Thisis books and stories free download online pdf in Gujarati

થીસીસ






આજે કેટલાય સમય પછી બહાર નીકળ્યા હતા. એ ને આજે ઘણા સમયે ખુલ્લામાં શ્વાસ લેવા મળ્યું હતું. ઊડવાનું મન થતું હતું કોઇ જોઈ જાય એ પહેલાં પણ એક નાજુક હાથે તેને રોકી લીધા. ઉડાઉડ બંધ થઈ જતાં, એ સ્પર્શ ઓળખી ને તે શાંત થઇ ગયા. એ સ્પર્શ ને માણવા લાગ્યા જાણે ફરિયાદ કરતાં હોય તેમ કેટલો સમય લગાડયો તિજોરીમાં થી કાઢવામાં. કાગળો ની બોલી સમજતી હોય તેમ એ નો સ્પર્શ કરીને નિર્મલા ના આંખો માં આસું હતાં. મનભરીને રડયા ને કાગળો પર હાથ ફેરવીને તેને વાચવા લાગી.

" સ્ત્રી અને ધર્મ
ધર્મ ની સ્થાપના માં મોટા ભાગે સ્ત્રી ઓ જ સહન કર્યું છે ને સહન કરતી રહેશે. કોઈવાર મર્યાદા ના નામે કે કોઈવાર અધર્મ ના નામે.

બધાં જ શાસ્ત્રો માં જોવો તો કયાંય પુરુષો એ સહન કર્યું કે તેમનું શોષણ થયું હોય એવું જોયું ખરું. બોલવા માં જ વિચારો ને પુરુષો માટે પુરુષધર્મ નહીં બોલાય પણ પુરુષ નો ધર્મ જયારે સ્ત્રી ઓ માટે સ્ત્રીધર્મ બોલાય છે.

ત્રેતાયુગ ની જ વાત લો ને શ્રી રામ ને મર્યાદા પુરુષોત્તમ કહેવાય પણ સીતા નાં ત્યાગ કે બલિદાન જે એને પોતાના પતિની સેવા કરવા કે પતિ ના વંશ ને કલંક ના લાગે એ માટે કરેલાં તેનું શું? બધાં જ સવાલ ભલે પ્રજાએ કે પતિ એ તેમને જ પૂછયા. સીતાજી એ ધર્મ ના પાલન માટે જવાબ અગ્નિ પરીક્ષા આપી ને કે ધરતી માં સમાઈ ને આપ્યાં.

દ્ધાપરયુગ માં શ્રી કૃષ્ણ એ છલ કર્યા છતાં અધર્મનો નાશ કરવા માટે દ્રોપદી નો જ સહારો લેવો જ પડયો હતો. કેમ કૃષ્ણ મર્યાદા માં બંધાયેલા ના હોવા છતાં તે અધર્મ ને રોકી ધર્મ ની સ્થાપના એ નહોતાં કરી શકયા એમને પણ એક સ્ત્રી ની સહારો લેવો પડયો. છતાંય ધર્મ ના સ્થાપક તરીકે કયાંય સ્ત્રી નું નામ નથી.....

સ્ત્રી એ ગાથા છે સહન ને વહન ની,
પણ એ સન્માનિત નથી.
આશ્રિત એ, આદેશ પાલન પણ એનું,
પણ એ આશ્રયદાતા એ નથી.
શોષિત એ, સ્થાપના ની ઉદ્પિક એ,
પણ એ સ્થાપક નથી...."

નિર્મલા આ થીસીસ જોઈ ને ખુશ થતી હતી કે તે 58 વર્ષે પણ પી.એચ.ડી. પુરી કરીને તે ડોકટરેટ મેળવી લેશે. આટલાં વર્ષો ના અંતરાલ બાદ એ નું સ્વપ્ન પુરુ થશે ને એના પ્રેઝન્ટેશન ની તૈયારી ને ભંગ કરતી ડોરબેલ વાગતાં નિર્મલા ઊભી થઈ ને દરવાજો ખોલ્યો તેનો દિકરો ને દિકરી દરવાજા પર ઊભા હતા.

દિકરા એ મા ને પૂછયું કે તું મારા ઘરે કેમ નથી ચાલતી?

દિકરી એ કહ્યું કે આ ઘર ભાઈ અને મારા નામે કરી દે.

નિર્મલા એ ના પાડી દિકરા ને કહ્યું કે તે નહીં આવે. એ ઘર તારા સસરાએ આપેલું ને વહુ ના નામનું છે. જ્યાં મારું સ્વાભિમાન જ કચડાઈ જાય ત્યાં મારું શું કામ?

દિકરી બોલી કે તો વૃધ્ધાશ્રમ ચાલી જા.

નિર્મલા એ આંખો લાલ કરીને પોતાના દિકરા ને દિકરી સામે જોયું ને ના પાડી દીધી કહ્યું કે જતાં રહો બંને.

મા ને ઘણી રીતે સમજાવા નો પ્રયત્ન કર્યા પછી દિકરા એ ગુસ્સામાં ફલાવર વાઝ માથા પર ફટકારી દીધું. નિર્મલા બેભાન થઇ ગયા, એ જોઈને બંને જણા ગભરાઈ ગયાં ને ભાગી ગયા.

નિર્મલા અર્ધબેભાનવસ્થામાં જ પડી રહી. શરીર બેભાન હતું પણ મન હજી સાબૂત હતું ને તેમાં યુધ્ધ ચાલી રહ્યું હતું. એક મનમાં આજ સુધી બાળકો પર તેની લૂંટાવેલી મમતા, ઉછેરવાની મહેનત, કાળજી રાખી છતાંય આજે એમણે એને મોત ના દ્રારે લાવી તો દીધી જ, દયા પણ ના આવી ને ભાગી ગયા. બધું આપી દીધા છતાં એક છેલ્લી પતિ ની મિલકતો માંથી મળેલું ઘર પણ એમને જોઈતું હતું.

બીજા મનમાં તેની એ ખુશી જે તે પુરી થવાની અણી પર હતી. ચાર ફરજો એટલે કે પુત્રી તરીકે ની, પત્નીની,પુત્રવધૂની ને માતાની પુરી કરી ને તે આજે તે પોતાને પ્રાપ્ત કરવાની નજીક હતી. નિર્મલા એ પિતા ની પુત્રી હોવાની જવાબદારી વહન કરી, પત્ની બની પતિની જવાબદારી વહન કરી, પુત્રવધૂ બનીને સાસુ-સસરા ની સેવા ની જવાબદારી વહન કરી અને માતા બની બાળકોને ઉછેર ની જવાબદારી વહન કરી. એમાં એ પોતાને તો ભુલી જ ગઈ. આજે તેનું સ્વપ્ન પુરુ થવાની તૈયારીમાં હતું ત્યાં જ આ આઘાત. તે સપનું તેને ઉઠવા માટે કહી રહ્યું હતું.

મનમાં ચાલતાં યુદ્ધ માં એક મન હારી ગયું ને એક જીતી ગયું. નિર્મલા એ છેલ્લા શ્વાસ લીધો ને મરી ગઈ.

ફરી પાછાં એ થીસીસ ના કાગળો જેણે એ બધું નજરે જોયું હતું એ પણ હવે મૃત્યુ પામ્યા નિર્મલા ની જોડે. હવે તો તે હશે પટારા માં છેલ્લે દબાઈ ને બેસશે, કે પસ્તી માં વેચાઈ ને ભજીયાં કે સીંગચણા ના પડીકાં તેના પર બંધાશે. થીસીસ લખનાર નું ડૉ.નિર્મલા દેસાઈ બનાવવાનું સપનાં ની જેમ પોતાના પર પી.એચ.ડી. લેબલ લગાડવાનું સપનું પણ રોળાઈ ગયું. હજી વધારે કંઈ વિચારે એ પહેલાં જ તે ફેકાઈ ગયાં.

* * *
આજે મીરાં શાહ એ થીસીસ પ્રેઝન્ટ કરી ને તે ખૂબ જ ખુશ હતી. આના માટે તો તેણે પોતાના પિતા ને પતિ કેટલું લડી હતી. ત્યાં જ એનાઉન્સમેન્ટ થયું કે,

" હવે, હું ઈન્વાઈટ કરીશ મીરાં શાહ ને જે ડૉ.નિર્મલા દેસાઈ વતી સર્ટિફિકેટ સ્વીકારે."

મીરાં મનમાં ને મનમાં દાદી આજે તમારું સપનું પૂરું થયું ને આંખ માં આસું સાથે તેણે સર્ટિફિકેટ સ્વીકાર્યું.