Lagniyonu Shityuddh - Chapter 15 books and stories free download online pdf in Gujarati

લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 15 - છેલ્લો ભાગ

પ્રકરણ – 15

કોઈ પણ સ્ત્રીને અપમાનિત કરવાની દિશામાં પગલું લઈ રહેલા દરેક વ્યક્તિએ પોતાના અસ્તિત્વના અંતની તૈયારી રાખવી જ જોઈએ.

હવે અનંત પાસે નુપૂર સુધી પહોંચવા માટે ફક્ત 30 મિનિટનો સમય બચ્યો હતો. અનંતને અચાનક જ યાદ આવ્યું કે પેલા અજાણ્યા નંબરથી આવેલા કોલમાં તેને તેની કારની ડેકી ભૂલ્યા વગર તપાસી લેવાનો આદેશ મળ્યો હતો, પરંતુ તે તો પોતાની કાર કિલોમીટરો દૂર પાર્ક કરી ચૂક્યો હતો. તે શક્ય તેટલી વહેલી તકે એરપોર્ટ પર પહોંચવા માટે શક્ય તેટલા મોટા પગલાં લઈ રહ્યો હતો. થોડી મિનિટો પછી તે એરપોર્ટના મેઈન ગેટ પહેલાંના છેલ્લા ચાર રસ્તા પાર કરતી વખતે, ઉતાવળમાં હતો ત્યારે જ એક ઇનોવા કાર તેની સાથે મેઈન રોડ પર લગભગ 80 કિ.મી.ની ઝડપ સાથે અથડાઈ. અકસ્માત થયાની થોડી જ ક્ષણો પહેલાં, અનંતે પેલા અજાણ્યા નંબર પર પોતે ગાડીની ડેકી ચેક કરવાનું ભૂલી ગયો હોવાનો અને ટ્રાફિકજામને લીધે પોતાની ગાડી અન્ય જગ્યાએ પાર્ક કરી હોવાનો મેસેજ કર્યો અને તે તેના સદનસીબ હતા. કારની ટક્કરને લીધે તે સખત ઘાયલ થયો હતો. તેના પગમાં ખૂબ જ ઊંડો ઘાવ હતો. તે સંપૂર્ણ રીતે લોહીથી લથબથ હતો. તેણે અર્ધજાગ્રત અવસ્થામાં પોતાની આસપાસ લોકોની વિશાળ ભીડનો અભવ કર્યો. જો કે છેલ્લા બે દિવસથી નસીબથી માર ખાઈ રહેલા અનંતને હવે જાણે દૈવી સહાયતા પ્રાપ્ત થઈ હતી. ન તો પેલી ઈનોવા કારનો ડ્રાઇવર ભાગ્યો કે ન તો ભેગી થયેલી ભીડે પોતાની વ્યસ્તતા દર્શાવી. તાબડતોબ પબ્લિકે તેના માટે પાણી અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરવા માટે દોડધામ શરૂકરી તો બીજી તરફ અનંત જે કાર સાથે ટકરાયો હતો તે કાર કોઈ ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સ હતી. અનંત બેહાશીની અવસ્થામાં પણ નુપૂરનું જ નામ ઉચ્ચારી રહ્યો હતો. ભીડમાંની એક વ્યક્તિએ અનંતના પોકેટમાંથી તેનો મોબાઈલ બહાર કાઢીને કોલ લોગ્સ શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફિંગરપ્રિંટ સ્ક્રીન લૉકને કારણે કોઈ તે ફોનને અનલૉક કરી શક્યું નહીં. એ દરમ્યાન તેમાંના એકએ પાણીની એક બોટલ લાવીને અનંતનું માથું પોતાના ખોળામાં મૂકીને બીજા માણસની મદદથી તેને પાણી પાયું.

લોહીથી લથબથ અનંતમાં હજી પણ એટલી તાકાત બચી હતી કે તે પોતાનો હાથ ઊંચો કરી શકે. તેમણે પોતાની આંગળીથી ફોનને અનલૉક કરવા માટે તેનો હાથ ઉઠાવ્યો. તે વ્યક્તિએ કોલ લોગ ખોલ્યું અને "અનનોન પરસન" તરીકે માર્ક કરેલા છેલ્લા નંબર પર કોલ કરીને અનંતના અકસ્માત વિશે જાણ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ સામી વ્યક્તિએ તે કોલ કાપી નાખ્યો. ફરી એક વાર એ માણસે એ અજાણ્યા નંબર પર વાત કરવા પ્રયાસ કર્યો. ફરીથી, વારંવાર સંપર્ક માટે પ્રયાસ કર્યા પછી પણ કોઈ પ્રતિક્રિયા ન મળતાં, તે માણસે ખિજાઈને અનંતની સ્થિતિ અને અકસ્માતના લોકેશનની જાણ કરતો મેસેજ મોકલી દીધો. તે દરમિયાન એમ્બ્યુલન્સના ડ્રાઈવરએ પબ્લિકના સહયોગથી અનંતને તે ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય કર્યો. ભીડમાંથી કેટલાક લોકો તેને લઇ જવા માટે આગળ આવ્યા અને અનંતને સ્ટ્રેચર પર સુવાડ્યો. ત્યારબાદ બીજા બે લોકોએ અનંતને સ્ટ્રેચર સહિત ઊંચકીને તેને કારમાં શિફ્ટ કર્યો. ડ્રાઈવરે કાર શરૂ કરી અને લોકોની ભીડ વિખરાઈ ગઈ.

# # #

19.30 PM

"પ્લિંકક.....", તે અજ્ઞાત વ્યક્તિના ફોન પર એક મેસેજ આવે છે. ફોનના કન્ટિન્યુઅસ નોટિફિકેશન્સથી કંટાળીને એ વ્યક્તિ મેસેજબોક્સ ખોલે છે અને જેવો તો મેસેજ વાંચે છે,તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. શક્ય તેટલી ઝડપથી તે કારની ચાવી લઈને પાર્કિંગ બેઝ તરફ દોડે છે.

# # #

19.30 PM

અપોલો હોસ્પિટલ્સ,

હોસ્પિટલ દર્દીઓ અને તેમના સગાંઓની દોડધામથી ભરચક હતી. કેટલાક દર્દીઓના સગાસંબંધીઓ તેમના દર્દીઓ માટે લોહીની જરૂરિયાત માટે આમતેમ ભાગી રહ્યા હતા, તો અમુક લોકો રાહત દરની દવાની દુકાને દવા લેવા માટે લાઈનમાં ઊભા રહ્યાં હતા, બરોબર એ જ સમયે વધુ એક સ્ટ્રેચર હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ થયું. દસ મિનિટની અંદર જ ડ્રાઇવરે ઘટના સ્થળથી એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી, પરંતુ લોહી ગંઠાઈ ગયું હોવાને કારણે, અનંતની નસો બ્લોક થઈ ગઈ હતી. તે કોમામાં પહોંચવાની તૈયારીમાં જ હતો. અકસ્માત પામેલો દર્દી જાણીતા બિઝનેસમેન અનંત શાહ છે એમ ખબર પડતાં જ છ આસિસ્ટન્ટ્સ સાથેના ચાર ડોકટરોની એક ટીમે આ કેસને પોતાના હાથમાં લીધો અને તરત જ કામે વળગ્યા.

# # #

સીટબેલ્ટ પહેર્યા વગર જે છોકરીએ ક્યારેય કાર નહતી ચલાવી, તે આજે એવી રીતે કાર ચલાવી રહી હતી જેવી તેણે તે પહેલાં કદાચ ક્યારેય ડ્રાઈવ કરી નહોતી. તે હૉસ્પિટલમાં પહોંચવા માટે ઉતાવળમાં હતી. દરમિયાન, તેણીએ નુપૂરના નંબર પર કોલ કર્યો હતો.

# # #

19.50 PM,

એસવીપીઆઇ એરપોર્ટ,

અંતે, ફ્લાઇટ નંબર AI-786ની ટેકઓફ માટેની જાહેરાત પણ થઈ ગઈ. નુપૂરએ પણ પોતાનું મન મનાવી લીધું હતું. તમામ કાર્યવાહી અને ફોર્માલિટિઝ પૂરી થઈ ગઈ હતી. વાતાવરણ અને થાકથી કંટાળીને, તેણીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો પરંતુ ગમે તે કહો સાચા પ્રેમમાં એટલી તો તાકાત હોય જ છે કે તમારી કહાનીમાં ગમે તેટલા ટ્વિસ્ટ અને ટર્નિંગ પોઈન્ટ આવે પણ અંતે તમારી મંજિલ સુધી તો તમને પહોંચાડી જ દે છે. નુપૂરના હૃદયમાં એક અવાજ ઊભો થયો હતો. તેના અંતરાત્માએ તેને એક વાર પોતાનો ફોન ચેક કરવા હુકમ કર્યો. નુપૂરએ પોતાનો સ્માર્ટફોન પર્સમાંથી બહાર કાઢ્યો અને તેને સ્વિચ ઓન કર્યો. તેની સ્ક્રીન પર અજાણ્યા નંબરના કોલ્સ અને મેસેજીસનું નોટિફિકેશન ફ્લેશ થઈ રહ્યું હતું. આશ્ચર્યવશ, તેણે એ અજાણ્યા નંબર પર કોલ લગાવ્યો અને તેને છેલ્લી કેટલીક મિનિટમાં શું ઘટ્યું છે તે જાણવા મળ્યું. ધીમે ધીમે તેના ચહેરાના હાવભાવ બદલાયા અને તેણે પોતાના પરનું નિયંત્રણ ગુમાવી દીધું. તેણી જોરથી ચીસ પાડી ઊઠી. અન્ય યાત્રીઓ ચીસ સાંભળીને શુ બન્યું છે તે જાણવા એકઠા થઈ ગયા પરંતુ તે પહેલાં જ તે પોતાનું બેગ મૂકીને એરપોર્ટના એક્ઝિટ ગેટ તરફ ધસી ગઈ. પોતાનો બધો સામાન તેણે એ જ ગેટ નં .4 આગળ જ છોડી દીધો હતો, જ્યાંથી તેનો જયપુર જવા માટેનો રસ્તો શરૂ થઈ રહ્યો હતો.

# # #

થોડા રિપોર્ટ્સ અને નાની એવી સર્જરી પછી, ડોકટરોની ટીમે રાહતનો શ્વાસ લીધો. હવે અનંત સલામત હતો – ડોક્ટરો એ અનંતની સાથે આવેલા લોકોને જાણ કરી દીધી. હવે અનંત એકદમ સ્વસ્થ થઈ રહ્યો હતો અને આગામી છ કલાક પછી તેને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવવાનો હતો, ત્યાં સુધી તે અન્ડર ઓબ્ઝર્વેશન રહેવાનો હતો.

દરમિયાન જે વ્યક્તિએ અનંતના નંબર પરથી "અનનોન પર્સન" લખેલા નંબર પર કોલ કર્યો હતો, તેને અનંતના નંબર પર નુપૂર અને ધ્રુવલના અનેક મિસ કોલ્સ જોવા મળ્યા હતા. તેથી, તેણે આ બન્ને વ્યક્તિ અનંતના નજીકના સગા હશે તેમ માનીને તે બંનેને હોસ્પિટલનું સરનામું અને અનંતની સ્થિતિના સમાચાર આપતો મેસેજ મોકલી દીધો.

બીજી બાજુ, ધ્રુવલે સુરતથી અમદાવાદ આવતી 21.30 P.M. ની ફ્લાઈટની તાત્કાલિક ટિકિટ બુક કરાવી દીધી. આ બાજુ, નુપૂર પણ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. એ દરમિયાન તેને અનંતના નંબર પરથી અનંતની હાલની સ્થિતિ અને હોસ્પિટલના લોકેશનનો મેસેજ મળ્યો. તે સમજી ગઈ કે અનંતનો ફોન બીજા કોઈની પાસે છે. અનંતને કઈ જગ્યાએ દાખલ કરવામાં આવ્યો છે તે જાણવા તેણે અનંતને કોલ કર્યો. સામી વ્યક્તિએ તમામ વિગતો શેર કરી, અને નુપૂર થોડી જ મિનિટોમાં હોસ્પિટલના ત્રીજા માળે આઈસીસીયુ ખાતે પહોંચી ગઈ. તેણે ઓપરેશન થિયેટર નજીક કેટલીક ભીડ જોઈ અને ત્યાં ગઈ. તેણે અનંત માટે પૂછપરછ કરી અને તેને સમજાઈ ગયું કે હવે તે સાચા સમયે, સાચા સ્થળે અને સાચી વ્યક્તિની પાસે પહોંચી ગઈ હતી.

(આ દરમિયાન ધ્રુવલ પણ અમદાવાદમાં પહોંચી ગયો હતો, સાથે સાથે તેણે અનંતના પેરેન્ટસને પણ જાણ કરી દીધી હતી અને તેમને લઈને તે પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો.)

# # #

આગળના દિવસે,

11.00 PM,

અનંતના હોઠ ફફડ્યા અને તેણે આંખો ખોલવા માટે પ્રયાસ કર્યો. તે કઈં પણ બોલવા માટે સક્ષમ ન હતો. ધીમે ધીમે ધીમે ધીમે તેણે તેની આંખો ખોલી અને બે અસ્પષ્ટ સ્ત્રી ચહેરા તેની નજર સામે હાજર હતા. તે હજી એનેસ્થેસિયાના પ્રભાવમાં હતો પરંતુ નજર સામે આવેલા એ આભાસી છાયાને તે ઓળખી ગયો અને તેના ગાલ પર એક આંસુ સરકી ગયું. તેણે ફરીથી બોલવાનો પ્રયાસ કર્યો અને તેને તેના હોઠ પર એક નાજુક આંગળીના સ્પર્શનો અનુભવ થયો જે તેને કઈં પણ ન બોલવા દેવા માટે હતી તેમ છતાં અનંતે પ્રથમ શબ્દ ઉચ્ચાર્યો અને તે શબ્દ હતો - "નુપૂર". એ જ સમયે ફરીથી અનંતને પોતાના ગાલ પર બીજા આંસુઓનો સ્પર્શ અનુભવાયો.

થોડી મિનિટો પછી, અનંત હોશમાં આવ્યો, અને હવે તે સ્પષ્ટ રીતે ઓળખવા સક્ષમ હતો કે તે બંને ચહેરા નુપૂર અને કદાચ.... નિયતિ, હા તે નિયતિ જ હતી. અનંત પોતાને રડતા રોકી ન શક્યો જ્યાં તેની નજર નુપૂર પર ગઈ. તે ઝડપથી પથારીમાંથી ઉભો થઈ ગયો અને નુપૂરને ભેટી પડ્યો. તે બસ રડતો ગયો, રડતો ગયો અને રડતો ગયો. નુપૂર પણ રડી રહી હતી. નુપૂરે પોતાની જાતને કંટ્રોલ કરવા માટે ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ રહી. આખરે કેટલા વર્ષો પછી તેણે એ પ્રેમ, એ લાગણી, એ આલિંગનનો અનુભવ કર્યો, જેના વિશે તેણે અપેક્ષા પણ કરી ન હતી. આજે પહેલી વાર તેને પોતાના સ્ત્રી હોવા બદલ ગર્વ થઈ રહ્યો હતો. આજે પહેલી વાર તે પોતાને ખુશ, સુખી, ભાગ્યશાળી અને એનાથી પણ ખાસ અનુભવી રહી હતી, કારણ કે આજે એ વ્યક્તિએ તેને આલિંગન આપ્યું હતું જેના વિશે તેણે ક્યારેય અપેક્ષા કે આશઆ રાખી ન હતી કે તેના સ્વભાવમાં – તેના વલણમાં આટલું પરિવર્તન આવશે.

હા, આ એ જ વ્યક્તિ હતો, જેના માટે તેણે તેના સ્વભાવને બદલવાનો નિર્ણય લીધો હતો.

હા, આ એ જ વ્યક્તિ હતો, જેની સાથે તેણે ફરીથી પોતાનું જીવન જીવવાનું નક્કી કર્યું હતું

અને હા, આ એ જ મૃત વ્યક્તિ હતી, જેને ફરીથી જીવિત કરવામાં આખરે તે સફળ રહી હતી.

અનંતને પર્સનલ રૂમમાં દાખલ કરવામાં આવ્યો હતો. નુપૂરએ તેના ફોન, વૉલેટ અને કારની ચાવીઓ મેળવી લીધી હતી. તેણે હોસ્પિટલની તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી હતી. એ દરમ્યાન ધ્રુવલે પણ અનંતના મમ્મી પપ્પાને નુપૂર અને અનંતની રામકહાની સમજાવી દીધી હતી અને અનંત જેની હંમેશા ફરિયાદ કરતો રહેતો એવો તેનો અધૂરો પરિવાર નુપૂરના આગમનની સાથે જ સંપૂર્ણ બની ચૂક્યો હતો. અનંતના માતાપિતા પણ આવી સમજુ દીકરીને પોતાની દીકરી બનાવવાની એક પણ તક જતી કરવા માંગતા ન હતા. તેઓએ નુપૂરને હોસ્પિટલમાં જ ખુશી ખુશી વધાવી લીધી. નિયતિ પણ એક કલાક પછી એ જ સમયે હોસ્પિટલ પહોંચી ચૂકી હતી.

અહીં, રૂમનું વાતાવરણ વધુ રોમેન્ટિક બન્યું હતું. અનંત અને નુપૂર બંને એકબીજાને ખૂબ જ ગાઢ આલિંગન આપીને ભેટી પડ્યા હતા. બંને જણા આંસુઓની ધીમી ધારે એકબીજાનો સાથ માણી રહ્યાં હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે આ બંધન હવે કદી નહિ છૂટે. અનંત નુપૂરની ઝુલ્ફોમાં પોતાની આંગળીઓ ફેરવી રહ્યો હતો.

"ઓહ ... ક્યુટિ પાઇ લવ બર્ડઝ... ટચવુડ કપલ.. તમે બંને કેટલા સરસ લાગી રહ્યા છો. ભગવાન તમને હંમેશા ખુશ રાખે." – નિયતિના અચાનક થયેલા આગમને તે બંનેનો હેંગઓવર ઊતારી દીધો અને તે બંનેને ખ્યાલ આવ્યો કે તેઓ હજી પણ હોસ્પિટલમાં જ હતા અને બંને શરમાઈને નીચી નજરે નિયતિને જોઈ રહ્યા હતા. નિયતિ તે બંનેની હાલત જોઈને હસી રહી હતી.

"અંતે, મારો અકસ્માત મને મારી મંજિલ સુધી દોરી જ ગયો. મારી મમ્મી પછી મને મારા જીવનમાં બે શ્રેષ્ઠ સ્ત્રીમિત્રો મળી – નિયતિ અને નુપૂર", અનંત બોલ્યો.

"શટ અપ, અનંત ", નિયતિએ બૂમ પાડી. "આ બધો અમારો પ્લાન હતો."

"પ્લાન ??? અને અમારો પ્લાન મતલબ ??? ",અનંતે આશ્ચર્યસહિત પૂછ્યું, "મતલબ કે આ બધા પાછળ તમારો હાથ છે ?

"હા, પણ હું અમારી મસ્તી માટે માફી માગું છું પણ અમારો ઉદ્દેશ જરા પણ ખોટો નથી."

"એક પણ શબ્દ ન બોલશો", અનંતએ તેની વાતને વચમાં જ રોકીને મોઢું બગાડ્યું.

"એક મિનિટ...વેઈટ...અમારી યોજના...મતલબ? તમારા સિવાય બીજું કોણ છે આ પ્લાન પાછળ" નુપૂરએ પૂછ્યું, "તે હું છું અને કદાચ હંમેશા રહીશ, જો તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો", અચાનક જ પાછળથી ઘેરો અવાજ આવ્યો અને ત્યાં ઊભેલા બધાએ અવાજની તરફ નજર ફેરવી અને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા..... તે ધ્રુવલ હતો.

"ધ્રુવલ..... ? ? ? ?"

"ધ્રુવલ..... ? ? ? ?" નુપૂર અને અનંત - બંનેએ એક સાથે પ્રશ્ન કર્યો.

"હા, અમે જ હતા, અમે જ છીએ અને અમે જ હોઈશું ", નિયતિએ વાત ચાલુ રાખી. અનંતે પૂછ્યું, "મતલબ કે ગઈ કાલે કોલ પર મને ધમકી આપી રહેલી અજાણી વ્યક્તિ તમે જ... નિયતિ ? ? ?,

"હા", તેણીએ જવાબ આપ્યો,

"અને મને પણ ફ્લાઇટમાં દાખલ થવાના સમયે પણ કોલ મળ્યો હતો.",નુપૂરે પૂછ્યું.

"ચોક્કસ, તે હું પણ જ છું", નિયતિએ ધ્રુવલ સામે જોઈને આંખ મારી. નિયતિ હજી પણ હસતી હતી અને પેલા બંનેના ચહેરા જોવા જેવા હતા. બંને આશ્ચર્યસભર ચહેરે એકબીજાની સામે જોઈને હસી રહ્યા હતા.

ધ્રુવલ અંદર આવ્યો અને સાથે સાથતે અનંતના માતાપિતા પણ અંદર પ્રવેશ્યા. ધ્રુવલે બેગ મૂકીને અનંત, નુપૂર અને નિયતિને વારાફરતી ગળે મળ્યો પરંતુ નિયતિને ગળે મળવું અનંત અને નુપૂરને થોડુંક અલગ લાગ્યું. અનંત અને નુપૂર બંનેને દાળમાં કઈંક તો કાળું લાગ્યું અને તે બંનેની શંકાના સમાધાન આપતાની સાથે ધ્રુવલ અને નિયતિ બંનેએ પોતાના હાથમાં પહેરેલી એકબીજાની વેડિંગ રિંગ બતાવી.

"ઓહ ... ??? તો અમારા બંનેનું ફરીથી એકબીજાને મળવાનું કારણ તમે બંને હતા. નુપૂર અને અનંત – બંને સસ્મિત ફરી અનંતને ભેટી પડે છે.

# # #

(થોડા દિવસો પછી)

હોટેલ પેન પેસેફિક, માલદિવ્સ.

અનંત અને નુપૂર – પોતાના હનીમૂન સ્વીટની વિન્ડો પર બેઠા બેઠા વિડિયો કોલથી ધ્રુવલ અને નિયતિ સાથે વાતચીત કરી રહ્યાં હતા જે દરમ્યાન તેમને પોતાની લાગણીઓના શીતયુદ્ધ વચ્ચે ધ્રુવલ અને નિયતિને કઈ રીતે પોતાના પ્રેમની મંજિલ મળી તે વાત જાણવા મળી. એ સિવાય ધ્રુવલ અને નિયતિને કેવી રીતે ખબર પડી કે નુપૂર જયપુર જઈ રહી હતી તે રહસ્ય પણ ઊજાગર થયું, જે

હું, આદિત શાહ "અંજામ" – અનંત અને નુપૂરની આ કહાનીનો બેકસ્ટેજ રાઈટર અહીં વ્યક્ત નથી કરવાનો કારણ કે કુછ રાઝ રાઝ રહે તભી તો કહાની કા અસલી મજા બરકરાર રહેતા હૈ...

વિડિયો કોલ પૂરો થયો અને અનંત અને નુપૂર કદી છૂટા ન પડી શકે એવા ગાઢ આલિંગનમાં ખોવાઈ ગયા અનો ચાલી નીકળ્યા એક કહાનીના અંત તરફ......

.... એક એવી કહાની, જેનો અંત નથી ....પણ એ અંત એક નવી સફરનો આરંભ છે.

(સંપૂર્ણ)

અમુક વાર લાગણીઓને સમજવા માટે

લાગણીઓની જ વિરુદ્ધ એક યુદ્ધ કરવું જરૂરી છે.

“લાગણીઓનું શીતયુદ્ધ”