Pentagon -17 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૧૭

પેન્ટાગોન - ૧૭

(શેઠ રતન ચંદ એનો ભૂતકાળ કહેવા તૈયાર થાય છે, કબીર પણ ભાનમાં આવી ગયેલો અને શેઠની વાત સાંભળવા બધાની સાથે બેઠેલો. આ મહેલની આત્માઓ કોણ છે એ જાણવા સૌ આતુર હતા અને એમની આતુરતાનો હવે અંત આવવાનો હતો...)

હવામાં જોઈને બોલતા હોય એમ શેઠ રતન ચંદે એમની વાત શરૂ કરેલી. બધાના કાન અને આંખો શેઠજી તરફ જ મંડાયેલા હતા. આગળની વાત શેઠજીની જુબાની જ સાંભળીયે...

એ વખતે હું યુવાન હતો. વીસ બાવીસની ઉંમર હશે. આ રાજ્ય મહારાજ ભૂપતસિંહના હાથોમાં હતું. ભૂપતસિંહ પાસે અપાર ધન વૈભવ અને સત્તા હતી. આખા મલકમાં કોઈની હિંમત ન હતી એમની સામે થવાની. સ્વભાવે એ દિલદાર હતા. જેના પર રાજી થાય એને ન્યાલ કરી દેતા. મહારાજને કળાની પણ સારી એવી સમજ હતી. નૃત્ય, સંગિત, ચિત્ર વગેરે પાછળ એ છુટ્ટા હાથે રૂપિયા વેરતા. દૂર દૂરથી લોકો એમની પાસે પોતાની કળા બતાવવા આવતા અને ભૂપતસિંહ બધાને યોગ્ય પુરસ્કાર આપી બિરદાવતા.

એ વખતે મને ચિત્ર બનાવવાનો શોખ જાગેલો. થોડાક વરસની પ્રેક્ટિસ બાદ હું અરીસામાં દેખાય એવું જ જીવતું જાગતું ચિત્ર બનાવી લેતા શીખી ગયેલો. રાજા બધાને તગડો પુરસ્કાર આપે છે એ જાણ થતાં મને પણ મનમાં ઈચ્છા થઈ ગયેલી મારું ચિત્ર રાજાને ભેંટ ધરી ઈનામ મેળવવાની...
મેં અમારા ગામની સંસ્કૃતિ બતાવતી કોઈ સુંદર સ્ત્રીનો ફોટો દોરવાનું નક્કી કર્યું હતું. એ વખતે મેં તારામતીને પાણી ભરીને ઘરે જતા જોયેલી અને એ દ્રશ્ય જોઈ મને નવું ચિત્ર દોરવા મટે પ્રેરણા મળેલી. મેં તારામતીને વિનંતી કરેલી કે મને એનું ચિત્ર બનાવવા દે. એણે ઘરે આવીને એના ધણી સાથે વાત કરવાનું કહેલું.

હું બીજે દિવસે સવારે જ ગામમાં એના ધણીનું નામ પૂછતો પહોંચી ગયેલો. પહેલા તો એ માણસે મને ચોખ્ખી ના પાડેલી પણ ચિત્ર મહારાજને ભેંટ ધરવાનું છે અને એનું મસમોટું ઈનામ મળશે એ વાત જાણી એ તૈયાર થયેલો. બદલામાં મહારાજ જે પણ ઈનામ આપે એનો અડધો ભાગ એને આપવાનું નક્કી થયેલું.

મેં તારામતીના ઘરમાં જ એનું પનિહારી રૂપે ચિત્ર તૈયાર કરેલું અને એ ચિત્ર મહારાજને ભેંટ ધર્યું ત્યારે મહારાજ ચિત્ર જોતા જ ખુશ થઈ ગયેલા. મને સારું એવું ઈનામ પણ મળેલું અને મહારાજે આ જ સ્ત્રીનું બીજું ચિત્ર તૈયાર કરવા કહેલું. હું ઘણો રાજી થયેલો, ઇનામની અડધી રકમ તારામતીના પતિને આપી ત્યારે એ પણ રાજી થઈ ગયેલો અને બીજા જેટલા ચિત્રો દોરવા હોય એટલા દોરવાની અનુમતિ આપી દીધેલી.

થોડા દિવસો બાદ મેં તારામતીને એના ઘરમાં વલોણું વલોવી માખણ કાઢતા જોયેલી અને મને એમાંથી પ્રેરણા મળેલી, નવું ચિત્ર બનાવવાની. મેં ચિત્ર બનાવવાનું ચાલું કરેલું. એ ચિત્ર દોરતી વખતે જ મને ખ્યાલ આવેલો કે મહારાજને જૂના ચિત્રમાં શું ગમેલું? તારામતીના માંસલ અંગો પર મહારાજની નજર એક ક્ષણ માટે અટકી હતી... બસ, મેં આ વખતે વલોણું વલોવતી તારામતીને એક અલ્લડ રૂપે ચિતરી! જેના અંગે અંગમાંથી રૂપ ટપકતું હોય એવી એ સ્ત્રી નજાકતતાથી એના જેવું જ મુલાયમ માખણ નીકાળી રહી હતી.

થોડીક લાલચમાં આવી બનાવેલું એ ચિત્ર જ મારા માટે મુસીબત ગયું. જેવું મહારાજે એ ચિત્ર જોયું એ હોશ ખોઈ બેઠેલા.. એમણે મારી પાસેથી તારામતી વિશેની બધી માહિતી મેળવી લીધી અને મને મોટું ઈનામ આપી રવાના કર્યો. પાછળથી મને ખબર પડેલી કે રાતના મહારાજે એમની ઘોડાગાડી તારામતીના ઘરે મોકલાવી હતી અને તારામતીને મહારાજ સાથે ભોજન કરવા બોલાવી હતી.

થોડા દિવસો બાદ મહારાજે મને મહેલમાં તેડાવેલો અને કોઈ નવું ચિત્ર દોરી લાવવા કહેલું. તારામતી કરતાંય વધારે સુંદર હોય એવી કોઈ સ્ત્રીનું ચિત્ર! હું મહારાજનો ઈશારો સમજી ગયેલો. એમને રૂપાળી સ્ત્રીઓ ગમતી હતી. મને એ વખતે એમની આ નબળાઈ દોલત કમાવાની ચાવી સમાન લાગી અને મેં આખા નગરમાં નજર દોડાવેલી...

બીજી એક નવી પરણેલી યુવાન સ્ત્રી મને દેખાઈ હતી. નદી કિનારે કપડાં ધોતી વખતે એ સહેજ વાંકી વળેલી અને એના એ રૂપાળા અંગોને ડોકિયું કરતાં જોઈ મને નવું ચિત્ર બનાવવાની પ્રેરણા મળેલી. આ વખતે મેં એ સ્ત્રીને પૂછયા વગર જ છુપાઈ છુપાઈને એને નીરખેલી અને એનું યૌવન બતાવતું, કપડાં ધોતી હોય એ વખતનું અદભૂત ચિત્ર તૈયાર કરેલું. મહારાજ એ ચિત્ર જોઈ રાજી થયેલા અને મને મારું ઈનામ મળી ગયેલું.

એ દિવસે હું મહેલમાંથી પાછો જતો હતો ત્યારે મને તારામતી સામેથી આવતી દેખાયેલી. એ મહેલના જ એક વિભાગમાંથી આવી રહી હતી અને મારી પાસેથી પસાર થતા જ એણે આગ ઝરતી નઝરે મારી સામે જોયેલું અને તિરસ્કાર પૂર્વક એ થૂંકી હતી! હું ડઘાઈ ગયેલો પણ કશું સમજ્યો ન હતો.

થોડા દિવસો બાદ હું નદી કિનારે ગયો તો ત્યાં પેલી કપડાં ધોનારી બાઈ દેખાઈ ન હતી. હું લાગટ ચાર દિવસ નદીએ જઈને જોતો રહ્યો. ઘણી બધી સ્ત્રીઓ કપડાં ધોવા આવતી પણ એ જેનું ચિત્ર મેં બનાવેલું એ નહતી દેખાતી.

ફરી રાજાનું કહેણ આવ્યું. મેં થોડી આનાકાની કરી કે નવું ચિત્ર બનાવવા માટે મારે પ્રેરણા જોઈએ. મહારાજે કહેલું કે, જીવ વહાલો હોય તો જલદી એ ખુશ થાય એવું ચિત્ર બનાવી લાવું, એમને ગમશે તો ઈનામ આપશે નહિ ગમે તો સજા!
હું થોડો ગભરાઈ ગયેલો. મહારાજની વાત માન્યા સિવાય છૂટકો જ ન હતો. હું આખા નગરમાં ભટકતો રહેલો પણ મને નવું ચિત્ર દોરવાની પ્રેરણા મળે એવી કોઈ સ્ત્રી દેખાતી ન હતી. એક દિવસ બગીચામાં રમતી એક નાની છોકરીને જોઈ મને પ્રેરણા મળેલી અને મેં એનું સુંદર ચિત્ર બનાવેલું. મહારાજ એ ચિત્ર જોઈ ખુશ થયેલા મને ઈનામ આપેલું.

મેં બીજા પણ કેટલાક ચિત્રો બનાવેલા, મહારાજને મારું કામ ગમ્યું હતું! જે જે નારીના મેં ચિત્ર બનાવી મહારાજને આપેલા એ દરેક સ્ત્રી હાલ ક્યાંય નજરે પડતી ન હતી...

ક્રમશ...


Rate & Review

Hema Patel

Hema Patel 1 year ago

Heena Suchak

Heena Suchak 1 year ago

Vijay

Vijay 2 years ago

Urja Pathak

Urja Pathak 3 years ago

Jagdish Patel

Jagdish Patel 3 years ago