Aryariddhi - 54 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૫૪


રિદ્ધિએ પોતાની આંખો ખોલીને જોયું તો તે ફરીથી એ જ જગ્યાએ ઊભી હતી જ્યાં તેણે આર્યવર્ધનને છેલ્લી વાર જોયો હતો. પણ તેના આશ્ચર્ય વચ્ચે આર્યવર્ધન તેની આંખો સામે હાથ ફેલાવીને ઊભો હતો. રિદ્ધિ દોડીને તેની પાસે જઈને તેની બાહોમાં સમાઈ ગઈ. રિદ્ધિના ચહેરા પર ખુશીની લાગણી છવાયેલી હતી. થોડીવાર પછી એકબીજાથી અલગ થયાં બાદ આર્યવર્ધન બોલ્યો, “તું બહુ જલ્દી આવી ગઈ. મને લાગ્યું નહોતું કે તું આટલી જલ્દી આવીશ.”

“હું મારૂ પ્રોમિસ પૂરું કરવા માટે ગઈ હતી અને આ વખતે હું પ્રોમિસ પૂરું કરીને આવી છું. આપણાં પ્રેમની નિશાની, ભવિષ્ય, એક સુરક્ષિત હાથમાં સોપીને આવી છું. મને વિશ્વાસ છે કે તને તારા એ પ્રેમ પર ગર્વ થશે.” રિદ્ધિએ આર્યવર્ધનનો હાથ પકડીને તેના ખભા પર માથું મૂકીને કહ્યું.

આર્યવર્ધન રિદ્ધિનો ચહેરો હાથમાં પકડીને તેના માથા પર એક કિસ કરીને બોલ્યો, “મને તારા પર પૂરો વિશ્વાસ છે અને તેની ઉપર પણ પૂરો વિશ્વાસ છે. તો હવે તું તૈયાર હોય આપણે આગળ વધીએ.” રિદ્ધિએ હસીને આર્યવર્ધનનો હાથ પકડીને આગળ ચાલવા લાગી એટલે આર્યવર્ધન પણ તેની સાથે ચાલવા લાગ્યો. થોડીવાર પછી તે બંને વાદળોમાં અદ્રશ્ય થઈ ગયાં.

અચાનક રિદ્ધિના માથા સાથે જોડેલા મોનીટરમાં એક સાયરન વાગ્યું એટલે આર્યવર્મન તરત ઊભો થઈને રિદ્ધિ પાસે આવ્યો અને તે મોનીટરમાં જોયું. તેમાં રિદ્ધિના મગજના તરંગોની સ્થિતિ બતાવતા હતાં પણ તે મોનીટર કોઈ પણ એક્ટિવિટી દર્શાવતુ નહોતું. તેના પ્રમાણે હવે રિદ્ધિનું મગજ પણ મૃત્યુ પામ્યું હતું.

આ જોઈને આર્યવર્મન પાછો પડી ગયો અને તેની ખુરશીમાં બેસી ગયો. તેને એક વાતની રાહત હતી કે ક્રિસ્ટલનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું હતું અને તેના બધા રિપોર્ટ નોર્મલ હતાં. પણ સૌથી વધુ દુઃખ રિદ્ધિના મૃત્યુનું અને પોતે કરેલા નિશ્ચયને પૂરો ના કરી શક્યો તેનું હતું.

એ દરમિયાન ભૂમિએ સંધ્યાને લેબમાં આવવા માટે મેસેજ કરી દીધી. એટલે સંધ્યા આ મેસેજ જોઈને તરત રાજવર્ધન અને મેઘના સાથે લેબમાં આવી. લેબનું દ્રશ્ય જોઈને મેઘના સહિત ત્રણેયની આંખો ખુલ્લી રહી ગઈ. એક બેડ પર રિદ્ધિનું બેજાન શરીર હતું અને બીજા બેડ પર ક્રિસ્ટલ સૂઈ રહી હતી. જ્યારે આર્યવર્મન
એક બાજુએ ખુરશીમાં માથું ઝૂકાવીને બેઠો હતો અને ભૂમિ તથા મયુરી ક્રિસ્ટલના બેડ પાસે એકબાજુએ ઊભા રહ્યા હતા.

મેઘના દોડીને રિદ્ધિ પાસે ગઈ. એક આત્મસંતોષ અને શાંતભાવે રિદ્ધિ સદાયને માટે ચીરનિદ્રા માં સૂઈ ગઈ હતી. આ જોઈને મેઘના ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી એ જોઈને રાજવર્ધનની આંખોમાં આસું આવી ગયાં. સંધ્યા પણ રડવા લાગી. પણ રાજવર્ધને ખુદને સાંભળી લીધો અને ભૂમિ સામે નજર કરી તો ભૂમિ શાંત હતી. એ જોઈને ભૂમિને પાણી લાવવા માટે કહ્યું.

મેઘના થોડા સમય સુધી રિદ્ધિને વળગીને રડતી રહી. આ મેઘના માટે સૌથી મુશ્કેલ સમય હતો. ત્યારબાદ રાજવર્ધને મેઘનાને પકડીને રિદ્ધિથી દૂર લઈ ગયો. મેઘના રિદ્ધિથી દૂર થવા માંગતી નહોતી એટલે ભૂમિ તેની પાસે આવીને તેની પીઠ સવારવા લાગી. બંને એકબીજા સાથે એક બેન્ચ પર બેસી રહ્યા.

રાજવર્ધન રિદ્ધિના બેડ પાસે જઈને રિદ્ધિના બેજાન ચહેરા પર એક નજર કરી અને ત્યારબાદ આર્યવર્મન સામે જોયું. આર્યવર્મન રાજવર્ધનની વાત સમજયો ન હોય તેમ બોલ્યો, “રાજ, તારા મનમાં જે સવાલ હોય તે તું પુછી શકે છે?”
રાજવર્ધને કહ્યું, “રિદ્ધિ હવે નથી રહી તો આપણે તેના શરીરની અંતિમ ક્રિયા કઈ રીતે કરીશું. અંતિમ સંસ્કાર કે ફ્યુનરલ?” આ વાત સાંભળીને સંધ્યા, મયુરી સહિત બધાની નજર આર્યવર્મનની સામે સ્થિર થઈ.

આર્યવર્મન ઊભો થઈને બોલ્યો, “રિદ્ધિ, હવે આ દુનિયામાં નથી રહી તે વાત આપણાં સિવાય બીજું કોઈ જાણતું નથી, રિદ્ધિના માતપિતા કે તેનો ભાઈ પણ નહીં. તો આપણે આ વાત કોઈને પણ જણાવવાની નથી. અને રહી વાત અંતિમ ક્રિયાની તો તે આપણે નહીં કરીએ. આપણે તેના શરીરને પ્રિઝર્વ કરીશું.”

“તું શું કહી રહ્યો છે એનું ભાન છે તેને?” સંધ્યાએ આર્યવર્મન સામે જોઈને ગુસ્સાથી બોલી. એટલે આર્યવર્મને પોતાના પોકેટમાંથી ફોન બહાર કાઢીને તેનું એક બટન દબાવ્યું તેનાથી લેબના એક ખૂણામાં જમીનની અંદરથી એક વેક્યૂમ ચેમ્બર બહાર આવી. આ ચેબ્મર બતાવીને આર્યવર્મન બોલ્યો, “આ ચેમ્બરમાં રિદ્ધિની બોડીને પ્રિઝર્વ કરવામાં આવશે.”

“પણ તું શા માટે રિદ્ધિની બોડીને પ્રિઝર્વ કરવા માંગે છે?” રાજવર્ધને પ્રશ્નાર્થ નજરે જોતાં પૂછ્યું. પણ આર્યવર્મન તેનો કોઈ જવાબ આપ્યા વગર રિદ્ધિના શરીરને પોતાની બાહોમાં ઊંચકી લીધું અને તે વેક્યૂમ ચેમ્બર પાસે ગયો. એટલે તરત તે ચેમ્બરમાં દરવાજો ખૂલી ગયો. આર્યવર્મને રિદ્ધિના શરીરને તે ચેમ્બરમાં મૂકી દીધું.

એટલે તે ચેમ્બરનો દરવાજો તેની જાતે જ બંધ થઈ ગયો અને તેમાં એક રંગવિહીન પ્રવાહી ભરાવા લાગ્યું. થોડીવાર માં તે પ્રવાહી વડે આખી ચેમ્બર ભરાઈ ગઈ. તેમાં રિદ્ધિનું શરીર તરતું જોઈ શકાતું હતું. પછી આર્યવર્મને તેના ફોનમાં ફરીથી બટન દબાવ્યું એટલે તે ચેમ્બર પાછી જમીનમાં જતી રહી.

રાજવર્ધને ક્રિસ્ટલ પાસે જઈને તેના માથા પર હાથ ફેરવ્યો એટલે આર્યવર્મન પાછો ફરીને બોલ્યો, “ક્રિસ્ટલ ઠીક છે અને તેના ગર્ભમાં રિદ્ધિનું બાળક પણ ઠીક છે. હવે, આપણે પંદર દિવસની રાહ જોવી પડશે ત્યારબાદ આ બાળકના ડીએનએ નો ઉપયોગ કરીને સિરમ બનાવી શકીશું. અને બીજી વાત અહી જે કઈ પણ બન્યું તે બધાએ કોઈને પણ કહેવાનું નથી. બધાને રિદ્ધિની હકીકત યોગ્ય સમય આવશે ત્યારે હું જાતે જ કહી દઇશ, હવે આપણે પાછા જઈએ.”

આટલું કહીને આર્યવર્મન બહાર નીકળી ગયો. રાજવર્ધને મેઘના સામે જોયું તો મેઘનાની રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે રાજવર્ધન તેની પાસે જાય તે પહેલાં ભૂમિ મેઘનાને શાંત કરવા માટે તેના રૂમમાં લઈ ગઈ. તેથી રાજવર્ધન લેબમાં કમ્પ્યુટર પર કામ કરવા લાગ્યો. સંધ્યાએ મયુરીને પાર્થ પાસે જવાનું કહીને પોતે ક્રિસ્ટલ પાસે રોકાઈ ગઈ.

સાંજનો સમય થયો ત્યારે મેઘનાના રૂમ ભૂમિએ મહામહેનતે મેઘનાને શાંત કરી ત્યારબાદ ભૂમિએ તેને સૂઈ જવા માટે કહ્યું. મેઘના સૂઈ ગઈ પછી ભૂમિ તેના રૂમમાંથી બહાર આવી ત્યારે રાજવર્ધન તેની સામે આવ્યો. તેને જોઈને ભૂમિ હસી પણ રાજવર્ધન તેની સામે ધ્યાન આપ્યા વગર તેના રૂમમાં જતો રહ્યો.

મયુરી એ રૂમમાં આવી જ્યાં પાર્થને રાખવામાં આવ્યો હતો. મયુરીએ જોયું તો આર્યવર્મન પહેલાંથી રૂમમાં હાજર હતો. મયુરીને જોઈને આર્યવર્મન બોલ્યો, “પાર્થને ક્લોરોફોર્મનું વધુ પ્રમાણ હોય તેવું ઈંજેકશન આપી દે. જ્યાં સુધી તેના અને મારા પેરેન્ટ્સનો ઈલાજ ન થાય તેને હોશ આવવો જોઈને નહીં. પંદર દિવસ તેને બેહોશ રાખવાનો છે અને ત્યાં સુધી તેના ઘાવ ભરાઈ જશે.” મયુરીએ માથું ઝૂકાવીને સંમતિ આપી એટલે આર્યવર્મન રૂમમાંથી બહાર જતો રહ્યો.

રાતનો સમય થયો ત્યારે ક્રિસ્ટલને હોશ આવ્યો ત્યારે તેણે જોયું તો એક બાજુએ સંધ્યા તેની પાસે બેઠી હતી જ્યારે બીજી બાજુ રિદ્ધિ જે બેડ પર હતી તે ખાલી હતો. આ જોઈને ક્રિસ્ટલ તરત જ બેઠી થઈ ગઈ અને સંધ્યાને પૂછ્યું, “સંધ્યા, રિદ્ધિ ક્યાં છે?”

ક્રિસ્ટલને શું જવાબ આપવો તે વિચારીને સંધ્યા મુંઝાઈ ગઈ. તેણે તરત આર્યવર્મનને કોલ કરીને લેબમાં આવવા માટે કહ્યું. સંધ્યાનો પરેશાન ચહેરો જોઈને ક્રિસ્ટલ સમજી ગઈ કે જરૂર રિદ્ધિ સાથે કઈક ન બનવાનું બન્યું છે. એટલે તે આર્યવર્મનના આવવાની રાહ જોવા લાગી.

પાંચ મિનિટ પછી આર્યવર્મન લેબમાં આવી ગયો. તેને જોતાં જ ક્રિસ્ટલે એ સવાલ ફરીથી પૂછ્યો એટલે આર્યવર્મને તેની પાસે આવીને તેને શાંત થવા માટે કહ્યું. ત્યારબાદ આર્યવર્મને તેને લેબમાં બનેલી આખી ઘટના વિષે ટૂંકમાં જણાવી દીધું. એ સાંભળીને ક્રિસ્ટલને શું બોલવું તે સમજાયું નહીં.

જો તે દુઃખ વ્યક્ત કરે તો તેના ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ અસર થઈ શકે તેમ હતું એટલે તેણે ફરજિયાત પણે શાંત રહેવું પડે તેમ હતું. આ સમયે તેને પોતાની ટ્રેનિગ યાદ આવી જેમાં તેને શીખવવામાં આવ્યું હતું કે કઈ રીતે પરિસ્થિતિને અનુરૂપ થઈ જવું. એટલે તે તરત શાંત થઈ ગઈ તેનાથી આર્યવર્મનને ઘણી રાહત થઈ ગઈ. હવે તેને એ દિવસની રાહ જોવાની હતી જ્યારે તે ક્રિસ્ટલના ગર્ભમાં રહેલા રિદ્ધિ અને આર્યવર્ધનના બાળકનું ડીએનએ સેમ્પલ લઈ શકે.