mara thoth vidyarthio - 21 books and stories free download online pdf in Gujarati

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 21

એક ટેભો પણ આઘાપાછો ન થાય

(મારા ઠોઠ વિદ્યાર્થીઓ – ૨૧)

આપણું જીવન એવું છે કે કયારે કયું કામ કરવા જવું પડે તેની કોઈ ખાતરી હોતી જ નથી. એટલે મારું એમ માનવું છે કે, આપણે દરેક કામની તૈયારી રાખવી જોઈએ. કયારેક ઘરના લોકો કોઈ કામ ચીંધે, તો કયારેક ઓળખીતા પણ ચીંધે.

મારે પણ આવું જ બન્‍યું. અમારા એક ઓળખીતા ભાઈએ મને કહ્યું કે, ‘‘તમારી શાળાની નજીકના વિસ્‍તારમાં કોઈ પ્રખ્‍યાત લેડીસ ટેઈલર્સ છે. તમારી ભાભીને તેની પાસે જ કપડાં સીવડાવવાં છે. તો જરા તેનું સરનામું લેતા આવજો અને કયારે સીવી દેશે એ પણ પૂછતા આવજો.''

મને થયું, આ ભાઈએ પહેલી વખત કામ ચીંઘ્‍યું છે, તો ‘ના' પણ કેમ પાડવી! એક દિવસ શાળાનો સમય પૂરો થયો એટલે હું પૂછતાં-પૂછતાં આગળ વધતો ગયો. છેવટે એક સાંકડી શેરીમાં પહોંચ્‍યો. બીજાને પૂછીને તે પ્રખ્‍યાત દરજી સુધી પહોંચી તો ગયો જ. નાનકડી એવી દુકાન હતી અને અંદર જોઈ શકાય એવી પરિસ્‍થિતિ ન હતી. કારણ કે, દુકાનના દરવાજા પાસે ઘણી સ્‍ત્રીઓ ઊભી હતી. થોડીવાર તો ઊભો રહ્યો, પણ એવું લાગ્‍યું કે, અહીં મારા માટે જગ્‍યા થાય એવું લાગતું નથી. એટલે મેં જરા ઊંચો અવાજ કરીને કહ્યું, ‘‘ઓ, દરજીભાઈ! મારે તમારું થોડું કામ છે. મારે વાત કરવાનો વારો આવશે? મારે કપડાંની સિલાઈ બાબત પૂછવું છે.''

મારા અવાજથી સ્‍ત્રીઓ દૂર ખસી ગઈ. હવે દરજીનાં દર્શન થયાં. તેણે મારા સામે જોયું. પછી કહે, ‘‘રામોલિયાસાહેબ! મારા કામ બાબત કંઈ કહેવું ન પડે! એક ટેભો પણ આઘાપાછો ન થાય!''

તે મારું નામ લઈને બોલ્‍યો અને ટેભાવાળું વાકય બોલ્‍યો એટલે મારી નજર સામે તેનો ભૂતકાળ આવી ગયો. તેનું નામ રવિ રમેશભાઈ ટંકારિયા. તે મારા વર્ગમાં હતો ત્‍યારે મેં જોયું હતું કે, કપડાંને લગતું કોઈપણ કામ હોય તો ફટ દઈને આગળ આવી જાય. તેને એમ લાગે કે વર્ગમાં કાળુંપાટિયું ભૂસવાની ગાદી નબળી થઈ ગઈ છે, તો તરત જ નકામું કપડું શોધે, દફતરમાંથી સોઈ-દોરો કાઢે અને મંડી પડે હાથસિલાઈ કરવા. સોઈ-દોરો તો કાયમી સાથે હોય જ. કયારેક હું મસ્‍તી કરતો, ‘‘જોજે હો, સિલાઈ આડાઅવળી ન થઈ જાય!'' એટલે તે કહેતો, ‘‘સાહેબ! એક ટેભો પણ આઘાપાછો ન થાય!'' પહેલા તે ભણવામાં નબળો હતો. એટલે એક વખત મેં તેને ટકોર કરી હતી, ‘‘રવિ! આ ટેભા જ કામ નહિ આવે, શિક્ષણ પણ હોવું જરૂરી છે.'' તે દિવસ પછી તે મનમાં કંઈક નક્કી કરી લે છે. તેનામાં પરિવર્તન આવવા લાગ્‍યું. બીજા વિષયો કરતાં ગણિતમાં વધારે ફાવટ આવી ગઈ. એટલે એક દિવસ મેં તેને કહ્યું, ‘‘રવિ! તારું ગણિત તો તને ગણિતનો શિક્ષક કે એન્‍જીનિયર બનાવી શકે એટલું પાક્કું થઈ ગયું છે. તારે શું કરવું છે? કે પછી ટેભા જ ભરવા છે?'' સમય વહેતો ગયો. તેનું પ્રાથમિક શિક્ષણ પૂરું થયા પછી આજે તેને જોયો હતો.

હું મસ્‍તીમાં બોલ્‍યો, ‘‘રવિ! તો તો તેં ટેભા ભરવાનું કામ જ રાખ્‍યું!''

તે કહે, ‘‘તો તમે મને ઓળખી ગયા?''

મેં કહ્યું, ‘‘તારો ટેભો કયારેય ભુલાયો નહિ, એટલે તું યાદ રહી ગયો.''

તે કહે, ‘‘પણ સાહેબ! મેં સીધેસીધા ટેભા ભરવાનું કામ નથી કર્યું. પહેલા તો ભણ્‍યો. બી.એસસી. બી.એડ્‍ પણ કરી લીધું. સરકારી નોકરીનો આદેશ પણ આવી ગયો. પણ નોકરીમાં હાજર ન થયો. નોકરીમાં ગયો હોત, તો મારો સિલાઈનો શોખ દૂર રહી જાત. મારા પપ્પાની ઈચ્‍છા તો ‘દરજીનો દીકરો જીવે ત્‍યાં સુધી સીવે'વાળી કહેવત ખોટી પાડવાની હતી. એટલે નોકરી માટે ખૂબ આગ્રહ કર્યો. પણ હું ન માન્‍યો અને મારા શોખને ખાતર આ કામ સ્‍વીકાર્યું. જેમાં શિક્ષણ અને આવડતના લીધે મારી માસ્‍ટરી છે. કામ સતત મળ્‍યા જ કરે છે અને મારા જૂના શબ્‍દોમાં કહું તો, એક ટેભો પણ આઘાપાછો થતો નથી.''

હવે હું બોલ્‍યો, ‘‘રવિ! એવું નથી કે નોકરી માટે જ ભણવું જોઈએ. નોકરી ન કરવી હોય, તો પણ સારું શિક્ષણ તો મેળવવું જ જોઈએ. સારું શિક્ષણ હશે તો જે વ્‍યવસાય કરશું, તેમાં પણ પારંગતતા આવશે. તેં આ વાતને સાચી કરી દેખાડી છે. ખૂબ ખૂબ ધન્‍યવાદ.''

- ‘સાગર’ રામોલિયા