Koobo Sneh no - 41 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 41

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 41

અમ્માના હૈયે ચર્ચરી, ભૂતાવળ બની ડાકલા વગાડવા માંડી હતી, અને દિક્ષા સમક્ષ આમ્માએ, અમેરિકા જવા માટેની ઇચ્છા વ્યક્ત કરી.. સઘડી સંઘર્ષની....

❣️કૂબો સ્નેહનો❣️

સૂર્યનારાયણ, બિલીપત્રોમાંની છીણી પરથી છિણાઈ છિણાઈને હરિસદનમાં કણ કણ વેરાઈને અજવાળાં પાથરી રહ્યાં હતાં. બહાર એ બિલીપત્રો પણ અમંગળનો ઓછાયો ઓળખી, હલબલી ઊઠ્યાં હતાં. અમ્માને પોતાની નાનકડી અને કોમળ દુનિયાના ચૂરેચૂરા થતાં ભાસી રહ્યાં. શૂન્યમનસ્ક અમ્મા ધરતીને ખોળે દુઃખ પાથરીને આકાશ તરફ મીટ માંડી કાન્હાજીને કરગરી રહ્યાં, મનોમન એમણે કંઈ કેટલીયે બાધાઓ આખડીઓ રાખી લીધી હતી.

જ્યારે આપણું ધાર્યુ થાય તો એને પ્રભુ કૃપા કહેવાય..!! અને ન થાય ત્યારે પ્રભુ ઈચ્છા માનીને સ્વીકારવું પડે છે..!! પરંતુ આ બાબત આમ જ અમ્માને માટે સ્વીકારવું અશક્ય હતું.
અમ્મા પોતે સ્થિતપ્રજ્ઞ અને દરેક પરિસ્થિતિમાં ભીતરથી માનસિક સ્વસ્થતા ધારણ કરવા ટેવાયેલાં હતાં પણ અત્યારે તો એમનોય ઉત્પાત વધી રહ્યો હતો.

એજ દિવસથી દિક્ષાએ અમ્માના અમેરિકા જવા માટેના વિઝાની તાબડતોબ તૈયારીઓ આદરી દીધી હતી. 'કંચનબેન જગદીશભાઈ ઠાકોર' ના નામનો અરજન્ટ પાસપોર્ટ તૈયાર કરાવવા માટેની અરજી કરવામાં આવી. પાસપોર્ટ બનીને આવે ત્યાં સુધી વિઝાનું એપ્લિકેશન ફોર્મ ભરીને એને લગતા બાકી તમામ કાગળિયાં દિક્ષાએ તૈયાર કરી દીધાં હતાં. પાસપોર્ટ આવે એની રાહમાં હવે મુંબઈ જઈને વિઝા મેળવવા તૈયારીઓ આદરી. અમેરિકાની હૉસ્પિટલમાંથી વિરાજના એક્સિડન્ટ્સનો અને આમ્માને તુરંત વિઝા આપવા માટેના ફેક્સ, મુંબઈ અમેરિકન એમ્બેસીમાં કરાવવામાં આવ્યાં. અમ્માના પાસપોર્ટ પર ઇમરજન્સી ડોક્યુમેન્ટનાં આધારે વિઝાના સિક્કા લાગી ગયાં.

આમ બધું દિક્ષા અને બંસરીની મહેનતથી પાર પડતું ગયું હતું.. અમેરિકા રવાના થવા માટેની બધી તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો. બધાની ટિકિટ બુક થઈને કન્ફર્મ થઈ ગઈ હતી.

અમ્મા હજુ આ ઉંમરેય સમય સામે અડીખમ બાથ ભીડવા, ઝઝૂમવા તૈયાર હતાં. અમ્માનો આજે અવાજ કંઈક આર્દ્રને બદલે ત્રાડ બની ગયો હતો. આંખોમાં કંઈક અલગ જ ભીનાશ હતી.

પાડોશમાં રહેતા રૂખીમા વિરાજના અકસ્માતની ઘટના સાંભળીને ભોંય પર ફસડાઈ પડ્યાં હતાં અને વલોપાત કરવા લાગ્યાં.
"અરરર.. મારા વ્હાલા.. આ શું કર્યું તેં.. એણે કંઈ તારું બગાડ્યું હતું.? તે તું એને આટલું બધું પીડે છે? પરભુ તારું આટલું બધું પથ્થરા જેવું હૈયું થઈ ગ્યું સે??
ઘી-ગોળ અને ભાત કહણીને વિરુને ન ખવડાઉં ત્યૉ લગી મુ મારા મુઢામૉ ભાતનો દોણોય નઈ ઘાલું.."

રૂખીમાનું વલોપાત જોઈને અમ્માએ એમનો ઉભરો ઠાલવવા માંડ્યો હતો.
"એણે જીવનમાં ક્યારેય કોઈ જ ખોટું કામ નથી કર્યું કે કોઈનું કંઈ જ બગાડ્યું નથી.. સીધાં માણસોને જ એ આમ કેમ તડપાવે.?? શું જીવનમાં એણે કોઈનું કંઈ છીનવ્યું હતું.!?
અને મેં તો એની પાસેથી બસ પરિવાર માટે સુખનો એક ઓડકાર જ માંગ્યો હતો ને.??
આવાં ઊંડા ઘાવ આપ્યા છે!! તો એને ખમવાની શક્તિ પણ આપજે કાન્હાજી.."

"કંચન તારે જીવનમાં કેટકેટલાં ખટમીઠા કર્મો અને કસોટીઓમાંથી પસાર થવાનું લખાયું સે એજ હમજાતું નથી!! હશે પરભુ પર ભરોસો રાખ.., સૌ સારાવાના થાહે!!" એમ કહી અમ્માને સાંત્વન આપવા લાગ્યાં હતાં.

"વહુભા વિરુને કોના ભરોસે મૂકીને આવ્યાં તમે.. આમ હળવાફૂલ રહી શકવાનો કસબ સહેલો નથી‌ હો.!!" આખાં બોલા રૂખીમાએ દિક્ષાને સીધું જ પૂછી લીધું હતું.

"બંસરી...
બંસરી છે ને ત્યાં રૂખીમા..,
વિરુ અને હું, અહીંથી માયામી શહેરમાં પહોંચ્યા પછી મેં પણ જૉબ શરૂ કરી દીધી હતી.. જ્યાં હું જૉબ કરતી હતી, ત્યાં બંસરી નામની એક છોકરી પણ કામ કરતી હતી. હસમુખી સ્વભાવની બંસરી સાથે મારે સારું ગોઠી ગયું હતું.. એ મારી દરેકે દરેક તકલીફોમાં મદદરૂપ થઈ છે.. મારું પહેલું સંતાન મીસ કેરેજ થયું ત્યારે હું અને વિરુ મનથી ખૂબ તૂટી ગયાં હતાં, ત્યારે બંસરીએ અમને દિલથી સહારો આપ્યો હતો.."

"આ.. મીસ.. કે...રે..જ.‌. !! એટલે હૂ કે'વાય વહુભા.!?? તમારી આવી અતરંગી અંગરેજી ભાષા હમજવી અમારા માટે અઘરી સે.."

"મારું પહેલું સંતાન પેટમાં જ સૉર થઈ ગયું હતું રૂખીમા.. એ એટલું બધું આઘાતજનક હતું કે જીરવવું અમારા માટે મુશ્કેલ થઈ પડ્યું હતું.. જ્યારે મેં મારા આંસુ સુકવવાનું શીખ્યું નહોતું ત્યારે, રડવા માટે મને જે એક ખભો મળ્યો એ બંસરીનો અને એના પરિવારનો હતો.. ત્યારે એ જ અમારી પડખે ઊભા રહ્યાં હતાં..

ત્યારથી હું અને બંસરી પાક્કા ફ્રેન્ડ બની ગયાં છીએ.. એ અમારા ઘરથી નજીક જ રહેતી હોવાથી અમે ફેમિલિયર ફ્રેન્ડસની જેમ જ રહીએ છીએ.. એકબીજાને ત્યાં અવારનવાર અવરજવર થતી રહેતી હોય છે.. એકબીજાના ઘરે જવા આવવાનુંથી લઈને નાના-મોટા દરેક પ્રસંગે એકબીજાને ત્યાં ઉપસ્થિત રહીએ છીએ.., અને એના મમ્મી પપ્પા પણ વિરુને મળીને ખૂબ પ્રફુલ્લિત થઈ જાય છે. એમનો વિરુ સાથે ખૂબ લગાવ વધી ગયો છે.. આમ એના પરિવારમાં અમારો એકબીજા વચ્ચે એક લાગણીનો સેતુ સંધાઈ ગયો છે..

બંસરીના ભાઈની દીકરી લિઝા, આયુષથી ત્રણેક મહિના નાની એટલે કે એના જેવડી જ હોવાથી આયુષ ઘણીવાર એમના ઘરે જવા માટે જીદ પકડીને બેસી જતો.. એ બંન્નેને પણ એકબીજા સાથે રમવું ખૂબ ગમે છે.. નાનપણથી જ આયુષનો પર્યાય છે લિઝા.. જાણે એકબીજાનો પડછાયો છે એમ કહેવાય.. બંને ઝગડે અને થોડીકવારમાં પાછા એક થઈ જાય.. કિટ્ટા બુચ્ચા એમની ચાલ્યા કરે પણ એકબીજા વગર ન ચાલે..

બંસરીના મમ્મી-પપ્પાએ મારું ખૂબ ધ્યાન રાખ્યું છે.. મારી બંને ડિલિવરી એમણે જ સાથે રહીને કરાવી, આયુષ અને યેશાને એમણે જ મોટા કર્યા છે.. એમણે મારા માતા-પિતાની એક ગરજ સારી છે.. અમ્મા.., હું તમને ફોન કરતી ત્યારે આપણે ઘણી વખત એ અંકલ આન્ટી વિશે વાતો થતી હતી.."
અમ્માએ મોઢું ઉપર નીચે કરી એની વાતમાં હકાર ભણ્યો હતો..

"અને વિરુના એક્સિડેન્ટની જાણ થતાં એમના પરિવારમાં પણ વિજળી ત્રાટકી હોય એવો ઝાટકો લાગ્યો હતો.. ખડે પગે સતત મારી પડખે ઊભાં રહ્યાં હતાં.. વિરુના એક્સિડેન્ટ પછી એમની સાંત્વના મને માનસિક ટેકો આપ્યો એટલું મારા માટે કાફી હતું.. નહિંતર હું આ બધું જીરવવાને લાયક નહોતી રહી.. હૉસ્પિટલના લગભગ દરેક કામકાજમાં એમણે ખભેથી ખભો બનીને સાથ સહકાર આપ્યો છે. અત્યારે એમની ત્યાં હાજરી હતી એને કારણે, હું વિરુને મૂકીને અહીં સુધી નીકળી શકી છું.."

"હંમેશાં પડકારો ઝીલવાની કંચન તારી પેલી વૃત્તિ સે ને...? એણે અંદરથી સળવળીને બળવો પોકાર્યો સે, એ એળે નહીં જાય.. વિરુને હરખભેર ઘેરે લઈ આવજે, તારામાં હામ બહુ સે.!! આ પરભુ એટલો બધોય કઠોર નથી હો.." એવું કહીને અમ્મા અને દિક્ષાને બેઉંને રૂખીમાએ આશિર્વાદ આપ્યાં હતાં.

આમ્મા સેવાભરી છાલકમાં ભીંજાવા મળે ત્યારે અતિ આનંદ વ્યક્ત કરી લેતાં હતાં. નાની નાની તકલીફોને, પરમની પ્રસાદી માની આરોગે રાખ્યો હતો પણ અત્યારે ખરી અઘરી પરીક્ષા એમના માટે ઊભી થઈ હતી.

ક્ષણિક છેતરામણી અને આભાસી દુનિયા છતાંયે રળિયામણી લાગતી સ્વપ્ન નગરીમાં વાસ્તવિક સાતત્યના ડરામણા સપનાં સાકાર લઈ રહ્યાં હતાં.
ફૂલ પર બેઠેલું ઝાકળનું નર્યુ નઠારું ફોરું એ સમયનું સાતત્યનું ઉવાચ ઓકી રહ્યું હતું.. સૂર્યનું એક કિરણ એને બાષ્પીભવન કરવા કાફી હતું. આંગળી અડાડતા જ ફુગ્ગાની જેમ ફુટી જાય એવું પરપોટા જેવું ફોરું, હેમખેમ દેશમાં પરત કેમનું લઈ અવાય.??©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 42 માં... અમ્મા, દિક્ષા અને આયુષ-યેશા અમેરિકા જવા રવાના થયાં.. ખુલ્લી પાંપણો વચ્ચે અમ્મા, એ દુઃખ દર્દો સહી શકશે.???

-આરતીસોની ©