Ek Umeed - 5 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 5

" જ્યાં સુધી હું અહીંયા છું તને પણ ઘરની રસોઈ મળી રહેશે ને મને પણ તારો બદલો વળ્યાંની શાંતિ થશે." મનસ્વી નો નિશ્ચય દ્રઢ હતો. એ જોઈ આકાશે " ઠીક છે " એટલું જ કહ્યું. વધુ કહે પણ શું ? મનમાં તો એને પણ હરખ હતો કે ચલો મા ના હાથનું નહીં તો બીજા કોઈનું બનાવેલું જ સહી કમ સે કમ ઘર જેવું કંઈ મળશે......નાસ્તો પૂર્ણ થતાં મનસ્વી એ પોતાની ખાલી પ્લેટ બાજુ પર મૂકી કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારી.....


" ઘણું વિચાર્યા બાદ નિર્ણય લેવાય જ ગયો અને મેં મારો નિર્ણય મમ્મીને સ્પષ્ટ જણાવી પણ દીધો કે હવે આપણે અહીં નહીં રહીએ. ગમે ત્યાં જશું પણ અહીંયા તો નહીં જ. અહીંથી નીકળવું જ છે. મારી તો પ્રથમ ઈચ્છા એ જ હતી કે અત્યારે જ નીકળીએ પણ મારી મમ્મી છેલ્લી વખત પપ્પા ને જોવા ઇચ્છતી હતી. એમની વિધિ થઈ જાય એટલે નીકળી જઈશું એમ હજુ રસોડામાં આ વાત થઈ રહી હતી ત્યાં જ લીલા કાકી આવ્યા. દુષ્યંતના મમ્મી. મારો અને મમ્મીનો એકમાત્ર સહારો. પોતાના દીકરા અને પતિની કરતૂતો વિશે બધું જ જાણતા હતા પણ એક ગામની અબળા નારી બીજું કરે પણ શું ? કોઈ અવાજ ઉઠાવે તો બીજા હજારો લોકો એ ક્રાંતિના અવાજને દાટવા આવી પોહચે......એવી તો ગામની અભણ રૂઢિચુસ્ત પ્રજા....! કાકા તો એમની પર ઘણી વખત હાથ ચાલાકી પર પણ ઉતરી આવતા ને એ ચૂપચાપ સહન કરી લેતા. મારા વિરોધથી એ ઘણી વખત બચ્યા હતા પણ પછી કાકા પોતાની ચાલાકી અજમાવા એમને અંદર રૂમમાં પુરીને મારતા. આ દુષ્ટ કૃત્ય દરમિયાન હું દરવાજાની બહાર રહી એકધારે એને પીટતી રેહતી ને એ ખુલે એટલે તરત જ અંદર જઈ લીલાકાકીનો સહારો બનતી. પપ્પા ચિંતામાં હશે એટલે એમને વધુ ચિંતામાં નથી સંડોવવું એ વિચારે મમ્મી પપ્પા ને કઈ કહેતી જ નહીં. બધુ જ એકલે હાથે સહન કરી લેતી. હું કહેવાની કોશિશ કરતી તો મારા હાથમાંથી ફોન ખેંચી લેતી."


" એ લીલાકાકી રસોડામાં આવ્યા પછી શું થયું ? " મનસ્વી પોતાની વાત આગળ ધપાવે એ પહેલાં જ આકાશે પ્રશ્ન કર્યો.

" કઈ નહીં. રોજની જેમ મને પાણી ભરી આવવા કહ્યું. હું ઉતાવળે પગે ગામડે આવ્યા પછી મારી એકમાત્ર મિત્ર બનેલી મીના ના ઘરે પોહચી. કૂવે પાણી ભરવા સાથે જવું અમારો એક નિત્યક્રમ હતો પણ સંજોગવશ તે દિવસે મીના મારી સાથે ન આવી. હું કૂવે પાણી ભરવા એકલી જ ગઈ ને......" મનસ્વી પોતાની વાત રજુ કરી રહી હતી ત્યાં જ કોઈએ દરવાજો ખખડાવ્યો મનસ્વી અને આકાશ એકબીજાની સામે જોવા લાગ્યા........આકાશે દરવાજો ખોલ્યો તો સામે મધ્યમ કદ, અડધા ધોળા વાળ, મોટા મોટા ડાબલા પહેરેલા કાકી સીડી ચડયાના થાકથી હાંફી રહ્યા હતા.


" કાકી તમે અહીં શુ કામ આવ્યા. કઈ કામ હતું તો મને કહ્યું હોત.... હું નીચે આવી જાત. " ઉતાવળે મનસ્વીને બાથરૂમમાં છુપાવી દરવાજો ખોલી બીતા બીતા પણ સામાન્ય સ્થિતિનો દેખાડો કરતા આકાશે કાકીને કહ્યું.


" અરે.....આ જો ખીર બનાવી તી. એક દહાડે તારી મા એ કહ્યું તું કે તને ખીર બહુ ભાવે એટલે આપવા આવી." હાંફીને શાંત થતા કાકી એ અચાનક ઉપર આવી પોહચવાનું કારણ આપતા હાથમાં રહેલો સ્ટીલનો ડબ્બો આકાશના હાથમાં થમાવી કહ્યું.


" સારું. ભલે " આકાશે કાકી ઝડપથી જાય એ માટે વાત ટૂંકાવી.


" અરે વાહ....તારી મા એ શીખવ્યું નહીં કે કોઈ આવે તો એમને ચા - પાણી પુછાય...." આકાશ ને એક હાથેથી ધક્કો મારીને અંદર ધસી આવેલા કાકી એ કહ્યું. અંદર આવી કાકી બધેજ નજર ફેરવવા લાગ્યા....કાકી માટે પાણી ભરતા આકાશને એ શાંતિ થઈ કે સારું થયું મનસ્વીએ સવારે જ એનો સામાન અલમારીમાં ગોઠવીને રાખી મુક્યો....બહાર પડ્યો હોત તો આજ તો પત્યું જ હતું.....આકાશે ડબ્બો એક તરફ મૂકી કાકીને પાણી આપ્યું. પાણી પી ને હવે કઈ રીતે તપાસ માટે આકાશના રૂમમાં બેસી રહે એ માટે કાકીએ નવુ ગતકળું શોધી જ કાઢ્યું.....


" અરે.....તું ઉભો છે કેમ જા....ચાખી તો જો કેવી બની છે મને એ ખબર પડે તારી મા જેવી ખીર બની છે કે નહીં મારી "


" હં.... હા...." આ હજુ લોહી પીશે એ વિચારે આકાશ ફટાફટ એક ચમચી જલ્દીથી મોઢામાં ઠુસવા ખીરના ડબ્બા તરફ ગયો......


" હું જરા આવું હો " પાછળથી એમ કહેતા કાકીને આકાશે બાથરૂમ તરફ જતા જોયું. આકાશ કોઈ પણ રીતે એમને રોકે એ પેહલા તો કાકી આકળ્યું ખોલી આકાશ ત્યાં પહોંચે એની પેહલા અંદર પણ ચાલી ગયા ને વધુમાં દરવાજો એ બંધ કરી દીધો. બહારે ઉભો ઉભો આકાશ પાણી પાણી થઈ ગયો....પાંચ મિનિટ થઈ હજુ પણ કાકી બહાર નહતા નીકળ્યા એટલે હવે આકાશ વધુ મૂંઝાયો......


" આ બધું શું થઈ રહ્યું છે....! " આકાશ ગુંચવાયો હતો.
" આટલી ઠંડીમાં ગરમી ચડી ગઈ કે શું ? " અંદરથી અચાનક બહાર આવેલા કાકીએ અવાચક અવસ્થામાં ઘેરાયેલા આકાશને કહ્યું.


" હેં.... ન ના કાકી આ તો એમ જ " પરસેવો લૂછતા આકાશે ઉત્તર વાળ્યો.

"તે ચાલ હું નીકળું હો....યાદ કરીને ડબ્બો પાછો આપી જજે. " પોતાનું છાનબીન કરવાનું કામ પત્યું એટલે કાકી નીકળી ગયા.


" હા ભલે....હવેથી કઈ હોય તો તમે ધક્કો ન ખાતા કાકી મને બોલાવી લેવું ઠીક છે..." કાકીને ક્યારેય ન આવવા માટે આકાશે પરોક્ષ રીતે હુકમ આપ્યો.


આકાશ સડસડાટ કરતો બાથરૂમમાં પોહચ્યો. જોયું તો ખરેખર ત્યાં કોઈ જ ન હતું.....


" મનસ્વી......." ચિંતિત થયેલા આકાશ મનસ્વી ક્યાં જતી રહી એ ગડમથલમાં પડ્યો. પોતાની આસપાસ જોતા એને એટેચ બાથના ઇંગલિશ વોશરૂમ તરફ એક દીવાલપર ઉપર સહેજ મોટી ખૂલેલી બારી ધ્યાનમાં આવી. બારીની બહાર પાણીની પાઇપ હતી. વધુ કઈ સમજતા આકાશને વાર લાગી નહીં એટલે એ સીધો જ બહાર અટારીમાં પ્રવેશ્યો. થોડો વધુ આગળ તરફ આવી એને ડાબી તરફ જોયુ તો અગાશી પરથી ધીમે ધીમે પોતાને અન્યની નજરથી બચતા બચાવતા નીચે ઉતરતી મનસ્વી દેખાઈ. આકાશે હાશકારો અનુભવ્યો. મનસ્વી નીચે આવી એટલે બંને સીધા જ અંદર ગયા. આકાશે દરવાજો બંધ કર્યો. થાકેલી મનસ્વી પલંગ પર જઈને બેઠી.

" ગાંડી થઈ છો તું. આવું કોણ કરે ? તને કઈ થયુ હોત તો હું...." પાણી આપતા આકાશે ચિંતિત સ્વરે મનસ્વીને કહ્યું.


" તો...? તો શું આકાશ ? " મનસ્વી એ ઉત્તર આપવાની બદલે ફરી પ્રશ્ન વાળ્યો.


" તો...તો શું ? કઈ નહીં. એટલે કઈ નહીં નહીં પણ હજુ એક સમસ્યા દૂર થઈ નથી ત્યાં કોઈ બનાવ બન્યો હોત તો મારે તો બધું મૂકીને હોસ્પિટલના ચક્કર જ કાપવા પડે ને..." આકાશે પોતાની વ્યર્થ સફાઈ આપી.


" મને કંઈ જ ન થાત. ને આકાશ તું મને ' તું ' કહી શકે છે " હસતા હસતા પલંગ પર એક બાજુ આરામ કરવાની અવસ્થામાં ગોઠવાતી મનસ્વીએ કહ્યું.


" હમ્મ..." માથું ખંજવાળી સ્મિત આપીને આકાશે આટલું જ કહ્યું.


આકાશ ખુરશી લઈ મનસ્વીની સામે ગોઠવાયો. મનસ્વીએ અધૂરી વાત ફરી શરૂ કરી.....


' મનસ્વી એકલી જ પાણી ભરવા નીકળી પડી હતી...પણ કૂવે પોહચે એ પેહલા જ પાછળથી કોઈએ એનું મોઢું દબાવી ઢસડીને એને વાનમાં બેસાડીને લઇ જવામાં આવી હતી. અંદર બીજા બે જણા પણ હતા મનસ્વી એ લાખ વિરોધ કર્યો , બહાર નીકળવા પોતાના હાથ છટપટાવ્યા પરંતુ એક માણસ ગાડી ચલાવતો હતો ને બાકીના બે મનસ્વીને મજબૂત રીતે જકડીને બેઠા હતા છતાં મનસ્વીનું પોતાને ગમે તે રીતે છોડાવાનું પાગલપન જોઈ અંતે એક માણસે એને બેહોશ કરવાનું ઈન્જેકશન આપી દીધું.......થોડા સમય બાદ એને હોશ આવ્યો તો એ એક બંધ અંધારિયા ઓરડામાં પુરેલી હતી...ઉઠીને આસપાસ જોયું તો માત્ર તૂટેલો ફુટેલો ભંગાર કહી શકાય એવો સામાન પડ્યો હતો.....' મનસ્વી આપવીતી સંભળાવતી હતી ત્યાં જ આકાશના ફોનની રિંગ વાગી વાતમાં ફરી ખલેલ પોહચી એના કારણે આકાશ ચીડાયો પણ મા નો ફોન હતો એટલે મનસ્વીના આગ્રહથી એને વાત કરી લેવાનું નક્કી કરી ફોન ઉપાડ્યો......
To be Continued