sundari chapter 16 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૧૬

સોળ

કાયમની જેમ વરુણ રેડ રોઝ રેસ્ટોરાંના પોતાના નિયત ટેબલ પર બેઠો અને સોનલબાના આવવાની રાહ જોવા લાગ્યો. ગયા વખતના અનુભવનો ઉપયોગ કરતાં તેણે તરતજ વેઈટર પાસે પોતાની પસંદગીનું કોલ્ડડ્રીંક મંગાવી લીધું જેથી સોનલબાને જો આવવામાં વાર લાગે તો વેઈટર તેને ઓર્ડર ન આપવા બદલ હેરાન ન કરે. વેઈટર પણ સમજી ગયો એટલે વરુણના તરતજ ઓર્ડર આપવાથી તેણે વરુણ સામે સ્મિત કર્યું જે વરુણ પણ સમજી જતાં તેણે પણ હસતાં હસતાં વેઈટરને આંખ મારી.

પરંતુ આજે સોનલબા વરુણના ઓર્ડર આપવાની સાથેજ રેસ્ટોરાંમાં દાખલ થયા અને કાયમની જેમ તે સીધા જ વરુણના ટેબલ પર આવીને વરુણની સામેની ખુરશીમાં બેઠા.

“બોલ ભઈલા, શું હતું?” વરુણની સામેની ખુરશીમાં બેસવાની સાથેજ સોનલબાએ સવાલ પૂછ્યો.

“અરે, બેનબા! બેસો તો ખરા. થોડું પાણી પીવો, એવી કોઈજ ઉતાવળ નથી. મેં તમને કાલે પણ કહ્યું હતુંને?” વરુણે સામે પડેલા જગમાંથી કાચના એક મોટા ગ્લાસમાં પાણી રેડતાં કહ્યું.

સોનલબાએ વરુણને સ્મિત આપ્યું અને ગ્લાસમાંથી પાણી પીવા લાગ્યા.

“શું લેશો? એજ? ઓરેન્જ જ્યુસ? મેં આજે કોલ્ડડ્રીંક મંગાવ્યું છે.” વરુણે પૂછ્યું.

“ના, આજે મારે ચા પીવી છે. આજે ખબર નહીં પણ કેમ ચા પીવાનું ખૂબ મન થયું છે.” સોનલબાએ દર વખત કરતા અલગ ઈચ્છા દર્શાવી.

વરુણે હસીને પોતાનો અંગુઠો સોનલબા સામે ઉંચો કર્યો અને વેઈટરને ઈશારો કરીને બોલાવ્યો.

“બેનબા માટે એક મસ્ત સર્વિસ ટી લઇ આવ અને સાંભળ મારું કોલ્ડડ્રીંક સાથેજ લેતો આવજે.” વરુણે વેઈટરને ઓર્ડર આપતા કહ્યું.

વેઈટર પોતાનું ડોકું હકારમાં હલાવીને જતો રહ્યો.

“હા, હવે બોલ.” સોનલબાને હવે વરુણની એ વાત સાંભળવી જ હતી જેના માટે તેઓ આ રેસ્ટોરાંમાં પોતાનું લેક્ચર બંક કરીને આવ્યા હતા.

“બેનબા, કાલે તમને ખબર જ છે કે ખૂબ વરસાદ હતો, કદાચ એટલેજ તમે કાલે કોલેજ નહોતા આવ્યા. અમસ્તીય કાલે બહુ ઓછી હાજરી હતી.” વરુણે વાત શરુ કરતાં કહ્યું.

“હા, સવારે અમારે ગાંધીનગરમાં તો ખૂબ જ હતો એટલે હું પછી ન નીકળી. પણ એનું શું છે?” સોનલબાની અધીરાઈ વધી રહી હતી.

“ગઈકાલે અહીં અમારે સવારે ધીમીધારે વરસાદ હતો એટલે હું અને કૃણાલ કોલેજે આવ્યા હતા, પણ બે લેક્ચર પછી તો વરસાદ એટલો વધ્યો કે વાત ન પૂછો. જ્યારે કોલેજ છૂટી ત્યારે મારા બાઈકનું ટાયર પણ પાણીમાં ડૂબી ગયું હતું. એવામાં કૃણાલે એમને જોયાં.” આટલું બોલતાં તો વરુણના ચહેરા પર ભરપૂર શરમ દેખાવા લાગી.

“એમને? એને એટલે કોને?” વરુણે સીધેસીધું સુંદરીનું નામ ન લેતા સોનલબાને ખબર ન પડી કે વરુણનું ‘એમને’ એટલે કોણ?

“અરે, આપણા હિસ્ટ્રીના પ્રોફેસર બેનબા!” વરુણને હવે સુંદરીનું નામ પણ નહોતું લેવું.

“કોણ જયરાજ સર? કે પછી બારોટ સર?” સોનલબા હવે વરુણનો ઈશારો સમજી ગયા હતા પણ તેમણે વરુણના મોઢેથી જ સુંદરીનું નામ કઢાવવું હતું એટલે તેઓ મંદમંદ સ્મિત કરી રહ્યા હતા.

“બસ હવે તમે પણ આ નિર્દોષ બાળકનો જીવ લઈને જ જંપશો એમને?” વરુણ સમજી ગયો હતો કે સોનલબા તેની વાત સમજી ગયા છે.

“ના રે ના, એમ હું કાઈ મારા ભાઈલાનો જીવ થોડો લેતી હોઈશ? પણ સુંદરી મેડમનું નામ લેતા તને આટલી બધી શરમ કેમ આવે છે એતો કે’? આ તારો ચહેરો જો લાલ લાલ થઇ ગયો છે.” સોનલબા વરુણની મશ્કરી કરી રહ્યા હતા.

“બસ એટલેજ કે અંકલે જે કહ્યું હતું કે થોડા દિવસ રાહ જો અને તને ખ્યાલ આવી જશે કે મને એમના પ્રત્યે આકર્ષણ છે કે પછી પ્રેમની લાગણી. મારા ખ્યાલથી હવે હું પાક્કે પાયે કહી શકું છું કે આ પ્રેમ સિવાય બીજું કશું જ નથી, એટલેજ તમારી સામે મારાથી એમનું નામ પણ નથી લેવાતું અને એટલા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે.” વરુણ છેવટે મુદ્દા પર આવ્યો.

“હમમ... તો પછી હવે શું વિચાર છે?” સોનલબાએ વરુણને પૂછ્યું.

“લ્યો સાહેબ આ તમારું કોલ્ડડ્રીંક અને મેડમની ચા.” વેઈટરે ટેબલ પર કોલ્ડડ્રીંક અને સર્વિસ ટી મુકતા કહ્યું.

“આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ!” વરુણ અને પેલા વેઈટર વચ્ચે હવે આવા જ મસ્તી-મજાકના સંબંધો બંધાઈ ગયા હતા એટલે વરુણ હસતાં હસતાં બોલ્યો અને સામે પેલો વેઈટર પણ હસ્યો.

“મને લાગે છે કે મારે હવે ફરીથી અંકલને મળવું જોઈએ. કારણકે હું હવે મારી ફીલિંગ બાબતે કન્ફર્મ છું એટલે હવે આગળનો પ્લાન મારે અર્જુન બનીને મારા કૃષ્ણ પાસે સમજવો પડશેને?” વરુણ હસ્યો પણ એની વાત ગંભીર હતી.

“હમમ.. સાચી વાત છે. પપ્પાએ તને થોડી રાહ જોવાનું પણ કહ્યું હતું અને તે ઘણી રાહ જોઈ પણ છે. ઠીક છે હું પપ્પાને મેસેજ કરું છું, જો એ ફ્રી હશે તો એમનો કોલ આવશે, નહીં તો પછી હું તને જ્યારે પણ મારી એમની સાથે વાત થશે ત્યારે તને અપડેટ આપીશ.” સોનલબા વરુણની વાત પર સહમત થતા બોલ્યા.

વરુણે સર્વિસ ટી ના પોટમાંથી અને અન્ય વાસણોમાંથી સોનલબા માટે ચા બનાવવાનું શરુ કર્યું અને સોનલબાએ પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢીને પોતાના પિતા કિશનરાજ જાડેજાને વોટ્સ એપ પર મેસેજ લખવાનું શરુ કર્યું.

વરુણ પોતાના કોલ્ડડ્રીંકમાંથી ધીમેધીમે ઘૂંટડા ભરી રહ્યો હતો. સોનલબાએ પોતાના પિતા કિશનરાજને મેસેજ કર્યા બાદ તેમના વળતા જવાબની રાહ જોતા જોતા ચાની ચુસ્કી લેવા માંડ્યા. ત્યાંજ સોનલબાના મોબાઈલ પર નોટીફીકેશનનો ઝબકારો થયો એટલે તેમણે પોતાનો કપ બાજુમાં મુકીને મોબાઈલમાં મેસેજ વાંચવા લાગ્યા. વરુણ પણ ઉત્સુકતાથી સોનલબા સામે જોઈ રહ્યો કે શું તેમને કિશનરાજનો જ જવાબ આવ્યો છે કે કેમ? અને જો એમનો જ જવાબ હશે તો શું તેઓ તેને ફરીથી મળવા માટે સમય કાઢી શકશે ખરા?

“પપ્પા ત્યારે ફ્રી છે તને વાંધો ન હોય તો એમને કોલ કરું.” સોનલબાએ વરુણ સામે જોઇને કહ્યું.

“ફોન પર? રૂબરૂમાં નહીં મળી શકાય?” વરુણ થોડો નિરાશ થયો.

“અરે! તું એમને સીધુંજ પૂછી લે ને કે ક્યારે મળવું છે? બોલ કરું કોલ?” સોનલબાએ પ્રશ્ન કર્યો.

“હા, હા કેમ નહીં કરો, પ્લીઝ.” વરુણને ગમે તે રીતે કિશનરાજ સાથે વાત કરવી જ હતી.

સોનલબાએ તરતજ પોતાના મોબાઈલમાંથી પોતાના પિતાનો નંબર ડાયલ કર્યો.

“જય માતાજી પપ્પા, કેમ છો? હા, હું મજામાં... ના ફ્રી તો નથી પણ ભાઈલાને મારું કામ હતું અને એમાંથી વળી એને તમારું કામ નીકળી આવ્યું! એમને તમારી સાથે વાત કરવી છે. હું આપું ભાઈલાને.” પોતાના પિતા સાથે ટૂંકી વાત કરીને સોનલબાએ પોતાના રૂમાલથી મોબાઈલનો સ્ક્રિન લુછી અને વરુણ સામે ધર્યો.

“હલ્લો? જય માતાજી અંકલ! કેમ છો?” ફોન કાને ધરવાની સાથેજ વરુણે કિશનરાજ સાથે વાત શરુ કરી.

“જય માતાજી, બીજું બધું તો ઠીક છે પણ આજે બે મહીને તને અંકલ યાદ આવ્યા? તું મારે ઘરે આવ્યો પછી તે એક વખત કેમ છો નો મેસેજ પણ કર્યો? તારી પાસે મારો નંબર તો છે જ!” કિશનરાજે વરુણ સામે તેની જ ફરિયાદ કરી.

“સોરી સોરી અંકલ! હવેથી આવી ભૂલ નહીં થાય.” વરુણે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું.

“હમમ.. અને તને તકલીફ છે તો મારી દીકરીને કેમ લેક્ચર બંક કરાવ્યું? તેં મને સીધો જ મેસેજ કરીને વાત કરવાનું કહી દીધું હોત તો એનું લેક્ચર તો ન બગડતને?” કિશનરાજે ફરીથી વરુણની ભૂલ એને જ શોધી બતાવી.

“હા, એ તો છે જ પણ...” વરુણ હવે ગૂંચવાયો કે તે કિશનરાજની આ સાવ સાચી દલીલનો શો જવાબ આપશે.”

“અરે! તું તો ડરી ગયો દીકરા? અરે મજાક કરું છું, બોલ બોલ શું થયું?” એક ખડખડાટ હાસ્ય બાદ કિશનરાજ બોલ્યા.

વરુણ પણ હવે હળવોફૂલ થઇ ગયો.

“અંકલ, આપણી વાત થઇ હતીને? આકર્ષણ છે કે પ્રેમ તો એક કન્ફર્મ થઇ ગયું છે.” વરુણે ઉત્સાહમાં કીધું.

“હમમ.. તો?” કિશનરાજે ધારદાર સવાલ કર્યો.

“તો...? તો તમે કહ્યું હતુંને કે એકવાર કન્ફર્મ થઇ જાય એટલે આપણે મળીશું?” વરુણે કિશનરાજને યાદ દેવડાવ્યું.

“પણ એ બધું ફોન પર ન ફાવેને?” કિશનરાજે કહ્યું.

“તો રવિવારે આવું તમારે ઘરે જો ફ્રી હોવ તો?” વરુણ હવે કિશનરાજને મળવાનો સમય પાક્કો કરવા માંગતો હતો.

“રવિવારને તો હજી ચાર દિવસ છે અને આ રવિવારે હું ફ્રી હોઉં કે નહીં એ તને અત્યારે કેવી રીતે કહું? તને તો મારી જોબ પ્રોફાઈલ ખબર જ છે.” કિશનરાજે વરુણને મુશ્કેલીમાં મૂકી દીધો.

“તો પછી?” હવે વરુણ બરોબરનો મૂંઝાયો.

“તો પછી આજે જ આવી જા ને? બલ્કે અત્યારેજ આવી જા મારી ઓફિસે, બે-ત્રણ કલાક મારી પાસે કોઈ ખાસ કામ નથી.” કિશનરાજે કહ્યું.

“પણ અત્યારે તો કોલેજ...” વરુણ આગળ બોલે તે પહેલાજ...

“અત્યારે તો આપ મારી દીકરી એટલેકે પોતાની બહેનનું લેક્ચર પણ બંક કરીને મારી સાથે વાત કરી રહ્યા છો ને? તો પછી બાકીના લેક્ચર્સ પણ બંક કરો તો એમાં તમને કોઈ વાંધો છે ભાઈસાહેબ?” કિશનરાજે હસતા હસતા કહ્યું.

“એ વાત તો તમારી સાવ સાચી તો હું અને બેનબા અત્યારેજ નીકળીએ છીએ.” વરુણે ઉત્સાહમાં આવી જઈને કહ્યું.

“ના, સોનલબાને જરાય હેરાન કરવાના નથી. તું કાઈ નાનો કીકલો છે કે કાયમ તને તારા બેનબાની જરૂર પડે? એમને બાકીના લેક્ચર્સ ભરવા દે. અમસ્તોય ચોમાસાનો ટાઈમ છે એટલે એ ગાંધીનગર જાય એ જ બરોબર છે.” કિશનરાજે થોડા કડક અવાજમાં કહ્યું.

“ઠીક છે અંકલ, તો હું બેનબાને કોલેજે મુકીને નીકળું છું, લગભગ પોણા કલાકમાં ત્યાં પહોંચી જઈશ.” વરુણે જવાબ આપ્યો.

“ધેટ્સ બેટર, તો આવ મળીએ. બે મિનીટ ફોન તારા બેનબાને આપ તો?” કિશનરાજે વરુણને કહ્યું.

વરુણે સોનલબાને એમનો ફોન પરત આપ્યો. સોનલબાએ થોડીવાર તેમના પિતા સાથે વાત કરી.

“તો હું નીકળું?” સોનલબાએ કોલ કટ કરતા જ વરુણે પૂછ્યું.

“હા, તું નીકળ ભઈલા, આજે તો મારા પપ્પાથી તને બીક નહીં લાગે ને?” સોનલબાએ હસતા હસતા કહ્યું.

“બિલકુલ નહીં, આજે જે રીતે એમણે મારી સાથે ઉમળકાથી અને લાગણીથી વાત કરી, મને એવું લાગ્યું કે મારા પપ્પા જ મને વઢી રહ્યા છે... કશુંક સમજાવી રહ્યા છે.” વરુણે સ્મિત સાથે કહ્યું.

વરુણની વાત સાંભળીને સ્વાભાવિકપણે સોનલબાની આંખો ભીની થઇ ગઈ.

==:: પ્રકરણ ૧૬ સમાપ્ત ::==