responsibility books and stories free download online pdf in Gujarati

જવાબદારી

" મમ્મી, હું અને રોશની ફિલ્મ જોવા જઈએ છીએ; ઘરે આવતા થોડુંક મોડું થશે..."

તરત જ મમ્મી બોલી: " રેખાની દવા અને ડાયપર લાવવાના છે, યાદ છે ને..? ગયા રવિવારે ભૂલી ગઈ હતી; આજે ભૂલી ન જતી..."

" હા યાદ છે મને, હું લેતી આવીસ; હવે હું જાઉં..?"

" સારું પણ, જલ્દી આવી જાજે…" મમ્મીએ કહ્યું.

રોશની ઘરની બહાર મારી વાટ જોઈને ઊભી હતી. હું ઉતાવળા પગલે ઘરની બહાર નીકળી અને એક્ટિવાની પાછળની સીટ પર બેઠી કે તરત રોશનીએ એક્ટિવા હંકારી મૂકી. મોર્નિંગ શોમાં ફિલ્મ જોવા જવાનું નક્કી થયું હતું અને ત્યાંથી હોટેલમાં જમવા જવાનું હતું. અમે થોડીવારમાં સિટીપલ્સ સિનેમા પહોંચી ગયા. પણ, હજુ સુધી ટીના અને ચાંદની આવી નહોતી. અમે પાર્કિંગમાં જ તે બંનેની રાહ જોઈ રહ્યા હતા. થોડી જ વારમાં તે બંને આવી અને પછી અમે સિનેમા હોલ તરફ આગળ વધ્યા.

"કેમ આટલું બધું મોડું થયું ચાંદની..?" રોશનીએ પૂછ્યું.

"યાર, તું તો જાણેજ છે કે મારા મમ્મી બ્યુટીપાર્લર ચલાવે છે અને રવિવારે પણ તેમનું પાર્લર ચાલુ હોય છે એટલે મારા નાના ભાઈનું ધ્યાન મારે જ રાખવું પડે. તેના માટે નાસ્તો તૈયાર કર્યો પછી તેને નાસ્તો કરાવી બાજુવાળા સુનિતામાસીને ત્યાં મૂકીને નીકળી એટલે મોડું થઈ ગયું."

ફિલ્મ પત્યા પછી અમે હોટેલમાં જમવા જવાના હતા પણ ચાંદનીએ આવવાની ના કહી કેમકે, તે તેના નાના ભાઈને બાજુવાળા સુનિતમાસીને ત્યાં મૂકીને આવી હતી.

ચાંદની અને ટીના ત્યાંથી ઘરે જવા નીકળી અને અમે હોટેલ જવા.

આજે રવિવાર હતો. રવિવારે બધા મેડિકલ સ્ટોર બપોરના બંધ થઈ જાય અને અમે જમીને બહાર આવ્યા ત્યારે બપોરના બે વાગી ગયા હતા એટ્લે મે રોશનીને કીધું: " જલ્દીથી એક્ટિવા ચાલુ કર અને મેડિકલ સ્ટોર પર લઈ લે..."

" કેટલી ઉતાવળ કરે છે યાર તું તો…" રોશની બોલી.

" રેખાની દવા અને ડાયપર લેવાના છે અને જો આજે લઈને નહીં જાઉં તો ઘણુબધું સાંભળવું પડશે. મમ્મીને એવું છે કે રેખા અસ્થિર મગજની છે એટ્લે હું તેની દેખભાળ નથી કરતી પણ, ઘણીવાર મને ચીતરી ચડે છે તેને જોઈને…"

મેડિકલ સ્ટોર પરથી દવા અને ડાયપર લઈને અમે ઘરે જવા નીકળ્યા.
રસ્તમાં મારી નજર બે ગરીબ છોકરીઓ પર પડી. તેમના કપડાં પરથી જ તેમની પરિસ્થિતિનો ખ્યાલ આવી રહ્યો હતો. મારા અંદાજ પ્રમાણે એકની ઉંમર આઠ વર્ષની અને બીજીની ઉંમર દસ વર્ષની હશે. મોટી છોકરી તેની નાની બહેનનો હાથ પકડીને જવાબદારી પૂર્વક ધ્યાનથી રસ્તો પાર કરી રહી હતી. તેના ચહેરા પરથી તેની જવાબદારી સ્પષ્ટ વર્તાતી હતી. તેના ચહેરાએ મારી અંતરાત્માને હચમચાવી મૂકી. હું વિચારવા લાગી, આવી પરિસ્થિતિમાં પણ જો તે છોકરી તેની નાની બહેન પ્રત્યેની જવાબદારી સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવતી હોય તો હું તો...! અને ચાંદની પણ તો તેના નાના ભાઈનું ધ્યાન રાખે છે.!

હું ઘરે પંહોચી ત્યારે મમ્મી રેખાને નવડાવી રહી હતી. મને જોતાં જ રેખા હાથ ઊંચા કરીને મને તેની પાસે બોલાવવા લાગી. હું રેખા પાસે ગઈ અને મમ્મીને કીધું: " તું રેખા માટે નવું ફ્રૉક નિકાળ હું રેખાને નવડાવી દઉં છું. અમારે બંને બહેનોએ આજે બહાર ફરવા જવાનું છે..." જેવી હું તેની પાસે પંહોચી કે રેખા મને વળગી પડી અને મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા.

" આજે મારી દીકરી મોટી થઈ ગઈ..." આ શબ્દો સાંભળતા જ મે પાછળ ફરીને જોયું તો હાથમાં ફ્રૉક અને આંખોમાં આસું સાથે મમ્મી હસી રહી હતી.

સમાપ્ત:
ANISH CHAMADIYA
7405690999.
anish71860@gmail.com