Ek Umeed - 1 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 1

' એક ઉમ્મીદ ભાગ - ૧ '


દરરોજની માફક એ દિવસે પણ મુંબઈના દરિયાકાંઠે સમીસાંજ નું વાતાવરણ બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે બસ અદ્રશ્ય થવાને આરે હતો અને પંખીઓ કલબલાટ કરતા આવજો કહી રહ્યા હતા. વ્યોમમાં પથરાતા અનેક રંગો વડે આહલાદક વાતાવરણ બની રહ્યું હતું પણ એ થી તદ્દન વિરુદ્ધ દ્રશ્ય મનસ્વીના અંતરમાં પ્રવર્તતું હતું. લથડાતાં પગે એ કિનારે રહેલી પારી પર ચાલતી હતી કદાચ હવે એને કોઈ પણ જાતનો ભય રહ્યો ન હતો...! એ બસ ચાલતી હતી એક છેડેથી બીજા છેડે વારંવાર....કોણ જાણે શુ કરી રહી હતી. અચાનક એનો પગ લપસ્યો માંડ માંડ થતું શરીરનું સંતુલન છૂટ્યું અને તરત જ એક જાટકે કોઈએ એનો હાથ પકડ્યો અને તે નીચે પછડાઈ પડી. આકાશ એને જોઈ રહ્યો...એને બહુ વાગ્યું ન હતું છતાં પણ એનો ચહેરો તંગ વર્તાતો હતો, આંખો નું તેજ ઓજલ થઈ ગયું હતું એની નીચે કાળા ડાઘ પડ્યા હતા, ચૂંદળી થી ઓઢેલી થોડી ફાટેલી કુર્તિ અને મેલા ઘેલા કપડામાં મો સહિત એનું જેટલું શરીર દેખાતું હતું એમાં ક્યાંક ને ક્યાંક ઘા પડ્યા હતા. આકાશ ચિંતિત થયો. આમ તો મુંબઈ જેવા શહેર માં રાત ક્યારે પડતી જ નથી હોતી પરંતુ આવી હાલતમાં આ છોકરીને એકલી કેમ મુકવી હજુ એ વિચારમાં પડે ત્યાં એનું ધ્યાન ફરી મનસ્વી પર પડ્યું. એ ધ્રૂજતી હતી ઠંડીના કારણે કે ડર ના કારણે એ તો હવે ઈશ્વર જાણે પણ આકાશ થી રહેવાયું નહીં પોતાના કપડાં ખંખેરીને ઉભી થતી મનસ્વી ને પોતાનું ફોર્મલ જેકેટ ઓફર કર્યું. મનસ્વી એ ધ્રુજતા હાથે એને લીધું અને ઓઢીને આકાશ ની વિરુદ્ધ દિશા તરફ ચાલવા માંડી. આકાશને અજુગતું લાગ્યું એ એની પાછળ ગયો ઘણા જ રોકવાના પ્રયાસો કર્યા પરંતુ મનસ્વી ઊભી ન રહી એટલે આકાશ એની સામે જઈને ઉભો રહ્યો.


" સાંભળો તમારે ક્યાં જવાનું છે હું તમને મૂકી આવીશ ચિંતા ન કરો " આકાશ ચિંતિત સ્વરે બોલી ઉઠ્યો .
" જ્યાં જવાનું હતું ત્યાં તો જવા ન દીધું " મનસ્વી ની આંખમાંથી એક અશ્રુ ડોક્યુ કરી આવ્યું.
" એટલે...એટલે તમે....ઓહહ જુવો આવી રીતે હિંમત ન હારી જવાય. મને કહો તમારે ક્યાં જવું છે ? " આકાશે ફરી પ્રશ્ન કર્યો.
" ખબર નથી " બહુ જ ધીમે બે શબ્દો બોલી.
" શુ ? " સામેથી કોઈ જ જવાબ ન આવ્યો એટલે આકાશે ફરી કઈક વિચાર્યું..." એક કામ કરો તમે અત્યારે મારી સાથે ચાલો આપણે પછી વાત કરીશું અત્યારે તમારી હાલત પણ ખરાબ જણાય છે " આકાશે એક ટેક્સી ઉભી રાખી અને મનસ્વી ને પેહલા બેસવા હાથ લંબાવ્યો. એ હજુ ડરી રહી હતી નકારમાં માથું ધુણાવી આગળ ચાલવા નીકળી ત્યાં જ આકાશ બોલ્યો, " તમેં ચિંતા નહીં કરો તમે મારી સાથે એકદમ સેફ છો....હું તમને ખાતરી આપું છું કે હું તમને અડીશ પણ નહીં " આવું વાક્ય સાંભળતા મનસ્વી એ એક આશા ભરી નજરે આકાશ સામે જોયું અને ટેક્સીમાં બેસી ગઈ. આકાશને મુંબઇમાં જોબ મળી એને હજુ 6 મહિના જ થયા હતા એટલે એ પીજીમાં રેહતો હતો. એક દૂરના જાણીતા અંકલ આંટી એકલા રહેતા અને એમના ઘરમાં ઉપરના હિસ્સાને પીજી તરીકે આપી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આંટી ને આકાશ ગમતો પણ એ એટલા જ પ્રતિબંધો પણ મુકતા એમાંથી સૌથી પહેલો નિયમ કોઈ પણ છોકરી ક્યારેય એના ઘરનો ઉંબરો ઓળંગવી ન જોઈએ. બદલતા જમાનામાં આવા વિચારો ધરાવતા લોકોના ઘરમાં રહેવું અને એ પણ મુંબઈમાં એ આકાશ માટે અઘરું તો હતું પરંતુ ભાડું ઓછું ચૂકવવું પડતું અને મુંબઈમાં અતિ મોંઘા ભાવે મળતી કોઠીઓ કરતા એનો રૂમ પણ સારો અને જગ્યા પણ મોટી હતી એટલે એ ચલાવી લેતો. ઘરની નજીક પોહચતા જ આકાશ ચિંતિત થવા લાગ્યો. એક તો અજાણી છોકરીને લાવ્યો હતો એનું નામ તક જાણતો ન હતો અને ઉપરથી કાકી જોશે તો બબાલ થશે એની ચિંતા....! કરવું તો કરવું શું ? માનવતા ખાતર અત્યારે એને મનસ્વી ની મદદ કરવી જ રહી કારણકે એને આપેલા જવાબ પરથી સ્પષ્ટ જણાતું હતું કે એનું હાલ પુરુતું કોઈ ઠેકાણું હતું નહીં ને વળી પાછી આ છોકરી કઈક ઊલટું ન કરી બેસે.....એટલે ગમે તેમ આન્ટીની નજરથી બચતા બચાવતા એ મનસ્વી ને પોતાના રૂમમાં લઇ ગયો. મનસ્વી એ આખા રૂમ પર એક નજર ફેરવી એને એક બેચલર ના રૂમમાં રેહતી દરેક વસ્તુ દેખાઈ અને ઉપરથી સુવાની જગ્યા પર ઢગલો કરીને પડેલા કપડાં પણ દેખાયા. એક છોકરી સામે પોતાનું આવું ઇમ્પ્રેશન પડયું એથી આકાશ થોડો વિચલિત થયો એને તરત જ પોતાના બેડ પર પડેલો સમાન સરખો કરી મનસ્વી માટે જગ્યા કરવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો. મનસ્વી ને એ બાબતમાં રસ ન લાગતા એને રૂમની ડાબી તરફની દીવાલ પર મોટી બારી દેખાઈ એને એ તરફ ચાલતી પકડી...આ બાજુ વ્યર્થ પ્રયત્ન કરતા આકાશનું ધ્યાન એ તરફ ગયું અને એને જાટકો લાગ્યો. ઉભો થઇ મનસ્વીને રોકવા જાય એ પહેલાં મનસ્વી બારી પાસે બેસી ગઈ અને આકાશ તરફ જોતી રહી....ના એ આકાશ તરફ નહીં ઉપરના આકાશ તરફ. ધીમે ધીમે થતી રાતથી એનું અંતર હણાતું હતું છતાં ચંદ્રના પ્રકાશનો તેજ એના ચહેરા પર પડતો હતો અને ન જાણે કેટલા સમય પછી રાતે રોશની જોઈ હોય એવું એને લાગતું હતું. આકાશ આ જોઈને પોતાના પલંગ પર સફાળો બેઠો થયો અને હાશકારો અનુભવ્યો. એને એમ હતું કે મનસ્વી અહીં પણ કઈ કાંડ કરવા જઈ રહી છે પણ એની ધારણા ખોટી પડી એટલે એને શાંતિ થઈ. થોડી વાર બને મૌન રહ્યા....એને તોડતા આકાશ બોલ્યો, " હું આકાશ અહીં પીજી માં રહું છું. અહીંના થોડા કડક કાયદાઓ છે એટલે પ્લીઝ તમે અહીં છો એવી નોંધ કોઈને થવા દેશો નહીં. નહિતર ખોટી હેરાનગતિ થશે. અ.. અમ તમને જે જોઈતું હોય એ મને કહેજો હું તમને લઈ આપીશ પરંતુ અહીંથી બહાર નહીં જતા પ્લીઝ." આ વાક્ય સાંભળીને મનસ્વી એ આકાશ તરફ જોયું એનો પ્રશ્ન સમજી ગયો હોય એમ આકાશ બોલ્યો , " ચિંતા નહીં કરો હું તમને લઇ જઈશ બહાર પણ હું ન હોવ ત્યારે બહારથી તાળું માર્યું હશે એટલે તમારે અંદર જ રહેવું પડશે શુ છે કે મકાન માલિક જોશે ને તો ખોટી લપ માં પડાઈ નહીં ને એટલે અને હા અત્યારે ભલે તમે ત્યાં બેઠા છો પણ થોડી વારમાં આમ અંદર તરફ આવી જજો તમને કોઈ જુવે નહીં ને એટલે બાકી...." આકાશ એ એની સ્ટડી ટેબલ પરની ખુરશી લીધી અને બારી પાસે થોડે દુર ખુરશી મૂકી અને મનસ્વી ને ત્યાં બેસવા કહ્યું. મનસ્વી આકાશ ની મજબૂરી સમજી ખુરશી પર ગોઠવાઈ ગઈ. આકાશ બારી પર ગોઠવાયો.
" તમારું નામ ? " આકાશે પૂછ્યું.
" મનસ્વી " પેહલા કરતા થોડી શાંત થયેલી મનસ્વી એ ધીમેથી કહ્યું.
" અચ્છા. "
" ભૂખ લાગી છે...." મનસ્વીએ આકાશ તરફ એક નજર કરીને કહ્યું.
" શુ ખાશો ? ફોન કરી ને ઓર્ડર કરી દવ છું....અને બીજું મેગી પણ પડી છે જો એ ખાવી હોય તો હું બનાવી આપુ ? " આકાશે ઓફર કર્યો.
" માત્ર ભૂખ લાગી છે. કોઈ ક્રેવિંગસ નથી એટલે એને સંતોષવા જે પૂરતું હોય એ મને ચાલશે " મનસ્વીએ કહ્યું.
" ઠીક છે તો હું મેગી બનાવું છું અને બીજો થોડો ઘણો નાસ્તો પડ્યો છે એટલે અત્યારે કામ ચાલી જશે આઇ થિંક. " આકાશે કહ્યું અને મનસ્વીએ હામી ભરી.
" પણ....મારા ખ્યાલ થી તમારે પેહલા ફ્રેશ થઈ જવું જોઈએ અને આ બધું વાગ્યું છે એ સાફ કરી લો ત્યાં સુધી હું તમારા ખાવાની વ્યવસ્થા કરું છું " પોતની અલમારી માંથી એક ફ્રેશ ટુવાલ અને પોતાનો એક નાઈટ ડ્રેસ મનસ્વીના હાથમાં ધરીને આકાશ બોલ્યો...અને એટેચ બાથ નું બારણું ખોલી મનસ્વી ને ઉપરની તરફ રહેલું ફર્સ્ટએડ બોક્સ બતાવ્યું અને મનસ્વી અંદર ગઈ ને પોતે રૂમમાં એક ખૂણામાં પડેલો પોતાનો ઇલેક્ટ્રિક સ્ટોક અને થોડા ઘણા રસોઈના સામાન અને બે ત્રણ ડબ્બા પડ્યા હતા એ તરફ પ્રયાણ કર્યું. લગભગ અડધી કલાક પછી બાથરૂમ નો દરવાજો ખુલ્યો એટલે આકાશનું ધ્યાન એ તરફ ગયું. એ સ્તબ્ધ થઈ ગયો. પેહલાની મનસ્વી કરતા અત્યારેની મનસ્વી કંઈક અલગ જ લાગતી હતી મેંદી કલર નું ટી શર્ટ અને બ્લેક નાઈટપેન્ટ, ખુલા ભીના વાળ, નાહીને ચોખ્ખું થયેલું સાફ ઘઉં વર્ણ મો , શાંતિ મેળવ્યા બાદ ચમકતી થયેલી આંખો, ફિકા પડી ગયેલા પણ સુંદર આકાર ધરાવતા હોઠ સાથે મનસ્વી એકદમ ઉત્કૃષ્ટ કન્યા લાગી રહી હતી....એનું ધ્યાન આકાશ તરફ પડ્યું ખરી પણ નજર ભોજન તરફ ગઈ. મનસ્વીને આકાશ હજુ એમ જ તાકી રહ્યો હતો એને પોતાની તરફ આવતી જોઈ રહ્યો.......
To be continued