજ થયા હતાં એણે દૂર કરવા માટે “ બાની- એક શૂટર” નોવેલ હું પૂરી લખીને પછી જ એપિસોડ પ્રમાણે પબ્લીશ કરી રહી છું. તો વાચક મિત્રો “બાની- એક શૂટર” કહાણીને તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. આપનો અભિપ્રાય મારા માટે જ નહીં બધા જ લેખકો માટે ઉત્તમ સાબિત થાય છે કારણકે એનાથી જ ઉત્સાહ વધતો જાય અને બીજી નોવેલ લખવાની પ્રેરણા મળતી રહે.

ખૂબ આભાર

પ્રવિણા માહ્યાવંશી.



****

ભાગ :૧

“બાની સુટ્ટા બુટ્ટા મારના હૈ?” સળગાવેલી સિગારેટ દેખાડતાં ઈવાને પૂછ્યું.

“અબે કબ કા છોડ દિયા હૈ કાયકો દિમાગકી વાટ લગા રહા હૈ.” ઈવાનને ટોકતા બાનીએ કહ્યું.

“બાની કરી શકશે ને તું...?” બાનીના હાથમાં પિસ્તોલ થમાવતાં ટીપી ઉર્ફ ટીપેન્દ્રએ પૂછ્યું તે સાથે જ આખુ ગ્રૂપ ગંભીર થઈ ગયું.

“જાન એક વાર વિચારી લે.” માસ્ક પહેરેલા આંગતુકે કહ્યું.

એક પછી એક ફ્રેન્ડ સર્કલમાંથી બાનીની કેર સાથે ચિંતા કરતા દોસ્તો બાનીને પૂછપરછ કરી રહ્યાં હતાં.

“અબે તું એણે ભ્રમિત કરવાની કોશિશ ના કર. બાની સ્કૂલ લેવેલ પર ચેમ્પિયન શૂટર હતી.” ઈવાને કહ્યું.

“બાની એક વાર આ પિસ્તોલને અજમાવી જો. ટ્રાઈ કરી જો. પછી મેઈન ટાર્ગેટ પૂરો કરજે.” ટીપીએ એના ખભા પર રિલેક્સ કરવા માટે સાંત્વના આપતા કાંડા ઘડિયાળમાં જોતાં કહ્યું.

“એ સૈતાનનાં સીનામાં છયે છ બુલેટ ઘુસાડી ન દઉં. ત્યાં સુધી મારો પ્રતિશોધ શાંત નહીં થાય.” બાનીએ દાંત ભીડતા કહ્યું.

“બાની તું સ્કૂલમાં ચેમ્પિયન હતી એ અલગ વાત છે. તું એક શૂટર ‘હતી’ અને ‘છે’ માં ફરક છે. અત્યારે તને એ જાલિમનાં સીનાને લાલ કરવો હોય તો તને આ પિસ્તોલને અજમાવીને ચેક કરવી પડશે.” ટીપી એક ગુરુની તાલીમ નિભાવી રહ્યો હોય તેમ એને ગાઈડ કરતો કહી રહ્યો હતો.

“નહીં. મને પણ એ જ જોવું છે ટીપેન્દ્ર..!! કે મારા સીનામાં જે આગ ભડકી રહી છે પાછલા આઠ વર્ષથી એ ઠંડી તો પડી નથી ગઈ ને...જે કસમ ખાધી હતી એમાં કેટલી નિષ્ટા છે એ તો જોવા જ પડશે ને..?” બાની ઝઝુમી રહી હતી.

બધા જ ઊભેલા યુવાનો બાનીને જોઈ રહ્યાં હતાં. એ બાની જેના મોઢામાંથી ગાળ સિવાય બીજી વાત નીકળતી જ ન હતી. એ આજે સત્યવચનોનાં લેકચર ઝાળી રહી હતી....!!

“બાની અત્યારે આ લેકચર કામનું નહીં આવે. એક શૂટર નિશાનો માટે પ્રેક્ટિસ કરતો જ હોય છે. હું આ છેલ્લા આઠ વર્ષથી તને સમજાવી રહ્યો છું. તારે પ્રેક્ટિસની જરૂર છે.” ટીપીએ લાસ્ટ વાર સમજાવાનો પ્રયત્ન કર્યો.

“પેનિક થવાની જરૂર નથી સાલાઓ. ડોન્ટ વરી. હું કરી લઈશ.” પોતાનાં ફ્રેન્ડ સર્કલનો ટેન્સભર્યો ચહેરો જોતા બાનીએ કહ્યું.

આઠ વર્ષ પહેલા ‘સરસ્વતી દેવી’ નામના બંગલામાં બાનીના બેડરૂમના બંધ દરવાજે ટીપી ઉર્ફ ટીપેન્દ્ર સાથે સાજીસ રચાઈ હતી આજે એ સાજીસને અંજામ આપવાનો કાલ આવી ગયો હતો. બાની સીધી સાધી છોકરી હતી એમ તો કહી નાં શકાય પણ પોતાનાં જ લાઈફમાં મસ્ત રહેનારી સુટ્ટા મારનારી ગાળ સિવાય આગળ વાત કેવી રીતે કરવી ? જાણે એ જાણતી જ ન હોય..!! એવી જિંદગીથી એ ખુશ હતી.

“કશું પૂછવું છે પ્લાન વિષે?” ટીપીએ બધાને સંભળાય એવી રીતે પૂછ્યું.

“નો..!!” બાની સહીત બધાનો ‘નો’ માં સ્વર સંભળાયો.

“કોઈ શંકા..?” ટીપીએ પૂછ્યું. બધાએ ‘ના’ માં ડોકું ધુણાવ્યું.

“પકડાઈ જશું એના કરતા સરેન્ડર કરી દેવાનું છે. એ યાદ રહે બધાને.” એક અંતિમ સલાહ આપતા ટીપીએ કહ્યું.

“ટીપી હું તને અત્યારે પણ કહું છું. ફ્રેન્ડ્સ હું તમને બધાને કહી રહી છું આ લાસ્ટનો નિર્ણય મને યોગ્ય નથી લાગતો. એ દરીંદાને મારી નાંખવાની કસમ મેં ખાધી હતી. આખુ ચક્રવ્યૂ મારા તરીકેથી ચાલ્યું છે. તમે પોતપોતાની લાઈફમાં સેટ છો. મારા લીધે તમે તમારી આખી લાઈફ બગાડવાના છો..મારા માથે હું બધું લઈ રહી છું ને..!! તમે નાહકમાં ફસડાવા માગો છો. જે બિલકુલ યોગ્ય નથી. બની શકે સરેન્ડર થયા બાદ આપણાને ઉંમર કેદની સજા થાય કે પછી ફાંસીની...!! ના...ના પ્લીઝ હું તમારી સામે ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું. હું સરેન્ડર એકલી થઈશ. કામ પતે એટલે તમે ભાગી છુટશો. જો તમે સંડોવાયા એવું સામે આવશે તો પણ તમે નિર્દોષ છે એ હું પુરવાર કરતી જ રહીશ.” પોતાનાં ફ્રેન્ડનો નિષ્પાપ થઈને એટલો સાથ આપવા બદ્દલ સળંગ બાની બોલતી જતી હતી. એણે ખબર જ પડતું ન હતું કે એના એહસાનને કેવી રીતે ચૂકતો કરશે..!!

“અરે કોઈ સેટ નથી. બધા સિંગલ છે તારી જેમ..” હળવો માહોલ કરવા ઈવાને ટાપસી પૂરી. અને બધા ફ્રેન્ડો ધીમેથી ખડખડાટ હસ્યા.

“ઓકે ડન.” એટલું કહીને અચાનક બાનીના આંખમાં આંસુ આવી ગયા.

બાનીને જોઈને બધા જ ફ્રેન્ડોની આંખો પણ ભરાઈ આવી. માહોલ શાંત થઈ ગયો. પરંતુ શાંતિને ભંગ કરતા ટીપીએ કહ્યું, “ઓહ મહાશય, તમને નીકળવું જોઈએ. પ્લાનમાં એક સેકેંડનો પણ વિલંબ ઘાતક સાબિત થઈ શકે..!!”

એક નજર બાની પર નાંખતા એ માસ્કધારી ત્યાંથી નીકળવા લાગ્યો ત્યાં જ બાનીએ એણે રોક્યો, “ઓય્ય..!! એવી રીતે મને છોડીને જશે..??” એટલું કહીને એ સીધી જ હગ કરતાં લપકી બેસી અને એ આંગતૂકે પણ પોતાનો માસ્ક ઉપર કરીને બાનીના હોઠને લપાકથી પોતાનાં હોઠોમાં દબાવી દીધા. બંને ગાઢ ચુંબનમાં સરી પડ્યા કારણકે તેઓ જાણતા હતાં આ મુલાકાત બાદ હવે લાઈફમાં ક્યારે પણ મળી શકાશે નહીં...!! થોડી સેકેન્ડો બાદ બંને છુટા પડ્યા. ત્યાં જ ઈવાને કહ્યું, “ બાની મને પણ થોડું ચખાવને..!!” અને ફરી બધા ફ્રેન્ડો ધીમેથી હસી પડ્યા. એ આંગતૂકે ફરી માસ્ક મોઢા પર ચડાવ્યું અને સીધો ટટ્ટાર થઈને નીકળી ગયો.

“તમે તૈયાર છો ને ?” ઊંડો શ્વાસ લેતા બાનીએ આંખના આંસુઓ લૂછતાં પૂછ્યું.

“હા અમે તૈયાર છે. વિડીઓ કરવા માટે તૈયાર છે ને ઈવાન ?” ટીપીએ પૂછ્યું.

“યેસ..” ઈવાને નાક ફુલાવતા કહ્યું. બાનીએ ફરી ઊંડો શ્વાસ લીધો. થોડી મિનિટો એને આંખ બંધ કરી પછી ખોલી.

“હાય તમે બધા જ મને જાણો છો. હું બાની ઉર્ફ......!! વીડિઓ રેકોર્ડીંગ કરવાનું કારણ એટલું જ કે સમગ્ર વિશ્વને એક પુખતો સબૂત જોઈએ છે. એ કઠણ કાળજાવાળો હિંસક ખુલેઆમ ફરી રહ્યો છે. એ દરીદાનો ખાતમો કરવા આજે હું જઈ રહી છું. હું તમને બધું જ વિગતમાં કહેતી જઈશ.....”

“ઓ.કે.” ઈવાને મુંગામોઢે ઈશારા કરતા અગુંઠો દેખાડતા કહ્યું અને રેકોર્ડીંગ કરવાનું બંધ કર્યું. બાની થોડો આરામ કરવા માટે સોફા ચેર પર બેઠી. પોતાનાં બંને હાથમાં ગ્લવ્ઝ પહેર્યા. ટીપીએ એ પિસ્તોલને સાફ કરીને ફરી આપી. બાની એ પિસ્તોલને કેટલી મિનિટો સુધી પ્યારથી જોતી રહી.

“ભાગ બાની ભાગ...બાની ભાગ...” ટીપીએ એક્ઝેક્ટ અડધો કલાક બાદ પોતાનાં કાંડા ઘડિયાળમાં જોતા કહ્યું.

****

“કેટલા સારા વ્યક્તિ હતાં..!! કાર્તિકભાઈએ પોતાની જિંદગી પોતાનાં પરિવાર માટે જ કાઢી દીધી.” બાનીના દાદાએ વાત કાઢી.

“હા આ શરીર શું કામનું ? એક દિવસ તો બધાને માટીમાં જ મળવાનું છે?” દાદીએ પણ વાત આગળ ધપાવતાં કહ્યું.

“અરે દાદા દાદી જેટલી જિંદગી છે એણે માણો ને મજેથી. ‘ફાલ...તું’ માં બીજાની વાતો કરીને સમય બગાડો છો.” અરીસામાં જોતા ફાઈનલ મેકઅપનો ટચ આપતા બાનીએ કહ્યું.

“આ શરીરને સાચવવા માટે કેટલી હજામત કરીએ છીએ નય આપણે? શરીરને સારા કપડા પહેરાવીએ. પાછા ચહેરાનેય લિપસ્ટિક પાવડર લગાડીને કેટલો ચમચમતો રાખીએ. બધું જ એટલે બધું જ જન્મતાંની સાથે જ આ શરીરને કેટલું સાચવીને અને સજાવીને રાખતા હોય છે પણ અંતે તો એ સ્મશાનમાં જ પહોંચવાનું હોય છે ને...!!” બાની તરફ ઈશારો કરતા દાદીએ દાદાને કહ્યું.

“અરે દા....દી. આ કાર્તિકભાઈ પરથી તમે મારા પર આવી ગયા? યુ મીન આખી દુનિયામાં હું જ સજીસવરી રહી છું?? દાદા દાદી તમે અત્યારે જ નીકળો મારા બેડરૂમમાંથી..!! તમારા ગપ્પા તમારા બેડરૂમમાં જ શોભશે..!!” ગુસ્સો બતાવતાં બાનીએ કહ્યું.

બાની આખા પરિવારમાં લાડલી તો હતી જ પણ એના દાદા દાદીની જાન હતી. દાદા દાદી હમેશાં એની ટાંગ ખેંચતા અને બાની પણ સામેથી ઝગડવા માટે પાછળ રહેતી ન હતી. બાનીને પોતાનાં દાદા દાદી ખૂબ પ્યારા હતાં.

“ બાની” દરવાજે ટકોરા પડ્યા.

“જાસ્મીન. તમારી ફ્રેન્ડ આવી છે.” એટલું કહીને ધનાબાઈ જે ઘરની નોકર હતી. એ કહીને જતા રહ્યાં.

“આ......વીવીવીવી...” બાનીએ મોટેથી બૂમ પાડી.

“કેવી લાગી રહી છું દાદા દાદી.” બાનીએ ઝડપથી પૂછ્યું.

બાનીને કહેવું થોડી પડે કે એ કેવી લાગે છે. ઓલ સીઝન બ્યુટીફૂલ ગર્લ..!!

બાનીનો ચહેરો ‘વી’ આકારનો સહેજ ભરેલો હતો. એણી આંખો પાતળી બાદામ જેવી બ્રાઉન કલરની હતી. સેમ એ જ ટાઈપનો આંખને બંધબેસતો એનો આઈબ્રો પણ બદામી રંગનો હતો. એનું નાક ઉપરથી થોડું પાતળું અને નીચેના નસકોરાં અલગ જ મિજાજના મસ્તી કરતાં હોય તેવાં નાના બાળકની જેમ થોડાક ફૂલેલા હતાં. એના ઉપરનાં હોઠ એકદમ પાતળા ધનુષાકારનાં હતાં જયારે નીચેના હોઠ એ જ પાતળા હોઠના ડબ્બલ કહી શકાય એવાં લંબગોળ આકારનાં હતાં. એ હસતી ત્યારે અલગ પ્રકારની એની સ્માઈલ દેખાતી જાણે કોઈ નાની મસ્તીખોર છોકરી. એના વાળ પણ એવાં જ કલરનાં હતાં બ્રાઉન બાદામી. એની ચામડી એટલી ગોરી હતી જાણે પહેલી નજરમાં એમ જ લાગતું કે તે કોઈ ફોરેનરની દિકરી હોય. એની ગરદન લાંબી અને ડોકમાં જમણે બાજું નીચેની તરફ બે કાળી તિલ એક થોડી મોટી અને બીજી એના નીચે જ નાની પણ બ્રાઉન કલરની દેખાતી હતી.

“અરે બોલો ને..?” ઘાઈ દેખાડતા બાનીએ પૂછ્યું.

“તને મેકઅપ કરતા તો ક્યારે જોઈ નથી. તો આજે આટલી તૈયાર થઈને ક્યાં જાય છે? ડેટ પર?” દાદીએ આશ્ચર્યથી પ્રશ્ન પૂછ્યો.

“ના” એટલું કહીને બાની મનમાં જ બબડી ‘ચુ##’. પછી કહ્યું, ‘એકને આજે સબક શીખવાનો છે.” બાનીએ કહ્યું અને એ બેડરૂમમાંથી ઝડપથી નીકળી ગઈ.

“પણ આટલું તૈયાર થઈને..” દાદી બબડી ખરી પણ ત્યાં સુધી સાંભળવા બાની ઊભી રહી નહીં.

“ઓહ્હ જેસ્સ, માય ડાર્લિંગ જેસ્સી.” હગ કરતા બાનીએ જાસ્મીનને કહ્યું.

“ચાલ. નીકળીએ હવે?” નર્વસ ચહેરે જાસ્મીને કહ્યું.

“એ સાલા ચુ## ને..!! જો આજે અસલી લાઈન પર લાવું છું.” ઘરમાં હતી એટલે બાનીએ ધીમેથી કહ્યું.

“બાની. શું યાર સંભાળીને બોલ. એ મારો હસબન્ડ છે.” જાસ્મીને ફરી દુઃખી થતાં કહ્યું.

“એ તારો પતિપરમેશ્વર છે. તો તને પણ દેવીની જેમ રાખવું જોઈએ કે નહીં..!!” જાસ્મીનને ખેંચતા જ લઈ જતા બાનીએ કહ્યું.

(ક્રમશઃ)