Ek Umeed - 11 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 11

પૂનમની રાતે ઘૂઘવાતા દરિયા ની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પત્થરમાંના એક પત્થર પર મનસ્વી દરિયાને તાકતી બેઠી હતી એની ચૂંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મથતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી.....આકાશ ત્યાં પોહચ્યો. દૂરથી જોતા આકાશને મનસ્વીને ઓળખતા જરા પણ વાર ન લાગી. પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે......

" મનસ્વી " આકાશે પાસે જઇ પાછળથી એના ખભા પર હાથ મૂક્યો.....

અચાનક કોઇનો અવાજ સાંભળતા મનસ્વીના અંતરમાં ડરનો સંચાર થયો એટલે એક ઝાટકા સાથે ઉભી થઇને બે - ચાર ડગલાં ચાલીને પાછળ ફરી....

" ઓહહ....આકાશ તું " માથે હાથ દઈ, પરસેવો લૂછી હાશકારો અનુભવતી મનસ્વીએ કહ્યું. મનસ્વીને જોઈને નિઃશબ્દ થયેલો આકાશ એમજ એની સામે જોતો રહ્યો. લાંબા સમયની મથામણ પછી મનસ્વીને જોઈને આકાશને અજુગતી શાંતિ થતી હતી જેનો ચિત્તાર એની આંખો સ્પષ્ટ કરતી હતી. ઉપરથી આટલી સરસ પૂનમની રાત નો પ્રકાશ ને દરિયાની સામેનું આ દ્રશ્ય માણવા ખૂબ છુટા છવાયા લોકો આસપાસ હતા એ પણ દૂર દૂર. એટલે આમ તો એકાંત જ કહી શકાય એવું સ્થળ હતું. આવા રમણીય દ્રશ્યની વચ્ચે મનસ્વીની સામે ઉભેલા આકાશને પોતાની મનસ્વી અંગેની અભિવ્યક્તિ કરવાનું ખૂબ જ મન થઇ આવ્યું આમ પણ એને મનસ્વી પહેલેથી જ ગમતી એમાં વળી મનસ્વી ફોન નહતી ઉઠાવતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આકાશને પાક્કો ખ્યાલ આવ્યો હતો કે મનસ્વી એના માટે શું બની ચુકી છે, પણ મિત્રતા કહો કે નારાજગી પેહલા એ ખરેખર મનસ્વીની ખબર કાઢવા માંગતો હતો.......

" શુ ? સમજે છે શું પોતાને ? " ગુસ્સાના ઢોંગ સાથે આકાશ ત્યાં એક પથ્થર પર બેસી ગયો અને મનસ્વીની સામે તાકતો રહ્યો.

મનસ્વી કળી ગઈ કે હવે સાંભળવું પડશે એટલે ચૂપચાપ મોઢું નીચે કરીને ઉભી રહી....

" ના ના એટલે તને કઈ ભાન પડે છે....ક્યાં જવાની હતી તું ? ને જો કઈ નક્કી જ કર્યું હતું તો હું તને કહી ગયો હતો ને કે પૈસા ક્યાં મુક્યા છે...લઈને જવાય ને. ઉપરથી કાકાએ પણ મને વાત કરી, તારી મહાનતા વિશે.....ને ફોન ફોન શુ કામ લઈ આપ્યો છે મેં તને ? " છેલ્લું વાક્ય બોલતા આકાશનો અવાજ ઊંચો થઈ ગયો. મનસ્વી રડમસ થઈ ગઈ ને આંખોમાંથી એક આંસુ નીકળી ગાલ પર સરકીને નીચે પડી ગયું જે આકાશ ની જાણ બહાર ન રહ્યું.

" જો મનસ્વી...." આકાશે ધીમા અવાજે સમજાવટ શરૂ કરી ત્યાં તો મનસ્વી આકાશની નજીક જઈ એને ભેટી પડી અને એકધારું રડવા લાગી એ પણ ડૂસકાં ભરી ભરી ને.....

મનસ્વીની આવી આકસ્મિક પ્રતિક્રિયાથી આકાશ અનાયાસે જ મનસ્વીના કપાળ અને વાળ પર હાથ ફેરવતો રહ્યો. મનસ્વી શુ કામ આટલું રડે છે એ તો આકાશ નહતો સમજી શકતો છતાં પણ એને શાંતવાના આપવાનો પ્રયાસ કરતો રહ્યો. લાંબી ચૂપકીદી છવાઈ હતી. મોડી રાતના વેરાન પ્રદેશમાં બે યુવાન જીવો ખીલી રહ્યા હતા. એકબાજુ મનસ્વીને સાચવતા આકાશને ચિંતા થઈ આવી કે કદાચ કાકા ને ઊંઘ ન આવી હોય....! ને બન્યું પણ એવું મનસ્વી મળી ગઈ છે એવા આકાશના સમાચાર મળ્યા પછી જ કાકાને નીંદર વળગી.

" મનસ્વી....ઓય....બસ કર.....હું તો એમ જ ગુસ્સે થયો યાર સોરી. " થોડીવાર પછી આકાશે બહુ જ શાંતિથી મનસ્વીને કહ્યું.

" આકાશ...." મનસ્વી આકાશથી થોડી અળગી થઈ આંસુ સાફ કર્યા ને ઉપર જોઈને કહ્યું.

" હમમ..." આકાશે કહ્યું.

" તારું હ્ર્દય ખૂબ વિશાળ છે....તારા નામ જેવું " ઉપર જોઈ રહેલી મનસ્વીએ પછી બાજુમાં બેઠેલા આકાશ તરફ જોઈને કહ્યું.....

" મનસ્વી...." આકાશ પોતાનું વાક્ય પૂરું ન કરી શક્યો.

" આકાશ મને અભિવ્યક્ત કરતા નથી આવડતું છતાં પણ પ્રયાસ કરું છું.....તું મારી જીવનની એક ઉમ્મીદ પરથી જીવવાનો આધાર ક્યારે બની ગયો સમજાયું જ નહીં....! તારી સાથે....." મનસ્વી વધુ કઈ કહે એ પહેલાં જ આકાશે મનસ્વીની ફરતે પોતાનો હાથ મુક્યો....

" બસ....ચિંતા નહીં કર....હું સમજુ છું. મારા પણ એ જ હાલ છે. " આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું. મનસ્વી આકાશને ખભે પોતાનું માથું ઢાળીને બેસી રહી.

" પણ હું એ લાયક નથી આકાશ. કાદચ તું મને સ્વીકારીશ પણ તારો પરિવાર, તારી આસપાસ ના લોકો મને નહીં સમજે અને સાચું કહું તો હવે કોઈ પડકાર ઝીલવાની શક્તિ નથી મારામાં.... સારો મોકો મળ્યો હતો મને.... તારા જીવનમાંથી બેદખલ થવાનો, પણ કોણ જાણે મારા ડગલાં આ દિશા તરફ આપોઆપ દોરાતા રહ્યા, જ્યારે અહીંયા પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો એ જ જગ્યા.... અરેરે હવે તો નક્કી હતું કે તને મળવાનું થશે જ. એટલે ચૂપચાપ અહીં બેઠી રહી થયું કે તને છેલ્લીવાર મળી તારી વિદાય લઈને જતી રહીશ પણ સમય તો જો આકાશ કેવા કેવા ખેલ કરાવે છે......તારી હાલત જોઈને જ સમજી ગઈ કે હવે દૂર થવું નહિ પોસાય બંનેને....સાચું ને ? પણ હું થાકી છું આકાશ....નહિ થાય હવે મારાથી કંઈ. બસ થાકી છું....." કહીને મનસ્વી આંખો મીંચીને આકાશના સાનિધ્યની એ ક્ષણને માણતી રહી.....

મનસ્વીની કોઈ વાત સાંભળીને આકાશને નવાઈ નહતી લાગી. આખરે એ સત્ય હતું. આપણા સમાજમાં દયા કરવા બધા આવી પહોંચે છે દયા ઉપજે એવી કથા સાંભળીને દડ દડ આંસુ પણ વહાવીએ છીએ પરંતુ જ્યારે ખરેખર આવી કોઈ વ્યક્તિને સાથ સહકાર કે મદદની જરૂર હોય છે ત્યારે હાથ છોડાવી દઈએ. એ સમય એને ખરા અર્થમાં સાથ આપવામાં આપણે તુચ્છતા અનુભવીએ છીએ....! પણ આકાશને મનસ્વીનું અંતિમ વાક્ય અતિ અકળાવી ગયું. જાણે અંદર ને અંદર આકાશ ગુંચવાતો હતો એને મનસ્વીને કશુંક કેહવું હતું પણ આવી હાલતમાં એ કેહવું યોગ્ય રહેશે કે કેમ ? કેહવું જોઈએ કે ન કેહવું જોઈએ ? મનસ્વી માટે આ વાત જાણવી અતિ અગત્યની હતી ને કરવી પડે એમ જ હતી પણ માનું એ શું કહી નાખ્યું હતું કે એ થાકી છે....આકાશનું મન જાણે ઉછળી ઉછળી ને કહેતું હતું કે હજુ હિંમત રાખ ઘણું સેહવાનું બાકી છે.......આકાશના ચ્હેરા પર ચિંતાની લકિરો બનતી જતી હતી....એકબાજુ પ્રિયજનને પડખે મળતી શાંતિ ને બીજી બાજુ અંતરમાં ઉઠતા તુફાન વચ્ચે આકાશ ફસાયો........
To be Continued