Darek khetrama safdata - 25 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 25

ભાગ 25

આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે શું કરવુ જોઈએ?

જ્યારે પણ તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમને જે કંઈ પણ નુક્શાની થઈ છે તેની પોતાના જીવ સાથે સરખામણી કરો કે બન્નેમાથી શું વધારે મહત્વનુ છે? દા.ત. તમે અભ્યાસમા નાપાસ થયા હોવ અને તમને આત્મહત્યા કરવાનો વિચાર આવે ત્યારે તમે એવી સરખામણી કરો કે મારુ એક વર્ષ બગડી ગયુ એ મારી જીંદગી કરતા મોટુ છે કે મારી જીંદગી મોટી છે ? બીજી વખત મહેનત કરીને સારુ પરીણામ લાવી શકાશે પણ શું પાછો જીવ લાવી શકાશે? આવો વિચાર કરશો તો તમને સમજાઇ જશે કે જીંદગીને એક નહી પણ ૧૦૦૦ વખત ચાન્સ આપવા જોઈએ.
સીંહનુ બચ્ચુ જ્યારે પહેલીજ વખત શીકાર કરવા નિકળે અને શીકાર કરવામા નિષ્ફળ જાય તો શું તે આપઘાત કરી લે છે? નિરાશ થઈ બેસી જાય છે ? નહી એવુ ક્યારેય નહી થાય કારણકે તેમના જીવનમા નિષ્ફળતા જેવુ કશુ હોતુજ નથી. તેઓતો આ ઘટનાને એક બનાવ સમજીને ભુલી જતા હોય છે અને ફરી પાછા શીકાર પર નિકળી જતા હોય છે. પ્રાણીઓ ક્યારેય પોતાની જીંદગીને કોઇ એક બાબત પર કેન્દ્રીત રાખીને જીવતા હોતા નથી એટલા માટેજ તેઓ બધુ ગુમાવ્યાનો ભાવ નથી અનુભવતા હોતા જ્યારે આપણે સમગ્ર જીંદગીને કોઇ એકજ બાબત પર કેન્દ્રીત કરીને જીવતા હોઇએ છીએ, પછી જ્યારે આપણી નોકરી, સબંધો કે લોકોનો વિશ્વાસ ગુમાવી દેતા હોઈએ છીએ, પરીક્ષામા નાપાસ થતા હોઈએ છીએ કે ધંધામા ખોટ ખાતા હોઇએ છીએ ત્યારે આપણુ બધુજ લુંટાઇ ગયુ હોય તેવો ભાવ અનુભવાતો હોય છે જેથી આપણે આત્મહત્યા કરવાના વિચારોમા સરી પડતા હોઈએ છીએ.

પશુ પક્ષીઓ ક્યારેય એવુ વિચારતા નથી કે મારો માળો વીંખાઇ ગયો છે કે શીકાર હાથમાથી છટકી ગયો છે તો હવે મારુ આખુ જીવન નકામુ થઈ ગયુ છે કારણકે તેઓ જાણતા હોય છે કે આ બધુ જીવનનો એક ભાગ છે, તેજ સંપુર્ણ જીવન નથી. જો સામાન્ય પશુ પક્ષીઓ જીવનનુ આટલુ સરળ રહસ્ય સમજી જતા હોય તો આપણે બુદ્ધીશાળી માણસો હોવાને નાતે પ્રકૃતીનો આટલો સરળ નિયમ કેમ સમજી નહી શકતા હોઇએ. જો પ્રાણીઓ આવી ખેલદીલી દર્શાવી શકતા હોય તો આપણે કેમ ન દર્શાવી શકીએ. આપણે પણ સામાજીક પ્રાણીજ છીએને ! શું આપણે એક માણસ તરીકે એટલુય ન કરી શકીએ ? વારંવાર પડતા થઈને ફરી પાછા બેઠા કેમ થવુ એ પ્રકૃતીમાથી ખાસ શીખવુ જોઈએ. એક સામાન્ય એવા કરોડીયાનો જાળો પણ તમે વીંખી નાખો તો તે ફરી પાછો તેને બનાવવા લાગી જતો હોય છે, ફરી પાછો વીખી નાખો તો પાછો તે બનાવવા લાગી જશે પણ ક્યારેય હાર માની રડવા નહી લાગે. જો એમજ હોય તો પછી આપણેજ કેમ બુમો બરાડાઓ પાડીએ રાખીએ છીએ ? શું માણસ હોવુ ગુનો છે? નહી માણસ હોવુ ગુનો નથી પણ નીરાશ થઈ હાર માની લેવી, પોતાની શક્તીઓને ઓછી આકવી, આત્મહત્યા કરી લેવી એ ગુનો બને છે. આપણને ભગવાને આવા કામ કરવા માટે માણસ તરીકેની જીંદગી નથી આપી, માટે મહેરબાની કરી પોતાની શક્તીઓનુ અવમુલ્યન કરી તેની અવગણના કરવાનુ બંધ કરી તેને ઓળખી શ્રૃષ્ટીના વિકાસમા મદદરૂપ થવા લાગી જવુ જોઈએ. સફળતા મેળવવી એ આપણા હાથની વાત ન હોય તો પણ પ્રયત્નો કરતા રહેવુ એતો આપણા હાથનીજ વાત છેને ! આપણા હાથમા જેટલુ છે તેનોય આપણે અમલ ન કરી શકતા હોઇએ તો પછી જે નથી તેનીતો વાતજ કરવાની નથી આવતીને !! માટે યાદ રાખો કે જીવન એટલુ વિશાળ છે કે જેમા એક નાની એવી નોકરી કે પરીક્ષા ગુમાવવાનો રંજ કરવો વ્યાજબી નથી, તેમ કરવાને બદલે દરેક વ્યક્તીએ સમતોલ જીવન જીવતા શીખવાનો પ્રયત્ન કરવો જોઇએ. જીવનમા આ બધાથી પણ વિશેષ ઘણુ બધુ છે, જીવન ખુબજ વિશાળ છે તે વાતનો સ્વીકાર કરવો જોઇએ. આ કંઈ નવુ જ્ઞાન નથી તે આપણે સમજી ન શકીએ. સમગ્ર વિશ્વ આ રીતેજ ચાલતુ હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો પ્રયત્ન કરતા રહેવુ પણ હાર ન માનવી એજ સંસારનો નિયમ હોય છે. જો સમગ્ર વિશ્વ આ રીતેજ ચાલતુ હોય તો આપણે પણ તેનો એક ભાગ હોવાને કારણે તે રીતેજ આગળ વધતા રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ કારણકે નિષ્ફળતા કે નિરાશાઓને હરાવવાની આજ સોથી શ્રેષ્ઠ રીત હોઈ શકે છે.

જો તમને બધુજ ગીવ અપ કરી દેવાનો કે આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય તો ત્યારે તમારે એક વખત તમને મળેલા અને તમારી રાહ જોઇ રહેલા કે મળવાપાત્ર સુખનો વિચાર કરવો જોઈએ, તમારા પરીવાર, મીત્રો, ભાવતુ ભોજન, ખુશનુમા રીતે પસાર કરેલો સમય, પ્રવાસના અનુભવ, હસીમજાકનો સમય, લોકો તરફથી મળતા કે મળવાના માન સમ્માનને યાદ કરવો જોઈએ અને એમ વિચારવુ જોઈએ કે હું આવા બધા સુખ શા માટે ગુમાવી દઉ ? શા માટે હું એક માણસને શોભે તેવુ જીવન ન જીવી બતાવુ ? આવો વિચાર કરશો તો તમને જીંદગી પ્રત્યે થોડો ઘણોતો લગાવ થશેજ, નવી આશાઓ બંધાશે કે જીવન જીવવાની નવી રીત સમજાશે જેમા નકારાત્મક લાગણીઓનુ કોઇજ સ્થાન નહી હોય. આમ એક પળ માટેનો આવો વિચાર પણ આપણને જીવન પ્રત્યેના ખોટા સ્ટેપ લેવાથી બચાવી આપતો હોય છે.

તો શું થઈ ગયુ કે તમારો આજનો દીવસ ખરાબ ગયો ! એક દીવસ ખરાબ જવાથી કંઇ આખી જીંદગી ખરાબ જશે તેવુ થોડુ માની લેવાય ? આજનો દિવસ ખરાબ ગયો હોય તો આવનારા દિવસો ખરાબ ન જાય તેની કાળજી કે વ્યવસ્થા કરવા લાગી જવુ જોઇએ, પોતાની ભુલોમાથી કંઇક નવુ શીખી તેનો કાયમી ધોરણે અમલ કરવો જોઇએ. આ રીતે કંઇ માથે હાથ રાખી બેસી થોડુ જવાય ? જીંદગીમાતો એક પછી એક નવા નવા દિવસો આવ્યેજ કરવાના છે. આજે ખરાબ દિવસ ગયો છે તો કાલે સારો દિવસ પણ આવી શકે છે તો આપણે એ દિવસની રાહ જોઈ પ્રયત્નો કરતા રહેવુ જોઈએ. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ બધુ બદલાતુ જતુ હોય છે. તમારા જીવનમા શું થયુ છે તેવુ કાયમી કોઇ યાદ રાખવા નવરુ નથી હોતુ. તમને કદાચ ઓછા માર્ક્સ આવી જાય તો પણ લોકોતો એ બધુ અઠવાડીયામાજ ભુલી જવાના છે કારણકે એમના જીવનમા પણ પોતાની અલગ અલગ સમસ્યાઓ હશે જેને તેઓ પહેલી પ્રાથમિકતા આપતા હશે. તો હવે જો લોકો બધુ ભુલીજ જવાના હોય કે તેઓ માટે તેમની સમસ્યાજ વધારે મહત્વની હોય તો પછી ઓછા માર્ક્સ આવી જવાથી કે કોઇ ભુલ કરી દેવાથી લોકો શું કહેશે ને શું નહી કહે તેવી ચીંતા શા માટે કરવી જોઇએ ? તેના કરતા આપણે આપણા ભવિષ્યને સુધારવા લાગી ન જઈએ ! લોકો શું કહેશે તેની ચીંતા કરશુ તો દુ:ખ, ટેન્શન અને નીરાશા સીવાય બીજુ કશુ મળવાનુ નથી, પણ જો આપણે આપણા ભવિષ્ય કે ભુલોને સુધારવા લાગી જશુ તો સારા દિવસો ચોક્કસ લાવી શકાતા હોય છે અને એ તમામ લોકોના મોઢા બંધ કરી શકાતા હોય છે કે જેઓ આપણી નાની નાની ભુલો પર હાંસી ઉડાવતા હોય. માટે યાદ રાખો કે ક્યારેય બધા દિવસો સરખા હોતા નથી. આજે નિષ્ફળતા મળી છે તો કાલે સફળતા પણ મળી શકે છે. જો નિષ્ફળતાને કારણે આપણે આત્મહત્યા કરી લેશુ તો કાયમને માટે આપણા ઉપર નિષ્ફળ વ્યક્તીનુ લેબલ લાગી જશે. તેના કરતા જો સતત પ્રયત્નો કરતા રહીશુ, નવા નવા ઉપાયો અજમાવતા રહેશુ તો એકને એક દિવસ સફળતા ચોક્કસ મેળવી શકાશે. આ રીતેતો નિષ્ફળતાનુ લેબલ પણ ધોવાઇ જતુ હોય છે અને જીંદગીમા સુખના દિવસો પણ પાછા લાવી શકાતા હોય છે.
મોટા ભાગે લોકો દુ:ખી, નિરાશ થઈ જાય છે તેનુ સૌથી મોટુ કારણ એજ હોય છે કે તેઓ નિષ્ફળતા કે તકલીફોને કાયમી સમજી લેતા હોય છે. આજે નિષ્ફળતા મળી હોય તો હવે આખી જીંદગી આપણને નિષ્ફળતાજ મળશે, હવે પછી ક્યારેય સફળ થઈ શકશુ નહી તેવુજ તેઓ માની બેસતા હોય છે એટલા માટેજ તેઓ નિરાશામાથી બહાર આવી શકતા હોતા નથી. જો લોકો નિષ્ફળતાને એક ઘટના સમજી ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરે, ભુલોને સુધારવાનો પ્રયત્ન કરે તો નિષ્ફળતાને સફળતામા ફેરવી એ તમામ લોકોની બોલતી બંધ કરી શકતા હોય છે કે જેઓ તેને કાયમી નિષ્ફળ વ્યક્તી માની બેઠા હોય.

એક વાત હંમેશા યાદ રાખો કે મુશ્કેલી, તકલીફ કે નિષ્ફળતાના સમયે તમે આત્મહત્યા કરી લેશો તો નિષ્ફળ વ્યક્તીનો સ્ટેમ્પ તમારા કપાડ પર કાયમને માટે લાગી જશે. પણ જો તમે મહેનત કરીને તે નિષ્ફળતાને સફળતામા ફેરવી બતાવશો તો લોકો તમારા નામના દાખલાઓ આપતા થઈ જશે કે પેલા વ્યક્તી પર આટ આટલી તકલીફો આવી પડી, આટલી વખત નિષ્ફળ થયો તેમ છતા પણ તેણે હીંમત હારી નહી અને આખરેય તેણે સફળતા મેળવી બતાવી. આમ જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારા નામના દાખલાઓ આપે તો તમારા જીવનમા બે ઘટના ઘટવી જરુરી છે એકતો નિષ્ફળ થવુ અને બીજુ તે નિષ્ફળતામાથી પણ સફળ થઈ બતાવવુ. અત્યારે નિષ્ફળતા નામની ઘટના ઉદ્ભવી ચુકી છે એટલે ૫૦ % સફળતાતો તમને સરળતાથી મળી ગઈ છે. એટલે હવે તમારે દુ:ખી થવાને બદલે ખુશ થવુ જોઇએ કારણકે હવે જો તમે તમામ પ્રકારની ભુલ સુધારણા કરી થોડીક પદ્ધતીસરની મહેનત કરી બતાવો તો કાયમને માટે ઇતીહાસમા અમર થઈ શકો તેવા પરાક્રમો દર્શાવી શકતા હોવ છો. આમ નિષ્ફળતા એ ઇતીહાસમા, સમાજમા અમર થઈ જવાની તક છે. તેને ઉત્સાહથી જડપી લેવામા આવે તો જીંદગી આખી સુધારી શકાતી હોય છે. જો તમને પહેલેથીજ કે સરળતાથી સફળતા મળી ગઈ હોત તો તમને કોઇજ યાદ રાખવાનુ ન હોતુ કારણકે તેમા શીખવા જેવુ લોકોને કશુજ મળેત નહી. પણ જો તમે ૧૦ વખત નિષ્ફળ થવા છતા પણ સફળતા મેળવી બતાવો તો સમગ્ર વિશ્વ માટે તે ચર્ચાનો વિષય બની જતો હોય છે અને તમે પ્રખ્યાત બની જતા હોવ છો. આમ હવેતો નિષ્ફળતા, ગરીબી, તકલીફો એ બધુ તમારા માટે વરદાન સમાન છે કારણકે હવેજતો તમારુ નામ અમર થઈ જવાનુ છે !
ક્રીકેટની રમતમા જ્યારે બધાજ સારા સારા બેટ્સમેનો આઉટ થઈ જાય છે ત્યારે કોમેન્ટેટરો કે પ્રેક્ષકો શું કહેતા હોય છે જાણો છો ! તેઓ કહેતા હોય છે કે બસ હવે તો તે ગમે તેમ કરીને પીચ પર ટકી રહે અને ચોગ્ગા છગ્ગાને બદલે એક એક રન લેય તો પણ મેચ જીતી શકાય તેમ છે. આમ કટોકટીના સમયે ચોગ્ગા છગ્ગા મારવાને બદલે વિકેટ જાળવી એક એક રન લઈને પણ આગળ વધતા રહેવામા આવે તો પણ મેચ જીતી શકાતો હોય છે. આઉટ થઈ જનારા લોકો ક્યારેય મેચ નથી જીતાળી શકતા હોતા પણ એક એક રન લઈને પણ ટકી જનારા ખેલાડીઓ ચોક્કસ મેચ જીતાડી જતા હોય છે. જીવનનુ પણ કંઈક આવુજ હોય છે. જીવનમા પણ અનેક પ્રકારની તકલીફો કે કટોકટીઓ ઉત્પન્ન થતી હોય છે તો આવા સમયે હવે ગેમ ઓવર સમજીને આત્મહત્યા કરી લેનારા લોકોને બદલે ગમે તેમ કરીને થપાટો ખાઇને પણ ટકી જનારા વ્યક્તી આખરે બાજી જીતી જતા હોય છે. બસ જીવનનુ આટલુ ગણીત જો લોકો સમજી જાય તો તેમનો બેડો પાર થઈજ ગયો સમજો. માટે હવેથી જ્યારે પણ તમને નિષ્ફળતા મળે ત્યારે એટલુ ચોક્કસથી વિચારજો કે આતો હજી ઇનીંગનો પહેલોજ બોલ છે, પહેલાજ દડામા છગ્ગો ન લાગે તો આખી મેચ હારી ગયા છીએ એવુ થોડુ કહી શકાય ? કોણ જીતશે અને કોણ હારશે એ તો છેલ્લા દડેજ નક્કી થતુ હોય છે, માટે આપણે પણ તે છેલ્લા દડા સુધી બહાદુરીથી ટકી રહેવુ જોઇએ.

અહી એક વાત હંમેશા યાદ રાખો કે નિષ્ફળતા એ બીજુ કંઇ નહી પણ સફળતા પહેલાનો વેઇટીંગ પીરીયડ હોય છે કે જેમા આપણે થોડી ધીરજ રાખી સતત નવુ નવુ જ્ઞાન મેળવી આવળતોની ધાર કાઢી પોતાને સફળતાને લાયક બનાવવાના હોય છે. નિષ્ફળતા એટલે બધુ ખતમ એમ નહી પણ નિષ્ફળતા એ તો શરુઆત છે, એવી શરુઆત કે જે તમને મહાન સફળતા કેમ મેળવવી તેના પાઠ શીખવે છે. જો તમે આ બધા પાઠ શીખી લ્યો તો બધાથી આગળ નીકળી શકતા હોવ છો પણ જો ન શીખો તો હતા ત્યાંથી પણ નીચે ઉતરી જતા હોવ છો. માટે હવે નક્કી આપણે કરવાનુ છે કે હતા ત્યાંથી પણ નીચા ઉતરી જવુ છે કે સતત આગળને આગળ વધતા રહેવુ છે.
ગીવ અપ કરતા કેવી રીતે બચી શકાય ?

૧) સૌથી પહેલાતો હું આ કામ નહી કરી શકુ, મારી પાસે પૈસા નથી, સમાજનો ટેકો નથી કે ડીગ્રી નથી તેવી ફર્યાદો કરવાનુ બંધ કરી દો, આ બધા એવા બહાનાઓ છે કે જે તમને ક્યારેય આગળ વધવાજ નહી દે. માટે આવા બહાનાઓ રુપી જાતેજ બનાવેલી મર્યાદાઓને દુર કરો અને તેને પાર કરી આગળ વધવાનો પ્રયત્ન કરો. યાદ રાખો કે બહાનાઓ કાઢવા એ જાતેજ પોતાના હાથ પર બેડીઓ બાંધવા સમાન છે, જેને ખરેખર આઝાદ થવુજ છે તેઓતો ગમે તેમ કરીને બેડીઓ તોડીજ નાખતા હોય છે, ગમે તેમ કરીને નવો રસ્તો શોધી બતાવતા હોય પણ ક્યારેય હાર માનતા હોતા નથી.

એક વખત વ્યક્તી એમ માની લે કે હવે તે આ કામ નહીજ કરી શકે તો પછી દુનિયાની કોઇ તાકાત તેને જીતાળી શકતી નથી પણ જો તે વ્યક્તી એમ સ્વીકારી લે કે મારી શક્તીઓ સામે મુશ્કીલીઓનુ જોર નકામુ છે અને મારા માટે અશક્ય જેવુ કશુ છેજ નહી તો પછી તેને તે કામ કરતા કોઇજ અટકાવી શકે નહી. જરા વિચારો જોઇએ કે તમે નાના હતા ત્યારે કાર ચલાવી શકતા હતા? મોટી બોરીઓ ઉપાડી શકતા હતા? અથવાતો કારખાનાઓ ચલાવી શકતા હતા ? તો હવે તમે કેમ ઉપાડી શકો છો ? કેમ કાર ચલાવી શકો છો જ્યારે કાર પણ એજ છે અને વ્યક્તી પણ એજ છે? તો તેમ થવાનુ કારણ તમારી શક્તીઓમા થયેલો વધારોજ હોય છે. પહેલા તમારી શક્તીઓ ઓછી હતી એટલે લોકો માટે સામાન્ય લાગતા કામ તમને અઘરા લાગતા હતા પણ હવે તમારી શકતીઓ, માન્યતાઓ અને વિશ્વાસમા વધારો થઈ જવાથી પહેલા અઘરા લાગતા કામ હવે સરળ લાગતા હોય છે. આમા આ આખો ખેલ શક્તી અને તેના પર રહેલા વિશ્વાસનો છે. તમે ગમે તેમ કરીને એક વખત શક્તી પ્રાપ્ત કરી લ્યો અને પછી તેના પર સંપુર્ણ વિશ્વાસ દર્શાવો તો પછી અશક્યને શક્ય બનતા બહુ વાર લાગતી હોતી નથી. તમે સીંહ જેવા અજેય અને ચપડ બનવા માગતા હોવ તો સૌથી પહેલા તમારી શક્તીઓ ઓળખો, તેમા વધારો કરો અને છેવટ સુધી તેમા વિશ્વાસ જાળવી રાખો. આવો વિશ્વાસજ સીંહને હાથીનો પણ શીકાર કરી બતાવવાનુ સામર્થ્ય પ્રદાન કરતો હોય છે.

૨) એક નિયમ એવો રાખો કે શરુ શરુમા ગમે તેવી સમસ્યાઓ, દુ:ખ, નિરાશાઓ આવે તો પણ હાર માનવી નહી. શરુ શરુમા સમસ્યાઓ, પરીસ્થિતિઓથી અજાણ હોવાને કારણે કે તેનો ક્યારેય સામનો ન કર્યો હોવાથી કે પ્રેક્ટીસના અભાવથી વધુ તકલીફ પડતી હોય છે પણ જેવી આવી સમસ્યાઓ ઓળખાવા કે સમજાવા લાગતી હોય છે કે તરતજ તેના ઉપાયો પણ સમજાઈ જતા હોય છે, પછીતો સમગ્ર પરીસ્થિતિનો ચીતાર મળતા તેનુ મનમા એક સ્પષ્ટ ચીત્ર તૈયાર થવા લાગતુ હોય છે અને સમસ્યાઓનો સામનો કેવી રીતે કરવો તે સમજાઈ જતુ હોય છે. જો શરુ શરુમાજ હાર માની ક્વીટ કરી દેશો તો તમારુ મનોબળ ઘણુ નબળુ પડી જશે અને ધીરે ધીરે તમને ક્વીટ કરવાની ટેવ પડી જશે પણ જો શરુ શરુમા તમે ક્વીટ નહી કરો તો તમારુ મનોબળ મજબુત બની જશે જેથી તમને છેવટ સુધી ટકી રહેવાની અને દુનિયાની તમામ પ્રકારની મુશ્કેલીઓને મ્હાત આપવાની હિમત પ્રાપ્ત થશે.

૩) નિષ્ફતામાજ સફળતાની ચાવી ચુપાયેલી છે, તમે પોતાને એકજ પ્રશ્ન પુછશો કે શા માટે હુ નિષ્ફળ ગયો એટલે તરતજ તમારુ મગજ તેના કારણો ગોતવા લાગી જશે અને તમને સફળ થવા માટેની ચાવીઓ દેખાવા લાગશે.

૪) જીવનના દરેક ક્ષેત્રમા મુશ્કેલીઓ, દુ:ખ, તકલીફો આવવાનીજ છે તે વાતનો સ્વીકાર કરીને ચાલશો તો તેના પ્રત્યે માનસીક રીતે તૈયાર રહી શકશો. આ રીતે મન મજબુત થતા નિડરતાથી તેનો સામનો કરી શકાશે.

૫) જ્યારે મન ખુબજ ઉદ્દસ થઈ જાય, અપાર નિરાશાઓ ઘેરી વળે ત્યારે ગીવઅપ કરવાને બદલે થોડો સમય આરામ કરી મનને તમામ ચીંતાઓ, ડરથી મુક્ત કરી બીલકુલ શાંત કરી દો. તેમ કરવાથી નકારાત્મક લાગણીઓ શાંત થઈ જતી હોય છે જેથી સ્વસ્થતાથી વિચાર કરવાનુ વાતાવરણ મળતા કોઇ ઉપાય શોધી શકાતો હોય છે.

૬) તમે તમારી શક્તીઓ પર સંપુર્ણ વિશ્વાસ રાખો, ઇશ્વરે તમને જે કંઈ પણ આપ્યુ છે તેને ઓછુ આંકવાને બદલે તેમા વધારો કરવાનો પ્રયત્ન કરો. ઇશ્વર પર શ્રધ્ધા રાખો, અંતેતો જીત તમારીજ થશે તેવો વિશ્વાસ કેળવો. તમામ નકામા, નિરાશાજનક અને બીન ઉત્પાદકિય વિચારોને દુર કરી ફેંકી દો, આ રીતે તમારો આત્મવિશ્વાસ એટલો પ્રબળ બની જશે કે પછી તો તમને ગીવઅપ કરવાનો વિચાર પણ નહી આવે.
૭) “ યસ આઇ કેન “ , “ આઇ કેન ડુ ઇટ “ , “ એક દિવસતો હું જરૂર સફળ થઈશ “ જેવા પ્રોત્સાહક વાક્યોમા વિશ્વાસ રાખો અને અણીની પરીસ્થિતિઓમા મનમા તેનુ સતત રટણ કરતા રહી પોતાને પ્રોત્સાહન આપતા રહો. અણી ચુક્યો ૧૦૦ વર્ષ જીવે તેમ આવી અણીની પરીસ્થિતીને ગમે તેમ કરીને સાચવી લેશો તો તમામ બાધાઓ પાર થતાજ સફળતા મેળવી શકશો.

૮) ઘણી વખત આપણને લોકોની સીંપથી મેળવવાની કે આપણે ખુબ દુ:ખી, નિરાશ છીએ તેવુ દર્શાવવા માટે હારી જવાનુ મન થતુ હોય છે, મને કોઇ ગંભીર સમસ્યા છે કે ગમતુ નથી તેવુ દર્શાવવાનુ મન થતુ હોય છે તો આવા સમયે એટલુજ વિચારવુ જોઇએ કે સીંપથીની અપેક્ષા રાખવી એ નબળા મનની નિશાની છે. હુ એટલો બધો કમજોર પણ નથી કે મારે લોકોની દયા ખાવા માટે હારી જવુ પડે. મારી સાથે મારી શક્તીઓ અને સર્વશક્તીમાન ઇશ્વર છે તો શા માટે મારે હાથે કરીને હારી જવુ પડે ? ઇશ્વરે મને જે નથી આપ્યુ તેના રોદણા રોવા કરતા જેટલુ આપ્યુ છે તેનોતો કમસે કમ ઉપયોગ કરી બતાવવો જોઇએને ! જો હુ તેનોય ઉપયોગ ન કરી શકતો હોવ તો જે નથી મળ્યુ તેની ફર્યાદો કરવાનો મને કોઇજ અધીકાર નથી.

૯) માત્ર કામ કરવા ખાતર ન કરો પરંતુ કોઇ મજબુત હેતુથી તે કામ કરો. એવા હેતુથી કામ કરો કે જેની ઉપર તમારુ સમગ્ર જીવન આધારીત હોય, તમે જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોવ, પછી તે સેવા, સંપત્તી, સુખ સુવિધા, પ્રખ્યાતી એમ ગમે તે હોય. આવા હેતુઓ રાખીને કામ કરશો તો મજબુત પ્રોત્સાહન તમને પ્રાપ્ત થશે જે તમને સતત પ્રયત્નશીલ રાખશે.

૧૦) શરુઆતમા મળતી સફળતા કે નિષ્ફળતા ટેંમ્પરરી હોય છે, તેનો ગર્વ કે દુ:ખ કરવુ જોઇએ નહી. અંતીમ પરીણામનેજ મહત્વનુ સમજવુ જોઈએ અને ગમે તેમ કરી છેવટ સુધી ટકી રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોણ જાણે છેવટે તમામ પરીબળો આપણા પક્ષમા આવી જાય અને આપણને સફળતા મળી જાય !

૧૧) પ્રયત્નો કરીને હારી જવાનુ પસંદ કરો પણ પ્રયત્ન કર્યા વગર ગીવઅપ ક્યારેય ન કરો. જો તમે એક વખત પણ પ્રયત્ન કરેલો હશે તો બીજી વખત શું કરવુ જોઇએ કે શું શું ધ્યાનમા રાખવુ જોઇએ તે સમજી શકાશે પણ જો પ્રયત્નજ નહી કરેલો હોય તો દર વખતે હારનો સામનો કરવો પડશે અને તમને સરળતાથી હાર માની લેવાની ટેવ પડી જશે. ટુંકમા જે લોકોને ક્વીટ કરતા શરમ આવે છે, તેના પ્રત્યે ગંભીર છે અને પોતાને તેમ કરતા રોકી શકે છે તેઓ સતત પ્રયત્નો કરવા આપોઆપ પ્રેરાઇ જતા હોય છે, પછી તેઓને ક્વીટ કરવાનો વિચાર પણ આવતો હોતો નથી. આમ હારવુ એ જીતવા બરાબરજ છે જો તમે ક્વીટ ન કરો અને સંઘર્ષ કરીને પણ છેવટ સુધી ટકી રહો તો.

૧૨) ઘણા લોકોતો માત્ર લોકો શુ વિચારશે, તેઓ શુ કહેશે કે સમાજમા કેવુ દેખાશે તેનીજ ચીંતા કર્યે રજતા હોય છે. લોકો એમ કહે કે તુ આ કામ ન કરી શકે તો તરતજ આવા લોકો પોતાને અસમર્થ માનવા લાગતા હોય છે અને ગીવ અપ કરવાના વિચારોમા સરી પડતા હોય છે. માટે લોકો શુ વિચારશે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાને બદલે હવે આપણે શુ કરી શકીએ તેમ છીએ તેના પર ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. સફળતા મેળવવા માટે લોકો શુ વિચારે છે તેના કરતા તમે કેટલા દિલોજાનથી પ્રયત્નો કરો છો તે વધારે મહત્વનુ હોય છે કારણકે અંતેતો તમારા પ્રયત્નોજ તમને સફળતા અપાવતા હોય છે. લોકોનુ કામ છે ટીકાઓ કરવાનુ કે ખામીઓ ગોતે રાખવાનુ તો તેઓને તેનુ કામ કરવા દેવુ જોઈએ અને આપણે આપણુ કામ કરવુ જોઈએ. આ રીતે તમે તમારા કામમા જેટલુ વધારે ધ્યાન આપશો તેટલીજ તમારી સફળ થવાની શક્યતા વધતી જશે.

૧૩) વારંવાર હેતુ બદલ્યે રાખવાને બદલે કોઈ એકજ હેતુ નક્કી કરી તેના પર પોતાની સંપુર્ણ શક્તીઓને કેન્દ્રીત કરી દેવી જોઈએ. તેમ કરવાથી આપણી શક્તીઓ અલગ અલગ બાબતોમા વેડફાતા બચી જતી હોય છે જેથી તેનો મહત્તમ લાભ મેળવી શકાતો હોય છે. આ વાતને સમજવા માટે તમારા બાળપણની પકડમપટ્ટીની રમતને યાદ કરો. તમે જેની પાછળ સતત દોડતા હતા તે વ્યક્તીને આખરે પકડી શકતા હતા કારણકે કોઇ વ્યક્તીની પાછળ સતત દોડવાથી આપણી ધ્યાનશક્તી વધી જતી હોય છે, આપણે તે વિષય સાથે અટેચ થઈ જતા હોઈએ છીએ જેથી સતત પ્રયત્ન કરી ઈચ્છીત પરીણામ મેળવી શકતા હોઈએ છીએ. પણ જો આવા સમયે વારંવાર વ્યક્તીઓ બદલ્યે રાખવામા તો વહેલા થાકી જવાતુ હોય છે કારણકે આ રીતે આપણે દર વખતે નવેસરથી પ્રયત્નો કરવા પડતા હોય છે અને છેવટે કોઇને પકડી શકાતા હોતા નથી. એના કરતા જો કોઇ એકજ વ્યક્તીને પકડવાનો ટાર્ગેટ નક્કી કરી તેનીજ પાછળ પડી જવામા આવે, આજુ બાજુ દોડતા લોકોથી જરા પણ વિચલીત થવામા ન આવે તો મુખ્ય ટાર્ગેટ પરજ ધ્યાન કેન્દ્રીત રાખી ખેલાડીને પકડી શકાતો હોય છે. આમ કોઇ પણ કાર્યમા સફળતા ન મળે તો તેને છોડીને વારંવાર હેતુ બદલ્યે રાખવાથી કોઈ પણ હેતુ સીદ્ધ કરી શકતો હોતો નથી કારણકે બીજા હેતુઓમા પણ આપણે નવેસરથી પ્રયત્નો કરવા પડતા હોય છે જેથી આપણે ધ્યાન ભટકી જતા હોઈએ છીએ કે થાકી જતા હોઈએ છીએ. પણ જો કોઈ એકજ બાબત પર કેન્દ્રીત રહેવામા આવે તો સફળતા અચુક મેળવી શકાતી હોય છે. આમ જ્યારે પણ નિષ્ફળતા મળે ત્યારે રણનીતિઓ, પદ્ધઓ કે દાવપેચો બદલતા રહેવુ જોઈએ, સમસ્યાઓ કે ખામીઓ સમજી તે પ્રમાણે ફેરફારો કરતા રહેવુ જોઈએ, તેમ કરવાથી તીર નીશાને લાગવાની શક્યતા વધી જતી હોય છે.

૧૪) જો અનેક પ્રયત્નો કરવા છતાય સફળતા ન મળતી હોય તો તેના મુખ્ય ૩ કારણો હોઇ શકે.
- આપણો પ્રયત્નજ ખામી ભરેલો હોય.
- આપણે પ્રયત્નજ ખોટી જગ્યાએ કરતા હોઇએ.
- અસર ઉપજાવવા માટે જરુરી તાકાતજ આપણે ન લગાવતા હોઇએ.
જો તમે આ ત્રણેય પ્રશ્નોના સમાધાન કરી બતાવો તો ગીવઅપ કરવાનો કોઇ પ્રશ્નજ નહી ઉદ્ભવે.

૧૫) મોટા ભાગના લોકોની એકજ ફર્યાદ હોય છે કે તેઓને કોઇ નવુ કે મોટુ કામ કરતા ખુબજ ડર લાગતો ગોય છે તો આવા સમયે પોતાને એમ કહેવુ જોઇએ કે મારોતો જન્મજ આવા કામ કરવા માટે થયો છે તો પછી હુ ડરવાની હીંમતજ કેમ કરી શકુ ? લોકો કોઇ કામ ન કરી શકતા હોય તો તેનો મતલબ એવો થોડો થાય છે કે હુ પણ તે કામ નહીજ કરી શકુ ? લોકો ભલે ૧૦૦ બહાનાઓ કાઢીને બેસી જતા હોય પણ હુ તેમ ક્યારેય નહી કરુ કારણકે મારી પાસે તે કામ કરી બતાવવાના અને તેમા સફળ થવાના ૧૦૦૦ રસ્તાઓ છે એટલે હુ છેવટ સુધી પોતાને સાબીત કરી બતાવવાનો પ્રયત્ન કરતો રહીશ. જો લોકોને મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો મારી સામુ જુઓ, હુ તમને સાબીત કરી બતાવીશ કે આ કામમા સફળતા કેવી રીતે મેળવી શકાય. ઘણી વખત આપણને એમ લથવા લાગતુ હોય છે કે હુ કંઈજ નહી કરી શકુ, હુ હવે ફેંકાઇ ગયો છુ, લુંટાઇ ગયો છુ, હવે મારુ કશુજ થઈ શકે તેમ નથી. તો આવા સમયેતો આપણે વધારે મહેનત કરવા લાગી જવુ જોઇએ કારણકે આજ તો ખરો સમય છે લોકોને સરપ્રાઇઝ આપવાનો. લોકો એમ માનીને બેઠા છે કે હુ હારી ગયો છુ, પડતો થયો છુ એટલે હવે ક્યારેય બેઠો થઈ શકીશ નહી, પણ લોકોને કોણ સમજાવે કે હાર માનવુ એ મારા લોહીમા નથી. લોકો ભલે જે માનવુ હોય તે માને પણ હુ તો મારુ કામ કર્યેજ જવાનો છુ. એક દિવસ એવો જરુર આવશે કે જ્યારે સમાજ મારી સફળતાઓને બસ જોતોજ રહી જશે. બસ આટલુજ કહી કરી દો શરુ એ કામ કે જેના માટે તમે ખુબજ ઉત્સાહ અનુભવી રહ્યા છો. હવે તમને સામાન્ય વ્યક્તીમાથી મહાન બનતા કોઇજ રોકી શકશે નહી.
એક વાત હંમેશા યાદ રાખજો કે તમારા વિશ્વાસ સામે ડરની કોઇજ હેસીયત નથી, તમે પુરી તાકાતથી, વિશ્વાસથી કામ કરવાનો પ્રયત્ન કરશો તો તમારી લકીરોએ પણ બદલાવુજ પડશે.

૧૬) ઘણા લોકો એવો આત્મસંતોષ રાખીને બેસી જતા હોય છે કે મે તો ઘણી મહેનત કરી તેમ છતાય સફળતા ન મળી તો હવે મારો ક્યાય વાંક નથી તો આ વાત પણ વ્યાજબી કહેવાય નહી કારણકે મહેનત કરવામા ભલે તમારો કોઇ વાંક ન હોય પણ તમે સંતોષ રાખીને બેસી ગયા છો એતો તમારો વાંકજ છેને ! વ્યક્તીએ એક રસ્તેથી નહી તો બીજા રસ્તેથી અને બીજા રસ્તેથી નહી તો ત્રીજા રસ્તેથી આગળ વધતા રહેવુ જોઇએ કારણકે ઉભા રહી જવાથીતો કીડીઓ પણ આગળ નિકળી જતી હોય છે જ્યારે સતત ચાલતા રહેવાથી મીલો સુધી અંતર કાપી શકાતુ હોય છે.

૧૭) એક વાત હંમેશા યાદ રાખજો કે કોઇ નવા અને મોટા કામમા પહેલાજ પ્રયત્નમા સફળતા મળી જાય તેવુ જરુરી નથી. દરેક કાર્યમા અનેક પ્રકારના મુદ્દાઓ જોડાયેલા હોય છે, જયાં સુધી આ તમામ મુદ્દાઓ, આધારો કે પ્રશ્નોના જવાબો નથી મેળવી લેવામા આવતા કે જરુરી શરતોનુ પાલન નથી કરતા હોતા ત્યાં સુધી સફળતા મેળવવી મુશ્કેલ બની રહેતી હોય છે. દા.ત. કોઇ કાર્યમા ૧૦૦ બાબતોનુ ધ્યાન રાખવુ જરુરી બનતુ હોય તો જયાં સુધી તમે તે સોએ સો બાબતને ઓળખી નહી લ્યો અને તેના સમાધાન નહી ગોતી રાખો ત્યા સુધી સફળતા નહી મેળવી શકો. પણ જો તમે આવા તમામ જરુરી અસર કરતા પરીબળોને ઓળખી તેના સમાધાનો ગોતી રાખો તો સફળ થવાની શક્યતામા અનેક ગણો વધારો કરી શકતા હોવ છો.

૧૮) હંમેશા એક કરતા વધારે આયોજનો તૈયાર રાખો જેથી એક પ્લાન નિષ્ફળ જાય તો બીજા આયોજનને તરતજ અમલમા મુકી નુક્શાની થતા બચાવી શકાય. મોટા ભાગના લોકો આ રીતેજ નિષ્ફળતામાથી બેઠા થતા હોય છે એટલેકે કાં તો તેઓ પહેલેથીજ સંપુર્ણ આયોજન બનાવીને કામ કરતા હોય છે અથવાતો જડપથી નવા આયોજનો બનાવી લેતા હોય છે. બીજુ તેઓનુ માઇન્ડસેટ એવુ હોય છે કે તેઓ મોટે ભાગે એમ વિચારતા હોય છે કે આ કામ કોઇને કોઇ રીતે તો થાયજ છે, આ દુનિયાના દરેક કાર્યની કોઇને કોઇ રીત, ટેકનીક હોયજ છે. અત્યારે મારુ નિષ્ફળ થવાનુ કારણ એ મારી ખોટી રીતજ છે, જો હુ ફરી પાછી સાચી રીત શોધી કાઢુ તો હુ પણ સફળ થઈ શકુ તેમ છુ. બસ સફળ લોકો આવી વિચારસરણીને કારણેજ અનેક વખત નિષ્ફળ થવા છતા પણ ફરી પાછા પ્રયત્નો કરવા લાગી જતા હોય છે કારણકે તેઓનુ સંપુર્ણ ધ્યાન ફર્યાદો કરવા કે ચીંતા કરવા કરતા યોગ્ય રસ્તો શોધવા પર લાગી જતુ હોય છે. મોટા ભાગના લોકો રો કકડ કરવામા કે હારીને બેસી જવામા સમય બર્બાદ કરી નાખતા હોય છે જ્યારે સફળ લોકો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગરજ નવા રસ્તાઓ શોધવામા કે ભુલ સુધારણાઓમા લાગી જતા હોય છે જેથી તેઓ અન્યો કરતા વધુ જડપથી સફળતા મેળવી બતાવતા હોય છે.

૧૯) ઘણી વખત નિષ્ફળતાઓ એટલી બધી વધી જતી હોય છે કે આપણને ખરેખર બીજુજ કોઇ કામ કરવાનુ મન થઈ જતુ હોય છે. આપણને એમ થતુ હોય છે કે આના કરતાતો બીજુ કોઇ કામ કરતા હોત તો વધારે સારુ થાત. તો આવા સમયે એવા લોકોની કહાની વાંચવી જોઇએ કે જેઓ ૧૦૦૦ વખત પ્રયત્નો કર્યા બાદ કે ૫-૫, ૬-૬ વર્ષ સુધી નિષ્ફળ થવા છતા પણ સતત પ્રયત્નો કરતા રહ્યા હોય અને સફળતા મેળવી બતાવી હોય. જો તેઓએ અધવચ્ચેથીજ હાર માની લીધી હોત તો ક્યારેય તેઓ સફળતા મેળવી શક્યા ન હોત. આ વાતનો વિચાર કરશો તો તરતજ સમજાઇ જશે કે ખરેખર મોટા તફાવત ધીરજથી સતત પ્રયત્ન કરતા રહેવાથીજ પાળી શકાતા હોય છે.
હવેથી જ્યારે પણ તમને હાર માની લેવાનુ કે બધુજ છોળી દેવાનુ મન થાય ત્યારે એક વાત જરુર વિચારજો કે જો હુ સતત પ્રયત્નો કરતો રહીશ, સતત આગળ વધતો રહીશ તો છેવટે ક્યાંકને ક્યાંકતો પહોચીશ જ. કોને ખબર કે આગળ જતા આપણને કંઈક એવુ હાથ લાગી જાય કે જે આપણી જીંદગીજ બદલાઈ જાય !

૨૦) સમસ્યાઓતો જીવનમા આવતીજ રહેવાની છે, તે સર્વસામાન્ય બબત છે, એટલેકે સમસ્યા આવે છે એ વધારે મહત્વનુ નથી પણ તમે તેનો સામનો કેવી રીતે કરો છો તે વધારે મહત્વનુ હોય છે. ઘણા લોકોને સમસ્યાઓમા નિષ્ફળતા દેખાતી હોય છે તો ઘણા લોકોને તેમા વિશાળ તક દેખાતી હોય છે જેને જડપીને તેઓ મહાન બની જતા હોય છે. આમ સફળ લોકો સમસ્યાઓના રોદણા રોવા કરતા તેને હલ કરવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. મુશ્કેલ સમયમા તમે સફળ થશો કે નિષ્ફળ તેનો બધોજ આધાર તમે સમસ્યાઓને કેવી રીતે હલ કરો છો તેના પરજ રહેલો હોય છે. બીજી રીતે કહીએ તો સમસ્યાઓમાજ સફળતાની ચાવી છુપાયેલી હોય છે. તમે પ્રયત્નો કરતા રહેશો તો કદાચ નિષ્ફળ જશો પણ પ્રયત્નો છોળી દેશો તો તો ચોક્કસ નિષ્ફળ જશો. એટલે હવે નક્કી તમારે કરવાનુ છે કે ચોક્કસ નિષ્ફળ થવુ છે કે કદાચ મળતી નિષ્ફળતામાથી પણ સફળતા મેળવી બતાવવી છે.

૨૧) જરા વિચારો જોઇએ કે તમે જે વસ્તુ મેળવવા માગો છો, જેના દિવસ રાત, ઉઠતા બેસતા સપનાઓ જુઓ છો, જેના વગર તમારી જીંદગી કશુજ નથી તેને છોડી દેવુ વધારે કઠીન છે કે તેના માટે પ્રયત્ન કરતા રહેવુ કઠીન છે. તમને આ બન્નેમાથી શુ વધારે કઠીન લાગે છે ? જો તમને સપનુ છોડી દેવુ એજ કઠીન લાગતુ હોય તો પછી શા માટે ટકી નથી રહેતા, શા માટે ધીરજ નથી રાખતા ? ધીરજ રાખવી કઠીન છે પણ જીંદગી ભરનુ સુખ ગુમાવી દેવા જેટલી કઠીનતો નથીજ. ધીરજ રાખવાથી જેટલુ વળતર મેળવી શકાતુ હોય છે તેટલુ વળતર ગીવઅપ કરવાથી ક્યારેય મેળવી શકાતુ હોતુ નથી. તમે જ્યારે આ વાતનો હિસાબ લગાવશો ત્યારે ખુબ સારી રીતે સમજી જશો કે ગીવઅપ કરવા જેવો વિકલ્પ જીવનમા ક્યારેય હોવોજ ન જોઈએ.

૨૨) આશાવાદ કેળવો. આશાવાદી બનો. ગાઢ આંધકારમા એક નાનો એવો દિપક એમ વિચારી બુઝાઇ જવાનુ નક્કી કરી લે કે અરેરે ચારેય બાજુ કેટલો બધો અંધકાર ફેલાયેલો છે, આમા હુ એકલો કેટલુક લડી લઈશ તો તે ક્યારેય ટકી શકે નહી. પણ જો તે ધીરજ અને હીંમત રાખી ટકી રહે તો થોડાજ સમયમા નવો દિવસ ઉગી જતો હોય છે અને ચારેય બાજુ પ્રકાશ ફેલાઇ જતો હોય છે. પછી દુનિયાનો કોઇ પણ અંધકાર તેની સામે ટકી શકતો હોતો નથી. આમ પોતાના સમયની રાહ જોવાથી અને તે જયાં સુધી આવે નહી ત્યાં સુધી ગમે તેમ કરીને ટકી રહેવાથી જીવનમા એક દિવસ અજવાળુ જરૂરથી થતુજ હોય છે. જ્યારે તેમ થતુ હોય છે ત્યારે આપણા તમામ પ્રશ્નોના સમાધાન થઈ જતા હોય છે.

૨૩) મુશ્કેલ સમય જીવનમા કાયમ નથી ટકતો હોતો પણ જો તમે ક્વીટ કરનાર નહી બનો તો કાયમને માટે ટકી જશો એતો નક્કીજ છે.

૨૪) અંતેતો એટલુજ કહીશ કે આ દુનિયાના તમામ પ્રશ્નો તમારા માટે ત્યા સુધી રહસ્યોજ રહેશે કે જયાં સુધી તમે તેને જાણવાનો પ્રયત્ન નહી કરો. તેવીજ રીતે આ દુનિયાના તમામ કાર્યો અશક્યજ રહેશે કે જયાં સુધી તમે તેને પ્રાપ્ત કરવા છેવટ સુધી પ્રયત્ન નહી કરો. આ વિશ્વમા શક્ય અશક્ય કે રહસ્ય જેવુ કશુ હોતુ નથી જે હોય છે તે બધુ વ્યક્તીના પ્રયત્નોનુજ પરીણામ હોય છે. પુરતો પ્રયત્ન કરો તો સફળતા અને ન કરો તો નિષ્ફળતા બસ એટલીજ તો વાત છે.

Step 1 complet

મીત્રો આપણે પહેલા સ્ટેપમા પોતાના પર કાબુ કેવી રીતે મેળવવો તેના વિશે માહિતી મેળવી. બીજા સ્ટેપમા આપણે ગુણ આવડતોનુ જીવનમા શું મહત્વ છે અને તેને કેવી રીતે વિકસાવી શકાય તેના વિશે માહિતી મેળવશુ.

આપ સૌએ પહેલા સ્ટેપ વિશે ખુબ સરસ પ્રતીભાવો આપ્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર.