Ek Umeed - 8 books and stories free download online pdf in Gujarati

એક ઉમ્મીદ - 8

" અરે નહિ તો મને સ્ત્રીનું અપમાન કર્યા નો ઘોર પાપ લાગશે...... અહા ! નર્ક માં પણ સ્થાન નહીં મળે....શિવ...શિવ...શિવ " આકાશે નખરા કર્યા ને બંને ખળખળાટ હસ્યા. મનસ્વીને કેટલા સમય પછી હસીને આનંદ મળ્યો.

"અત્યારે આરામ કરી લે હવે શુ કરવું છે એ વિશે સવારે વાત કરીએ....ઠીક છે....." આકાશે મનસ્વીને આશ્વાસન આપ્યું.

મનસ્વી અને આકાશ બંને કેટલીય વાર સુધી જાગતા રહ્યા...મનસ્વી ધીમે ધીમે પીડામાંથી બહાર આવતી હતી. એના ઘાવ આકાશના સાથ ને પામીને મળેલા મલમથી રૂઝાતા હતા....પોતે દિવસે સૂતી હતી એટલે એને આટલું જલ્દી ઊંઘ આવે એ શક્ય નહતું પણ આકાશને આરામ નહતો મળ્યો એટલે વાતચીત અવગણી એને આરામ કરવા દેવું યોગ્ય જણાતા આકાશના આગ્રહ થી મનસ્વી ચૂપચાપ કરવટો બદલતી રહી ને હવે પોતે શુ કરશે ? આકાશ પર વધુ બોજ બનવું એ સારું નથી....પણ આકાશે કઈક તો વિચાર્યું હશે. હું કાલે વાત કરીશ એ આશ્વાસન લઈને સ્વથતા અનુભવતા સુવાનો પ્રયત્ન માંડી રહી....આ બાજુ આકાશ ના મનમાં તુફાન મચી રહ્યું હતું .....આ થાય છે શું એના જીવનમાં ? શુ ખરેખર કોઈ મનસ્વી એના જીવનમાં આવી છે ? કે આ કોઈ સ્વપ્ન પસાર થઈ રહ્યું છે ? ને એ છે જ તો હવે પોતે શુ કરશે ? મનસ્વીને તો આશ્વાસન આપી બેઠો છે પણ પોતે એના માટે કશું જ કરી શકવા સમર્થ છે ? ઢગલાબંધ પ્રશ્નો, ધક્કા મારી મારીને આંસુ સારવા મથી રહી આંખો તેમજ થાકેલા શરીરને કારણે પોતે ક્યારે નિંદ્રાધીન થયો એની આકાશને ભાળ ન પડી.

સવાર થઈ. બંને ઉઠ્યા. મનસ્વી એ પોતે ફ્રેશ થઈ આખા રૂમની સફાઈ આદરી....બધું પતાવીને નાસ્તો બનાવા બેઠી. પોતાના કામમાં મશગુલ મનસ્વીને યાદ જ ન રહ્યું કે આકાશ સવારથી કઈ જ બોલ્યો નથી. એના હોઠ ઉચ્ચારણ કરવાનું ભૂલ્યા છે.....મનસ્વી ને ધ્યાન પડ્યું કે તરત જ આકાશ ને પોકાર્યું...." આકાશ...."

સતત મનસ્વીનો કલ્પાંત આંખ સમક્ષ પ્રસરતો હતો વળી પોતે હવે શું કરે ? એ તર્ક વિતર્કમાં શબ્દો ખોવાયા હતા એટલે મનસ્વી ની પોકાર થી માત્ર સામે જોઇને આકાશે ઇશારાથી જ ' શું ' પૂછ્યું.....

" કેમ કઈ બોલતો નથી. આ શું માંડ્યું છે ? " મનસ્વીએ ઇશરામાં જ ઉત્તર વાળ્યો.

" કંઈ નહીં " એમ ડોક હલાવી પાછો આકાશ ખુરશીમાં પગ પર પગ ચડાવી માથા પર જમણા હાથ ની બે ચાર આંગળીઓ મૂકી તર્ક વિતર્ક માં મગ્ન થયો.

મનસ્વી એ નાસ્તો બનાવી આકાશની આગળ મુક્યો ને પોતે આજે એકલી દીવાલ ના ટેકે બેઠી સામે આકાશ ની કમી મહેસુસ કરતા કરતાં મોઢામાં બે ચાર કોળિયા મુક્યા ત્યાં તો આકાશ તરફ ધ્યાન ગયું કે હજુ એને ભરેલી થાળી સામે જોયું પણ નથી એટલે મનસ્વીએ ખાધું ન પીધું સીધું જ આકાશ સામે ભરેલી થાળી ધરીને ઉભી રહી.....શરીરમાં પેટ જેવું કંઈ હોય છે એ તો ગમે તે સ્થિતિમાં ખોરાક જંખે એવો અહેસાસ આકાશને મનસ્વીના હાથમાં પકડેલી પ્લેટ જોઈને થયો. ચુપચાપ લઈને ખાય લીધું ને વળી એ જ મુદ્રામાં સરી ગયો. મનસ્વી એ પોતાનું વધેલું ઘટેલું કામ ચાલુ રાખ્યું ને ફરી ભોજનની તૈયારીઓમાં વળગી પોતાનું કામ કરતા કરતા આકાશ તરફ એક નજર કરી દેતી. જાણે મૌન વ્રત લીધું હોય એમ આકાશ કઈ જ બોલવા તૈયાર નહતો બસ મનસ્વીની સામે જોઈ લેતો. એકાદ વાર બન્નેની નજર મળી તો આકાશ એ તરત નજર ફેરવી લીધી....પોતે હજુ કઈ જ વિચારી શક્યો નથી એ અફસોસમાં મનસ્વી સાથે આંખ કેમ મિલાવી ? વાત કરવી એ તો પછીની વાત હતી. એ મનોમંથનમાં આકાશ ગુંચવાયો હતો. અહીં મનસ્વીને સમજાય રહ્યું હતું કે કદાચ આકાશ ને નહીં ગમતું હોય કે પોતે અહીં એની આસપાસ રહે આખરે પોતાને માણસ સમજવું હવે મનસ્વીને પણ વધુ પડતું લાગતું તો અન્ય પાસેથી આવી અપેક્ષા કરવી કે એ મનુષ્ય સહજ સંવેદનાઓને સમજે એ ખોટું જ કહેવાય એટલે મનસ્વી એ હવે નિર્ણય કરી લીધો હતો. બપોરનું ભોજન બનાવી પોતે વ્યવસ્થિત જમી લીધું અને આકાશ માટે ઢાંકીને રાખી દીધું ઉઠી ને પોતાના નિશ્ચય મુજબ એક પ્લાસ્ટિ ની થેલી લીધી અને પોતાને જરૂરી એવી બે ચાર વસ્તુ સાથે પહેરેલી જોડીમાં ત્યાંથી નીકળવા જઇ રહી હતી..........

" શુ ? " દરવાજો ઓળંગવા જતી મનસ્વી સામે આવી આકાશે નવાઈ પામતા ઈશારો કર્યો.

" મને લાગ્યું કે તને નથી ગમતું હું અહીંયા રહું એ " મનસ્વી એ મોઢું નીચું કરી જવાબ આપ્યો.

" માતાજી....તમે પ્લીઝ થોડો સમય આપશો મને હવે આપણે શું કરવું જોઈએ એ વિચારવા માટે " આકાશ એ ગુસ્સામાં હાથ જોડીને મનસ્વીને કહ્યું.

" પણ તું...કંઈ મેં ...પણ " મનસ્વી મોં નીચું રાખીને રડમસ અવાજે કઈક કહેવાનો પ્રયત્ન કરતી હતી....

" જો.... તું આખી જિંદગી અહીંયા રહે ને તો પણ મને જરાય વાંધો નથી. સમજાય છે...હવે ખોટું ખોટું વિચારવાનું બંધ કર બેસી જા ચુપચાપ. મને વિચારવા દે થોડીવાર પ્લીઝ " આકાશે મનસ્વીની વાત સમજી લીધી હોય એમ ઉત્તર આપ્યો.

મનસ્વી ચૂપચાપ બેસી ગઈ ને આકાશની સામે જોતી રહી. બપોરના 3 વાગ્યા ને આકાશને ફરી ભૂખની ટકોરથી ભોજન યાદ આવ્યું એટલે ગરમ કરી જમવા લાગ્યો. મનસ્વી કેટલા સમયથી પલંગ પર બેઠી બેઠી આકાશની ગતિવિધિ જોઈ રહી હતી ને વાતચીત ક્યારે શક્ય બનશે એનો ઇંતજાર કરતી રહી. જમીને ફ્રેશ થઈ આકાશની અંદર એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. બાથરૂમ માંથી બહાર નીકળીને સીધું જ મોબાઈલ લઈ કઈક કરવા લાગ્યો. સાંજના 5 વાગ્યા મનસ્વી હજુ એ જ સ્થિતિમાં હતી. લગભગ કલાક એક જેટલો સમય લઈ આકાશે મોબાઈલ મુક્યો હજુ મનસ્વીને બોલાવા જાય એ પેહલા જ મનસ્વીએ બાજુની ટેબલ પર રહેલી પેન ઉપાડી આકાશ તરફ " હું અહીંયા છું " એમ કેહવા સારું ફેંકી. આકાશને થોડું વાગ્યું ને પેન ઉપાડી પાછી ટેબલ પર મુકવા ગયો. જમણા હાથે ટેબલ પર જોરથી અવાજ સાથે પેન મૂકી અને મનસ્વી તરફ નજર કરીને આંખોથી જવાબ આપ્યો કે , " ખબર છે મને "....મનસ્વીના હોઠના ખૂણા સહેજ હલ્યા. માંડ કરીને પોતાનું હાસ્ય રોકયું ત્યાં તો....

" એક સરસ મજાની ચા બનાવને. કેટલો સમય થયો એક સારી ચા પીધી હોય એને " આકાશે મનસ્વીને આગ્રહ કર્યો.

" હમમ...." વધુ કઈ ન કેહતા આકાશ કઈક બોલ્યો ખરું એ હાશ સાથે મનસ્વી ચા બનાવા ઉઠી.

માપસરનું દૂધ મૂકી ખાંડ નાખવા ખાંડ નો ડબ્બો ખોલ્યો તો ડબ્બો ખાલી નીકળ્યો....

" આકાશ...." મનસ્વીએ ખાલી ડબ્બો બતાવતા આકાશ ને કહ્યું. વાટકી લઈને આકાશ કાકી પાસે ખાંડ લેવા નીચે ઉતર્યો. ખુશમિજાજ કાકા જિંદગીના આખરી પળોમાં પણ જીવી લેવાની ચાહ સાથે હીંચકે ઝુલતા ઝુલતા નયન બંધ રાખી પ્રકૃતિને માણી રહ્યા હતા. અચાનક આકાશના પગલાં નો અવાજ સાંભળી આંખો ઉઘાડી.

" કેમ છે બેટા ? " કાકા એ હસતા મુખ સાથે આકાશનું સ્વાગત કર્યું.

" બસ કાકા મજામાં. તમે કેમ છો ? કાકી ક્યાં ? " આકાશે આદર સાથે આવકાર સ્વીકાર્યો.

" મજામાં હો બેટા. અંદર છે એ તો " કાકાએ એમ કહી ને કાકીને બોલાવ્યું.

" અલ્યા આકાશ.... બેટા શુ વાત છે હેં ? આજકાલ તારા રૂમમાંથી સરસ મજાની રસોઈની સોડમ આવે છે ને કંઈ....." ખાવા પીવાના શોખીન કાકાથી પૂછ્યા વગર રહેવાયું નહીં અંદરથી કાકી પણ બહાર આવી પહોંચ્યા હતા.

" રસોઈયણ રાખી છે કે શું ? " પોતે આવી પહોંચ્યા છે એ જણાવા કાકીએ પણ કાકાને સુર પુરાવ્યો.

" અરે ના...ના...આ તો હોટેલથી કંટાળ્યો એટલે મમ્મીને પૂછી પૂછીને જાતે જ રસોઈ કરવાનો પ્રયત્ન કરતો હતો આમ તો કાકી છે જ પણ રોજ રોજ કોઈને હેરાન ન કરાય ને બરાબર ને કાકા....." આકાશે કાકા અને કાકી સામે વારાફરથી જોઈને હસતા મોઢે ઉત્તર આપ્યો.

" કાકી...એક વાટકી ખાંડ મળશે ? આ શું ચા બનાવતો હતો દૂધ મૂકીને આવ્યો છું એટલે ....." આકાશ વધુ કઈ જ કહે એ પેહલા કાકી એ વાટકી લીધી ને અંદરથી ખાંડ પણ લાવ્યા. આકાશ એમનો આભાર માની સડસડાટ ઉપર ગયો. મનસ્વીએ ચા બનાવી. એક ચૂસકીમાં આકાશનો આખા દિવસનો વૈચારિક થાક ઉતરી ગયો. મનસ્વી નો આભાર માની મનસ્વી બહુ જ સારી રસોઈ કરે છે જેના દીવાના હવે કાકા પણ થયા છે એ વાત આકાશે મનસ્વીને કરી....

" તું તો નહીં પણ તારે હાથે બનેલું ભોજન મને વધારે યાદ આવશે...." આકાશ એ મનસ્વીને પજવવાનું શરૂ કર્યું.

" હા બહુ સારું. " મનસ્વીએ ઉત્તર વાળ્યો.

" એક કામ કરને નાઇન ટુ ફાઈવની નોકરી કરી લે તું મારા ઘરે રસોઈયણ તરીકેની " આકાશે હસીને પજવણી ચાલુ રાખી.

" કેટલો પગાર આપીશ ? " આકાશે આખા દિવસમાં હવે વાતચીત શરૂ કરી હતી એ કારણે મનસ્વીએ પણ લયમાં રીએક્ટ કરી આકાશને સાથ આપ્યો.

" તું કહે એટલો...." આકાશે મનસ્વીને કહ્યું.

" અચ્છા....તો તો સાહેબ તમે મને તમારો અડધો પગાર આપશો ને તો જ હું રસોઈ કરવા આવીશ બોલો મંજુર ? " મનસ્વીએ વાત આગળ વધારી.

" તારા મોઢે તમે સારું લાગે છે .....કેમ નથી બોલતી ? " આકાશે વાત બદલી.

" એમ જ....કોઈ એ લાયક જ નથી મળ્યુંને મને મારા જીવનમાં. એટલે હું શીખી જ નથી એ વસ્તુ. " મનસ્વીએ ગંભીર બની ઉત્તર વાળ્યો.

" તો હું કેવો છું ? લાયક કે નાલાયક ? " આકાશે મનસ્વીને ગંભીર થતી જોતા વાત મજાક માં વાળી...

" કંઈ પણ...." મનસ્વીએ હસતા હસતા ઈશારો કર્યો.

આખી સાંજ મસ્તી મજાક કરી. બંનેએ સાથે રસોઈ કરી વાળું કર્યું. ફ્રેશ થઈ બંને પોતપોતાની જગ્યા પર સુવા જતા હતા એ પેહલા મનસ્વીએ આકાશે શુ વિચાર્યું એ વિશે પૂછ્યું આકાશે હાથેથી જ તું નિશ્ચિચિંત રહે થઈ જશે બધું એમ ઈશારો કરી ને સંતુષ્ટ સ્મિત સાથે મનસ્વીને શાંતિથી આરામ કરવા કહ્યું. આકાશ વહેલી સવારે ઓફીસ જવા નીકળશે એટલે જલ્દી ઉઠીને નાસ્તો બનાવી આપીશ એ વિચારે મનસ્વી પણ એલાર્મ મૂકીને આડી પડી........
To be Continued