Angarpath - 61 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૬૧

અંગારપથ.

પ્રવીણ પીઠડીયા.

પ્રકરણ-૬૧.

સમુદ્રનાં પાણીનાં હિલોળે જેટ્ટી સાથે બાંધેલી યોટ પણ હિલોળાતી હતી. તેની આગળની અણીયાળી સરફેસ ઉપર… નીચેની બાજુ સ્ટાઈલિશ અંગ્રેજી ફોન્ટમાં, મોટા અક્ષરે ’જૂલી’ લખેલું હતું. અભિમન્યુની નજર એ શબ્દો ઉપર પડી અને તે થોભ્યો. તેની પાછળ આવતી ચારું પણ અટકી. તેણે પણ એ નામ વાંચ્યું અને તેના જીગરમાં ફાળ પડી. અનાયાસે જ તેનો હાથ અભિમન્યુનાં ખભે મૂકાયો. એ નામ વાંચીને તેના મનમાં કઈંક અકથ્ય સ્પંદન ઉઠયું હતું. રક્ષાએ સૌથી છેલ્લે ’જૂલી’ શબ્દ જ ઉચ્ચારો હતો અને ત્યારબાદ તે બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. એનો મતલબ સાફ હતો કે તેને દોઝખની યાતના પહોંચાડનાર વ્યક્તિનો આ શબ્દ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો નહિતર કોઈ વ્યક્તિ મરવાની અણી ઉપર હોય ત્યારે એવો શબ્દ ઉચ્ચારે નહી. એ તેની બહેનપણી જૂલીયાનું નામ હોવાની પૂરેપૂરી શક્યતા હતી અથવા તો અત્યારે નજરો સામે દેખાતી જૂલી નામની આ યોટ પણ હોઇ શકે.

પરંતુ જે રીતે સંજોગો આકાર પામ્યાં હતા અને તેમાથી દૂર્જન રાયસંગાનું નામ બહાર આવ્યું હતું એ જોતાં અભિમન્યુને હવે કોઈ શંકા રહી નહોતી કે રક્ષા છેલ્લે ’જૂલી’ નામની યોટ તરફ જ ઈશારો કરવા માંગતી હતી. તે આ યોટનું નામ લઈને ચોક્કસ કશુંક કહેવા માંગતી હશે, પરંતુ શું? એ તો હવે દૂર્જન સાયસંગા જ કહી શકે તેમ હતો. અને એ માટે તેની રૂબરું થવું જરૂરી હતું. તેણે જૂલી ઉપરથી નજર હટાવી અને આગળ વધ્યો.

સુશિલ દેસાઈની યોટ એકદમ વૈભવી હતી. આગળ લાંબું તૂતક હતું જે અડધી યોટ કવર કરતું હતું. એ પછી લક્ઝરીયસ કેબિન આવતું હતું અને કેબિન પુરું થતાં પાછળનું નાનું તૂતક હતું. બીજો કોઈ સમય હોત તો અભિમન્યુને જરૂર આ યોટમાં રસ પડયો હોત. કદાચ તેણે લોબોને કહીને સમુદ્રની સહેલગાહ માટે યોટ માંગી પણ હોત… પરંતુ અત્યારે એવી કોઈ બાબત તેને આકર્ષી શકે તેમ નહોતી. તેનું સમગ્ર ધ્યાન ફક્ત અને ફક્ત દૂર્જન રાયસંગા તરફ જ હતું.

યોટ ઉપર જવા માટે જેટ્ટી સાથે મજબૂત પ્લાસ્ટિકની સીડી ગોઠવાયેલી હતી. અભિમન્યુ અને ચારું સાવધાનીથી એ સીડી ચઢયા અને કેબિનનાં દરવાજાની બાજુમાં કોલામાં સંતાઈને ઉભા રહી ગયા. અંદર કશીક ધમાચકડી મચી હતી. એ અવાજો બહાર સુધી સંભળાતાં હતા.

એ ધમાચકડી દૂર્જન રાયસંગા તેના માણસોને ખખડાવતો હતો એની હતી. તેણે બે માણસોને યોટને ’ફ્રી’ કરવા મોકલ્યાં હતા જે હજું સુધી પાછાં આવ્યાં નહોતા એટલે તેનો પિત્તો ઉછળ્યો હતો. એક તો આખી રાત કોઈ કારણ વગર અહી પડયાં રહેવું પડયું હતું તેનો ક્રોધ તેને બેકાબું બનાવી રહ્યો હતો. તેમાં હવે અત્યારે પણ સમય વેડફાતો હતો એટલે તેનું મગજ ફાટીને ધૂમાડે ગયું હતું. ગઈકાલે બપોરે જ ગોવા છોડીને વિદેશ ભાગી જવાનો તેનો પ્લાન હતો. એ પ્લાનમાં તેની સ્યુટકેસ લેવા ગયેલાં માણસો મોડી સાંજે પાછા ફર્યાં હતા તેના કારણે ફાચર લાગી હતી. જ્યારે એક-એક પળ કિંમતી હોય ત્યારે એક આખાં દિવસનો વિલંબ કેમ કરીને સહન થાય..! બસ એટલે જ તે બધાને ખખડાવતો હતો.

“સાલા બધાજ બેવકૂફો ભેગા થયા છે. જા હવે, મારું મોઢું શું જૂએ છે..? જઈને જોતો ખરો કે એ હરામખોરોને કેમ આટલી વાર થઈ?” તેણે તેની સામે ઉભેલાં ત્રણ માણસોમાંથી એકને ઉદ્દેશીને ઘાંટો પાડયો. વિમલ નામનો એ માણસ છટપટાયો અને તુરંત ત્યાંથી રવાનાં થયો. કેબિનનો કાચનો દરવાજો ખોલીને તે બહાર નિકળ્યો. તેનું માથું ભમવા લાગ્યું. ગઈ રાતથી બોસ તેને એલફેલ સંભળાવતાં હતા. સુટકેસ લેવા માટે જે બે માણસો ગયા હતા તેમાં એક તે પણ હતો અને એટલે જ તેણે નિચી મૂંડી કરીને બોસનાં આકરાં શબ્દો સાંભળ્યાં હતા. મનમાં ધૂંધવાતો હજું તે બહાર નિકળ્યો જ હશે કે સહસા ચોંકીને ઉભો રહી ગયો. તેને લાગ્યું કે દરવાજા પાસે કોઈ ઉભું છે. કોણ છે એ જૂએ એ પહેલાં તો તેની ગરદન ઉપર ભારે વેગથી કોઈએ કુહાડીનો આડો ઘા ઝીંકી દીધો હોય એમ પ્રહાર થયો અને ક્ષણનાં ચોથા ભાગમાં તેની આંખો આગળ અંધારું છવાયું. એક સેકન્ડ કરતાં પણ ઓછા સમયમાં એ બન્યું હતું. કોઈએ તેની ઉપર હુમલો કર્યો છે એનો આઘાત તેના હદય ઉપર છવાય એ પહેલાં તો તેના પગ લથડયાં હતા અને શરીર જાણે ગારાનું બન્યું હોય એમ ઢિલુંઢફ બનીને નીચે સરકયું હતું. પરંતુ એ નીચે પડે એ પહેલા અભિમન્યુએ તેને પોતાની બાંહોમાં ઝીલી લીધો હતો. જે કરામત થોડીવાર પહેલાં તેણે પેલા બે માણસો ઉપર અજમાવી હતી એજ કરામત અહી પણ કારગર નિવડી હતી. આડી હથેળીનો સીધો ’ચોપ’… પરફેક્ટ પોઈન્ટ ઉપર એટલી સફાઈથી ફટકારાયો હતો કે વિમલ નામનાં એ આદમીને પોતાના બચાવમાં રિએક્ટ કરવાનો સહેજે મોકો મળ્યો નહોતો. અભિમન્યુએ લગભગ તેને ઉંચકી જ લીધો હતો અને બીલકુલ અવાજ ન થાય એ રીતે ખેંચીને દરવાજાથી થોડે દૂર લઈ જઈને યોટની ફર્શ ઉપર સાવધાનીથી સુવરાવ્યો હતો. એ કામ તેણે મિનિટોમાં પતાવ્યું હતું અને વળી પાછો પોતાની જગ્યાએ આવીને ગોઠવાઈ ગયો હતો.

તેના માટે તો આ ફાયદાકારક હતું કારણકે હવે તેણે ફક્ત ત્રણ વ્યક્તિઓને જ સંભાળવાનાં હતા. વીલીએ જણાવ્યું હતું કે યોટ ઉપર છ માણસોનો કાફલો છે. એ છ માંથી ઓલરેડી ત્રણને તો તેણે રસ્તામાંથી હટાવી દીધા હતા. હવે બાકી રહ્યાં ત્રણ માણસો. અને તેમા એક દૂર્જન રાયસંગા હતો. રાયસંગાનું નામ યાદ આવતાં જ અભિમન્યુનું મોં કડવાહટથી ભરાઈ ગયું. તેણે આંખોથી જ ચારુંને સાવધ રહેવાનો ઈશારો કર્યો. હવે વધું વિચારવાનો તેની પાસે સમય નહોતો. અંદર કેબિનમાં જવાનો દરવાજો ખૂલ્લો હતો. ધીરેથી તેણે દરવાજાને ધક્કો માર્યો અને અંદરની પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી. તેનું અનુમાન સાચું હતું. યોટની આલીશાન કેબિનમાં બે માણસો ઉભા હતા. તે બન્નેની પીઠ આ તરફ હતી. તેમની બરાબર સામે પથરાયેલાં વૈભવી સોફામાં એક માણસ બેઠો હતો. અભિમન્યુએ દરવાજાને થોડો વધું ખોલી નાંખ્યો અને ધ્યાનપૂર્વક સોફા ઉપર બેસેલાં માણસને નિરખ્યો. એ દૂર્જન રાયસંગા હતો. ગોવાનો ડેપ્યૂટી ચીફ મીનીસ્ટર દૂર્જન રાયસંગા. તેને જોઈને અભિમન્યુની અધખૂલ્લી આંખમાં હિંસક ચમક ઉભરી આવી. આ ક્ષણનો જ તો તેને ઈંતજાર હતો. ’ધડાક’ કરતો કેબિનનો દરવાજો ખોલી નાંખ્યો અને વિજળીની ઝડપે તે અંદર પ્રવેશી ગયો.

@@@

દૂર્જન રાયસંગા ચોંકી ઉઠયો. દરવાજેથી અચાનક અંદર ધસી આવેલા વ્યક્તિને જોઇને ભયાનક આશ્વર્યથી તેની ભ્રકૃતીઓ ખેંચાઇ હતી. નાં, એ કોઈ પોલીસવાળા જેવો નહોતો દેખાતો. પરંતુ તેના દેદાર ભય પમાડનાર હતા. એવું લાગતું હતું કે જાણે હમણાં જ તે કોઈ ખુંખાર જંગાંથી સીધો જ અહી ચાલ્યો આવ્યો હોય. ભયાનક જખમોથી તેનું આખું શરીર છલણી થયેલું હતું. તેણે પહેરેલા વસ્ત્રો ઉપર લોહીનાં ઓઘરાળા ફેલાયેલાં હતા. તેનો એક ખભામાં વારેવારે ઝટકા આવતાં હોય એમ હલતો હતો અને ઉફ્ફ… તેનો ચહેરો! કોઈએ એ ચહેરા સાથે બર્બરતા પૂર્વક બેતહાશા જૂલમ ગુજાર્યો હોય એમ ઠેકઠેકાણે ઉંડા ઘાવનાં નિશાનો હતા. તેમાંય સૌથી વધારે ખરાબ હાલત તેની આંખોની હતી. ચહેરા ઉપર માત્ર એકજ આંખ તગતગતી હતી જ્યારે બીજી આંખનો ડોળો સોજી ગયેલાં પોપચા નીચે દબાઈ ગયો હતો. રાયસંગાને ભારે વિસ્મય ઉપજયું. એક ખ્યાલ મનમાં ઉભર્યો કે કદાચ આ પોતાની ગેંગનો જ કોઈ સભ્ય હોવો જોઈએ. પરંતુ આવાં કોઈ વ્યક્તિને તે ઓળખતો પણ હોય એવું યાદ આવ્યું નહી. અને વળી જો તે ગેંગનો સભ્ય હોય તો આ સમયે અહી કેવી રીતે હોઈ શકે? તે ગોવા છોડીને જઈ રહ્યો છે એ બાબતની ખબર તો ખુદ તેની પત્નિને પણ નથી જણાવી. રાયસંગા એકાએક જ સાવધ થયો. જરૂર કોઈ મુસીબત ઉભી થવાની છે એવા ભણકારા તેના કાને સંભળાવા લાગ્યાં.

બરાબર એ સમયે જ તેની પાછળ એક યુવતી પ્રવેશી અને… રાયસંગાની આંખો પહોળી થઈ. તે એ યુવતીને ઓળખતો હતો. અનાયાસે જ તેનો હાથ તેની ગન તરફ વળ્યો અને ભયાનક ઝડપે પેન્ટમાં ખોસેલી ગન બહાર ખેંચી તેની તરફ તાણી દીધી. દુનિયાભરનું આશ્વર્ય તેના ચહેરા ઉપર છવાયું હતું. ગોવા પોલીસની એક સબ- ઈન્સ્પેકટર ચારું દેશપાંડેને અહી જોવાની તો ઉમ્મિદ ક્યાંથી હોય તેને..!

@@@

જનાર્દન શેટ્ટીને સવારનાં પહોરમાં પથારીમાંથી જ ઉઠાવી લેવામાં આવ્યો. તેને ઈડી કાર્યાલયનાં એક ખુફિયા કમરામાં પુરવામાં આવ્યો. તે ચિખતો રહ્યો, ચિલ્લાતો રહ્યો કે તમે એક પોલીસ અફસરને આવી રીતે પકડી ન શકો. પણ તેનું સાંભળે કોણ..? આખરે ઘણાં ધમપછાડાં પછી તે સમજી ગયો કે તેનો સમય સમાપ્ત થઇ ગયો છે એટલે ખામોશ બનીને એ અંધારિયા કમરાનાં એક ખૂણે બેસી પડયો. આવું કેમ કરતાં થયું અને આની પાછળ કોનો હાથ હોઈ શકે એ ન સમજે એટલો નાદાન તે નહોતો. ઘરેથી ઉઠાવવામાં આવ્યો ત્યારે જ તેણે મગજ કસવાનું શરૂ કરી દીધું હતું કે સમગ્ર ગોવામાં એવું કોણ હતું જે તેની ઉપર હાથ નાંખી શકે. અને રહી-રહીને એકજ નામ તેના જહેનમાં ઉભરતું હતું.

“કમબખ્ત લોબો…” તે બબડયો. હજ્જારો ગાળો તેને દીધી. એથી વિશેશ તે કંઈ કરી શકે એમ નહોતો. તેને હવે મોટા સાહેબ… અર્જૂન પવાર અહી આવે એની રાહ હતી. તે હસ્યો. એ હાસ્યમાં તેનો પરાભવ સ્પષ્ટ છલકાઈ આવ્યો હતો.

@@@

સવારનો કુમળો તડકો ગોવાની સરકારી હોસ્પિટલનાં પ્રાંગણમાં પથરાયો જ હશે કે બે સરકારી બોલેરો જીપ આવીને હોસ્પિટલનાં નાનકડાં પોર્ચમાં ઉભી રહી. તેમાથી ધડાધડ કરતાં આઠ-દસ અફસરો ઉતર્યાં અને અંદર પ્રવેશી ગયા. એ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટનાં આલા અફસરો હતા અને તેમની મંજીલ ગોવાનાં તાત્કાલિન પોલીસ કમિશ્નર અર્જૂન પવારનો કમરો હતી. તેમને સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી હતી કે તેમણે શું કરવાનું છે.

અર્જૂન પવારનાં કમરાની બહાર બે પોલીસ અફસરો તૈનાત હતા. તેમને સાઈડ કરવામાં આવ્યાં અને ED નાં અફસરો કોઈપણ પ્રકારની ઔપચારિકતા દાખવ્યાં વગર કમરાની અંદર ઘૂસી ગયા. પવાર હજું જાગ્યો જ હતો અને બાથરૂમ વગેરે પતાવીને બેડ ઉપર બેઠો હતો.

“સાવંત, કમરાનાં દરેક ખૂણાની સધન તપાસ કરો. એકપણ વસ્તું છૂટવી ન જોઈએ. જે મળે તેને એવિડન્સ બેગમાં ભરો.” એક ચશ્મિશ અફસર બધાની આગેવાની કરતો આગળ આવ્યો અને પછી તે પવાર સન્મૂખ થયો. “સર, તમારે અમારી સાથે આવવું પડશે.” તેના અવાજમાં વિનમ્રતા મિશ્રિત હુકમનો રણકો હતો. પવાર છટપટાઈ ઉઠયો. તેને આવી રીતે હુકમ આપવાવાળું હજું સુધી ગોવામાં કોઈ પેદા નહોતું થયું. તેણે પલંગ નજીકનાં ડ્રોવર પર પડેલા ફોન ઉપર નજર કરી. અને ફોન લેવા હાથ લંબાવ્યો. પરંતુ તેનો હાથ પહોંચે એ પહેલાં પેલા અફસરે ઝપટ મારીને ફોન પોતાના કબ્જામાં લઈ લીધો. પવારનો ગુસ્સો સાતમાં આસમાનને પાર કરી ગયો.

“હાઉ ડેર યું..? તેં મારાં ફોનને હાથ લગાવવાની જૂર્રત પણ કેમ કરી? તું જાણતો નથી, એક ચપટીમાં હું તને મસળી નાંખીશ. ફોન લાવ મારો.” પવારનો અવાજ રીતસરનો ધ્રૂજતો હતો અને તેની આંખોમાંથી અંગારા વરસતાં હતા. પેલા અફસરે ભારે ઠંડકથી પવારનો ફોન પોતાના સાથીદાર તરફ લંબાવ્યો. પેલાએ ફોન લીધો અને પ્લાસ્ટિકની પારદર્શક થેલીમાં નાંખ્યો. એ દરમ્યાન ચશ્મિશ અફસર પવારની એકદમ સન્મુખ આવીને ઉભો રહી ગયો. તેણે પોતાનો ચહેરો પવારનાં ચહેરાની સાવ નજીક લીધો. તેની આંખોમાં ઝાંક્યું અને એકએક શબ્દ ઉપર ભાર દઈને બોલ્યો.

“ચોક્કસ એવું કરજો. એવો સમય મળે તો..!” એ શબ્દોમાં એવી ધાર હતી કે પવાર જેવો ખૂંખાર આદમી પણ એકવખત હલી ગયો. એક સામાન્ય કક્ષાનો અફસર આ શબ્દો જો તેને કહી શકતો હોય તો એનો મતલબ કે તેને ઉપરથી પૂરા સપોર્ટ સાથે મોકલવામાં આવ્યો હશે. જો એવું હોય તો તેની પાસે અત્યારે શરણાગતી સ્વિકારવા સિવાય કોઈ રસ્તો બચતો નહોતો. તે ઢિલો પડી ગયો અને આ મામલામાંથી બહાર કેમ નિકળવું એનાં વિચારે ચડી ગયો.

“સર, આ જૂઓ…” અચાનક સાવંત નામનો અફસર પેલા ચશ્માધારી અફસર પાસે ધસી આવ્યો. તેનાં હાથમાં એક ફાઈલ હતી જે તેણે પલંગનાં ગાદલાં નીચેથી શોધી હતી. અફસરે ફાઈલ હાથમાં લીધી અને તેના પાનાં ઉથલાવાં લાગ્યો. જેમ-જેમ તે પાનાં ઉથલાવતો હતો તેમ-તેમ ચશ્મા હેઠળ દેખાતી તેની આંખો વધુંનેવધું પહોળી થતી ગઈ.

“માયગોડ…!” તે બસ એટલું જ બોલી શક્યો. તેણે નજરો ઉઠાવીને પવાર સામું જોયું. એ નજરોમાં ધ્રિણા, તિરસ્કાર અને નફરત મિશ્રિત ભાવો હતા. પવારની ગરદન આપોઆપ ઝૂકી ગઈ. “સાવંત, સાહેબને મોટા દવાખાને લઈ જવાની તૈયારીઓ આરંભો.” તે બોલ્યો અને ફરીથી ફાઈલમાં ખૂંપી ગયો.

પવારને સમજાઈ ગયું કે તેનો અંત નજદિક છે. હજું ગઈરાત્રે તે ગોવા ઉપર રાજ કરવાનાં સ્વપ્ન જોતો હતો અને એક જ રાતમાં આખી બાજી પલટાઈ ગઈ હતી. લોબોએ એવી જાળ રચી હતી કે તેમાં જનાર્દન શેટ્ટી અને અર્જૂન પવાર ફસાઈ ચૂક્યાં હતા. અને બીજી તરફ… ગોવામાં ઠેકઠેકાણે નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની ’રેડ’ પડવી શરૂ થઇ હતી. ન ભૂતો, ન ભવિષ્યતી એવું એક અભીયાન ગોવાનાં ઈતીહાસમાં નોંધાવા જઈ રહ્યું હતું.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.