Ek Umeed - 4 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 4

મનસ્વી રોતા રોતા આકસ્મિકપણે ખુરશીની સામે ઉભેલા આકાશને વળગી પડી.આકાશ થોડો હલ્યો ખરી પણ અત્યારે મનસ્વીને સાચવવું આવશ્યક હતું. શાયદ મનસ્વીને મા ના ખોળાની આવશ્યકતા પડી હશે એ વિચારે આકાશ એને એમજ રહેવા દઈ એના માથા પર હાથ મૂકી એના વાળ સેહલાવતો રહ્યો.......

લગભગ અડધી કલાક આ જ સ્થિતિમાં રહેતા રહેતા મનસ્વી નિંદ્રાધીન અવસ્થામાં સમાઈ ચુકી હતી. આકાશનું ધ્યાન પડ્યું એટલે મનસ્વીને એકદમ શાંતિથી બેડ પર સુવડાવીને ચાદર ઓઢાડી પોતે નીચે સૂઈ ગયો, પણ આજે આકાશને સ્વપ્ન નગરીમાં પ્રવેશ મળે એવા કોઈ આસાર જણાતા ન હતા. છેલ્લા બે - ત્રણ દિવસથી એના જીવનમાં ક્યારેય ધાર્યું ન હોય એવી ઘટનાઓ ઘટી રહી હતી. જીવન એક નવો વણાક લઈ રહ્યું હતું. અત્યારે તો શાંતિ છે કે મનસ્વીને ઊંઘ આવી ગઈ પણ જ્યારે ઉઠશે ત્યારે એને કેમ સાચવશે અને આગળ વાત થશે ત્યારે કાનને હજુ શું સાંભળવું પડશે, મનસ્વી આગળ વાત કરશે ખરી ? ક્યાંય પોતે ઘરે ન હોય તો મનસ્વી વળી કોઇ ઊલટું પગલું નહીં ભરે ને.....આવા વિવિધ વિચારોથી આકાશનું મસ્તિષ્ક ઘેરાય રહ્યું હતું. પછી મોડા મોડા એને સ્વપ્ન નગરીમાં પ્રવેશ મળ્યો હોય તો ઈશ્વર જાણે પરંતુ કુદરત તો ક્યારેય એનો ક્રમ બદલતી નથી એટલે સવાર પડી ને સૂર્યભગવાને ફરી બારી પર ટકોર કરી અને મનસ્વીને ઊંઘને ખલેલ પોહચાડી. આંખ ખુલતા જ મનસ્વીનું ધ્યાન જમણી તરફ પડેલા નાઈટલેમ્પ ની નીચે દબાયેલી ચિઠ્ઠી પર પડ્યું એમાં સુંદર અક્ષરે માત્ર " Coming Soon " આટલુ જ લખ્યું હતું અને નીચે એક મસમોટું સ્મિત આપતું ચિત્ર દોરેલ હતું. આ જોઈ મનસ્વી હળવું હસી પણ કોણ જાણે એને ઉઠવાનું મન નહીં થતું હોય, આકાશની રાહ જોતી હશે કે પછી ગઈકાલ બનેલી ઘટનાને વાગોળતી હશે એટલે કદાચ એ પલંગ પર દરવાજા તરફ ધ્યાન ધરી એ જ સ્થિતિમાં રહી. નીચે પોતાના રસોડામાં સવાર સવાર નો ગરમાં - ગરમ ચા નાસ્તો બનાવતા કાકીની રસોડાની બારીમાંથી પોતાની એક્સરે કાઢતી નજર આમતેમ ફરી રહી હતી એવામાં બને હાથમાં લગભગ 4-5 પ્લાસ્ટિકની બેગ્સ લઈને વાયુવેગે ઉપર તરફ જતો આકાશ એમના ધ્યાન બહાર રહ્યો નહીં. ઉકળતી ચા બહાર વહેવા લાગી છે એવું ધ્યાન પડતા કાકીએ તરત ગેસ બંધ કર્યો......

થોડી વારે બહારથી લોક ખુલવાનો અવાજ આવ્યો ને એની સાથે સાથે મનસ્વીનો ચહેરો પણ ખીલી ઉઠ્યો. હજુ એક ધારે દરવાજે તાકી રહેલી મનસ્વીનું ધ્યાન આકાશ પર અટક્યું. એ પહેલી વખત આકાશને બરાબર નિહાળી રહી હતી. ઉજળો વાન, કસરત થી નહીં પણ મેટ્રોસિટીની દોડાદોડીથી કસેલું શરીર, કપાળ સુધી પોહચે એટલા થોડા જ મોટા વાળ, આંખોમાં એકલતાની પીડા ને ઘરથી થયેલા વિયોગને તેમજ પ્રાઈવેટ કંપનીમાં કામ કરી કરી ને પીસાઈ ગયાની વેદનાનો દરિયો વહેતો હોય એવી મોટી આંખો, ડાર્ક બ્લુ બોડી ફિટ ટી શર્ટ અને આજકાલના ગતકળા મુજબ બે ત્રણ કાપા પડેલા જિન્સમાં સજ્જ થયેલા આકાશને જોઈ મનસ્વી ' સારો લાગે છે ' એવું મનમાં જ બબડી. આ બાજુ આકાશે ખરીદેલો સામાન મનસ્વી તરફ ધર્યો એટલે મનસ્વી જાગૃતઅવસ્થામાં પ્રેવશી સફાળી બેઠી થઈ.

" આ થોડા કપડાં ને જરૂરી સામાન છે " પોતાના હાથમાંથી બે થેલી મનસ્વીના હાથમાં આપી આકાશે કહ્યું.

" હમમ.." નવાઈ પામેલી મનસ્વી વધુ કંઈ જ કહી ન શકી.

" અને...આ..મારો નંબર આમાં સેવ કરી રાખ્યો છે હું અહીંયા ન હોવ ત્યારે મને ફોન કરી શકશો એટલે તમને એકલું પણ નહીં લાગે " આકાશે બીજી એક બેગમાંથી એક નાનો કી-પેડ વાળો મોબાઈલ કાઢીને મનસ્વી ને આપતા જણાવ્યું.

" આકાશ મને ખબર નથી પડતી કે હું ક્યાં શબ્દોમાં તારો આભાર માનું. તે મારી માટે જે કઈ કર્યું છે......" મનસ્વી આકાશે એના માટે આટલું બધું વિચારી લીધું ને અત્યાર સુધી આવા કોઈ પુરુષને પોતે મળી જ નહતી એટલે આભાર કઈ રીતે માને એ દુવિધામાં વધુ કઇ કહે એ પેહલા જ આકાશે ઉત્તર વાળ્યો....

" તમારે કઈ જ કરવાની જરૂર નથી. બસ એટલી મહેરબાની કરજો કે મારી ગેરહાજરીમાં ક્યારેય કોઈ ઊલટું સીધું પગલું નહીં લેશો બસ....." મનસ્વી હળવું હસી સાથે આંખોને પલકારી હામી ભરી.....આકાશે એ પોતાના હાથમાં બચેલી આખરી બેગ બતાવીને મનસ્વીને નાસ્તા માટે આગ્રહ કર્યો.

" થોડી વાર પછી " એમ કહેતી મનસ્વી પોતાનો સામાન લઈ ફ્રેશ થવા બેડ પરથી નીચે ઉતરી.

" ઓહકે. એઝ યુ વિશ " એમ કહેતો આકાશ પોતાના મીની કિચન પાસે નાસ્તાની બેગ મૂકીને ખુરશી પર બેઠોને પોતાનો મોબાઈલ મચડવા લાગ્યો. "

થોડી વાર પછી મનસ્વી પોતાની ચૂંદડી સરખી કરતી કરતી બાથરૂમની બહાર નીકળી. આકાશનું ધ્યાન એના પર પડ્યું. મનસ્વી સુંદર તો હતી જ એટલે સાવ સાદા આછા ગુલાબી રંગના પંજાબી ડ્રેસ માં એની સુંદરતા ખીલી ઉઠી હતી. મનસ્વીને આ રીતે જોતા આકાશને અચાનક ઢીલા ઢીલા લઘરવઘર લાગતા નાઈટડ્રેસ પહેરીને માંડ માંડ સાચવતી મનસ્વી યાદ આવી ગઈ. આ વિચારે આકાશ મનસ્વી સામે જોઈ જોરથી હસ્યો. મનસ્વી એ આકાશ તરફ જોયું એને આ રીતે હસતો જોઈ મનસ્વીએ જાણે પોતે કઈક બરાબર નથી કર્યું એ વિચારે પોતાના કપડાં સરખા કરવા લાગી.

" રહેવા દો. સરસ લાગો છો. " આટલું બોલી ને આકાશ ફરી જોરથી હસવા લાગ્યો. મનસ્વી આકાશ ને આ રીતે જોઈ આશ્રય પામી ત્યાં તો આકાશે સફાઈ આપી.

" સોરી. એમજ એક વિચારથી હસવું આવી ગયું. બાકી બરાબર ને....? મને હતું જ આ સાઈઝ તમને થઈ જશે. તમે સામાન ચેક કર્યો ? કઈ ખૂટતું હોય તો કહી દેજો. "

" ના. જરૂર કરતાં વધુ છે. થેન્ક્સ. " મનસ્વીએ ઉત્તર વાળ્યો. બંને સંમતિ થી નાસ્તા અર્થે ફરી આકાશ બેડના ટેકે ને મનસ્વી દિવાલના ટેકે એમ ગોઠવાય ગયા. મનસ્વી કોઈ વિચારમાં ધીમે ધીમે નાસ્તો લઈ રહી હતી.

" એની પ્રોબ્લેમ ? " આકાશએ ચિંતિત સ્વરે મનસ્વીને પૂછ્યું.

" કાલથી સવારે દૂધ સાથે થોડા શાકભાજી અને રાત્રે માત્ર રોટલી લાવજે આકાશ " પોતાના માટે આકાશે આટલું બધું કર્યું હવે પોતે પણ કંઈક કરવું જોઈએ એ વિચારે મનસ્વીએ આકાશને જણાવ્યું. આકાશ કઈ બરાબર સમજતો નથી એવા પ્રતિભાવો એના ચહેરા પર વર્તતા હતા ત્યાં જ મનસ્વીએ પોતાની વાત સમજાવી.

" તારા મીની કિચેનમાં ઇલેક્ટ્રિક સ્ટવ પર કદાચ રોટલી બનાવી શક્ય નહીં બને પણ હું કોશિશ કરીશ. એટલે ત્યાર સુધી રોટલી લાવજે બાકીની રસોઈ હું બનાવી લઈશ."

" એટલે.... એવું કંઈ કરવાની જરૂર નહીં...." આકાશે આગ્રહ કર્યો.

" જ્યાં સુધી હું અહીંયા છું તને પણ ઘરની રસોઈ મળી રહેશે ને મને પણ તારો બદલો વળ્યાંની શાંતિ થશે." મનસ્વી નો નિશ્ચય દ્રઢ હતો. એ જોઈ આકાશે " ઠીક છે " એટલું જ કહ્યું. વધુ કહે પણ શું ? મનમાં તો એને પણ હરખ હતો કે ચલો કમ સે કમ મા ના હાથનું નહીં તો બીજા કોઈનું બનાવેલું જ સહી કમ સે કમ ઘર જેવું કંઈ મળશે......નાસ્તો પૂર્ણ થતાં મનસ્વી એ પોતાની ખાલી પ્લેટ બાજુ પર મૂકી કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારી.....
To Be continued